[પાછળ] 
ગુજરાતની ૨૫ વાનગીઓનો રસથાળ
લેખકઃ કિન્નર શિવકુમાર આચાર્ય

[લેખકની નોંધ]
  1. આમાંની એકપણ વાનગી એવી નથી જે કે મેં જે-તે સ્થળે જઈ ચાખી ના હોય, ઝાપટી ના હોય. આ કોઈ લેખ નથી પરંતુ મારા અનુભવો છે!
  2. મારો આ લેખ ‘અભિયાન'ના ૨૦૧૦ના વાર્ષિક અંકમાં છપાઈ ચુક્યો છે.
  3. આ વિષય પર હું ડોકટરેટ થઇ શકું એટલું મેં લખ્યું છે. એનું કારણ એ છે કે ખાણીપીણી મારો શોખ છે. મારું શરીર જુઓ તો પણ એ ખ્યાલ આવી જ જશે.
  4. માત્ર ખાવું જ નહિ, બનાવવાનો પણ શોખ છે. શાક સમારવા અને પરચુરણ કામ માટે બે હેલ્પર આપો તો ૩૦૦ માણસો માટે ફુલ કાઠિયાવાડી ડિશ એકલે હાથે બનાવી શકું છું, અનેક વખત બનાવી છે, અને એ ચેલેન્જ સાથે કે એવો અદ્ભુત સ્વાદ તમે ભાગ્યે જ ક્યાંક માણ્યો હશે. દસ જાતના પીઝા-બર્ગર, વીસ પ્રકારની સેન્ડવિચ, પંજાબી ફૂડ, ચાઇનીઝ.. બધું જ પૂરેપૂરા પરફેક્શનથી બનાવી જાણું છું.
  5. બ્લોગનો જન્મ થયો અને ઇન્ટરનેટનું ચલણ શરુ થયું એ પહેલાથી આ સબ્જેક્ટ પર લખી રહ્યો છું. ‘અભિયાને’ પચ્ચીસની યાદી માંગી એટલે મેં પચ્ચીસની આપી પણ અગાઉ ૨૦૦૦ની સાલમાં ‘રિડિફ ડોટ કોમ’ પર આ જ વિષય પર લેખ અને આખા વિભાગ લખી ચૂક્યો છું.
  6. ૨૦૦૨ માં હું અખબારના આખા પેજનો પાંચ હજાર શબ્દોનો લેખ લખી ચુક્યો છું – "ગુજરાતનું સ્વાદોપનિષદ: ઇન્દ્રિયોમાં હું જીભ છું!"
  7. ૨૦૦૪માં ‘હોટલાઈન' (વિક્રમ વકીલનું મેગેઝિન)ના દિવાળી અંકમાં મેં આઠ પેજનો લેખ ગુજરાતની વિવિધ વાનગીઓ અને ખાનપાન પર લખ્યો હતો.
  8. ૨૦૦૮થી ૨૦૧૦ સુધી ‘અકિલા'માં રાજકોટની ખાણીપીણી પર અનેક લેખો લખ્યા છે.


ધાર્મિક કાર્યોના આરંભે જેમ ગણેશ ભગવાનનું સ્મરણ કરવાનો રીવાજ છે એમ ગુજરાતના ખાનપાન અંગે કશી જ વાતનો પ્રારંભ કરતાં હોઈએ તો પરથમ સ્મરણ સુરતનું જ કરવું પડે !

પચ્ચીસ વાનગીઓની યાદી છલકાવવાની ‘એકલવીર’ જેવી ક્ષમતા સુરતની ખાણીપીણીમાં છે. અઠવા લાઈન્સમાં મળતી કાકીની પાંઉભાજીનો સ્વાદ એકદમ યુનિક કહી શકાય એવો છે. મોટા ભાગે ચોમાસાની ઋતુમાં જ મળતા સરસિયાં ખાજા સુરતની પોતાની વાનગી છે. સરસિયાંના તેલમાં બનતા આ મસાલેદાર સાટાને તે ગરમાગરમ હોય ત્યારે જ તેનાં પર લીંબુ નિચોવીને ઓહીયા કરવામાં આવે છે. એગિટેરિયન લોકો માટે સુરતમાં જેટલાં મજેદાર ઓપ્શન્સ મળે છે એટલાં ગુજરાતનાં અન્ય કોઈ જ શહેરમાં મળવા સંભવ નથી. સુરતનું વાનગીપુરાણ માંડીએ તો તેના માટે આખો અલગ લેખ લખવો પડે. અહીં આપણે વાત કરવાની છે સુરતની ચાર વાનગીઓ વિશે: ઘારી, ખમણનો લોચો, ઉંધીયું અને પોંક.

