[પાછળ] 

રાયચંદભાઈના કેટલાંક સ્મરણો
લેખકઃ મોહનદાસ કરમચંદ ગાંધી

જેનાં પવિત્ર સ્મરણો લખવાનો હું આરંભ કરું છું તે સ્વ. શ્રીમદ્ રાજચંદ્રની જન્મતિથિનો આ દિવસ છે. એટલે કાર્તિક પૂર્ણિમા (સંવત ૧૯૭૯). મારો પ્રયત્ન શ્રીમદ્ રાજચંદ્રનું જીવનચરિત્ર લખવાનો નથી. એ કાર્ય મારી શક્તિની બહાર છે, મારી પાસે સામગ્રી નથી. જીવનચરિત્ર લખવું હોય તો હું તેમની જન્મભૂમિ વવાણિયા બંદરમાં કેટલોક વખત ગાળું, તેમનું રહેવાનું મકાન તપાસું, તેમનાં રમવા ભમવાનાં સ્થાનો જોઉં, તેમનાં બાળમિત્રોને મળું, તેમની નિશાળમાં જઈ આવું, તેમના મિત્રો, અનુયાયીઓ, સગાંસંબંધીઓને મળું, તેમની પાસે જાણવાનું જાણી લઉં ને પછી જ લખવાનો આરંભ કરું. આમાંની કોઈ વસ્તુનો મને પરિચય નથી.

પણ સ્મરણો લખવાની પણ મારી શક્તિ અથવા યોગ્યતા વિષે મને શંકા ઉત્પન્ન થઈ છે. અવકાશ હોય તો તેમનાં સ્મરણો લખું એવો ઉદ્‌ગાર મેં એકથી વધારે વખત કાઢેલો (એવું) મને યાદ છે. તેમના એક શિષ્ય કે જેમને સારુ મારા મનમાં ઘણું માન છે, તેમણે તે સાંભળેલું અને આ આરંભ મુખ્યત્વે તેમને સંતોષવાને ખાતર છે. શ્રીમદ્ રાજચંદ્ર જેમને હું રાયચંદભાઈ અથવા કવિ એવા નામથી પ્રેમ અને માનપૂર્વક બોલાવતો, તેમનાં સ્મરણો લખી તેમનું રહસ્ય મુમુક્ષુ પાસે મૂકવું એ મને ગમે. હવે તો મારો પ્રયાસ કેવળ મિત્રને સંતોષવા પૂરતો છે. તેમનાં સ્મરણોને હું ન્યાય આપી શકું તેને સારુ મને જૈનમાર્ગનો પરિચય હોવો જોઈએ, મારે કબૂલ કરવું જોઈએ કે તે નથી. તેથી મારું દૃષ્ટિબિંદુ હું અત્યંત સંકુચિત રાખવાનો છું. જે સ્મરણોથી મારા જીવન ઉપર છાપ પડી છે તેની નોંધ અને તેમાંથી જે શિક્ષણ મને મળ્યું છે તે જ આપી હું સંતોષ માનીશ. કદાચ જે લાભ મને મળ્યો તે અથવા તેવો તે સ્મરણોથી વાંચનાર મુમુક્ષુને પણ મળે. ‘મુમુક્ષુ’ શબ્દ મેં ઇરાદાપૂર્વક વાપર્યો છે. બધી જાતના વાંચનારને સારુ આ પ્રયાસ નથી.

