[પાછળ] 
પત્રકારો, તમને લખતાં આવડે છે?
લેખકઃ હસમુખ ગાંધી

લખવા લખવામાં બહુ ફેર હોય છે. સાહિત્યકારો, લેખકો, અધ્યાપકો અને પત્રકારો રીમનાં રીમ ભરીને લખાણો વલોવ્યે રાખે છે. મોટા ભાગના લખાણો (સેંકડે ૯૫ ટકા), અપક્વ, અન્ગ્રામેટિકલ (વ્યાકરણદુષ્ટ) અને ઢંગધડા વિનાની ભાષાવાળા હોય છે. લખાણની પ્રૌઢિ કે મેચ્યોરિટી એક વિરલ જણસ છે. વિચારોની પરિપક્વતા કાયમ વાચનમાંથી આવે છે અને ભાષાની પુખ્તતા હંમેશાં પરિશીલનમાંથી આવે છે. જગતના ટોચના લેખકોના અને ક્લાસિક્સના વારંવારના બારીકાઈપૂર્વકના વાચનમાંથી તથા અભ્યાસમાંથી આવે છે વિચારોની અને ભાષાની પ્રૌઢિ. શાળાઓમાં શિક્ષકજીઓ કોમ્પોઝિશનનો તાસ લે છે. વિદ્યાર્થીઓ બ્રાઉન કલરના સુંદર સ્વચ્છ નીટ આવરણો ચઢાવે છે નોટબુકની ઉપર. શિક્ષકજીઓ લાલ પેન્સિલ વડે સુધારે છે આ નિબંધો. પ્રાચી પ્રાંગણે મેઘધનુષ ખીલ્યું, શિખાઉ બાળકજી લખે છે. શિખાઉ તેમ જ બિનશિખાઉ શિક્ષકજી હાંસિયામાં શેરો મારે છે. પ્રારંભ સરસ, ફુલણજી બાળકજી ફૂલીને ફાળકો થઈ જાય છે. તેના ગોઠિયાઓ કહે છે, અર્જુનમાં તો લખવાની ફ્લેર છે. તેનામાં સાહિત્ય માટેની રુચિ છે. એપ્ટિટ્યૂડ છે. અર્જુન નવાં નવાં શિખરો સર કરીને રોજ પ્રાચી પ્રાંગણે મેઘધનુષો રચ્યા કરે છે. અર્જુન પછી તો કાવ્યો લખે છે, વાર્તાઓ લખે છે, નવલકથા લખે છે. ગુણાનુરાગી અવલોકનકારો અર્જુનને બિરદાવે છે. આવો અર્જુન કદી માછલીની આંખને વીંધી શકતો નથી. શબ્દોની રમત (તેય વ્યાકરણદુષ્ટ) અને હેક્નિડ ક્લિશે અને ચીલાચાલુ પ્રયોગોમાં રાચીને અર્જુન પોતાની પોટેન્શિયલને ખોઈ બેસે છે.

