[પાછળ] |
કાઠીયાવાડમાં કેળવણીનું પ્રભાત લેખકઃ ધનજીશા બમનજી કરાકા
કાઠીયાવાડમાં પહેલવહેલી ગુજરાતી નિશાળ રાજકોટમાં ઈ.સ. ૧૮૩૭માં સ્થાપવામાં આવી. તેનો તમામ ખર્ય કંપની સરકાર તરફથી કરવામાં આવતો હતો. ત્યાર પછી ઈ.સ. ૧૮૪૬માં મહેરબાન માલેટ સાહેબ, કે જે તે વખતના પોલિટીકલ એજન્ટ હતા, તેમણે સમગ્ર કાઠીયાવાડમાં કેળવણીનો ધોરણસર પાયો નાખવાનો પ્રયત્ન કર્યો પણ તે યોજના સફળ થઈ નહિ.
તેમના પછી કર્નલ લાંગ સાહેબ પોલિટીકલ એજન્ટ થયા. તેમણે રાજકોટમાં એક મુખ્ય શાળા સ્થાપવાનો આગ્રહ રાખ્યો અને તે માટે આતુરતાપૂર્વક દરખાસ્ત મૂકી અને નાણાની જેમ જેમ સગવડ થાય તે પ્રમાણે જુદા જુદા દેશી રાજ્યોના મુખ્ય શહેરોમાં નિશાળો ઉઘાડવાની ભલામણ કરી. આ દરખાસ્તના પરિણામે રાજકોટમાં એક સેન્ટ્રલ અંગ્રેજી-ગુજરાતી સ્કૂલ શરૂ થઈ અને કંપની સરકારના બોર્ડ ઑફ એજ્યુકેશને મિ. ભોગીલાલ પ્રાણવલ્લભદાસ નામના એક અનુભવી ગૃહસ્થને ઈ.સ. ૧૮૫૩ના ઑગસ્ટ મહિનામાં આ સેન્ટ્રલ સ્કૂલના પ્રથમ હેડ માસ્ટર તરીકે મોકલાવ્યા. કાઠીયાવાડના જુદા જુદા તાલુકાઓમાં જે ગુજરાતી નિશાળો ઉઘાડવામાં આવે તે નિશાળોના સુપરિન્ટેન્ડેન્ટ તરીકે પણ મિ. પ્રાણલાલે કામ કરવાનું હતું. બોર્ડ ઑફ એજ્યુકેશનની સલાહ પ્રમાણે આ નવી ગોઠવણના અમલ માટે એક સ્થાનિક સંસ્થા - સેન્ટ્રલ એજ્યુકેશન કમિટીની સ્થાપના કરવામાં આવી જેમાં પોલિટીકલ એજન્ટ સાહેબને પ્રમુખ તરીકે અને આસિસ્ટંટ પોલિટીકલ એજન્ટો તથા મુખ્ય દેશી રાજ્યોના કારભારીઓને સભાસદ તરીકે લેવામાં આવ્યા. કર્નલ લાંગ સાહેબે છોકરાઓ માટે ગુજરાતી અને અંગ્રેજી કેળવણીનો જેમ પાયો નાખ્યો તેવી જ રીતે તેમણે ઈ.સ. ૧૮૫૫માં રાજકોટમાં પોતાના ખર્ચે (કંપની સરકારના ખર્ચે નહિ) એક કન્યાશાળા સ્થાપીને કાઠીયાવાડમાં કન્યા કેળવણીનો પણ પ્રારંભ કર્યો. માનનીય લાંગ સાહેબ નિવૃતી લઈ વિલાયત ગયા અને તે પછી પણ તેમણે પોતાના પેન્શનમાંથી કેટલાંક વર્ષ સુધી આ કન્યાશાળાનો નિભાવ કર્યો. પછી દેશી રાજ્યોએ લાંગ સાહેબની કાયમી સ્મૃતિ જાળવી રાખવા રૂા. ૫,૫૦૦નો ફાળો એકઠો કર્યો, તેના વ્યાજમાંથી અને રાજકોટના મહેરબાન ઠાકોર સાહેબની મદદથી આ કન્યાશાળા ચલાવવામાં આવી હતી. ત્યાર પછી ઈ.