મારી ઉપર ત્રણ પુરુષોએ ઊંડી છાપ પાડી છે. ટૉલ્સ્ટોય, રસ્કિન અને રાયચંદભાઈ. ટૉલ્સ્ટોયની તેમના અમુક પુસ્તક દ્વારા અને તેમની સાથેના થોડા પત્રવ્યવહારથી, રસ્કિનની તેના એક જ પુસ્તક ‘અનટુ ધિસ લાસ્ટ’થી, - જેનું ગુજરાતી નામ ‘સર્વોદય’ મેં રાખ્યું છે – અને રાયચંદભાઈની તેમની સાથેના ગાઢ પરિચયથી. હિંદુધર્મમાં મને શંકા પેદા થઈ તે સમયે તેના નિવારણમાં મદદ કરનાર રાયચંદભાઈ હતા. સને ૧૮૯૩ની સાલમાં દક્ષિણ આફ્રિકામાં હું કેટલાક ખ્રિસ્તી સજ્જનોના ખાસ સંબંધમાં આવેલો. તેમનું જીવન સ્વચ્છ હતું. તે ધર્મચુસ્ત હતા. બીજા ધર્મવાળાને ખ્રિસ્તી થવા સમજાવવા એ તેમનો મુખ્ય વ્યવસાય હતો. જોકે મારો તેમની સાથે સંબંધ વ્યાવહારિક કાર્યને જ અંગે થયેલો તો પણ તેમણે મારા આત્માના કલ્યાણ અર્થે ચિંતા કરવા માંડી. મારું એક કર્તવ્ય હું સમજી શક્યો. જ્યાં સુધી હિંદુધર્મનું રહસ્ય હું પૂરું ન જાણી લઉં અને તેનાથી મારા આત્માને અસંતોષ ન થાય, ત્યાં સુધી મારા જન્મનો ધર્મ મારે ન જ તજવો જોઈએ, તેથી મેં હિંદુ અને બીજાં ધર્મપુસ્તકો વાંચવાં શરૂ કર્યાં. ખ્રિસ્તી, મુસલમાની પુસ્તકો વાંચ્યાં. લંડનમાં થયેલા અંગ્રેજ મિત્રોની સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. તેમની આગળ મારી શંકાઓ મૂકી, તેમજ હિંદુસ્તાનમાં જેઓ ઉપર મારી કંઈ પણ આસ્થા હતી તેમની સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. તેમાં રાયચંદભાઈ મુખ્ય હતા. તેમની સાથે તો મને સરસ સંબંધ બંધાઈ ચૂક્યો હતો. તેમના પ્રત્યે માન હતું, તેથી તેમની મારફતે જે મળી શકે તે મેળવવા વિચાર કર્યો. તેનું પરિણામ એ આવ્યું કે હું શાંતિ પામ્યો. હિંદુધર્મમાં મને જે જોઈએ તે મળે એમ છે, એવો મનને વિશ્વાસ આવ્યો. આ સ્થિતિને સારુ રાયચંદભાઈ જવાબદાર થયા એટલે મારું માન તેમના પ્રત્યે કેટલું વધ્યું હોવું જોઈએ તેનો ખ્યાલ વાંચનારને કંઈક આવશે. એમ છતાં મેં એમને ધર્મગુરુ નથી માન્યા. ધર્મગુરુની તો શોધ જ કર્યા કરૂં છું, અને હજુ સુધી મને બધાને વિષે જવાબ ‘આ નહિ’ એમ જ મળ્યો છે. એવા સંપૂર્ણ ગુરુ મળવાને સારુ અધિકાર જોઈએ, તે ક્યાંથી કાઢું?


રાયચંદભાઈની સાથે મારી ઓળખાણ સન ૧૮૯૧ના જુલાઈ માસમાં જે દિવસે હું વિલાયતથી પાછો ફરી મુંબઈ પહોંચ્યો તે જ દિવસે થઈ. એ દિવસોમાં દરિયામાં તોફાન હોય છે. તેથી આગબોટ મોડી પહોંચેલી ને રાત પડી ગઈ હતી. મારો ઉતારો દાક્તર–બેરિસ્ટર અને હવે રંગૂનના પ્રખ્યાત ઝવેરી – પ્રાણજીવનદાસ મહેતાને ત્યાં હતો, રાયચંદભાઈ તેમના વડીલ ભાઈના જમાઈ થાય. દાક્તરે જ પરિચય કરાવેલો. તેમના બીજા વડીલ ભાઈ ઝવેરી રેવાશંકર જગજીવનદાસની ઓળખ પણ તે જ દિવસે થઈ. દાક્તરે રાયચંદભાઈને ‘કવિ’ કહી ઓળખાવ્યા, અને મને કહ્યું, ‘કવિ છતાંયે અમારી સાથે વેપારમાં છે. તેઓ જ્ઞાની છે, શતાવધાની છે,’ કોઈએ સૂચના કરી કે મારે કેટલાક શબ્દો તેમને સંભળાવવા ને તેઓ તે શબ્દો ગમે તે ભાષાના હશે તો પણ જે ક્રમમાં હું બોલ્યો હઈશ તે જ ક્રમમાં પાછા કહી જશે. મને આ સાંભળીને આશ્ચર્ય થયું. હુ તો જુવાનિયો, વિલાયતથી આવેલો, મારા ભાષાજ્ઞાનનો પણ ડોળ; મને વિલાયતનો પવન ત્યારે કંઈ ઓછો ન હતો, વિલાયતથી આવ્યા એટલે (જાણે) ઊંચેથી ઉતર્યા. મેં મારું બધું જ્ઞાન ઠાલવ્યું અને જુદી જુદી ભાષાના શબ્દો પ્રથમ તો મેં લખી કાઢ્યા – કેમકે મને ક્રમ ક્યાં યાદ રહેવાનો હતો? અને પછી તે શબ્દો હું વાંચી ગયો. તે જ ક્રમમાં રાયચંદભાઈએ હળવેથી એક પછી એક બધા શબ્દો કહી દીધા. હું રાજી થયો, ચકિત થયો અને કવિની સ્મરણશક્તિ વિષે મારો ઊંચો અભિપ્રાય બંધાયો. વિલાયતનો પવન હળવો પાડવા સારુ આ અનુભવ સરસ થયો ગણાય.