અસ્ત્રા વિનાનો હજામ કેવો લાગે? સૈનિક થઈને બુલેટથી બીએ તે કેમ ચાલે? લખવાની કળાના નવોદિતે સૌપ્રથમ તો પોતાનું ગ્રામર પાકું કરવું જોઈએ. નામ શું અને વિશેષણ શું એની જેને ગતાગમ ન હોય એ માણસ કદી સારા સાચા પરિપક્વ વાક્યો લખી શકે જ નહીં. અઠ્ઠેગઠ્ઠે અડસટ્ટે બે વાક્યો સાંગોપાંગ કોમ્પોઝ થઈ જાય એ જુદી વાત છે. શાળાઓમાં પોતાના લખાણને નિશાળિયાઓ પોતે જાતે કોમ્પોઝ કરે એવું વાતાવરણ જ નથી. એ લખાણની ગુણવત્તા નાણી શકે એવા શિક્ષકો અલ્પ માત્રામાં છે. ધક્કેલ પંચા દોઢસો જેવું કાચું અધૂરિયું લખાણ આકાર પામે છે. શબ્દોના નકરા સાથિયા, હવામાં ઊડી જાય એવા નિરર્થક રંગબેરંગી પ્રયોગો, ક્લિષ્ટ દુર્બોધ શૈલી અને મારીને મુસલમાન કરે એવી લેબર્ડ વાક્યરચનાઓ ઉત્સાહી લેખકને અને પત્રકારને ઊંધે રવાડે ચઢાવી દે છે. લખાણમાં લ્યુસિડિટી કે પ્રવાહિતા સૌથી વધુ જરૂરી છે. તે માટે કશાક વિચારો છે ખરા? કે તમારું આખું વક્તવ્ય જ ચોરાટિયું છે? કે પછી તમારા વિચારો જ અગડમ્બગડમ્ અને અસ્પષ્ટ છે? પહેલા તો તમારે તમારા મુદ્દાના હાર્દને કોમ્પ્રિહેન્ડ કરવું જોઈએ. સમજવું જોઈએ. એ પછી તમારે એને એક્સપ્રેસ કરવું જોઈએ. વ્યક્ત કરવું જોઈએ. કોમ્યુનિકેટ કરવું જોઈએ. વાંચનાર જો તમારા લખાણને સમજી જ ન શકે તો તમારું કોમ્યુનિકેશન કાચું કહેવાય. ભાવકના કે વાચકના ચિત્તમાં નિ:શેષપણે ભાવસંક્રમણ કરવું એ પ્રત્યેક લખનારની પ્રાથમિક ફરજ છે.

પુષ્કળ કવિતા માત્ર પોચટ આંસુ સારતી, બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે બ્લન્ટ્લી કહી દીધું હતું. પુષ્કળ કટારો અને અખબારી લેખો આજે ડૂચા જેવા, ફિસ્સા, દુર્બોધ અને વ્યાકરણની હોરિબલ ભૂલોવાળા હોય છે. બાળવાર્તાઓના રાજ્જા એવા હેન્સ ક્રિશ્ર્ચિયન એન્ડરસને કેટલાંક નાટકો રંગભૂમિ માટે લખ્યા હતા. તેની પાસે કન્સેપ્ટ હતો, ક્રિયેટિવિટી હતી. થિયેટરના માલિકે જોયું કે ભાષા ઉપર હેન્સને પ્રભુત્વ નથી. તેના વાક્યો લંગડાય છે, તેનું લખાણ લથડાય છે. કહેવું હોય છે કંઈક અને કહે છે એ કંઈક. આંખનું કાજળ એ ગાલે ઘસે છે. થિયેટરના માલિકે પોતાને પૈસે હેન્સને લેટિન (ગ્રામર) સ્કૂલમાં ભણવા મૂક્યો. હેન્સ હુંશિયાર હતો. તે ઝટ ભાષા શીખી ગયો પણ તેણે લખાણના ધંધામાં ડાઈવર્ઝન કર્યું. તે બાળકો માટેનો શ્રેષ્ઠ વાર્તાલેખક બની ગયો. લખવાની ક્રેફટના જે અડધો ડઝન પ્રેક્ટિશનરો છે ગુજરાતી સામયિકોમાં અને છાપાંઓમાં, તેમનાં લખાણો આપણે ગળે ઝટ શીરાની માફક ઊતરી જાય છે. એબ્સોલ્યુટ કોમ્યુનિકેશન. ધેટ્સ લ્યુસિડિટી.

