[પાછળ] 
પ્રજ્ઞાપારમિતા
લેખકઃ ઉમાશંકર જોશી


પ્રજ્ઞા એટલે બુદ્ધિ. પણ, ના, એ કરતાંયે કાંઇક વિશેષ એનો અર્થ છે.

બુદ્ધિના બે પ્રકાર છેઃ

(૧) ગ્રહણવતી બુદ્ધિ તે વસ્તુને સમજી તેનું ગ્રહણ કરનારી શક્તિ.

(૨) ધારણવતી બુદ્ધિ તે ગ્રહણ કરેલી વસ્તુને ખપ પડે ત્યાં સેવામાં રજૂ કરવા માટે, સંઘરી રાખનારી શક્તિ.

આમાંથી ગ્રહણવતી બુદ્ધિને પ્રજ્ઞા કહે છે, ધારણવતી બુદ્ધિ મેધા કહે છે.

प्रज्ञापारम् એટલે પ્રજ્ઞાની પણ પેલે પાર. इता એટલે ગયેલી. બુદ્ધિની પણ પાર ગયેલી એવી મહાશક્તિના દર્શન આ શિલ્પકૃતિ દ્વારા કરાવવામાં આવ્યાં છે. એ મહાશક્તિ તે સરસ્વતી. આ મૂર્તિ જાવામાંથી મળી આવી હતી. પ્રાચીન કાલમાં હિંદમાંથી કેટલાક લોકો જાવા સુમાત્રા જઈને વસ્યા ત્યારે તેમની સાથે અને તેમની પાછળ પાછળ અહીંની કળા પણ ત્યાં જઈ વસી. સરસ્વતીની આ મૂર્તિની કારીગરી ભારતીય ઢબે થયેલી છે. હાલ એ જર્મનીના લાડીન શહેરના માનવવંશવિજ્ઞાનના સંગ્રહાલય (મ્યુઝિયમ)માં છે. ભાવનામૂર્તિ તરીકે એ અદ્વિતિય લેખાય છે.

વિકસેલાં પદ્મદલ વચ્ચે એમનું આસન છે. અને પદ્માસને પોતે બેઠાં છે. ડાબે હાથે બાજુબંધ પણ પદ્મના છે. હાથની મુદ્રા અને મુખાકૃતિ ધ્યાનાવસ્થાની નિષ્કંપ શાંતિ દર્શાવે છે. સમાધિમાં એ ગરક છે. સમાધિનો આનંદ ઢળેલાં પોપચાંમાંથી જાણે ફૂટી નીકળે છે.

કળાકારે પોતાના હૃદયની ભાવનાને, સર્જનમાં પોતાને પ્રેરણા આપનારી ભાવનાને, પોતાની આગળ મૂર્તિરૂપે પ્રગટ કરી દીધી ન હોય!

(સ્નેહરશ્મિ સંપાદિત સાહિત્ય પલ્લવ ભાગ-૨)
 [પાછળ]     [ટોચ]