[પાછળ] 
પાક્કો માણસ
લેખકઃ નિખિલ દેસાઈ

હૉટેલની પાછળની બારીમાંથી દામોદરે બહાર જોયું. નદીને સામે કાંઠે દેખાતી સડક ઉપર દૂર દૂરથી ધૂળના ગોટા ઊડતા દેખાય છે. ‘ગોંડલ આવી’ બોલી તેણે સ્ટવ ચાલુ કર્યો, ઉપર ચાનું તપેલું ચડાવ્યું.

બપોરના સમયે આમ તો આખું ગામ જંપી ગયું હોય, પણ એસ.ટી. બસ આવવાના સમયે બસસ્ટૅન્ડે થોડી ચહલપહલ શરૂ થાય. દૂરથી ધૂળના ગોટા ઊડતા દેખાય ત્યાં બસસ્ટૅન્ડ ઉપરની હૉટેલ સજીવ બની જાય - હૉટેલ એટલે પતરાંના શેડ ઉપર થાંભલીને ટેકે તાલપત્રી કે કંતાન બાંધીને બનાવેલ છાપરું, બહારના ભાગમાં હચમચી ગયેલ જર્જરિત બાંકડા ને ચા પાણીના કપ-રકાબી રાખવા જૂનું ટેબલ, અંદર સ્ટવ અને ચા બનાવવાનાં સાધન, બહાર કપ-રકાબી સાફ કરવા ભરેલ બાલદી, ગલ્લા ઉપર ગોઠવેલ કાચની બરણી - આટલી અસ્ક્યામત.

દૂરથી બસ દેખાય ત્યાં હૉટેલવાળાનો સ્ટવ ચાલુ થાય. તૈયાર ચા કીટલીમાં ભરાય. એકાદ છોકરો આંગળીમાં કપનાં નાકાં ભરાવી હાથમાં રકાબી અને બીજા હાથમાં કીટલી લઈ કપ-રકાબી ખખડાવતો તૈયાર થઈ જાય. હૉટેલની બહાર લાકડાના બાંકડા ઉપર નવરા બેઠેલ બે-ચાર જણ આંખ ઉપર હાથનું છજું કરી દૂરથી આવતી બસને જોઈને અભિપ્રાય આપે, ‘ગોંડલ આવી.’ આવડા નાનકડા ગામમાં પેસેન્જર પણ કોણ ઊતરે? કોઈક વાર શહેરમાં હટાણે ગયેલ કોઈક વેપારી ખભે થેલો લટકાવી બસમાંથી ઊતરે ને બસસ્ટૅન્ડથી ગામ તરફ ચાલતો થાય. સૂમસામ રસ્તા ઉપર એના ભારેખમ જોડાનો અવાજ સંભળાય. બાકી મકાનની બારી ઉપર બેઠેલ કબૂતરનો ઘૂ-ઘૂ અવાજ અને કોઈ વાર કાગડાનો કા-કા અવાજ - બાકી શાંતિ.

તોય આમ તો દામોદરની હૉટેલ સારી ચાલતી પણ જ્યારથી વલકુભા બાપુએ સામે જ હૉટેલ કરી અને પાછી ઝાકમઝાળ, ત્યારથી દામાને ઘરાકીમાં થોડો ઘટાડો આવ્યો છે. પરભો તો મોઢે જ કહે છે કે સામે આવી શે’રમાં હોય એવી હૉટેલ હોય ત્યાં તમારી હૉટેલમાં કોણ આવે અને પાછા તમારી હૉટેલમાં ચા પીએ એના જેટલું જ આ બાંકડામાંથી માંકડ અમારા શરીરનું લોહી પી જાય તો તમે જ કહો કોણ આવે?