ઘણા લોકો નાનપણથી જ રદ્દી અને બાલીશ લખાણોને રવાડે ચઢી જાય છે. આવા લોકો પોતાને પાછા શૈલીસમ્રાટો કહેવડાવે છે. તેઓ અખબારોના તંત્રીઓ ઉપર સવારી લાવે છે. આવા શૈલીસમ્રાટોનાં લખાણ વાયડાં, ચાંપલાં અને વેવલાં હોય છે. ઉત્તમ શૈલી દાખવવી અને સ્ટાઈલ મારવી એ બેમાં બહુ ફરક છે. શો ઓફ્ફ કરવાની વૃત્તિ ઘણા લખાણોને પાયમાલ કરે છે. ભાષા નૈસર્ગિક હોવી જોઈએ. ઊછળકૂદ થનગનભૂષણની ભાષા એકદમ ફ્લેમબોયન્ટ હોય છે. સિડેટ માણસની ભાષા સોબર અને સૌમ્ય હોય છે. શીલ તેવી શૈલી: સ્ટાઈલ ઈઝ ધ મેન. ઈન્સિડેન્ટલી, થનગનભૂષણ શબ્દ જન્મભૂમિ દૈનિકના એર્સ્ટવ્હાઈલ તંત્રી મનુભાઈ મહેતાએ પ્રયોજ્યો હતો. ફૂદાની જેમ ચોમેર ફરી વળનારા ઉત્સાહી ફોટોગ્રાફર ધનુભાઈ મહેતા માટે. ગુજરાતી અખબારો અને દૈનિકો ચીવટથી વાંચનારો ભાષાજ્ઞાની રોજ સવારે બેહોશ થઈ જાય છે. સારું પ્રૂફરીડિંગ કરે એવા કોમ્પીટન્ટ માણસો મળતા નથી. પરિણામે ઓડનું ચોડ વેતરાય છે. એક તો તંત્રી ખાતામાં ખરેખરા ભણેલા માણસો આવતા નથી અને બીજું કદી કોપીચેકિંગ થતું નથી. છેલ્લું સાચ્ચું કોપીચેકિંગ ગુજરાતી પ્રકાશનોમાં કુંદનિકા કાપડિયાએ અને યશવંત દોશીએ કર્યું હતું. આજે તો કોપીચેકિંગ કરવાનું કોઈ નામ લેતું નથી. કોઈનામાં ગુંજાયશ પણ નથી. કોલસા ઉપર કાળો લીટો કરવા જેવું થાય. લોકો મોટે ઉપાડે જે અવતરણો ટાંકે છે એ પણ ખોટા હોય છે. જેમ કે કવિએ રાજદ્વારોના ખૂની ભપકાની વાત કરી હતી પણ પત્રકારો રાજદ્વારીઓના ખૂની ભપકા એમ કરી નાખે છે. મૌલિક અને અસરકારક લખાણ એક અઘરી પ્રોપોઝિશન છે.

શું જીવનમાં કે શું સાહિત્યમાં, અનુકરણ એટલે મરણ. કુટમુટિયાઓની, ઝાબવાલાઓની અને કોરાનેઓની ગાઈડો ગોખવાથી કદી મહાન લેખક ન થઈ શકાય. એ ફુલ ફીસ્ટ ઓફ ફન અને એ ડિલિશિયસ ડિશ ઓફ ડિલાઈટ જેવા વર્ણસગાઈયુક્ત ફ્રેઝીઝ ગોખીને લાઈનસર હજારો વિદ્યાર્થીઓ નિબંધની ઉત્તરવહીમાં એ બધું ઓકી કાઢે છે. ગુજરાતી દૈનિકોમાં અને સામયિકોમાં ભૂતકાળમાં કહેવાતા શૈલીસમ્રાટોએ દાટ વાળ્યો હતો. બેઝિકલી અભણ એવા આ શૈલીસમ્રાટો સાબુની ગોટી અને ગોટીનો સાબુ બનાવતા હતા. તેઓ અભિનયનાં અજવાળાં પાથરતા હતા અને અભિનયનો દીવડો સંકોરતા હતા અને પછી તેઓ દાદ ઉપર દાદ માગી લેતા હતા. સ્કોટ ફિટ્ઝરલ્ડ નામના બ્રિલિયન્ટ હૉલીવૂડી લેખકે મેચ્યોર ભાષા કોને કહેવાય તે વિશે ઘણા પ્રાઈવેટ લેસન્સ આપ્યા હતા અને તેમાંથી લવ ઈઝ એ મેની સ્પ્લેન્ડર્ડ થિન્ગ જેવી ઈમોશનલ ભવ્ય કૃતિ સરજાઈ હતી.