કવિને અંગ્રેજી જ્ઞાન મુદ્દલ ન હતું, તેમની ઉંમર તે વખતે પચીસથી ઉપર ન હતી. ગુજરાતી નિશાળમાં પણ થોડો જ અભ્યાસ કરેલો. છતાં આટલી સ્મરણશક્તિ, આટલું જ્ઞાન અને આટલું તેમની આસપાસનાઓ તરફથી માન. આથી હું મોહાયો. સ્મરણશક્તિ નિશાળમાં નથી વેચાતી. જ્ઞાન પણ નિશાળની બહાર જો ઈચ્છા થાય – જિજ્ઞાસા હોય – તો મળે અને માન પામવાને સારુ વિલાયત કે ક્યાંયે જવું નથી પડતું. પણ ગુણને માન જોઈએ તો મળી રહે છે, એ પદાર્થપાઠ મને મુંબઈ ઉતરતાં જ મળ્યો.

કવિની સાથેનો આ પરિચય બહુ આગળ ચાલ્યો. સ્મરણશક્તિ ઘણાંની તીવ્ર હોય, તેથી અંજાવાની કશી જરૂર નથી. શાસ્ત્રજ્ઞાન પણ ઘણાને જોવામાં આવે છે. પણ જો તે સંસ્કારી ન હોય તો તેમની પાસેથી ફુટી બદામ પણ નથી મળતી. સંસ્કાર સારા હોય ત્યાં જ સ્મરણશક્તિ અને શાસ્ત્રજ્ઞાનનો મેળાપ શોભે અને જગતને શોભાવે. કવિ સંસ્કારી અને જ્ઞાની હતા.


અપૂર્વ અવસર એવો ક્યારે આવશે,
        ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો,
સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને,
       વિચરીશું કવ મહત્પુરૂષને પંથ જો?
સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી,
         માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો,
અન્ય કારણે અન્ય કશું કલ્પે નહિ,
        દેહે પણ કિંચિત્ મૂર્છા નવ હોય જો – અપૂર્વ.
રાયચંદભાઈના ૧૮ વર્ષની ઉંમરે નીકળેલા અપૂર્વ ઉદ્‌ગારની આ પહેલી બે કડીઓ છે.

જે વૈરાગ્ય એ કડીઓમાં ઝળહળી રહ્યો છે તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલો. તેમનાં લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં ક્યાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારુ એક લીટી સરખી પણ લખી હોય એમ મેં નથી જોયું. તેમની પાસે હંમેશાં કંઈક ધર્મપુસ્તક અને એક કોરી ચોપડી પડેલાં જ હોય. એ ચોપડીમાં પોતાના મનમાં જે વિચાર આવે તે લખી નાંખે. કોઈ વેળા ગદ્ય ને કોઈ વેળા પદ્ય. એવી રીતે જ ‘અપૂર્વ અવસર’ પણ લખાયેલું હોવું જોઈએ.

ખાતાં, બેસતાં, સૂતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તો હોય જ. કોઈ વખત આ જગતના કોઈ પણ વૈભવને વિષે તેમને મોહ થયો હોય એમ મેં નથી જોયું.

તેમની રહેણી-કહેણી હું આદરપૂર્વક પણ ઝીણવટથી તપાસતો. ભોજનમાં જે મળે તેથી સંતુષ્ટ રહેતા. પહેરવેશ સાદો. પહેરણ, અંગરખું, ખેસ, ગરભસૂતરો ફેંટો ને ધોતી. એ કંઈ બહુ સાફ કે ઈસ્ત્રીબંધ રહેતાં એમ મને સ્મરણ નથી. ભોંયે બેસવું ખુરસીએ બેસવું બંને સરખાં હતાં, સામાન્ય રીતે પોતાની દુકાન ગાદીએ બેસતા.