પ્રશ્ન સાચો પણ ઉત્તર અનુત્તર. દામો મૂંગો મૂંગો કપ-રકાબી સાફ કરવા લાગી જાય. પણ હૉટેલ બંધ કરતી વેળા ભગવાનના ફોટા પાસે હાથ જોડીને કહેતો ‘પ્રભુ, બીજું કાંઈ નથી જોઈતું, મારી આ ખખડ પંચમ હૉટેલને વલકુભાની હૉટેલ જેવી બનાવી દે.’ પણ ભગવાન આવે ને ચમત્કાર થઈ જાય, ઝુંપડીમાંથી મહેલ થઈ જાય એવી અફીણી વાતોમાં કંઈ માલ નથી. સ્કૂલમાં ભણતો ત્યારે પણ કેટલો હોશિયાર હતો! બાપુ નિશાળમાં શિક્ષક એટલે સ્કૂલમાં જેટલું ભણવાનું એટલું જ ઘેર પણ ભણવાનું, આમ ક્લાસમાં હંમેશ પહેલે નંબર રહેતો. અરે પ્રવીણ, કાંતિ, નરૂ અને સૂરિયો એ બધાને એ જ લેસન કરી આપતો. ન સમજાય તે એ લોકોને સમજાવતો પણ ગામમાં હાઈસ્કૂલ ન હતી આથી એ બધા શહેરની હાઈસ્કૂલમાં ચાલ્યા ગયા છાત્રાલયમાં રહીને ભણવા. છાત્રાલયમાં રાખીને છોકરાને ભણાવવાની જટાશંકરમાં પહોંચ નહીં, આથી દામો ત્યાં રહી ગયો અને એ લોકો ક્યાં ને ક્યાં આગળ વધી ગયા.

ત્યારે બાપુ રોજ સવારમાં નાહીને સાવલિયો વીંટીને દેવપૂજા કરતા. ચંદન ઘસવું, ફૂલ ચડાવવાં, અગરબત્તી, દીવા અને ટકોરી વગાડતાં આરતી રોજનો ક્રમ. ત્યારે દામો ભગવાન પાસે માગતો. ‘હે ભગવાન, મારા બાપુ આટલા વરસથી તમારી સેવા કરે છે તે એને એક વાર ધનની કોથળી આપને જેથી હું પણ આગળ ભણવા શહેરમાં જઈ શકું!’

પણ આ બધી જૂની વાત. દામાએ હાથમાં રહેલ કપડાથી ઝાપટ-ઝૂપટ કરી બધું સાફ કર્યું. ઝાપટ-ઝૂપટ સાથે મનના વિચારો પણ ખંખેરી નાખ્યા. અત્યારે તે એ જ ગામમાં છે, ને ચાની નાનકડી કેન્ટીન ચલાવે છે એ હકીકત છે, બસ.

પણ એક દિવસ કૌતુક થયું. બપોરના ત્રણેક વાગે એક મોટર આવીને બસસ્ટૅન્ડ પાસે ઊભી રહી. ગાડીમાંથી ઊતરીને રૂમાલ વડે ચશ્માં સાફ કરતી અને મોઢા પરનો પરસેવો લૂછતી એક વ્યક્તિ હૉટેલ તરફ આગળ વધી. જ્યારે બહુ થાક લાગ્યો હોય અને ચા પીવાની તલપ લાગી હોય, ત્યારે ચા પીવા મોટી હૉટેલમાં જવા કરતાં નાની હાટડી કે ઝાડની નીચે ઊભેલ લારીમાંથી ચા પીવાની મજા ઓર જ છે, આથી મોટરમાંથી ઊતરેલ શેઠ વલકુભાની હૉટેલ કરતાં દામોદરની હૉટેલ તરફ આગળ વધ્યા. સોનેરી ફ્રેમનાં ચશ્માં, ગળામાં સોનાની ચેન, આંગળી ઉપર વીંટી, પાછળ શેઠાણી પણ ચાલ્યા આવે છે.

તેમને આવતાં જોઈને બાંકડા ઉપર બેઠેલ બે-ચાર જણે ઊભા થઈને જગ્યા કરી આપી. એ લોકો સામેની તૂટેલ દીવાલ પર ઉભડક પગે બેસી ગયા. ‘મુંબૈના શેઠ લાગે છે.’

