[પાછળ] 
ગુનેગાર છે પત્રકારો!
લેખકઃ જયંતિ દલાલ

નાગરિક પુરવઠાખાતું-એ નામે ઓળખાતા સરકારી ખાતાના નિયામક અધિકારી શ્રી સત્યવાદી હમણાંના ભારે પરેશાન રહેતા હતા. બીજું તો ઠીક, પણ પ્રજાની સાચી પરેશાની જોઈને એ પરેશાન થતા હતાઃ પણ જાણે આ પરેશાનીની કશી પ્રતીતિ જ એમને ન થતી હોય એમ છાપાંવાળા એમના પર શબ્દશસ્ત્રોનો મારો ચલાવતા, ત્યારે એ પરેશાનીની પરેશાનીથી ઓર પરેશાન થતા.

અને એમાંય જ્યાં લોખંડની વાત આવતી ત્યાં તો આ છાપાંવાળા જે કાગારોળ મચાવી મૂકતાં તેનું તો કશું વર્ણન કરવું પણ મુશ્કેલ વાત હતી. છાપાંવાળાને જ્યાં શબ્દની અસર ઓસરતી લાગી ત્યાં એમણે એક નવી ઢબ અપનાવી. એક બાજુએ ફૂટપાથને જ ઘર બનાવીને બેઠેલાની તસ્વીર છપાતી હતી; રાંધતી સ્ત્રી, ફૂટપાથ પર જ ઘરઘર રમતાં બાળકો અને હથેળીનું નેજવું કરી બેઠેલા બુઢ્ઢાજીઃ એવો કાંઈક તાલ આ છબીઓમાં આવતો. નીચે લખાતુંઃ ‘આમને છાપરું જોઈએ છે. નાગરિક પુરવઠાખાતું ધ્યાન આપશે કે?’ અને સામે છપાતી, નવાં ઊભાં થતાં આલીશાન સિનેમાગૃહો અને જંગી મહેલ સમાં મકાનોની છબીઓ અને એની નીચે લખાતુંઃ ‘કોણ કહે છે લોખંડ અને સિમેન્ટની ખોટ છે? ખોટ હશે કોક અભાગીને!’ અને વધુ ધારદાર વાત તો એ થતી કે ઉપરના વ્યંગની નીચે જ જાડા મોટા અક્ષરોમાં લખાતુંઃ ’આ લોખંડ ક્યાંથી આવ્યું? નાગરિક પુરવઠાખાતું જવાબ આપશે કે?’

બસ, જાણે અમારે તો ‘ધ્યાન આપશે કે?’ ‘જવાબ આપશે કે?’ એમાં જ અટવાતા રહેવાનું! બીજું કશું કરવાનું જ નહિઃ ધ્યાન આપવાનું અને જવાબ આપવાનો.

શ્રી સત્યવાદીની પરેશાનીનો પાર ન હતો. ફૂટપાથ પર ‘ગગનોના ઘુમ્મટ’ બાંધીને અને ‘પાથરણે પૃથ્વીને’ પાથરીને બેઠેલા અસંખ્ય માનવીઓ માટે એમને સાચી હમદર્દી હતી. અને માત્ર ચાંદીના ગોળ સિક્કાનો વંશવેલો વધારવા મથતાં આલીશાન કુશાંદે મકાનોના ભાડાખાઉ બાંધનારા માટે હવે તો સાવ પ્રગટ થઈ શકે એવો તિરસ્કાર હતો. પણ એ પોતે શું કરે? એમનું ખાતું શું કરે? જરૂરી કામને માટે તો લોખંડનો એક સળિયો પણ મળવો મુશ્કેલ હતો.

