[પાછળ]
ઓતરાદી દીવાલો

લેખકઃ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર

ગાંધીજીએ આશ્રમને માટે સ્થાન સરસ પસંદ કર્યું છે. ઉત્તર તરફ સાબરમતી જેલની દીવાલો દેખાય છે. સામી બાજુ શાહીબાગથી માંડીને એલિસબ્રિજ સુધી પથરાયેલા અમદાવાદના ભૂંગળા દેખાય છે, જ્યારે પાછલી બાજુ વગડા સિવાય કશું જ નથી. આવે ઠેકાણે રહ્યા પછી ચારે તરફ કુતૂહલની નજર ગયા વગર શી રીતે રહે? વખત મળે એટલે રખડીએ. આસપાસની બધી સીમ જોઈ, પણ પેલી ઓતરાદી દીવાલોની અંદર શું છે એનો જવાબ મળવો સહેલ ન હતો. સરકારની કૃપાથી એ સવાલનો જવાબ મળ્યો.

સન ૧૯૨૩ના ફેબ્રુઆરીનો મંગળ દિવસ હતો. જેલનો પ્રવેશવિધિ પૂરો થયો અને હું ‘યુરોપિયન વોર્ડ’ની એક કોટડીનો સ્વામી બન્યો. આ ઓરડીમાં ઊંચે બે જાળિયાં હતાં, પણ તે હવાને માટે હતાં. અજવાળું આપવાનું તેનું કામ ન હતું. અજવાળું તો કોટડીના લગભગ મારા કાંડા જેવડા સળિયાવાળા બારણામાંથી જેટલું આવે તેટલું જ. આંગણામાં લીમડાનાં અઢાર ઝાડ ત્રણ હારમાં ગોઠવાયેલાં હતાં. પાનખર ઋતુ એટલે ઘરડાં પાંદડાં સવારથી સાંજ સુધી પડ્યાં જ કરે. આઠ દિવસની અંદર લગભગ બધાં જ પાંદડાં ખરી પડ્યાં અને અઢારેઅઢાર ઝાડ ક્ષપણક જેવાં નાગાં દેખાવા લાગ્યાં. આ સ્થિતિ જોઈને મને બહું આનંદ ન થયો. મેં કહ્યું, ‘कथ प्रथमेव क्षपण्क:’

એક કળાની દીક્ષા

અમારા મકાનની જમણી બાજુ પર દાબડે બાપાના વાવેલ કેટલાક છોડ હતા : બે આંબાના, બે લીમડાના ને એક જાંબુનો. એ પોતાના બાળકો જ ન હોય તેમ બાપા આ બધાં ઝાડની સારવાર કરતા. પ્રેમનો ઉમળકો આવે એટલે પોતાની કાનડી ભાષામાં ઝાડો સાથે વાતો પણ કરતા, અને મારી સાથે તેની લગતી વાતો કરતા તો બિલકુલ થાકતા જ નહીં. જમી રહ્યા પછી અમે આ છોડ વચ્ચે બેસીને અમારાં વાસણ ઊટકતાં. જસતના આ વાસણ ઊટકવાની ખાસ કળા હોય છે. મુનિ જયવિજયજીએ આ કળામાં વિશેષ પ્રાવીણ્ય મેળવ્યું હતું. ભારે ઉમંગથી અને થોડીક જબરદસ્તીથી તેમણે મને એ ઉપયુક્ત કળાની દીક્ષા દીધી. બીજે જ દિવસે તેઓ જેલ બહાર ગયા એટલે એક જ પાઠનો હું ભાગ્યશાળી થયો. જસતનાં વાસણનું તેજ એ તો જાહેર કામ કરનાર દેશસેવકની આબરૂ જેવું હોય છે, રોજ સાવધ ન રહે તો જોતજોતામાં ઝાંખું પડી જાય, એના પર જરાક ઝાંખપ આવે કે તરત સ્નેહપ્રયોગ કરવો પડે. સાથે કાંઈક ખટાશનો પણ અનુભવ કરાવીએ તો વધારે ઠીક.

સાંજના છ વાગ્યા એટલે અમે પોતપોતાની કોટડીમાં પુરાયા. ખટ ખટ અવાજ કરતાં તાળાએ સરકારને ખાતરી આપી કે કેદી રાત્રે નાસી જાય એમ નથી, પણ નર્યા તાળાનો વિશ્વાસ શો? રાત્રે લગભગ અર્ધે અર્ધે કલાકે ફાનસો આવી ખાતરી કરી લેતા કે કેદી અલોપ થયો નથી; જાગતો નથી તો પણ જગા પર છે. જાગતા હોઈએ તો ફાનસને અમારું ને અમને ફાનસનું દર્શન થતું. જેલ બહાર ઠીક ઉજાગરા થયેલા તેથી જેલમાં સ્થિતિ થતાં વેંત ઊંઘવાનું જ કામ મેં પ્રથમ આદર્યું. ઊંઘ ખાતે રોજના સરેરાજ ચૌદ કલાક મંડાતા, આઠ દિવસમાં ઊંઘની ઊઘરાણી પૂરી કરી નવા અનુભવ માટે તૈયાર થયો.