તેમની ચાલ ધીમી હતી, અને જોનાર સમજી શકે કે ચાલતાં પણ પોતે વિચારમાં ગ્રસ્ત છે. આંખમાં ચમત્કાર હતોઃ અત્યંત તેજસ્વી; વિહ્વળતા જરાયે ન હતી. આંખમાં એકાગ્રતા લખેલી હતી. ચહેરો ગોળાકાર, હોઠ પાતળા, નાક અણીદાર પણ નહિ, ચપટું પણ નહિ, શરીર એકવડું, કદ મધ્યમ, વર્ણ શ્યામ, દેખાવ શાંત મૂર્તિનો હતો. તેમના કંઠમાં એટલું બધું માધુર્ય હતું કે તેમને સાંભળતાં માણસ થાકે નહિ. ચહેરો હસમુખો ને પ્રફુલ્લિત હતો. તેની ઉપર અંતરાનંદની છાયા હતી. ભાષા એટલી પરિપૂર્ણ હતી કે તેમને પોતાના વિચારો બતાવતાં કોઈ દિવસ શબ્દ ગોતવો પડ્યો છે એમ મને યાદ નથી. કાગળ લખવા બેસે ત્યારે ભાગ્યે જ શબ્દ બદલતાં મેં તેમને જોયા હશે; છતાં વાંચનારને એમ નહિ લાગે કે ક્યાંયે વિચાર અપૂર્ણ છે કે વાક્યરચના તૂટેલી છે, અથવા શબ્દની પસંદગીમાં ખોડ છે.

આ વર્ણન સંયમીને વિષે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી થઈ નથી શકતો. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયત્ને મળી શકે છે એમ હરકોઈ માણસ અનુભવી શકે છે. રાગોને કાઢવાનો પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું કેવું કઠિન છે. એ રાગરહિત દશા કવિને સ્વાભાવિક હતી એમ મારી ઉપર છાપ પડી હતી.

મોક્ષનું પ્રથમ પગથિયું વીતરાગતા છે. જ્યાં સુધી જગતની એક પણ વસ્તુમાં મન ખૂંચેલું છે ત્યાં સુધી મોક્ષની વાત કેમ ગમે? અથવા ગમે તો તે કેવળ કાનને જ – એટલે જેમ આપણને અર્થ સમજ્યા વિના કોઈ સંગીતનો સૂર જ ગમી જાય તેમ. એવી માત્ર કર્ણપ્રિય ગમ્મતમાંથી મોક્ષને અનુસરનારું વર્તન આવતાં તો ઘણો કાળ વહી જાય. આંતર વૈરાગ્ય વિના મોક્ષની લગની ન થાય. એવી વૈરાગ્યલગની કવિની હતી.
૪
‘વણિક તેહનું નામ, જેહ જૂઠું નવ બોલે,
 વણિક તેહનું નામ, તોલ ઓછું નવ તોલે,
 વણિક તેહનું નામ, બાપે બોલ્યું તે પાળે,
 વણિક તેહનું નામ, વ્યાજ સહિત ધન વાળે.
 વિવેક તોલ તે વણિકનું, સુલતાન તોલ એ શાખ છે;
 વેપાર ચૂકે જો વાણિયો, દુઃખ દાવાનળ થાય છે.’
–શામળભટ્ટ
સામાન્ય માન્યતા એવી હોય છે કે વ્યવહાર કે વેપાર અને પરમાર્થ અથવા ધર્મ એ બે નોખી ને વિરોધી વસ્તુ છે, વેપારમાં ધર્મ દાખલ કરવો એ ગાંડપણ છે. એમ કરવા જતાં બન્ને બગડે. આ માન્યતા જો ખોટી ન હોય તો આપણે કપાળે કેવળ નિરાશા જ લખેલી હોય. એવી એક પણ વસ્તુ નથી, એવો એક પણ વ્યવહાર નથી કે જેમાંથી આપણે ધર્મને દૂર રાખી શકીએ.

ધાર્મિક મનુષ્યનો ધર્મ તેના પ્રત્યેક કાર્યમાં જણાવો જ જોઈએ એમ રાયચંદભાઈએ પોતાના જીવનમાં બતાવી આપ્યું હતું. ધર્મ કંઈ એકાદશીને દહાડે જ, પજુસણમાં જ, ઈદને દહાડે કે રવિવારે જ પાળવાનો, અથવા તો મંદિરોમાં, દેરાંઓમાં, દેવળોમાં ને મસ્જિદોમાં જ પાળવાનો, પણ દુકાનમાં કે દરબારમાં નહિ, એવો કોઈ નિયમ નથી; એટલું જ નહિ પણ એમ કહેવું એ ધર્મને ન ઓળખવા બરાબર છે. એમ રાયચંદભાઈ કહેતા, માનતા, ને પોતાના આચારમાં બતાવી આપતા.