છતાંય શ્રી સત્યવાદી મૂંગા બેસી રહ્યા. એમને એમ હતું કે વધુ ઉગ્ર બનતા જતા પ્રશ્નની ભીડભાડમાં લોક અને છાપાંવાળા આ વાતને ભૂલી જશે. જુઓને હૈદરાબાદની વાત આવી એમાં સહુ કોઈ પેલા દહાડે ન વધે એટલા રાતે વધતા અને રાતે ન વધે એટલા દહાડે વધતા ફુગાવાની વાતને વિસારે પાડીને જ બેઠા હતા ને? અરે રાષ્ટ્રપિતાના ખૂન-ખટલાને પણ છાપામાં કેટલું સ્થાન મળતું હતું? ત્યારે લોખંડની વાતમાં પણ એવું ન બને? શ્રી સત્યવાદીએ પોતે વર્તનમાં નાસ્તિક હોવા છતાં આવી કૃપા કરવાની પ્રાર્થના પણ કરી લીધી હતી.

પણ એમની પ્રાર્થના ન ફળી. ઊહાપોહ ચાલુ જ રહ્યો, અને છેવટે તો ભીડને પ્રસંગે પ્રજાને જ પડખે ઊભા રહેવાનો દાવો કરનાર છાપાંવાળાએ એક આગેકદમ ભર્યું. એમણે શ્રી સત્યવાદીને લોખંડના પ્રશ્ન અંગે એક અખબારી પરિષદ ભરવાનું સૂચવ્યું, એમ કહોને પોતાને પૂછવા હતા તે સવાલના જાહેરમાં જવાબ આપવાની શ્રી સત્યવાદીને ફરજ પાડી.

શ્રી સત્યવાદીનું મન દોડી દોડીને પેલી સ્વાદે યાદ રહી ગયેલી ગઈ કાલ પર જતું હતું. આ બધા માટીના વાઘ જેવા નેતાઓ અને છાપાંવાળા કેવા મીંદડી જેવા બનીને રહેતા હતા! હતી કોઈની દેન કે એમનું નામ પણ દે! આ ‘ધ્યાન આપશે કે?’ અને ‘જવાબ આપશે કે?’ એવું બોલવા-લખવાની એમની હિંમત જ ન હતી, અને માનો કે કદાચ હિંમત ચાલી તોય એમને પોતાને એ વાત અડકી શકે એવું હતું જ નહિઃ બધું ‘કૂતર ભૂકત’ જેવું.

પણ જમાનો પલટાઈ ગયો હતો, અને જાણે કે કેમ એમને પણ ક્યાંથીય ‘કૉન્શિયન્સ’ - અંતરનો અવાજ આવી મળ્યા જેવું લાગતું હતું.

એટલે એમને મન ન હતું છતાંય છાપાંવાળાને મળવાનું સ્વીકાર્યું અને જ્યારે મુકરર સમયે નિયત કરેલા સ્થાને છાપાંવાળાએ આવવા માંડ્યું, ત્યારે સિકંદરબાદ નજીક આવી પહોંચેલી હિંદી ફોજને જોઈને નિઝામે જે માનસિક ધક્કો અનુભવ્યો હશે એવો જ આઘાત શ્રી સત્યવાદીએ અનુભવ્યો; પણ શ્રી સત્યવાદીએ અગમચેતી વાપરીને સ્વરક્ષણની અભેદ દીવાલ પણ ખડી કરી હતી. દેશભરના દરેક ભાષાનાં અખબારોના થોકડાના થોકડા એમણે આ અખબારી પરિષદના મિલનસ્થાને ગોઠવ્યા હતા. ચબરાક અખબારી તંત્રીએ ટકોર કરી પણ ખરીઃ ‘આ તો અમને અમારા પોતાના કાર્યાલય જેવું જ લાગે એવું આપે કર્યું!’ જવાબમાં શ્રી સત્યવાદીએ માત્ર સ્મિત જ કર્યું.

અને શાબ્દિક હલ્લો શરૂ થયો. દર્દભર્યા અવાજે અને ખોફનાક શબ્દોમાં અખબારી પ્રતિનિધિઓના મોવડી જેવા લાગતા સજ્જને જનતાની હાલાકીનું ઘેરું ચિત્ર આલેખ્યું. અને અંતમાં તો પેલું ‘ધ્યાન આપશે કે?’ ‘જવાબ આપશે કે?’ જેવું આવ્યું.