‘ચંદી પડવો’ હોય એ રાત્રે સુરતમાં ભરપૂર ઘારી ખવાય છે. પિસ્તા ઘારી, બદામ ઘારી, કેસર પિસ્તા અને ડ્રાયફ્રુટ ઘારી... તીખી સેવ સાથે આ ઘારીની મજા જ ઓર છે. તેમાં ઘી, માવો અને સૂકામેવાનું પ્રમાણ એટલું હોય છે કે બે-ત્રણ ઘારી એક સાથે ઝાપટી લો તો એક ટંક જમવાની જરૂર ન રહે. ઘારી તો હજુ તમને બીજા કોઈ શહેરમાં પણ મળી રહે પણ ખમણનો લોચો તો માત્ર સુરતમાં જ મળે. ખમણને બાફીને બનાવવામાં આવતી આ ખાસ વાનગી માત્ર અને માત્ર સુરતમાં જ મળે છે.

ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન સુરતમાં પોંકની મોસમ હોય છે. જુવારના સાંઠાને સગડીમાં કે ભઠ્ઠીમાં શેકીને તૈયાર કરાતો પોંક ત્યારે જ સુરતમાં ઠેરઠેર મળે છે. આ મોસમમાં અહીં કેટલીક જગ્યાએ પોંકના વડા અને પોંકની પેટિસ પણ મળી રહે છે. આ જ સમયગાળા દરમિયાન સુરતમાં તથા આસપાસનાં હાઈવે પર તમને અનેક જગ્યાએ ‘માટલા ઉંધીયું’ લખેલા પાટિયાં જોવા મળે. આ માટલા ઉંધીયું એટલે માટીના મટકામાં લીલા શાક તથા કંદ ભરીને બાફ્યા પછી તૈયાર કરવામાં આવતી એક સાવ નોખી વાનગી. જો કે સુરતી ઉંધીયું જે સુરતીઓના ઘરમાં બને છે તેની વિશિષ્ટતા છે; તેમાં નંખાતી પાપડી વાલોળ. સુરત નજીકનાં એક નાનકડા ગામડા કતારગામની વાલોળ હોય તો જ આ ઉંધીયું ‘સંપૂર્ણ’ ગણાય. લીમડા વગરની કઢી અને ધાણાજીરું વગરના ભરેલા શાક જે રીતે અધૂરાં ગણાય એવું જ આ વાલોળ વગરનું સુરતનું ઉંધીયું.

છેક દક્ષિણે આવેલાં સુરતથી હવે ચાલો સીધાં જ સૌરાષ્ટ્રમાં. કહેવત છે કે જે-તે શહેરની ખાણીપીણી પર ત્યાંની ભૌગોલિક સ્થિતિની અને વાતાવરણની અસર હોય છે. સૌરાષ્ટ્રમાં અગાઉ લીલા શાકભાજીનો પાક સાવ ઓછો રહેતો એટલે જ અહીં સેવ-ટમેટા કે ઢોકળીનું શાક, ખેરો અને ઠેરી (બંને બેસનમાંથી બને)નું શાક, રોટલો, અડદની દાળ કે ભજીયા અને ગાંઠીયાનું ચલણ વધારે છે. સુરતની ચાર વાનગી પછી હવે આપણી યાદી આગળ ધપે છે (૫) ભાવનગરના ભાવનગરી ગાંઠિયા. મરીથી ભરપૂર આ ગાંઠિયાના પાયોનિયર ગણાય છે: નરસી બાવા. આજે પણ ભાવનગરમાં તેમની ત્રણચાર બ્રાન્ચ છે. આ ગાંઠિયામાં પણ પાછી અંગૂઠિયા ઝીણાં... જેવી અનેક વેરાઈટી મળે. (૬) પાંઉ-ગાંઠિયા તરીકે ઓળખાતી વાનગી તો માત્ર ભાવનગરમાં જ મળે. તેમાં તીખા ગાંઠિયા (જેને અમદાવાદીઓ ‘જાડી સેવ’ કહે છે!) સાથે પાંઉ વાપરવાના હોય છે અને સાથે ચટણી તથા ડુંગળી. વર્ણન વાંચીએ તો લાગે કે પેટનો ખાડો પૂરવા ગરીબો આવું કરતા હશે, પણ ના, હવે ઉચ્ચ વર્ગના લોકો પણ હોંશ હોંશે પાંઉ-ગાંઠિયા ખાવા જમા થતા હોય છે.