લખતાં આવડવું અને લખી શકવું અને ખરેખર સારું લખવું એ ત્રણેય ચીજો એકદમ ભિન્ન છે. અખબારી લખાણો લખવા માટે પૂરી સજ્જતા જોઈએ અને પાકું હોમવર્ક કરવું જોઈએ. મોરારજીભાઈનો ઈન્ટરવ્યૂ લેવા ગયેલો એક કોમર્સ એડિટર ગળગળો થઈ ગયો હતો અને તેણે સાષ્ટાંગ દંડવત્ (હોરિઝોન્ટલ લાકડીની જેમ) મોરારજી દેસાઈના બેઉ પગ પકડી લીધા હતા. એ પછી આપ શું ધારો છોની પરંપરા ચાલી હતી. સૌરાષ્ટ્રમાંથી ચૂંટાયેલા કેન્દ્રના એક પ્રધાન મુંબઈની તાજમહાલ હોટેલમાં ઊતર્યા ત્યારે એક ગુજરાતી અખબારના પત્રકાર અને તેમનો ફોટોગ્રાફર પેલા પ્રધાનનો ઈન્ટરવ્યૂ લેવા ગયા. તેમને પેલા પ્રધાનના ખાતા વિષે કશી જ માહિતી ન હતી. પોતાના માતુશ્રીના પેટમાંથી જન્મ્યા પછી બર્થડે સ્યુટમાં તેઓ ઈન્ટરવ્યુ લેવા ગયા હોય એવી તેમની સજ્જતા (કે ધ લૅક ઓફ ઈટ) હતી. પત્રકારે કાલીઘેલી ભાષામાં ગાંડાઘેલા સવાલો પૂછવા માંડ્યા. ચાર વાર પ્રધાને કહ્યું કે આ મુદ્દો તો એક સ્ટેટ સબ્જેક્ટ છે. પત્રકારને બંધારણમાં રાજ્યની યાદી, કેન્દ્રની યાદી અને મજિયારી (કોન્કરન્ટ) યાદીની જોગવાઈ છે એની કશી જ ગતાગમ ન હતી. પત્રકારે ચાર વાર કીધે રાખ્યું. પણ સાહેબ, કેન્દ્ર તો રાજ્ય કરતાં ઉપર ગણાયને? પ્રધાન ગુસ્સે થયા: જાઓ, હું તમારો ઈન્ટરવ્યૂ અહીં જ ટર્મિનેટ કરું છું, તમે છેક જ મૂર્ખ, ભોટ અને સ્ટુપિડ છો. પત્રકારે ફોટોગ્રાફરને કહ્યું: કોઈને કહીશ નહીં મારી આવી વલે થઈ હતી એ, યાર, આબરૂના કાંકરા થઈ જશે. તો પછી મને દારૂ પા, તસવીરકારે કહ્યું. પાયો. ચઢ્યો. ખૂબ ચઢ્યો શરાબ. નશામાં પેલા ફોટોગ્રાફરે અખબારની એકેએક ઓફિસની મુલાકાત લઈને પત્રકારની ઢેડફજેતીના ધજાગરા કર્યા. શાબ્બાશ.

* * * * * * * * * * * * * * * *

આખું ટોળું (અંકે આઠ પત્રકારો) ભાયંદરના સ્ટેશને ઊતર્યું. ઓબેરૉઈમાં તેમણે યજમાનને હિસાબે ને જોખમે વ્યાપક પ્રમાણમાં વ્હીસ્કી ગટગટાવ્યો હતો. તેમની માનસિક તબિયત તરબતર હતી. તેઓ એક્સ્ટેસીમાં, આનંદના અતિરેકમાં વન્ય પ્રાણીઓ જેવી કિકિયારીઓ પાડતા હતા. ફાઈવસ્ટાર જમણે તેમનાં ટમીને ઊપસાવ્યાં હતાં. કેટલાક તો અસ્સલ ગુજરાતી શેઠિયાશાઈ ઢબે એને (એટલે ટમીને) પંપાળતા હતા. સોહામણા ખ્વાબમાંથી ઝબકીને જાગીને એક જણે કહ્યું: એલા, મારા ઘરમાં પાણીનું ટીપુંય નથી, આજે ટાંકીવાળો આવ્યો જ નથી. બીજાએ કહ્યું, હું તો હમણાં રેસ્ટોરાંમાં ચા પીને સાથોસાથ બે ગ્લાસ પાણી ચઢાવી લઈશ. ત્રીજાએ કહ્યું: બસ, પછી તો ટૂંટિયું વાળીને ઘોલકીમાં પડ્યા જ રહેવાનું છેને અને કાલે બપોરે આપણે પ્રેસિડેન્ટમાં લંચમાં જવાનું છે. ચોથાએ કહ્યું: ભઈલા, કાલે રાતે તો ત્રણ જગ્યાએ પીસીમાં જવાનું છે અને ત્રણેય જગ્યાએ તડાકો પડવાનો છે. પાંચમાએ કહ્યું: બેસતા વરસને દહાડે સાલો મુકેશિયો જલદી જલદી બારપંદર ઘર પતાવવા જેમ રિક્ષા કરે છે તેમ ટૅક્સી કરીને સાતથી નવની વચ્ચે ઓબેરૉઈ, તાજ તથા પ્રેસિડેન્ટને કવર કરી લઈશું. મુકેશિયાએ કહ્યું: સાલ્લું એક્કેય ધોયેલું ઈસ્ત્રીવાળું બુશર્ટ જ બંદા પાસે નથી. સાતમો ઉદાર હતો. મારે ઘેર સવારના પહોરમાં આવી જજે, સાલ્લા, બટાટાપૌંઆ ખવડાવીને ચા પાઈશ અને ઈસ્ત્રીટાઈટ બુશર્ટ આપીશ. આઠમાએ તમાકુનો માવો નીચલા હોઠની નીચે ઠાલવતાં કહ્યું, આનું નામ અમીરી ફકીરીની બિરાદરી. ચંદ્રકાન્ત બક્ષી જેને મધ્યમ વર્ગના જીવનનું કૉન્ટ્રાડિક્શન કહે છે તેનું આ પત્રકારો એક ક્લાસિક દષ્ટાંત છે.

ભારતીય સમાજનું કલ્ચર છેલ્લા થોડાક દાયકા દરમિયાન છિન્નભિન્ન થઈ ગયું છે. આને કારણે મધ્યમ વર્ગના (મધ્યમ વર્ગના ત્રણ પ્રકાર છે: એક ગુમાસ્તાઓ, પ્રૂફરીડરો કે જુનિયર કારકુનોનો નીચલો મધ્યમ વર્ગ. બે, બૅન્કોના, જીવીકોના અને ખાનગી કંપનીઓના બી ક્લાસના અમલદારોનો મધ્યમ વર્ગ અને ત્રણ, વકીલો, તબીબો, કનસલ્ટંટો, ઉચ્ચ સરકારી અમલદારો, કંપનીઓના એક્ઝિક્યુટિવો વગેરે વગેરેનો ઉપલો મધ્યમ વર્ગ.) જીવનની ક્વૉલિટી વંકાઈ છે, વાર્પ‌્ડ થઈ ગઈ છે. દરેક વર્ગ પોતાનાથી ઉપરના વર્ગનું આંધળું અનુકરણ કરે છે.