હૉટેલના છોકરાએ જલદી-જલદી ટેબલ બાંકડા સાફ કર્યા. બાંકડા પર બેસતાં નજર ચારે તરફ ફરી વળી. એનો એ જ દેખાવ.

દૂર નદી કીનારે ઝાડની ઘટાથી ઘેરાયેલ ગોપનાથ મહાદેવનો ઘુમ્મટ. બસસ્ટૅન્ડથી ઢોળાવ ચડીને ગામમાં જવાનો ઊબડખાબડ રસ્તો. સામે જ ભના લુહારનો ડેલો, એની પાછળ દેખાતાં આંબલીનાં ઝાડ પાસેથી જમણી બાજુ જતાં કુંભારવાડો આવે.

ઑર્ડરની રાહ જોઈને ઊભા રહેલ છોકરાને કહ્યું, ‘બે સ્પેશ્યલ ચા. શક્કર કમ અને ચામાં આદુ, મસાલો કે એલચી કંઈ નહીં’, અંદર સ્ટવનો જોરદાર અવાજ ચાલુ થયો.

આજુબાજુ નજર કરતાં સામે દેખાતા ખંડેર તરફ જોઈને સામે બેઠેલ માણસોને પૂછ્યું, ‘અહીં પ્રાથમિક શાળાનું મકાન હતું તે પડી ગયું?’

"ઈ તો કે'દુનું પડી ગયું છે."

ત્યાં સુધીમાં ચાપાણી આવ્યાં, ચા પીતાં પીતાં ખંડેર તરફ નજર કરતાં વળી પ્રશ્ન ‘પેલા વડલા પાસે ભગતબાપાનો ડેલો હતો એ પણ પડી ગયો?’

બેઠેલાઓએ એકબીજા સામે જોયું, એકે કહ્યું, ‘ઈ જૂની વાત્યુંની અમને ખબર્ય નો પડે, ઓલા ચાવાળા મારાજને ઈ સંધીય ખબર પડે.’

ચાપાણીનું કામ પતી જતાં સ્ટવ બંધ કરીને અને વળી આગળ ચાલતી વાતચીતમાં કંઈક રસ પડતાં દામોદર બહાર આવ્યો.

‘તે તમે આ ગામના જાણીતા લાગો છો.’

‘આ ગામમાં મારું બાળપણ વીત્યું છે.’

‘તે તમે કોના દીકરા?’

‘હરજીવન સોની મારા બાપુજી થાય.’

‘હરજીવન સોની?... તે તમે હિતેનભાઈ તો નહીં?’

‘હિતેન મારો નાનો ભાઈ, હું કૃષ્ણકાંત.’

‘તું... તે તમે કીસન?’

‘તમે અમને જાણતા લાગો છો.’

‘હું જટાશંકર માસ્તરનો દામોદર.’

‘દામા... તું?’ કહી ચહેરા પર નજર રાખી આંખ જૂની રેખાઓ પકડી રહી. પ્રાથમિક શાળામાં સાથે ભણતો જૂનો મિત્ર ભારે હોશિયાર. લેશન એ જ કરી આપતો. કોઈને નોટબુકમાં આકૃતિ દોરવાની હોય, કોઈને નિબંધ લખવાનો હોય, દામો હાજર.

પણ ત્યારના દામામાં અને આજના દામામાં ઘણું અંતર જણાયું. આટલી ઉંમરમાં વાળ પાંખા, પાકી ગયેલા, જાડાં ચશ્માં, વયની ચાડી ખાતા ચહેરા પરના ચાસ... આ... દામો?

‘દામા, તારો તો આખો દીદાર બદલાઈ ગયો છે?’

‘સમયના થપેડા ચડેને, ભાઈ.’

‘પણ આ શું ચાની હાટડી કાઢી છે, આટલો હોશિયાર તે આગળ ભણ્યો નહીં?’

‘આગળ કંઈ મેળ ન પડ્યો. આગળ ભણવા શે'રમાં જવું પડેને!’

‘ઓહ... દામા એટલા માટે તારાથી ભણી ન શકાયું? બહુ કરી.’ એને થયું પોતે કરોડોમાં આળોટે છે, ને આ સાવ અકિંચન. ઓળખાણ આપી.