વાત ગાંઠિયાની કે બેસનની વાનગીની થતી હોય તો સૌરાષ્ટ્રનું ગોંડલ કેમ ભૂલાય? (૭) ગોંડલમાં તમને જેવા મુલાયમ અને સ્વાદિષ્ટ ફાફડા મળે છે એવાં સૌરાષ્ટ્રના અન્ય કોઈ જ શહેરમાં ન મળે. આપણે વાત થાય છે સૌરાષ્ટ્રની અને તો ફાફડા માત્ર સૌરાષ્ટ્રમાં જ બને છે. અમદાવાદમાં જે ફાફડા મળે છે એ તો ખરા ફાફડાની રેપ્લિકા કે બોન્સાઈ કે પાયરેટેડ આવૃત્તિ છે. જેણે ગયા જનમમાં કોઈ ફાફડાવાળાની હત્યા કરી હોય એવાં લોકોને જ ઈશ્વર બીજા જન્મમાં અમદાવાદના ફાફડા ખાવાની સજા આપે છે. સૌરાષ્ટ્રના અમારા જેવાં લોકોને તો એ જ સમજાય નહીં કે બેસનના અપમાન જેવી આ વાનગી લોકોને ગળે કેવી રીતે ઉતરતી હશે. પછી ટ્યૂબલાઈટ થાય: અમદાવાદમાં ફાફડા સાથે સંભારો, બે-ત્રણ જાતની ચટણી, ડુંગળી અને કઢી જેવી અનેક વસ્તુઓ કદાચ એટલાં માટે જ અપાતી હશે કે લોકોને આ ફાફડા ગળે ઉતારવામાં શ્રમ ન પડે.

રાયપુરના (ખાડીનાં) બહુ વખણાતા ભજીયા જ્યારે પણ ચાખ્યા છે ત્યારે ય આવી જ લાગણી થઈ છે (૮) ભજીયા તો ગોંડલના ‘દરબાર’નાં જ. રેલવે સ્ટેશન સામે આવેલા ‘દરબાર ભજીયા’ના ભજીયા એક વખત ચાખ્યા હોય તો બંધાણ જેવું થઈ જાય. મેથીના ગોટાથી લઈ બટેટાની પતરીના ભજીયા. સુરતની તમામ આઈટમ અદ્ભુત પરંતુ જો થોડું તીખું ખાવાનો શોખ હોય તો અહીં ભરેલાં મરચાંના ભજીયા ખાવાનાં. જલ્સો પડી જવાની લેખિત ગેરન્ટી !

હિસાબ પાક્કો રાખજોઃ સુરતની ચાર, વત્તા ભાવનગરની બે, વત્તા ગોંડલની બે વાનગી થઈ. કુલ આંકડો પૂગ્યો આઠ પર. હવે રાજકોટની ચાર વાનગી (ચેવડો, ચટણી, પેંડા, ચિક્કી) તેમાં ઉમેરાશે એટલે આઠ વત્તા ચાર બરાબર બાર થશે. ગોરધનભાઈ ગોવિંદજી ચેવડાવાળાનો પૌંવાનો ચેવડો અહીંનો ખૂબ વખણાય. હવે તો રસિકભાઈ ચેવડાવાળા સહિતના આવા ત્રણ-ચાર ચેવડાવાળાની બ્રાન્ચું ગામ આખામાં પથરાઈ ગઈ છે. જો કે ચેવડા કરતાં પણ મજેદાર હોય છે આ બધી દુકાનોમાં મળતી લીલી ચટણી. કોઠાં-સીંગદાણા-મરચાં જેવા રો-મટિરિયલમાંથી બનતી આ ચટણી એટલી સ્વાદિષ્ટ અને ચટપટી હોય છે કે તમે તેને બ્રેડપાંઉ પર લગાવીને ખાઓ તો પણ આનંદ આવે અને વેફર સાથે ગ્રહણ કરો તો પણ મોજ જ પડે.