શ્રી સત્યવાદીએ ધ્યાનપૂર્વક આ સાંભળ્યું, ન જાણે કેમ પણ હલ્લાનો ભય, હલ્લા કરતાં વધુ ખોફનાક લાગતો હતો. બોલતા શબ્દ કરતાં લખાવેલા શબ્દમાં ડંખ હતો એમ પણ એમને લાગ્યું. આની સાથે જ એમના મનમાં એક પ્રકારનો આત્મવિશ્વાસ પણ જન્મ્યો. આ શબ્દબ્રહ્મના ઉપાસકોને શબ્દથી જ જેર કરી શકવાની પોતાની શક્તિ વિશે એમને ઊંડા અતલમાંથી શ્રદ્ધા જન્મી.

શ્રી સત્યવાદીએ ગળું ખંખારીને બોલવા માંડ્યુંઃ

‘સજ્જનો, આપ સહુએ અહીં જે કહ્યું અને આજ ઘણા સમયથી જનતાની હાલાકીનો જે વિચાર આપની કલમમાં નીતરે છે તેના શબ્દેશબ્દથી હું માહિતગાર છું. આપે વ્યક્ત કરેલી દરેક ભાવના સાથે હું પૂરો સહમત છું. એ સાથે હું પૂરી હમદર્દી ધરાવું છું તેમ કહું તો એને માત્ર વાણીવિલાસ ન માનતા. પણ હું નિરુપાય છું. પ્રજાનું દુઃખ દૂર કરવાની મારી પાસે કશી જ શક્તિ નથી. ન તો મારી પાસે એવી કોઈ જાદુઈ લાકડી છે કે હું લોખંડના ઢગલા કરી દઉં.’

અને જાણે આવા જ કોક શબ્દની રાહ જોઈને બેઠો હોય એવો અવાજ પાછળની ખુરસીમાંથી આવ્યોઃ ‘તો પછી એ સ્થાન પર ન રહેવું જોઈએ.’

‘આપની વાત બિલકુલ યોગ્ય છે. ગુનેગારને યોગ્ય નસિયત થવી જોઈએ.’

‘કોણ છે ગુનેગાર?’ એમિલ ઝોલાની આંગળી-ચીધામણ કરતી વિખ્યાત તસવીરના અનુકરણનો, લાખ ભવે એક વાર મળતો મોકો ઝડપી લેતા ઘણા પત્રકારો એકસામટા બોલી ઊઠ્યા.

શ્રી સત્યવાદીના ચહેરા પર સ્મિતની ચમક આવી ગઈ. બંને હાથની અદબ વાળી ખુરસીની પીઠ પર બધો ભાર મૂકતાં શ્રી સત્યવાદી બોલ્યાઃ ‘માફ કરજો, મારે નહોતું કહેવું, પણ જ્યારે આપે પૂછ્યું છે, ત્યારે મારે કહેવું પડે છેઃ ગુનેગાર છે પત્રકારો.’

બે પળને માટે તો અખબારી પરિષદમાં સન્નાટો છાઈ ગયો. અને પછી તો જ્વાળામુખી ભભૂકી ઊઠે, પર્વતોના શિખરો ઊછળી ઊછળીને વાતાવરણમાં પડછાય, લાવારસ રેલાઈને પૃથ્વી આખીને ભરખે એમ પત્રકારોનો ગુસ્સો ફાટી નીકળ્યો. શબ્દો ગાજી ઊઠ્યા. ગુસ્સો રેલાયો.

શ્રી સત્યવાદી તો શાંત હતા. જેમ જેમ પત્રકારો ઉગ્ર થતા હતા, તેમ તેમ એમને તો આ અણી જીવી જવાની પોતાની શક્તિમાં વધુ અને વધુ વિશ્વાસ બંધાતો જતો હતો.

