[પાછળ] |
ઝીરો બજેટ નૅચરલ ફાર્મિંગનો કીમિયાગર... સુભાષ પાલેકર અહેવાલઃ સમીર પાલેજા (‘ચિત્રલેખા’) ![]() ‘મારું રાજ્ય તમારી ઝોળીમાં નાખું છું. હજારો કરોડ ખર્ચવા તૈયાર છું, પણ અમારી એક એક ઈંચ જમીનને રસાયણમુક્ત કરી દો...’ ભારતના સૌથી વધુ ટેકસેવી રાજકારણી તરીકે જાણીતા આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ મહારાષ્ટ્રના એક સીધાસાદા ખેડૂત પાસે રીતસરના કરગરી રહ્યા હતા. આ ખેડૂત એટલે સુભાષ પાલેકર (મરાઠી ઉચ્ચાર પાળેકર). ભારત સરકારે એમને પદ્મશ્રીના સન્માનથી નવાજેલા છે. ઝીરો બજેટ નૅચરલ ફાર્મિંગ કે શૂન્ય ખર્ચ નૈસર્ગિક ખેતીના જનક તરીકે જાણીતા સુભાષ પાલેકરે આંધ્ર પ્રદેશના કાકીનાડામાં એક કૃષિ શિબિર સંબોધી ત્યારે ૮૦૦૦ ખેડૂત, ૨૦૦૦ મહિલા, ૧૫૦૦ સરકારી અધિકારી ઉપરાંત ચીફ મિનિસ્ટર ચંદ્રાબાબુ નાયડુ અને અડધો અડધ પ્રધાનમંડળે એ એકચિત્તે સાંભળી અને ત્રણ વર્ષમાં રાજ્યના દરેક ખેડૂતને રાસાયણિક ખાતરના વિષચક્રથી છોડાવીને પાલેકરની શૂન્ય ખર્ચ ખેતી તરફ વાળવાની રૂપરેખા પણ ઘડી કાઢી ! ૨૦૧૬માં પદ્મશ્રી માટે મહારાષ્ટ્રના અમરાવતીના વતની સુભાષ પાલેકરનું નામ જાહેર થયા પછી દક્ષિણ ભારતના ઘણાખરા વિધાનસભ્યો – સાંસદોએ એમને ફોન – મેસેજ કે રૂબરૂમાં અભિનંદન આપ્યા, પણ... ‘મહારાષ્ટ્રના તો જવા દો, પણ અમારા જિલ્લાના કોઈ રાજકારણીએ પણ મને ધન્યવાદ આપ્યા નથી!’ અમરાવતી શહેરની ભાગોળે બડનેરા રોડ પરની એક મધ્યમવર્ગી કોલોનીમાં સામાન્ય કક્ષાના બેઠા ઘાટના મકાનમાં રહેતા સુભાષ પાલેકર નિર્લેપભાવે ‘ચિત્રલેખા’ને કહી રહ્યા છે. જો કે એમના સ્વરમાં અફસોસનો ડંખ નથી. છેલ્લાં ૧૬ વર્ષમાં ઝીરો બજેટ નૅચરલ ફાર્મિંગની આખા દેશમાં ૨૦૦૦થી વધુ શિબિર યોજીને પચાસ લાખ ખેડૂતો સ્વાવલંબી બનાવનારા અને હજી પણ મહિનામાં પચ્ચીસ દિવસ શિબિર માટે દેશભરમાં ઘૂમી વળતા સુભાષ પાલેકરને પદ્મશ્રી એવોર્ડ મળ્યાના સમાચાર આવ્યા ત્યારે એમના અમરાવતીના પાડોશીઓને નવાઈ લાગેલી કે આપણા પાલેકરે એવું તે શું કરી નાખ્યું ! દિલ્હીમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પાસેથી પદ્મશ્રી એવોર્ડ સ્વીકારીને અમરાવતી આવેલા સુભાષભાઉ ફરી તાલીમસત્રના લાંબા પ્રવાસે નીકળી પડે એ પહેલાં ‘ચિત્રલેખા’એ એમને એમના જ ઘરમાં ઝડપી લીધા. ‘પદ્મશ્રી’નો પ્રતિષ્ઠિત ખિતાબ મેળવનારા મહારાષ્ટ્રના સીધા સાદા ખેડૂત સુભાષ પાલેકરે એમની ‘ઝીરો બજેટ નૅચરલ ફાર્મિંગ’ ટેકનિકથી દેશના પચાસેક લાખ ખેડૂતને આર્થિક રીતે સમૃદ્ધ બનાવ્યા છે. દુકાળનો માર અને ખેતપેદાશના અપૂરતા વળતરને ચાતરવાનો એમનો ઈલાજ કેવો છે? માત્ર કૃષિ જ નહીં, પણ ઈતિહાસ, માનસશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજકારણ, વૈશ્વિકરણ, જળ-વાયુ પરિવર્તન અને જાગતિક તાપમાનવૃદ્ધિ જેવા વિષયો પર એમના મત સાંભળો ત્યારે ચોક્કસ લાગે કે આ માણસ જ્ઞાનનો ભંડાર પચાવીને બેઠો છે. મોદીરાજમાં મેઈક ઈન ઈન્ડિયાનાં ગાજાંવાજાં વાગી રહ્યાં છે ત્યારે સુભાષ પાલેકર ગંભીરતાથી ‘ચિત્રલેખા’ને કહે છે : ‘રાક્ષસી ઉદ્યોગો થકી વધુ ભૌતિક ઉત્પાદન અને એના ભોગવટાને ઉત્તેજન આપતાં અર્થશાસ્ત્રની પણ મર્યાદા છે. દરેક માણસના ડીએનએમાં નિસર્ગ પ્રત્યેનો પ્રેમ સુષુપ્ત અવસ્થામાં હોય જ છે અને નવી પેઢીમાં એ હવે જાગી રહ્યો છે. આજે મારી શિબિરમાં ૯૮ ટકા લોકો પચ્ચીસ વર્ષથી ઓછી ઉંમરમાં આવે છે. એમને ખબર છે કે વિજ્ઞાનીઓ ભલે બ્લૅક હોલને પાર કરીને અન્ય બ્રહ્માંડની સફરે જઈ આવે, પણ લૅબોરેટરીમાં અનાજ ઉગાડી શકવાના નથી. ૨૦૫૦ સુધીમાં ભારતની વસ્તી ૧૬૨ કરોડને આંબી જશે અને ખાદ્યાન્નની જરૂરિયાત આજ કરતાં બમણી થઈ જશે ત્યારે મેઈક ઈન ઈન્ડિયા કામ નહીં આવે.’ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉદ્યોગતરફી નીતિની અનેક વખત ટીકા કરી હોવા છતાં એમણે પદ્મશ્રીનું સન્માન પોતાના જેવા નૈસર્ગિક કૃષિકારને આપ્યું એક શુભ સંકેત છે એવું માનવા છતાં સરકારી નીતિની આંચકાજનક વિસંગતાઓ પ્રત્યે ધ્યાન દોરતા સુભાષજી કહે છે : ‘આજે ભારત ૭૦ થી ૧૦૦ ટકા રાસાયણિક ખાતરની આયાત કરે છે, ખેડૂતો ક્વિંટલદીઠ ઘઉંના ૧૨૦૦ રૂપિયા માગે તો સરકાર એમને ગોળી મારે, પણ ૧૬૦૦ રૂપિયાના ભાવે ઘઉંની આયાત કરવામાં એમને કોઈ વાંધો નથી ! એ જ રીતે ખેડૂતોનું ઉત્પાદન બજારમાં ઠલવાય ત્યારે ગેબી રીતે ભાવ પાડી દેવાની નહેરુ સમયની રમત હજી બંધ ન થઈ હોવાથી ખેડૂતો આપઘાત જ કરે ને?’ આંધ્ર, તામિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર અને પંજાબમાં ખેડૂતોની વધુ આત્મહત્યાવાળા જિલ્લાઓમાં ફરીને સુભાષ પાલેકરે આ સમસ્યાનો ઊંડો અભ્યાસ કર્યો છે. એ કહે છે કે સતત વધતો ઉત્પાદનખર્ચ, અણધારી કુદરતી આપત્તિ અને બજાર પર શોષણખોરોનું નિયંત્રણ એ ખેડૂતોની આત્મહત્યાનાં મુખ્ય કારણ છે. એનાથી વિપરીત ઝીરો બજેટ નૅચરલ ફાર્મિંગમાં આપઘાતનો પ્રશ્ન જ નથી, કારણ કે આ ટેકનિકમાં એક