(૧૩) ‘જય સીયારામ’ના પેંડાની વિશિષ્ટતા એ કે એનાંથી સારા પેંડા આખા વિશ્વમાં શોધવા મુશ્કેલ ગણાય. પ્રમાણસર ખાંડ, અસલી કેસર અને મલાઈદાર દૂધના મિશ્રણથી બનતા આ પેંડાનું મેકિંગ એક રહસ્ય છે. તો (૧૪) શિયાળામાં અહીં મળતી ગોળની ચિક્કી પણ રાજકોટની આગવી વિશિષ્ટતા છે. મગફળી, તલ, દાળીયા, કોપરું વગેરે ઉપરાંત અહીં વરિયાળી તથા સુક્કામેવાની ચિક્કી પણ મળે. લોનાવાલાની ચિક્કી ભલે વખણાતી વધુ હોય પરંતુ એ ખાંડમાંથી બને છે, વધુ ખાઈ ન શકાય, ખાઓ તો નુકસાન થાય. પણ રાજકોટમાં મોટા ભાગે ગોળની ચિક્કી મળે. એ પણ ઠંડીની મોસમમાં જ. ઉનાળામાં જેમ ગુજરાતના ઘરઘરમાં કેરી ખવાતી હોય છે એવી જ રીતે શિયાળામાં રાજકોટના ઘરઘરમાં ચિક્કી ખવાય છે.

રાજકોટની સાતમી વાનગી (અને આપણી પંદરમી) એટલે અહીં બનતો આઈસક્રીમ. વસતીના પ્રમાણમાં આઈસક્રીમ ખાવામાં રાજકોટ આખ્ખામાં દેશમાં નંબર વન છે. અહીંની પટેલ આઈસક્રીમ (ઝીરો ડીગ્રી) જેવી પેઢીએ તો હવે મુંબઈની કાંદિવલી અને મલાડ સહિત અનેક પરાંઓમાં ચેઈન સર્જી દીધી છે. રાજકોટનો આઈસક્રીમ ખાવામાં ભારે હોય છે. મલાઈદાર હોય છે અને બ્રાન્ડેડ આઈસક્રીમની સરખામણીમાં એ ક્યાંય વધુ સ્વાદિષ્ટ, અનેકગણો ગુણકારી છે. તેમાં હવાનું પ્રમાણ નહિવત્ હોય છે. (જે બ્રાન્ડેડમાં ક્યારેક ચાલીસથી પચાસ ટકા હોય છે!) અને એક વખત મોંમાં નાંખો કે તરત જ તમને ક્રીમ-મલાઈનો અહેસાસ થાય. શિયાળામાં અહીં આદુનો, ગરમ મસાલાનો આઈસક્રીમ પણ મળે અને ચોમાસાના પ્રારંભે રાવણા જાંબુનો, તો ઉનાળામાં અસ્સલ કેરીનો!

હજુ આપણે સૌરાષ્ટ્રમાં જ છીએઃ વાનગી નંબર (૧૬) એટલે પોરબંદરની ખાજલી (૧૭) જામનગરી ડ્રાયફ્રૂટ કચોરી અને (૧૮-૧૯-૨૦) એટલે કચ્છની દાબેલી, ગાંધીધામના અડદિયા અને ભુજમાં મળતો ખાવડાનો ગુલાબપાક.
(આમ તો પોરબંદરના બરડા પંથકનો માવો પણ બહુ ફેમસ હોં. બરડાના જંગલોમાં માલધારીઓનાં અનેક નેસ છે. ચોમાસાનાં ત્રણ-ચાર મહિના દરમિયાન અને એ પછીના બે-ત્રણ માસ સુધી અહીંની વનરાજી આંખો ઠારનારી હોય છે. એ સમયે અહીં માવાનું પુષ્કળ ઉત્પાદન થાય. પોરબંદરની બજારો આ માવાની ગોટીઓથી છલકાતી જોવા મળે.)

પોરબંદરની ખ્યાતિ તેની મસ્ત-મસ્ત ખાજલીના કારણે વધુ છે. કેટલાંક લોકો તેને સાટા પણ કહે છે. મોળી અને નમકીન એમ બેઉ પ્રકારની ખાજલી અહીં મળે. હવે તો ખાજલીની લોકપ્રિયતા એવી થઈ છે કે સૌરાષ્ટ્રના લગભગ દરેક શહેરમાં પોરબંદરની ખાજલીના બોકસ મળી રહે છે. એ જ રીતે જામનગરની ડ્રાયફ્રુટ કચોરી પણ હવે માત્ર જામનગરની વાનગી નથી રહી. જો કે અસલી માલની મજા જુદી હોય છે. અહીં એચ.જે વ્યાસની કચોરી ભારે વખણાય. ડ્રાયફ્રુટ કચોરીની મજા એ કે તેનાં મસાલામાં ભરપૂર સૂકામેવાનો ઉપયોગ થાય છે. મસાલો સૂકો હોવાથી આ કચોરી એકાદ મહિના સુધી બગડતી નથી.