તેમનો વેપાર હીરામોતીનો હતો. શ્રી રેવાશંકર જગજીવન ઝવેરીની સાથે ભાગીદાર હતા. સાથે કાપડની દુકાન પણ ચલાવતા. પોતાના વ્યવહારમાં સંપૂર્ણ રીતે પ્રામાણિકપણું જાળવતા એવી મારી ઉપર તેમણે છાપ પાડી હતી. તેઓ સોદા કરતા તે વખતે હું કોઈ વાર અનાયાસે હાજર રહેતો. તેમની વાત સ્પષ્ટ અને એક જ હતી. 'ચાલાકી' જેવું હું કંઈ જોતો નહિ. સામેનાની ચાલાકી પોતે તરત કળી જતા. તે તેમણે અસહ્ય લાગતી. એવે વખતે તેમની બન્ને ભ્રૂકુટી ચડતી, ને આંખોમાં લાલાશ હું જોઈ શકતો હતો.

ધર્મકુશળ એ વ્યવહારકુશળ ન હોય એ વહેમ રાયચંદભાઈએ ખોટો સિદ્ધ કરી બતાવ્યો હતો. પોતાના વેપારમાં પૂરી કાળજી ને હોશિયારી બતાવતા. હીરામોતીની પરીક્ષા ઘણી ઝીણવટથી કરી શકતા. જો કે અંગ્રેજી જ્ઞાન તેમને નહોતું છતાં પારિસ વગેરેના તેમના આડતિયા તરફથી આવતા કાગળો, તારોના મર્મો તરત સમજી જતા. ને તેઓની કળા વર્તતાં વાર ન લાગતી. તેમણે કરેલા તર્કો ઘણે ભાગે સાચા પડતા.

આટલી કાળજી ને હોશિયારી છતાં વેપારની તાલાવેલી કે ચિંતા ન રાખતા. દુકાનમાં બેઠા પણ જ્યારે પોતાનું કામ પૂરું થઈ રહે એટલે ધર્મપુસ્તક તો પાસે પડ્યું જ હોય તે ઉઘડે અથવા પેલી પોથી કે જેમાં પોતાના ઉદ્‌ગારો લખતા તે ઉઘડે. મારા જેવા જિજ્ઞાસુ તેમની પાસે રોજ આવ્યા જ હોય. તેમની સાથે ધર્મચર્ચા કરતાં આંચકો ન ખાય. વેપારને ટાણે વેપાર, ધર્મને ટાણે ધર્મ, અથવા એક જ વખતે એક જ કામ એ સામાન્ય અને અતિ સુંદર નિયમનું કવિ પાલન ન કરતા. પોતે શતાવધાની હોઈ તેનું પાલન ન કરે તે ચાલે. બીજાઓ તેમનો વાદ કરવા જાય તો બે ઘોડે ચડનાર જેમ પડે તેમ પડે જ. સંપૂર્ણ રીતે ધાર્મિક ને વીતરાગી પુરૂષ પણ જે ક્રિયા જે કાળે કરતો હોય તેમાં જ તે લીન થાય એ યોગ્ય છે એટલું જ નહિ પણ તેને તો એ જ શોભે. એ તેના યોગની નિશાની છે. એમાં ધર્મ છે. વેપાર અથવા એવી કોઈ પણ ક્રિયા જો કર્તવ્ય હોય તો તેમાં પણ પૂરી એકાગ્રતા હોવી જ જોઈએ અંતરમાં આત્મચિંતવન તે તો મુમુક્ષુને તેના શ્વાસની પેઠે ચાલવું જ જોઈએ, તેથી એક ક્ષણભર પણ તે વંચિત ન રહે. પણ આત્માને ચિંતવતો છતાં જે બાહ્ય કાર્ય કરતો હોય તેમાંય તે તન્મય રહે જ.

આમ કવિ નહોતા કરતા એમ હું કહેવા નથી ઈચ્છતો. ઉપર જ મેં કહ્યું છે કે પોતે તેમના વેપારમાં પૂરી કાળજી રાખતા. એમ છતાં મારી ઉપર એવી છાપ પડી છે ખરી કે કવિએ પોતાના શરીરની પાસેથી જોઈએ તે કરતાં વધારે કામ લીધું. એ યોગની અપૂર્ણતા તો ન હોય? કર્તવ્ય કરતાં શરીર પણ જવા દેવું જોઈએ એ નીતિ છે. પણ શક્તિ ઉપરવટ કંઈ વહોરી લઈ તેને કર્તવ્ય માનવું એ રાગ છે. એવો અતિ સુક્ષ્મ રાગ કવિને હશે એમ મને લાગ્યા કરે છે.