અગ્નિમાં ઘી હોમવાથી (ગીતાની ભાષામાં કહીએ તો, હવિષા કૃષ્ણવર્ત્મેવ) જેમ તે વધુ ભડકે છે તેમ લક્ઝરીઝને કે કૉમ્ફર્ટ‌્સને નેસેસિટીઝ માનવાથી મધ્યમ વર્ગનું જીવન વધુ ભડકે છે. સુખ નામના ધારી લીધેલા ટાપુ ઉપર પહોંચવા માટે મધ્યમ વર્ગે પાણીમાં તરાપા ઉતાર્યાં છે. હિન્દી સિનેમાની પલાયનવાદી (એસ્કેપિસ્ટ) સૃષ્ટિની જેમ સુખ નામનો આ ટાપુ મૃગજળ જેવો છે. વાસનાઓ, કામનાઓ કહેવાતાં સુખોના કહેવાતા ભોગવટાઓ પછી મધ્યમ વર્ગના આ માનવીઓની તૃષ્ણા કે ઝંખના છિપાતી નથી. ઔર બહેકે છે. આમાંથી સદા તડપતા, સદા હતાશ રહેતા, સદા તરસ્યા સમાજનું નવું કલ્ચર નિર્માણ થયું છે. મલ્ટિનેશનલોની ટીવી પરની જાહેરખબરો આવા અધકચરા લોકોને બહેકાવે છે.

૩૧મી ડિસેમ્બરે મધરાતે બધા લોકો આનંદ લૂટી ગયા અને આપણે રહી ગયા એવી અધૂરપથી પીડાઈને આવા લોકો પિપૂડાં વગાડતા અને શંકુ આકારની ડાગળાટોપી પહેરીને સહકુટુંબ દોડતા દોડતા ગેટવે ઑફ ઈન્ડિયા જાય છે. ત્યાંથી પોલીસ તેમને દંડા મારીને કાઢે છે. તેઓ બૈરાંછોકરાં સાથે બસની હજારહજાર ઉતારુની કતારમાં મવાલીઓ સાથે ઊભા રહીને કંટાળે છે અને મણિબહેન રોતા ઝીણકાને ચૉંટિયો ભરીને કહે છે: આવી શી ખબર? હવે કોઈ દી નૉ આવવું. સુખ નામના પ્રદેશની નીચલા મધ્યમ વર્ગની ખોજનો અહીં રાબેતા મુજબ બૂરો અંજામ આવ્યો.

ઉપલો મધ્યમ વર્ગ માથાદીઠ બબ્બે હજાર રૂપિયાની ટિકિટો ખર્ચીને સીરૉકમાં જાય છે, ત્યાં તે મધરાતે ઈશુના નવા વર્ષને જન્માવતાં જન્માવતાં દારૂની પ્યાલીઓ ગટગટાવે છે. ઘણાને કડવોવખ શરાબ ભાવતો નથી, પણ જોન્સીસની હારોહાર રહેવું હોય તો આવા ઘણા ઘૂંટડા ગળવા પડે.

મહેનતથી અને હવાલાથી (ઑકેઝનલી, દાણચોરીથી) સમાજની સીડીનાં પગથિયાં ચઢીને ઉપલા મધ્યમ વર્ગ સુધી પહોંચનાર અને અપર મિડલ કલાસને તથા શ્રીમંત વર્ગને અલગ પાડતી વેફર જેવી પાતળી રેખા ભૂંસવાની તૈયારી કરનાર એક મલાડિયા વેપારીએ ઈશુનું નવલું વર્ષ ઊજવવા માટે ડિસ્કો હંગામાની સિલ્ક સ્મિથા (સ્મિતા એમ વાંચો)ની ૧૦૦ રૂપિયાની ટિકિટ કઢાવી. ગુજરાતી અખબારોએ આડી પડેલી સિલ્ક સ્મિથાની ઑફ્ફસેટ પ્રિન્ટિંગમાં એવી આકર્ષક (આઈઝેક આઈન્સ્ટિનનો શબ્દ વાપરીએ તો આ આકર્ષક શબ્દ એકદમ સાપેક્ષ અને સબજેક્ટિવ છે) છબી છાપી હતી આ સફળ પણ અશિક્ષિત બીઝનેસમૅન આપણે રહી જઈશું એવી લાહ્યમાં મારતી ટૅક્સીએ મલાડથી ડિસ્કો હંગામામાં પહોંચ્યા. પાંચ કલાક પછી તેઓ બહાર આવ્યા ત્યારે તેમને એક પેલા પિપૂડાવાળા સિંગલ રૂમિયા અને બીજા પેલા ભાયંદરવાળા ડબલ રૂમિયા સંબંધી મળી ગયા.