ખિસકોલીનું સ્મરણ

કેટલીક ખિસકોલીઓ સવારે, બપોરે અને સાંજે અમારી દોસ્તી કરવાના ઈરાદાથી આવતી. ખિસકોલીઓને જોઈ મારું મન ઉદાસ થયું. કૉલેજમાં ભણતો ત્યારે મેં એક ખિસકોલીનું બચ્ચું પાળ્યું હતું. એક વરસ સુધી મારી સાથે વસીને અક્ષય તૃતીયાને દિવસે તે અક્ષરધામ ગયેલું તેનું મને સ્મરણ થયું. ખીંટી પર ટાંગેલા સાઈકલના પૈડા પર ચડવાનો તે પ્રયત્ન કરતું. પૈડું ગોળ ગોળ ફરતું એટલે ઉપર ચડાતું જ ન હતું; એ જોઈ તે હતાશ થઈ જતું. હું દૂધ પીતો હોઉં ત્યારે મારા પહોંચા પર બેસી મારી સાથે જ મારા વાટકામાંથી તે દૂધ પીતું. એ અને એવા બીજા અનેક પ્રસંગો યાદ આવ્યા.

કાગડાઓ પણ અનેક આવતા, પણ તે મારી સાથે દોસ્તી બાંધે જ શેના? મારી પડોશમાં કેટલાંક સિંધી, મુસલમાન, રાજદ્વારી કેદીઓ રહેતા, તેમની પાસેથી આ હડિયા મહાશયોને માંસ તેમજ હાડકાના કટકા મળતા, એટલે તેમણે અચૂક એ જ દોસ્તી બાંધી હતી.

કીડીઓની હાર

એક દિવસ બપોરે મારી ઓરડી પાસે થઈને જતી કીડીઓની એક હાર મેં જોઈ. તેમની પાછળ પાછળ હું ચાલ્યો.  કેટલીક કીડીઓ વૈતરકામ કરનાર મજૂરો હતી, કેટલીક આગળ પાછળ દોડનાર વ્યવસ્થાપકો હતી અને કેટલીક તો વ્યાજ ઉપર જીવનાર શેઠિયાની પેઠે અમસ્તી જ આમતેમ ફરનારી હતી. થોડીક કીડીઓ રસ્તો છોડીને આસપાસના મુલકમાં શોધે જતી અને દૂર સુધી જઈ પાછી આવ્યા પછી કોલંબસ કે મંગો પાર્કની પેઠે પોતાની મુસાફરીના બયાન વ્યવસ્થાપકો આગળ રજૂ કરતી.  મેં રોટલીનો ભૂકો કરી તેમના રસ્તાની બાજુ પર બે-એક હાથ દૂર મૂકી દીધો. અડધી ઘડીની અંદર આ શોધક મુસાફરોને તેની ભાળ લાગી, તેમણે તરત જઈને વ્યવસ્થાપકોને રિપોર્ટ કર્યો. હુકમ બદલાયા, રસ્તો બદલાયો અને સાંજ સુધીમાં ખોરાકની નવી ખાણ ખાલી થઈ. કોઈ પણ મજૂર પર બોજો વધારે થયેલો દેખાય કે તરત જ વગર બોલાવ્યે બીજા મજૂરો આવીને હાથ દે જ છે – અરે, ભૂલ્યો પગ દે છે, પણ બોજો કયે રસ્તે ખેંચવો તે વિષે તેઓ જલ્દી એકમત થતા નથી, તેથી બે કીડીઓ બોજાની તાણાતાણી કરતી ગોળગોળ ફરે છે, આખરે એકમત થયા પછી બગડેલા વખતનું સાટું વાળવા તેઓ ઉતાવળે ચાલતી થાય છે.

કીડીઓનું સ્મશાન

આ કીડીઓની હાર આવે છે ક્યાંથી એ જોવાનું મને મન થયું અને ધીમે ધીમે હું ચાલ્યો. પાછળની બાજુમાં ઓટલા પર નીચે એક દર હતું તેમાંથી કીડીબાઈઓની આ વિસૃષ્ટિ નીકળતી હતી. પાસે જ માટીના જેવો નાનકડો લાલ ઢગલો દેખાયો. નજીક જઈને જોયું તો તે કીડીઓનું સ્મશાન હતું. ધ્યાનપૂર્વક નિહાળવામાં થોડોક વખત ગાળ્યા પછી બે કીડીઓ દરમાંથી બહાર આવતી નજરે પડી.  મડદાં સ્મશાનમાં ફેકી દઈ તેઓ સીધી પાછી ગઈ. કાંઈ નહીં તો પાંચ સાતસો મડદાં ત્યાં ભેગા પડ્યાં હતાં. આ કીડીઓની સમાજરચના કેવી હશે, તેમના સુધરાઈ ખાતાના નિયમો કેવા હશે એ વિષે અનેક વિચારો મનમાં આવ્યા. બીજાં કયાં કયાં પ્રાણીઓમાં સ્મશાનભૂમિની ગોઠવણ હોય છે એ જાણવાનું મન થયું. મધમાખો વખતે સ્મશાનસ્થાન નક્કી કરતી હશે, મકોડાઓ તો અલબત્ત કરે જ છે. શા માટે બીજા પ્રાણીઓમાં એ બુદ્ધિ નથી એ વિષે પણ ઘણા વિચારો મનમાં આવ્યા.
(‘ઓતરાદી દીવાલો’)
[પાછળ]     [ટોચ]