ઘણી વખત પરમાર્થ દૃષ્ટિએ માણસ શક્તિ ઉપરાંત કામ લે છે ને પછી એને પહોંચી વળતાં તણાવું પડે છે. એને આપણે ગુણ માનીએ છીએ ને તેની પ્રશંસા કરીએ છીએ. પણ પરમાર્થ એટલે ધર્મદૃષ્ટિએ જોતાં એમ ઉપાડેલાં કામમાં સૂક્ષ્મ મૂર્છા હોવાનો બહુ સંભવ છે.

જો આપણે આ જગતમાં કેવળ નિમિત્તમાત્ર જ હોઈએ, આ શરીર આપણને ભાડે મળ્યું છે ને આપણે તે વાટે તુરત મોક્ષ સાધવો એ જ પરમ કર્તવ્ય હોય, તો એ માર્ગમાં જે વિઘ્નકર્તા હોય તેનો ત્યાગ અવશ્ય કરવો જ જોઈએ એ જ પારમાર્થિક દૃષ્ટિ, બીજી નહિ.

જે દલીલો હું ઉપર કરી ગયો છું તે પણ બીજી રૂપે ને પોતાની જ ચમત્કારી ભાષામાં રાયચંદભાઈ મને સંભળાવી ગયા હતા. એમ છતાં તેમણે કેટલીક ઉપાધિઓ એવી કેવી વહોરી કે પરિણામે તેમને સખત માંદગી ભોગવવી પડી?

જો રાયચંદભાઈને પણ પરોપકાર નિમિત્તે મોહે ક્ષણવાર ઘેરી લીધા એ મારી માન્યતા ખરી હોય તો ‘प्रकृति यान्ति भूतानि निग्रहः किं करिष्यति’ એ શ્લોકાર્થ અહીં બરોબર બંધ બેસે છે; ને તેનો અર્થ એટલો જ છે. ઈચ્છાપૂર્વક વર્તવાને સારુ ઉપરના કૃષ્ણવચનનો ઉપયોગ કોઈ કરતા જણાય છે તે તો કેવળ દુરુપયોગ છે. રાયચંદભાઈની પ્રકૃતિ તેમને બળાત્કારે ઊંડા પાણીમાં લઈ ગઈ. એવા કાર્યોને દોષરૂપે પણ લગભગ સંપૂર્ણ આત્માને વિષે જ કલ્પી શકાય. આપણે સામાન્‍ય માણસો તો પરોપકારી કાર્ય પાછળ ગાંડા બનીએ ત્યારે જ તેને કદાચ પહોંચી વળીએ. આ વિષયને એટલેથી જ સમાપ્ત કરીએ.

એવી પણ માન્યતા જોવામાં આવે છે કે ધાર્મિક માણસો તો એવા ભોળા હોય છે કે તેને બધા છેતરે. તેને દુનિયાની બાબતોની કશી ખબર ન પડે. આ બરોબર હોય તો કૃષ્ણચંદ્ર અને રામચંદ્ર બે અવતારો તે કેવળ સંસારી મનુષ્યો ગણવા જોઈએ. કવિ કહેતા કે જેને શુદ્ધ જ્ઞાન છે તેને છેતરવો અશક્ય હોવું જોઈએ. માણસ ધાર્મિક એટલે નીતિમાન હોય છતાં તે જ્ઞાની ન હોય. પણ મોક્ષને સારુ નીતિ અને અનુભવજ્ઞાનનો સુસંગમ જોઈએ. જેને અનુભવજ્ઞાન થયું છે તેની પાસે પાખંડ નભી જ ન શકે. સત્યના સમીપમાં અસત્ય ન નભી શકે. અહિંસાના સાન્નિધ્યમાં હિંસા બંધ થાય. સરળતા જ્યાં પ્રકાશે છે ત્યાં છળરૂપી અંધકાર નાશ પામે છે.  જ્ઞાનવાન અને ધર્મવાન, કપટીને જુએ કે તરત તેને ઓળખે અને તેનું હૃદય દયાથી ભીનું થઈ જાય. જેણે આત્માને પ્રત્યક્ષ જોયો તે બીજાને ઓળખ્યા વિના કેમ રહે? કવિના સંબંધમાં આ નિયમ હંમેશા ખરો પડતો એમ હું નથી કહી શકતો. કોઈ કોઈ ધર્મના નામે તેમને છેતરી જતા. એવા દાખલા નિયમની અપૂર્ણતા નથી સિદ્ધ કરી શકતા, પણ સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન કેવું દુર્લભ છે એ સૂચવે છે.