સ. ૧૮૬૫ના એપ્રિલની આખરે એટલે કાઠીયાવાડમાં કેળવણીની વ્યવસ્થિત શરૂઆત થયાના ૧૨ વર્ષ પછી કુલ ૫૫ નિશાળો કાર્યરત થઈ હતી જેની વિગત આ પ્રમાણે છેઃ એન્ગ્લો-વર્નાક્યુલર એટલે કે અંગ્રેજી-ગુજરાતી શાળાઓ............. ૨ ગુજરાતી નિશાળો..... ...... ...... ...... .... ૪૩ કન્યાશાળા.... ..... ...... ....... ....... .... ૮ ફારસી-ઉર્દૂ મક્તબ .... ....... ...... ..... ... ૧ સંસ્કૃત પાઠશાળા ..... ...... ..... ..... ..... ... ૧ કુલ ૫૫ઈ.સ. ૧૮૬૫માં એક નવી કટોકટી ભરેલી પરિસ્થિતિ આવી. અંગ્રેજ સરકારે દેશી રાજ્યો પર દબાણ કર્યું કે દરેક દેશી રાજ્યે પોતાના રાજ્યની હદમાં આવેલી શાળાનું બધું ખર્ચ પોતે જ ભોગવવું પરંતુ આ નિશાળોનો વિકાસ કરવાની જવાબદારી તેમ જ તેની વ્યવસ્થા-કારોબાર વગેરે બધું કામ ઈલાકાના સરકારી કેળવણી ખાતા હસ્તક રાખવું અને જે એક સેન્ટ્રલ કમિટી છે તે ઉપરાંત ચાર વિસ્તારોમાં એક એક અલગ સ્થાનિક એજ્યુકેશન કમિટીની પણ રચના કરવી. આને કારણે નિશાળમાં ભણનારા દરેક વિદ્યાર્થીએ દર મહિને એક આનો ફી ભરવી પડે એવી નોબત આવી. દેશી રાજ્યોએ વિદ્યાર્થીઓ ઉપર આવી માસિક શિક્ષણ ફી સામે પોતાનો મક્કમ વિરોધ જાહેર કર્યો તો સામે નવા પોલિટીકલ એજન્ટ કીટીંજ સાહેબે ખુલ્લી રીતે જાહેર કર્યું કે જો દરબારો તેમની મમત મૂકશે નહિ તો હું સેન્ટ્રલ એજ્યુકેશન કમિટીના પ્રમુખના હોદ્દાનું રાજીનામું આપીને કમિટી સાથેના બધા સંબંધ તોડી નાખીશ. તેમણે તો દેશી રાજ્યો પર કોઈ એજ્યુકેશન ટેક્ષ લાદવાની પણ સરકારને ભલામણ કરી નાખી. સદનસીબે તે સમયે કાઠીયાવાડના ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર તરીકે રાવસાહેબ ગોપાળજી સુરભાઈ દેસાઈની નિમણૂક થઈ. શાણા, સમજુ અને હોંશિયાર આ અધિકારીએ સમજાવટનો માર્ગ અખત્યાર કર્યો. દેશી રાજ્યોના કારભારીઓને કાગળ લખ્યા અને જાતે જઈ મળી શિક્ષણ ફી લેવાના ફાયદાઓની યોગ્ય સમજ આપી, અને ચારે ય વિસ્તારની સ્થાનિક એજ્યુકેશન કમિટીમાં ફી લેવાનો ધારો મંજુર કરાવ્યો. આ સુધારો કાઠીયાવાડમાં કેળવણીનો ફેલાવો કરવામાં ખૂબ જ મહત્વનો પુરવાર થયો. શિક્ષણ ફીના કારણે એજન્સીના અમલદારો તેમ જ દેશી રાજ્યોના વહિવટકારો કેળવણીની બાબતમાં ગંભીર બન્યા અને કેળવણીના ફેલાવા ઉપર ધ્યાન આપવા લાગ્યા. આ કારણે તેમ જ ગોપાળજીભાઈના અથાગ પ્રયાસોથી ઈ.