દેશી ગાયની મદદથી તમે ત્રીસ એકર જમીનમાં આસાનીથી ખેતી કરી શકો છો. એ માટે રાસાયણિક કે છાણિયું ખાતર, કમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટ, પંચગવ્ય વગેરે વગેરે કશું જ ખરીદવાની જરૂર પડતી નથી. જંતુનાશક દવા પણ નહીં કે ખેડ માટે ટ્રેક્ટર પણ નહીં. આ પદ્ધતિમાં માત્ર ૧૦ ટકા પાણી જોઈએ, કારણ કે બાકીનું પાણી વનસ્પતિ હવામાંના ભેજમાંથી મેળવી લે છે. વીજળીની પણ ૯૦ ટકા બચત થાય છે. આમ ઉત્પાદનખર્ચ લગભગ શૂન્ય, પણ ઉત્પાદનમાં પહેલા જ વર્ષે સારો એવો વધારો એવો ચમત્કાર અમારા મોડેલ ફાર્મમાં તમે જોઈ શકો છો. અમારા ખેડૂતો એમની ખેતપેદાશ વચેટિયા વિના સીધા ગ્રાહકો સુધી બે ગણી કિંમતે વેચી શકે એવી વ્યવસ્થા અમે ગોઠવી છે.’ આ મુકામ પર પહોંચવા માટે સુભાષ પાલેકરે કમરતોડ મહેનત કરી છે. પારાવાર મુશ્કેલીનો સામનો પણ કર્યો છે. દાયકાઓ પહેલાં આકોલાની પંજાબરાવ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થી એવા ખેડૂતપુત્ર સુભાષ પાલેકરે અભ્યાસ કરતાં કરતાં મેલઘાટનાં જંગલોમાં જઈને નૈસર્ગિક પર્યાવરણ વ્યવસ્થા આદિવાસીઓનાં જીવન પર કેવી અસર કરે છે એના પર સંશોધન કરેલું. આ આદિવાસીઓ મીઠા સિવાય કોઈ ચીજ બહારથી ખરીદવી ન પડે એટલી હદે સ્વાવલંબી હતા. ભોજનમાં મીઠાશ લાવવા માટે એ લોકો જંગલી વનસ્પતિનો ઉપયોગ કરતા. એ અરસામાં રાસાયણિક ખેતીની અવળી અસરો દેખાવાનું શરૂ થઈ ગયું હતું. રાસાયણિક ખાતરથી વંચિત વન-વગડાનાં વૃક્ષો પર લચી પડેલાં ફળ-ફૂલ જોઈને યુવાન પાલેકરને થયું : ‘હવે જો વિદ્યાપીઠમાંથી કૃષિમાં પીએચ.ડી. થઈશ તો ખેડૂતોને આત્મહત્યા તરફ જ દોરી જવામાં હું પણ એક નિમિત્ત બનીશ !’ માતા-પિતાના એકના એક પુત્ર સુભાષ પાલેકર અભ્યાસનો પથારો સંકેલીને ૧૯૭૩માં ૪૦ એકરની ખેતી સંભાળવા ઘરે પાછા આવ્યા. એ દિવસો યાદ કરતાં સુભાષ પાલેકર કહે છે : ‘વિદ્યાપીઠમાં શીખેલી રાસાયણિક ખેતી અપનાવી તો ૧૯૮૫ સુધી સતત વધતું ઉત્પાદન મળ્યું, પણ ત્યાર પછી પેદાશ ઘટવા માંડી. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પણ ઉત્પાદન વધારાનો ઈલાજ સૂચવી ન શક્યા એટલે હું ફરી જંગલ તરફ વળ્યો. ત્રણ વર્ષ નિરીક્ષણ કર્યું. ખેતીમાં અવનવાં પ્રયોગ અને સંશોધન કરવા માંડ્યાં. એમાં આવક ન થઈ એટલે લોકોએ ગાંડો ગણ્યો. મિત્રો-સગાં દૂર થયાં. સમાજે બહિષ્કૃત કર્યો. મારી પત્ની જમીનદારપુત્રી હોવા છતાં દાગીના વેચીને પડખે ઊભી રહી. અફસોસ એ કે ઝીરો બજેટ કૃષિની સફળતા જોવા માટે એ આજે હયાત નથી.’ ૧૯૮૮ થી ૨૦૦૦ સુધીના એ અરસામાં સુભાષ પાલેકર કોઈ માસિકમાં એમના પ્રયોગો વિશે મરાઠીમાં લેખ લખવા માંડ્યા, જેને કારણે મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, ગુજરાત અને મધ્ય પ્રદેશના મરાઠી ભાષી ખેડૂતોમાં એમનો વિશાળ વાચક–ચાહક વર્ગ પેદા થયો. પાછળથી એમને જબરજસ્તીથી એ માસિકના સંપાદક પણ બનાવવામાં આવ્યા. જો કે પોતાના નામે ખેડૂતોનું શોષણ કરવાની યંત્રણા ઊભી કરવામાં આવી છે એવું ભાન થતાં થોડા જ સમયમાં સુભાષજી રાજીનામું આપીને પાછા આવતા રહ્યા. બસ પછી એમના વાચકવર્ગે એક પછી એક શિબિરો યોજવા માંડી. શ્રીલંકા, નેપાળ, આફ્રિકન દેશોમાં પણ એમણે તાલીમસત્ર કર્યાં છે. આ માટે એ કોઈ માનધન સ્વીકારતા નથી. આયોજકો માત્ર સત્રના ખર્ચા પૂરતી ફી તાલીમાર્થીઓ પાસે લઈ લે છે. પ્રોફેસર અને એન્જિનિયર થયેલા એમના બે પુત્રો પણ હવે નોકરી છોડીને આ આંદોલનમાં જોડાઈ ગયા છે. ચેન્નઈની એક શિબિરમાં હાજર રહેલા ગુણશેખર નામના યુવાન આઈટી પ્રોફેશનલ લંડનમાં ધીકતી કમાણી છોડીને સુભાષ પાલેકરની પદ્ધતિનો પ્રચાર કરવા તિરુપતિ નજીકના એક ગામડામાં સૅટલ થઈ ગયા છે. દક્ષિણ ભારતમાં આવાં તો અનેક ઉદાહરણ છે. સુભાષ પાલેકર કહે છે : ‘દક્ષિણ ભારતનો ખેડૂત શ્રદ્ધાળુ છે. શિબિરમાં મને સાંભળ્યા પછી એ નાના ક્ષેત્રમાં અજમાયશ કરે અને ધીરે ધીરે આખા ખેતરને રસાયણમુક્ત કરી નાખે. ત્યાંના રાજકારણીઓ પણ વિનયી–વિચારશીલ છે અને સારી બાબતો વિશે જનતાને માહિતગાર કરવાનું વલણ રાખે છે. બીજી તરફ, મહારાષ્ટ્રના ખેડૂતો અમારી કૃષિ તકનિકોની સમાજવાદ, ગાંધીવાદ, મૂડીવાદ, સામ્યવાદ વગેરેની દૃષ્ટિએ ચીરફાડ કરે છે, પણ રાસાયણિક ખેતી છોડવાનો નિર્ણય ભાગ્યે જ લે છે.’ પાલેકરભાઉ ઉમેરે છે કે ચંદ્રાબાબુ નાયડુએ એક જમાનામાં કમ્પ્યુટર–આધુનિક તંત્રજ્ઞાનનો ખૂબ ઉપયોગ કર્યો, પણ મુખ્યપ્રધાન તરીકેની નવી ઈનિંગ્સમાં એમણે સીધા ખેડૂતો જ એમની અપેક્ષા પૂછી તો જવાબ મળ્યો કે બાપલા, આ રાસાયણિક ખાતરથી છૂટકારો અપાવો, કારણ કે એ ખર્ચાળ છે ને કહેવાતી ઓર્ગેનિક-સેન્દ્રિય ખેતીથી ધાર્યુ ઉત્પાદન મળતું નથી એટલે અમને જો કંઈ આપવું જ હોય તો અમને સુભાષ પાલેકર આપી દો.... ત્યાર પછી ચંદ્રાબાબુએ સીધો પાલેકરને ફોન કર્યો : કબ આ રહે હો? પાલેકરજી કહે છે કે એ અરસામાં આંધ્રમાં ખાસ સૉફ્ટવેર એન્જિનિયરો માટે મારી બૅક ટુ નેચર નામની એક કૃષિ શિબિર હતી, એમાં ચંદ્રાબાબુએ રાજ્યના સ્પેશિયલ સેક્રેટરીએ મોકલ્યા, જેમણે આ પદ્ધતિ સમજી લીધી. પછી કાકીનાડામાં ખુદ મુખ્ય પ્રધાન હાજર રહ્યા. મેં એમને એટલું જ કહ્યું : આ જનઆંદોલનમાં હું વિનામૂલ્યે જ્ઞાન વહેંચણી કરીશ, પણ એમાં તમારા કૃષિખાતાને સહભાગી નહીં બનાવતા, કારણ કે એ ખાતું જ સૌથી વધુ ભ્રષ્ટ હોય છે ! ![]() સુભાષ પાલેકરની દેખરેખમાં હવે આંધ્રમાં બ્લૉકદીઠ એક-એક ખેડૂતને ઝીરો બજેટના સર્વિસ પ્રોવાઈડર તરીકે તાલીમ આપવામાં આવી રહી છે, ઉપરાંત ગ્રાસરૂટ લેવલ પર કાર્યરત હોય એવી પ્રતિષ્ઠિત એનજીઓ – બિન સરકારી સંસ્થાઓને પણ આ કામમાં જોડવામાં આવી છે. પદ્મશ્રી એનાયત થયા પછી સોશિયલ મીડિયા, ખાસ તો યુટ્યૂબ પર સુભાષ પાલેકરના વીડિયો જોવાવાળાની સંખ્યામાં એકાએક ઉછાળો આવ્યો છે. હિમાચલ પ્રદેશના રાજ્યપાલે સ્થાનિક યુનિવર્સિટીમાં પાલેકરની મોટી શિબિર ગોઠવી હતી. હરિયાણાના કૃષિમંત્રી પણ એમનું તાલીમસત્ર યોજવા તત્પર હતા, પણ જાટ અનામત આંદોલનને કારણે એ મુલતવી રાખવું પડ્યું. ત્રણેક વર્ષ પહેલાં પટણામાં નીતિશ કુમારે પણ સુભાષજીને તેડાવીને ખેડૂતો માટે ટ્રેનિંગ કૅમ્પ રાખ્યો હતો. હવે સુભાષ પાલેકરની અનેક શિબિર નવી મુંબઈના વાશી, પુણે, રત્નાગિરી, અમરાવતી અને યવતમાળ જેવાં મહારાષ્ટ્રનાં શહેરોમાં યોજવાની છે. ઝીરો બજેટની કેવી છે તરકીબ ? સુભાષ પાલેકરે શૂન્ય ખર્ચ નૈસર્ગિક કૃષિના ચાર સ્તંભ તરીકે બીજામૃત, જીવામૃત, આચ્છાદન અને વાફસાને સ્થાન આપ્યું છે. મુખ્યત્વે ગૌમૂત્ર, છાણ, માટી વગેરેમાંથી તૈયાર કરવામાં આવતું બીજામૃત બિયારણને સક્ષમ બનાવવામાં ઉપયોગી બને છે. ગૌમુત્ર-છાણનું જીવામૃત સીંચાઈ અને પાક પર છંટકાવમાં વપરાય છે. જીવંત પાક કે જૈવિક કચરાનું આચ્છાદન પણ આ કૃષિપદ્ધતિનું મુખ્ય અંગ છે તો હવામાંના ભેજ વડે જમીનનું સીંચન કરવાની વાફસા તરીકે ઓળખાતી ટેકનિક પણ આ પદ્ધતિનું એક મહત્વનું પાસું છે. કીટનિયંત્રણ માટે સુભાષ પાલેકર અગ્નિઆસ્ત્ર, બહ્માસ્ત્ર અને નીમાસ્ત્ર જેવાં બિનખર્ચાળ પ્રવાહી ખેતરમાં જ બનાવીને છંટકાવ કરવાની સલાહ આપે છે. આ વિશેની વધુ માહિતી અંગ્રેજી, હિંદી, મરાઠી, તમિળ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં ઉપલબ્ધ એમનાં ૧૦ પુસ્તકમાંથી મેળવી શકાય છે. વધુ માહિતી માટે ક્લિક કરો www.subhaspalekar.com. (અહેવાલ અને ચિત્રોઃ ‘ચિત્રલેખા’, સળંગ અંકઃ ૩૪૪૭, તા. ૧૬-૫-૨૦૧૬) |
[પાછળ] [ટોચ] |