આમ અપવાદો છતાં વ્યવહારકુશળતા અને ધર્મપરાયણતાનો સુંદર મેળ જેટલો મેં કવિને વિષે જોયો એટલો બીજામાં નથી અનુભવ્યો.


રાયચંદભાઈના ધર્મનો વિચાર કરીએ તેના પહેલાં ધર્મનું સ્વરૂપ જે તેમણે આલેખ્યું હતું તે જોઈ જવું અગત્યનું છે. ધર્મ એટલે અમુક મતમતાંતર નહિ. ધર્મ એટલે શાસ્ત્રોને નામે ઓળખાતાં પુસ્તકોને વાંચી જવાં કે ગોખી જવાં અથવા તેમાં કહેલું બધું માનવું જ એ પણ નહિ.

ધર્મ એ આત્માનો ગુણ છે અને માનવજાતિ વિષે દૃશ્ય કે અદૃશ્ય રૂપે રહેલો છે. ધર્મ વડે આપણે મનુષ્યજીવનનું કર્તવ્ય જાણી શકીએ છીએ. ધર્મ વડે આપણે બીજા જીવો પ્રત્યેનો આપણો ખરો સંબંધ ઓળખી શકીએ. આ બધું જ્યાં સુધી આપણે પોતાને ન ઓળખીએ ત્યાં સુધી ન જ બની શકે એ તો દેખીતું છે. તેથી ધર્મ એટલે જે વડે આપણે પોતાને ઓળખી શકીએ તે સાધન.

આ સાધન આપણે જ્યાંથી મળે ત્યાંથી લઈએ. પછી એ ભારતવર્ષમાં મળો કે યુરોપથી આવો કે અરબસ્તાનથી. આ સાધનોનું સામાન્‍ય સ્વરૂપ બધાં ધર્મશાસ્ત્રોમાં એક જ છે એમ જેણે જુદા જુદા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે તે કહી શકશે. અસત્ય બોલવું કે આચરવું એમ કોઈ શાસ્ત્ર નથી કહેતું. હિંસા કરવી એમ પણ કોઈ શાસ્ત્ર નથી કહેતું. સર્વ શાસ્ત્રોનું દોહન કરતાં શંકરાચાર્યે ‘ब्रह्म सत्यं जगन्मिथ्या’ કહ્યું. કુરાને શરીફે તેને બીજી રીતે ઈશ્વર એક છે ને તે જ છે, તેના વિના બીજું કશું નથી એમ કહ્યું. બાઈબલે કહ્યું, હું ને મારો પિતા એક જ છીએ. એ બધાં એક જ વસ્તુનાં રૂપાંતર છે. પણ આ એક જ સત્યને ખીલવવામાં અપૂર્ણ મનુષ્યોએ પોતાનાં જુદાં જુદાં દૃષ્ટિબિંદુ વાપરી આપણા સારુ મોહજાળ રચી છે તેમાંથી આપણે નીકળવું રહ્યું છે. આપણે અપૂર્ણ તે આપણાથી ઓછા અપૂર્ણની મદદ લઈ આગળ જઈએ છીએ અને છેવટે કેમ જાણે અમુક હદ લગી જતાં આગળ રસ્તો ન નથી એમ માનીએ છીએ. હકીકતમાં એવું કંઈ જ નથી. અમુક હદ પછી શાસ્ત્રો મદદ નથી કરતાં, અનુભવ મદદ કરે છે. તેથી રાયચંદભાઈએ ગાયું છે.

જે પદ શ્રીસર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં,
કહી શક્યા નહિ તે પદ શ્રી ભગવંત જો;
એહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં,
ગજા વગર પણ હાલ મનોરથ રૂપ જો—
એટલે છેવટે તો આત્માને મોક્ષ દેનાર આત્મા જ છે. આ શુદ્ધ સત્યનું નિરૂપણ રાયચંદભાઈએ ઘણી રીતે પોતાનાં લખાણોમાં કર્યું છે. રાયચંદભાઈએ ઘણાં ધર્મપુસ્તકોનો સરસ અભ્યાસ કર્યો હતો. તેમને સંસ્કૃત અને માગધી ભાષા સમજતાં જરાયે મુશ્કેલી નહોતી આવતી. વેદાંતનો અભ્યાસ તેમણે કરેલો, તેમજ ભાગવતનો અને ગીતાજીનો. જૈન પુસ્તકો તો જેટલાં તેમને હાથ આવતાં તે વાંચી જતા. તેમની ગ્રહણ કરવાની શક્તિ અગાધ હતી. એક વખતનું વાંચન તે તે પુસ્તકોનું રહસ્ય જાણી લેવાને સારુ તેમને પૂરતું હતું.