હવે આપણી સ્વાદ એકસપ્રેસ પહોંચે છે કચ્છ. જ્યારે કચ્છનું નામ પડે ત્યારે સૌપ્રથમ સ્મરણ કચ્છી દાબેલીનું થાય. દાબેલી એ કચ્છની રાષ્ટ્રીય ડિશ છે. ‘બિનહરિફ’. અને ‘માંડવીવાળા’ની દાબેલી અહીં ભુજ-ગાંધીધામમાં મશહૂર છે. બટેટા અને તેમાં ઉમેરેલા વિશિષ્ટ તેજાના વગેરેથી બનતો દાબેલીનો મસાલો એકદમ યુનિક હોય છે. તેમાં હેંતકની મસાલા શીંગ નાંખવાની. મુલાયમ પાંઉમાં આ બધુ ભરી દેવાનું, ઉપરથી ડુંગળી, ચટણી વગેરે... દાબેલી તૈયાર. દાબેલીની શરૂઆત કચ્છના માંડવીમાં થઈ હતી. અહીંના મોહનભાઈ નામના એક સજ્જને વર્ષો પહેલાં કરી હતી.

દાબેલી તો નવા જમાનાની વાનગી ગણાય પરંતુ કચ્છની જૂની મીઠાઈઓ એકદમ સ્વાદિષ્ટ અને રિચ હોય છે. અહીંની મીઠાઈઓ પર સિંધનો પ્રભાવ ઘણો. મોટા ભાગે ઘીની મીઠાઈઓ બને. આવી જ એક વાનગી એટલે અડદિયા. (અને મેસૂબ પણ ખરો!) ગાંધીધામના ચાવલા ચોકમાં અને ભુજમાં આવેલી શોપ ‘ખાવડા મેસૂબ ઘર’માં મળતા અડદિયા છે અદ્ભુત, ઘીથી લથપથ અને એકદમ આગવો એવો ગરમ મસાલો ધરાવે છે. (અહીંની ખાજલીને તેઓ ‘પકવાન’ કહે અને આ નમકીન ‘પકવાન’ દુનિયાની તમામ ‘ખારી’ને ભૂલાવી દે એવા હોય છે. આ પકવાન પણ કચ્છની પોતાની વાનગી ગણાય, અને એટલી જ પોતિકી આઈટમ છે ગુલાબપાક.) તમે અંજીરપાક, ટોપરાપાક, બદામપાક જેવી મિઠાઈઓના નામ તો સાંભળ્યા હશે પણ આ ગુલાબપાક ગુલાબની પાંખડીઓમાંથી બને છે. દૂધ-માવાથી બનતી આ મિઠાઈનો સ્વાદ એકદમ નવતર હોય છે. કચ્છમાં એક એવો મોટો વર્ગ છે જેને ગુલાબપાકનું રીતસર બંધાણ હોય!

ગુજરાતના વિવિધ શહેરોની ખાણી-પીણીની જે રીતે એક સંસ્કૃતિ છે એવી જ રીતે વિવિધ ધર્મસ્થાનોના પ્રસાદની પણ ખરી. સૌરાષ્ટ્રના સતાધારના ભોજનનો સ્વાદ અનેરો હોય છે. વીરપુરના ખીચડી-કઢીનો પ્રસાદ લીધા વગર જ્વલ્લે જ કોઈ યાત્રાળુ પાછા ફરે છે. પાલિતાણાની જૈન ધર્મશાળાઓની ભોજનશાળાઓનું ભોજન એક વખત ચાખવા જેવું. મેથી-પાપડનું શાક, તૂરીયા-ગાંઠિયાનું શાક જેવી અનેક યુનિક ચીજો તમને એ થાળીમાં જોવા (ઈનફેક્ટઃ જમવા!) મળે. જો કે ગુજરાતની સૌથી પોપ્યુલર ધાર્મિક પ્રસાદી ગણાય છે મહુડીના ઘંટાકર્ણ મંદિરની અદ્ભુત સુખડી. સુખડીમાં પણ આટલો સ્વાદ હોઈ શકે એ મહુડીની સુખડી ચાખ્યા પછી જ ખબર પડે. આ સુખડી આપણી યાદીની એકવીસમી અધિકૃત ડિશ છે. વચ્ચે પાલિતાણા, સતાધાર વગેરેની જે વાત આવી એ (સંસદની ભાષામાં કહીએ તો) ઑન રેકર્ડ નહીં ગણવી. મહુડીની આ સુખડીનું એકમાત્ર દુઃખડુ એ છે કે તેને ધાર્મિક રિવાજ મુજબ ઘેર લઈ જઈ શકાતી નથી. મંદિરના પ્રાંગણથી બહાર લઈ જવાની પણ મનાઈ. મહુડીથી ઘેર પહોંચ્યા પછી લગભગ તમામ યાત્રાળુઓને થોડા દિવસ સુખડી વિરહ સતાવતો હશે.