‘મને પહેલેથી જ ખાતરી હતી કે આપ લોક ખિજાઈ જશો. ગુનેગાર શબ્દ મેં એક ખાસ અર્થમાં વાપર્યો છે. જે અસામાજિક કૃત્ય કરે, અને આ કિસ્સામાં જે અસામાજિક હેતુસર લોખંડનો ઉપયોગ કરે, તે ગુનેગાર, એવો ખ્યાલ જ મારા મનમાં હતો અને છે’- ખૂબ શાંતિપૂર્વક શ્રી સત્યવાદીએ કહેવા માંડ્યું.

‘પણ આક્ષેપ કરવા પહેલાં તમારી પાસે એની સાબિતી હોવી જોઈએ. અમે લોખંડનો અસામાજિક ઉપયોગ કર્યો છે એવી કોઈ સાબિતી તમારી પાસે છે?’ વિલક્ષણ અને શાણા ગણાતા પત્રકારે પૂછ્યું. વકીલાત ન ચાલતાં એ પત્રકાર બન્યા હતા, પણ કાયદાની કેળવણી સાવ અસ્થાને તો નહોતી જ ગઈ.

‘હા જી, આ રહ્યા એ પુરાવા.’ અને શ્રી સત્યવાદીએ છાપાંના ખડકલા સામે આંગળી ચીંધી. ‘એમાંથી ગમે તે છાપું ખેંચો અને હું આપને કૂડીબંધ પુરાવા આપું.’

પત્રકારોના ગુસ્સા અને કૌતુકને હદ નહોતી. એક સાહસિકે થપ્પીમાંથી બે-ચાર છાપાં ખેંચ્યાં અને મેજ પર પાથર્યાં. પત્રકારની ચતુર આંખોએ છાપેલા શબ્દો હેઠળ લાલ પેન્સિલના લીટા જોયા.

‘અને કૃપા કરી આપ મોટેથી વાંચશો?’ અત્યંત સલૂકાઈથી શ્રી સત્યવાદીએ ફરમાવ્યું.

પત્રકારોએ વાંચવા માંડ્યુંઃ

‘લોખંડી પુરુષ’
‘લોખંડી શિસ્ત’
‘લોખંડી નિશ્ચય’
‘લોખંડી તાકાત’
‘લોખંડી લાત’
‘લોખંડી છીંક’
‘લોખંડી ઇલાજ’
‘લોખંડી દૃઢતા’
‘લોખંડી ચોકઠું’
‘લોખંડી પગલું’
‘લોખંડી...’

પત્રકારોનો ગુસ્સો, એક એક શબ્દના વાચને પીગળતો જતો હતો. અને માત્ર એક જ પત્રની એક જ કતારમાંથી લાલ પેન્સિલે ચળાયેલા આટલા શબ્દો વંચાતાં તો પત્રકાર પરિષદમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. એ હાસ્યમાં આળ ટળ્યાનો આનંદ હતો.

પળ વાર મૌન ધાર્યા પછી શ્રી સત્યવાદી બોલ્યાઃ ‘અને સાહેબો! જ્યારે લોખંડનો આટલો બધો ઉપયોગ આપ કરી રહ્યા છો ત્યારે પેલા ફૂટપાથ પર સૂનારને મકાન બાંધવાને માટે લોખંડ ક્યાંથી મળે?’

એ જ અદબ વાળીને ખુરસીની પીઠે શરીરનો ભાર નાખીને શ્રી સત્યવાદી બેઠા હતા. પત્રકારોના હાસ્યને મર્યાદા જ ન રહી. હસતાં હસતાં જ એક પત્રકારે પૂછ્યુંઃ ‘પણ આપે આ શબ્દો હેઠળ લાલ પેન્સિલના લીટા દોરવાનો ઉદ્યોગ...’

એ આગળ બોલે તે પહેલાં જ શ્રી સત્યવાદી બોલી ઉઠ્યાઃ ‘સજ્જનો! મારે તો લોખંડ ક્યાં વપરાય છે એની તપાસ કર્યા વિના બીજું કરવાનુંય શું છે?’
 [પાછળ]     [ટોચ]