આમ તો મલાડિયા વેપારી (સૉરી, બીઝનેસમૅન) પૂરા ક્લાસકૉન્શિયસ એટલે પ્રથમ તો તેમનું નાકનું ટેરવું ચઢી ગયું, પણ પછી તેમણે સૌને ઉદારતાથી ફાઈવફાઈવફાઈવ વહેંચીને વીતકકથા સંભળાવી: સાલ્લું કશ્શું જ ન જોવા મળ્યું. સિલ્ક સ્મિથાએ કશ્શું જ (યુ નો વૉટ) છતું ન કર્યું, આના કરતાં તો પિક્ચરમાં સિલ્ક સ્મિથા વધુ ઉદારતા દાખવે છે. પૈસા પડી ગયા. સુખ નામના પ્રદેશની એમની ખોજ અતૃપ્ત રહી. મધ્યમ વર્ગનો માનવી પડોશીનો વાદ કરે છે.

૩૦થી ૪૦ વર્ષ પહેલાં દોરડીને છેડે દોરાનું રીલ કે ટેઈલર લટકાવીને તેને ઊંચુંનીચું કરવાની રમત મુંબઈમાં શરૂ થઈ. યો-યો (ક્વીઝ કે બૅન્ડાલોન) નામનું આ સસ્તું રમકડું હાથમાં લઈને મુંબઈગરાઓ નીકળી પડતા. એમને વધારે ઉલ્લુ બનાવવા સિનેમાવાળાઓએ યો-યો, યો-યોવાળાં ગાયનો કાઢ્યાં. એ જમાનામાં લૂપ નામના પ્લાસ્ટિકના મોટા પૈડાને કેડ ઉપર ઘુમાવવાની પણ ફૅશન આવી હતી.

આજે પટાવાળાઓ ઓફિસ છૂટે ત્યારે ટેરિલિનનાં પેન્ટબુશર્ટ ચઢાવે છે અને ઑટોમૅટિક વૉચ પહેરે છે. પછી પાંઉ ઉસળ ખાઈને તેઓ ઝૂંપડપટ્ટીમાં જઈને ટૂંટિયું વાળીને સૂઈ જાય છે. વટમાં તો રહેવું જ જોઈએ. અમને કદી કાંડાઘડિયાળ પહેરવાની જરૂર જણાઈ નથી અને અમારી એવી દૃઢ માન્યતા છે કે તેની ઉપર કામનો કહેવાય એવો હજી સુધી એક પણ ફોન આવ્યો નથી. લોકોને ઋષિમુનિ કે ગાંધીજી બનાવી દેવાનો આ ચાળો નથી, પરંતુ સગવડોને કારણે વંકાતાં (વાર્પ‌્ડ, રિફૅક્ટેડ) મૂલ્યો ભણી અહીં આંગળી ચીંધવી છે.

સવારથી સાંજ સુધી આપણે કુટેવોના ગુલામો બની રહીએ છીએ. ઊઠતાંવેંત ટીવીવાળી પેલી મલ્ટિનેશનલો આપણો કબજો લઈ લે છે. ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, નસ્કૅફે, લિપ્ટન, લક્સ, રેક્સોના, આફરશેવ, બૂટપૉલિશ, શેફર્સ, પારકર, બ્રિટાનિયા બિસ્કિટ, ઈન્ટિમેટ, રાતે સૂઈએ ત્યાં સુધીમાં તો મલ્ટિનૅશનલોએ અને કન્ઝ્યુમર ઈન્ડસ્ટ્રીએ આપણને વેઠિયા ગુલામ (બૉન્ડેડ લેબર) બનાવી દીધા હોય છે. તૃષ્ણાના અગ્નિમાં ગમે એટલાં ઈંધણ નાખો એ ઓછાં પડશે.