કુરાન, ઝંદ અવસ્તા ઈત્યાદિનું વાંચન પણ અનુવાદો મારફતે તેમણે કરી લીધું હતું.

તેમનો પક્ષપાત જૈન દર્શન તરફ હતો એમ તેઓ મને કહેતા. તેમની માન્યતા એવી હતી કે જિનાગમમાં આત્મજ્ઞાનની પરાકાષ્ઠા છે. આ તેમનો અભિપ્રાય મારે આપી જવો આવશ્યક છે. તેને વિષે હું મત આપવા મને તદ્દન અનધિકારી ગણું છું.

પણ રાયચંદભાઈને બીજા ધર્મ પ્રત્યે અનાદર નહોતો. વેદાંત પ્રત્યે પક્ષપાત પણ હતો. વેદાંતીને તો કવિ વેદાંતી જ જણાય. મારી સાથે ચર્ચા કરતાં મને કોઈ દિવસ તેમણે એવું તો કહ્યું જ નહિ કે મારે મોક્ષ મેળવવા અમુક ધર્મને અવલંબવો જોઈએ, મારો આચાર વિચારવાનું જ તેમણે મને કહ્યું. પુસ્તકો કયા વાંચવાં એ પ્રશ્ન ઊઠતાં મારું વલણ ને મારા બચપણના સંસ્કાર વિચારી તેમણે મને (હું) ગીતાજી વાંચતો તેમાં ઉત્તેજન આપેલું, અને બીજાં પુસ્તકોમાં પંચીકરણ, મણિરત્નમાલા, યોગવાસિષ્ટનું વૈરાગ્યપ્રકરણ, કાવ્યદોહન પહેલો ભાગ, અને પોતાની ‘મોક્ષમાળા’ વાંચવાનું સૂચવ્યું હતું.

રાયચંદભાઈ ઘણી વેળા કહેતા કે જુદા જુદા ધર્મ એ તો વાડા છે. તેમાં મનુષ્ય પુરાઈ જાય છે. જેણે મોક્ષ મેળવવો એ જ પુરુષાર્થ માન્યો છે તેને કોઈ ધર્મનું તિલક પોતાને કપાળે લગાડવાની આવશ્યકતા નથી.

સૂતર આવે ત્યમ તું રહે,
જ્યમ ત્યમ કરીને હરિને લહે.
એ જેમ અખાનું તેમ રાયચંદભાઈનું પણ સૂત્ર હતું. ધર્મના ઝગડાથી તેમને હંમેશા કંટાળો આવતો, તેમાં ભાગ્યે જ પડતા. બધા ધર્મોની ખૂબીઓ પૂરી જોઈ જતા ને તે તે ધર્મીની પાસે મૂકતા, દક્ષિણ આફ્રિકાના મારા પત્રવ્યવહારમાં પણ મેં તેમની પાસેથી એ જ વસ્તુ મેળવી હતી.

હું પોતે એમ માનનારો છું કે સર્વ ધર્મ તે તે ભક્તોની દૃષ્ટિએ સંપૂર્ણ જ છે ને સર્વ ધર્મ અન્યની દૃષ્ટિએ અપૂર્ણ છે. સ્વતંત્ર રીતે વિચારતાં સર્વ ધર્મ પૂર્ણાપૂર્ણ છે. અમુક હદ પછી બધાં શાસ્ત્રો બંધન રૂપે લાગે એ. પણ એ તો ગુણાતીતની સ્થિતિ થઈ. રાયચંદભાઈની દૃષ્ટિએ તો કોઈને પોતાનો ધર્મ છોડવાની આવશ્યકતા નથી. સહુ પોતાના ધર્મમાં રહી પોતાની સ્વતંત્રતા એટલે કે મોક્ષ મેળવી શકે છે. કેમકે મોક્ષ મેળવવો એટલે સર્વાંશે રાગદ્વેષ રહિત થવું.
 [પાછળ]     [ટોચ]