સ. ૧૮૬૫થી કેળવણી ક્ષેત્ર સુદૃઢ બન્યું. ગોપાળજીભાઈ ગામેગામ ફરવા લાગ્યા અને નિશાળોની પરીક્ષા લેવા ઉપરાંત પ્રવચન આપી લોકોને કેળવણીના ફાયદાઓ પણ સમજાવવા લાગ્યા. આમ કરવાથી એક જ વર્ષમાં નવી ૨૪ નિશાળો ખૂલી અને એક ટીચર્સ ટ્રેઈનિંગ ઈન્સ્ટીટ્યુશનની સ્થાપનાની પણ તૈયારી થઈ. આ નવી કામગીરી માટે રૂા. ૧૭,૮૮૧ વધારાનો ખર્ચ થઈ શક્યો. તે ઉપરાંત કેળવણી ખાતાના કર્મચારીઓને પેન્શન આપવા સહિત વધુ સારા બંદોબસ્ત થયા. ઈ.સ. ૧૮૬૬ પછી કાઠીયાવાડમાં નિશાળોની અને વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધતી જ રહી છે. ઈ.સ. ૧૮૬૮માં કાઠીયાવાડના રાજા, રાણા ને તાલુકદારો માટે રાજકુમાર કૉલેજની સ્થાપના કરવામાં આવી. ત્યાર પછી વઢવાણ સિવીલ સ્ટેશનની હદમાં તાલુકદારી ગરાસીયા સ્કૂલ પણ શરૂ કરાઈ હતી. આ નિશાળો માટે ખૂબસુરત મકાનો બંધાયા અને તેમાં કાળજીપૂર્વક શોધીને યોગ્ય પ્રિન્સીપલ સાહેબો અને શિક્ષકોને રાખવામાં આવ્યા. ઈ.સ. ૧૮૭૯માં રાજકોટમાં એક ચિત્રકળાનો વર્ગ જે આગળ જતાં હુન્નરશાળા બને તે ઈરાદાથી શરૂ કરાયો પણ તે પૂરતા વિદ્યાર્થીઓના અભાવે બંધ કરવો પડ્યો. મહિલા શિક્ષકોને તાલિમ આપી તૈયાર કરવાના હેતુથી ઈ.સ. ૧૮૮૫થી બાર્ટન ફીમેલ ટ્રેઈનિંગ કૉલેજથી શરૂ કરાઈ છે. ભાવનગર રાજ્ય જે સુધારા દાખલ કરવામાં આગેવાની લેતું રહ્યું છે તેણે બી.એ. સુધીના ઉચ્ચ શિક્ષણ માટે એક કોલેજ ઈ.સ. ૧૮૮૫થી શરૂ કરી છે. સામાન્ય પ્રજામાં કેળવણીનું પ્રમાણ ઘણી ઝડપથી વધતું જાય છે. હાલ (એટલે કે સને ૧૮૮૬માં) કાઠીયાવાડમાં કુલ ૭૪૨ ગુજરાતી નિશાળો, ૧૭ અંગ્રેજી-ગુજરાતી નિશાળો અને ૫ હાઈસ્કૂલો છે. પા સદી પહેલા જ્યાં ફક્ત બે અંગ્રેજી અને ૪૫ ગુજરાતી નિશાળો હતી તેની સરખામણીમાં આ ફેરફાર ખરેખર આશ્ચર્યજનક લાગે છે. (ઈ.સ. ૧૮૮૬માં લખાયેલા આ લેખની ભાષા સુધારાઈ છે.) |
[પાછળ] [ટોચ] |