‘મંજુ, આ મારો બાળપણનો મિત્ર દામો. મને જે કંઈ વિદ્યા ચડી હોય તો એ આના પ્રતાપે. હું સાવ ઠોઠ અને દામો ભારે હોશિયાર. ક્લાસમાં માસ્તર ભણાવે એ મને કાંઈ સમજાય નહીં પણ દામો મને સમજાવી સમજાવીને મગજમાં ઉતારે, લેશન એ જ કરી આપે. આકૃતિ દોરવી, નોટબુક બનાવવી બધું દામા ઉપર. મતલબમાં હું જે કંઈ છું તેના પાયામાં આ દામો છે.’

‘બસ... હવે બસ... તેં તો મને ચણાના ઝાડ ઉપર ચડાવી દીધો.’ વાતનો દોર આગળ ચાલ્યો.

‘કાંતિ ક્યાં છે? ચીમનના શું ખબર છે?’ એવી છૂટક માહિતી પછી ‘કીસના’ અને ‘દામા’નાં સંબોધનો વચ્ચે સ્મૃતિ-સરિતા સરી રહી, રેશમ જેમ સરતું જાય તેમ સમયના પડદા સરી ગયા ને બંને બાળભૂમિના સ્ટેજ પર આવી ગયા. ઐશ્વર્યના વાઘા ઉતરી ગયા ને અકિંચન દામો તે જૂના સમયનો શાહજાદો બની ગયો.

આપણે કેવા ટુવાલમાં કપડાં વીંટાળીને નદીએ નહાવા જતા!

રોકડિયા હનુમાનના મહારાજ પેંડાનો પ્રસાદ આપતા તે લેવા રોકડિયા હનુમાન સુધી કેવા દોડતા!

લીંબા પટેલની વાડીએ આંબા ઉપર ચડેલા તે પટેલ કેવા લાકડી લઈને પાછળ દોડેલા!

સમયની સીમા આડે આવી.

અચાનક કાંડે બાંધેલ ઘડિયાળમાં નજર પડતાં કહ્યું. ‘માતાજીના દર્શને જતાં થયું કે ગાડી આપણા ગામ બાજુએથી કાઢીએ. સારું થયું આપણે ઘણા વરસે નવાજૂની થઈ અને સાચું કહું? ગાડીમાંથી ઊતરતાં આ સામે દેખાય છે તે નવી હૉટેલમાં જવાનો વિચાર આવેલ - જો ત્યાં ગયો હોત તો આપણી મુલાકાત પણ ન થાત. પણ કુદરતે કેવું ગોઠવ્યું કે મને આ તૂટેલફૂટેલ હૉટેલમાં જ ચા પીવાની ઈચ્છા થઈ, કેવો ઈશ્વરી સંકેત!’

‘લેણાદેણી.’

‘પણ આ હૉટેલ કેમ આવી બિસ્માર દેખાય છે? કંઈક ઝમકદાર બનાવ.’

દામાએ સ્મિત કર્યું, ‘ઈશ્વરની ઇચ્છા.’

અને વિદાય લેતા કિશને ખિસ્સામાંથી ૫૦૦ની નોટ કાઢી. ‘આ રાખ દામા.’

‘અરે... આ શું તારી પાસેથી પૈસા લેવાતા હશે?’

‘પણ ચા-પાણીના તો લે.’

‘તારે ઘેર આવીને ચા-નાસ્તો કર્યા પછી ખિસ્સામાં હાથ નાખું તો સારો લાગીશ?’

‘દામા... દામા... તને તો કોઈ વાતમાં કોઈ દીવસ ન પહોંચાય." ને ધૂળ ઉડાડતી મોટર રવાના થઈ ગઈ.

પાળી ઉપર બેઠેલ ટીમ પાછી બાંકડે ગોઠવાણી.

‘તે દામાભાઈ, તમારે પૈસા લઈ લેવા'તાને ઓલ્યો બિચાડો આપતો'તો તે.’