કલ્ચરનો અર્થ પેન્ગ્વિન લેક્સિકૉને આ પ્રમાણે આપ્યો છે. કલ્ટિવેશન, કૉમર્શિયલ ગ્રોઇંગ ઑર બ્રિડિંગ, આર્ટિફિશિયલ રિયરિંગ ઑફ બૅક્ટેરિયા, ટેસ્ટ (ટીએએસટીઈ), જજમેન્ટ, હાઈ ઈન્ટેલેક્ચ્યુઅલ ઍન્ડ ઍસ્થેટિક ડેવલપમેન્ટ, સ્ટેટ ઑફ ઈન્ટેલેક્ચ્યુઅલ ઍન્ડ સોશિયલ ડેવેલપમેન્ટ ઑફ એ ગ્રુપ, ટાઈપ ઍન્ડ ડિગ્રી ઑફ સિવિલિઝેશન. અંગ્રેજી શબ્દોના કહેવાતા ગુજરાતી અર્થ આપતી આપણી ડિક્શનેરીઓ અભણ માણસોએ લખેલી ગુનાહિત ચીજો છે એટલે તેમાં કલ્ચર કે સિવિલિઝેશનનો અર્થ શોધવા જવું એ તો હિન્દી સિનેમાના ગાયનમાં કાવ્યતત્ત્વની ખોજ કરવા જેવું કે સો મણ રૂમાં ખોવાયેલી સૉય ગોતવા જેવું દુષ્કર કાર્ય છે. ગુજરાત વિદ્યાપીઠનો સાર્થ જોડણીકોશ અંગ્રેજી શબ્દોની બાબતમાં મહેતો મારેય નહીં ને ભણાવેય નહીં જેવો છે. એમાં સભ્યતાનો અર્થ સંસ્કૃતિ, અને સંસ્કૃતિનો અર્થ સભ્યતા અને બેઉનો અર્થ સામાજિક પ્રગતિ એવો આપ્યો છે. ફરી આઈન્સ્ટીનને યાદ કરવો પડે: આ પ્રગતિ શબ્દ સાપેક્ષ છે.

રુસી કરંજિયાના ડેઈલીમાં હમણાં ખાદીક્લૅડ ટેલિપ્રિન્ટર્સ એવા મથાળા નીચે એક લેખ પ્રસિદ્ધ થયો હતો. તેમાં પત્રકારોની પ્રગતિની વાત હતી. રોજના હજાર રૂપિયા જેનો ચાર્જ છે એવી ફાઈવસ્ટાર રૂમોમાં કૉંગ્રેસના મહેમાનો બનીને જે પત્રકારોએ શતાબ્દીનું કવરેજ કર્યું તેમણે, ડેઈલીના અહેવાલ પ્રમાણે, કૉંગીશ્રેષ્ઠીઓનું નકરું ડિક્ટેશન લીધું હતું. અહીં પત્રકારોએ પ્રગતિ કરી હતી પણ પત્રકારત્વે પીછેહઠ કરી હતી.

ટીવીની જાહેરખબરોથી અને જીવન માણવા વિશેના અધકચરા ખ્યાલોને કારણે આપણું જીવનદર્શન આવું દ્વિમુખી થઈ ગયું છે. ઈચ્છાઓ, તૃષ્ણાઓ, ઝંખનાઓ, કામનાઓ અને મહત્ત્વાકાંક્ષાઓને સંતોષવા મધ્યમ વર્ગનો માનવી સવારથી સાંજ સુધી પૅંતરાબાજી (સ્કીમિંગ) કર્યા કરે છે.
 [પાછળ]     [ટોચ]