‘આટલાં વરહે મારી હોટલે આવે ને અડાળી ચા પાઈ એના પૈસા લેવાતા હશે?’

‘ઓલ્યો મુંબઈનો શેઠિયો કરામત કરી ગ્યો. બે કોપ ચા પીને કોઈ ૫૦૦ રૂપિયાની નોટ કાઢે તો કોણ લેવાનું? ને આના ગલ્લામાં એટલા છૂટા પણ ન હોય.’

કોઈએ તારણ કાઢ્યું.

‘ઈના ગળામાં સોનાની ચેન અને આ દામાભાઈના ગળામાં તુલસીની માળા શું કામ છે એની ખબર પડી? શેઠિયા એમ થવાય.’

‘પણ મા'રાજને તો ગોળા સાથે ગોફણ પણ ગઈ. ઓલ્યો પાંચસો રૂપિયા આપતો હતો એ તો ગયા પણ બે કોપ ચાના પૈસા પણ ગયા.’

આમ ઠીઠિયાઠોરી કરતા અને એકબીજાને તાલી આપતા બધા વીખરાયા.

આ વાતને બે'ક મહિના વીત્યા ત્યાં ધનજી મિસ્ત્રી હોટલ ઉપર આવ્યો. ‘દામાભાઈ, તમને લોટરી લાગી લોટરી.’

‘શેની લોટરી ને શેની વાત, કંઈ સમજાય એવું બોલો.’

‘અરે... નસીબ ખૂલી ગયા તમારાં.’

આજુબાજુવાળાનાં કાન સરવા થઈ ગયા. બધા ટોળે વળી ગયા.

‘મશ્કરી નહીં કરો મિસ્ત્રી, શું તે કહો.’

‘મશ્કરી નથી આ સાચું છે. મુંબઈના કોઈ શેઠિયાએ આપણા નગીનભાઈની દુકાને પૈસા મોકલાવ્યા છે અને લખ્યું છે કે દામાની હોટલ માટે એકદમ પાકું મકાન બનાવવાનું છે. તેમાં ફર્નિચર, રાચરચીલું બધું નવું કરાવવાનું છે. હોટેલ એકદમ ઝકાસ થવી જોઈએ. વધુ પૈસાની જરૂર હોય તો જણાવશો, મોકલાવી દઈશ.’

સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા. દામોદર પણ બે ઘડી સૂનમૂન થઈ ગયો પછી અંદર દોડ્યો. ભગવાનના ગોખલા પાસે. ‘પ્રભુ... પ્રભુ તારે ઘેર દેર છે પણ... સાંભળ્યું'તું કે સતયુગમાં કૃષ્ણ ભગવાને બે મૂઠી તાંદુલ ખાઈને ગરીબ સુદામાની ઝુંપડીનો મહેલ બનાવી દીધો. પ્રભુ, કળિયુગમાં પણ ચમત્કાર કરી બતાવ્યો. હે... કૃષ્ણ, તમે કિશનના રૂપમાં આવ્યા કે કિશન મારે માટે કૃષ્ણ થઈને આવ્યો?’ દામાની આંખ ભીની થઈ.

બહારના ભાગમાં કંઈક અલગ જ તાસીરો થયેલ.

‘બાકી દામાભાઈ ખરા કળવિકળવાળા નીકળ્યા.’

‘આપણને એમ કે પાંચસો રૂપિયા ન લઈને એણે ભૂલ કરી પણ એ ન લેવા પાછળ એની ઊંડી ગણતરી હતી.’

‘હા... ઈ વાત સાચી. જો પાંચસો લઈ લીધા હોત તો આવું બનત?’

‘એણે પાંચસો રૂપઈડીમાં આ હોટેલનું સાટું કરી લીધું. બાકી દામાભાઈ ભારી પાક્કા માણસ નીકળ્યા.’

‘પાક્કો માણસ.’

(‘અખંડ આનંદ’ જાન્યુઆરી ૨૦૧૫ના અંકમાંથી સાભાર)
 [પાછળ]     [ટોચ]