આપણી યાદીની બાવીસમી વાનગી છેઃ ડાકોરના ગોટા. ગુજરાતમાં રણછોડરાય જેટલી જ કીર્તિ કદાચ ગોટાને પણ મળી છે અને તેનાં ભક્તોની સંખ્યા પણ રણછોડરાયના ભક્તો કરતા ત્રીજા-ચોથા ભાગની તો હશે જ ઘણાં યાત્રાળુઓ તો ડાકોર પહોંચતા જ પ્રથમ કાર્ય ગોટાનાં દર્શન કરવાનું કરે છે. રણછોડરાય ક્યાં ભાગી જવાના હતા! ડાકોરના ગોટા એટલી હદે લોકપ્રિય છે કે તેનાં ‘ઈન્સ્ટન્ટ પેક’ પણ બજારમાં મળે છે. શેકેલી દાળ અને વિવિધ મસાલાના મિશ્રણમાં દૂધ ઉમેરી તૈયાર થતા આ વડા જરા સ્પાઈસી હોય છે. કેટલાંક લોકો તેને દૂધના ગોટા પણ કહે. પણ વધુ પ્રચલિત નામ છે ડાકોરના ગોટા.

વાત મધ્ય ગુજરાતની જ થઈ રહી છે તો વડોદરાનો લીલો ચેવડો (આપણી વાનગી નંબર ૨૩) કેવી રીતે ભૂલાય? આ ચેવડો એવી ચીજ છે જેને ચાહનારા લોકોની સંખ્યા જેટલી છે એટલી જ ધિક્કારનારાઓની પણ છે. એનું કારણ છેઃ તેનો ડિફરન્ટ સ્વાદ. બટેટાની કતરણને સૂકવ્યાં વગર સીધી જ તળીને બનાવવામાં આવતા આ ચેવડામાં ભરપૂર ચણાદાળ અને ખાંડ હોય છે. ગળ્યું ભાવતું હોય એમને મજા પડે, જેમને તમતમતું વધારે પસંદ હોય એમને બહુ જામે નહીં. જો કે એમનાં માટે વડોદરાની વિખ્યાત એવી ચટપટી ભાખરવડી તો છે જ!

યાદી પચ્ચીસ વાનગીઓની જ કરવાની છે એટલે ઘણું બધું ચૂકાઈ જવાનું પરંતુ અમુક વાનગીઓને યાદ ન કરીએ તો આખો લેખ જ વદે નહીં  ગણપતિનું આવાહન કર્યા વગર, દેવતાઓને આમંત્રણ આપ્યા વગર ધાર્મિક કાર્યો સંપૂર્ણ ન ગણાય એમ ગુજરાતની ઓળખ જેવાં કેટલાંક વ્યંજનોનું સ્મરણ ન કરીએ તો પાપમાં પડીએ. વિદ્યાનગરના યોગેશના ખમણ તથા સેવખમણી, તો ભાવનગર નજીક આવેલા શિહોરનાં તથા રાજકોટ નજીક આવેલા કુવાડવાના પેંડા, ખંભાતની સૂતરફેણી, અને પાટણનાં મશહૂર દેવડા. આ દેવડા એટલે નાથદ્વારામાં મળતા ઠોરની જાડી આવૃત્તિ જોઈ લો. કાઠિયાવાડમાં મળતા મીઠા સાટા જેવું જ કશુંક. મેંદો, ઘી, ખાંડ જેવી સામગ્રીથી બનતી આ મિઠાઈ ઠોર કરતાં નરમ હોય છે. એક સમય એવો હતો જ્યારે જમણવારમાં દેવડા ન હોય તો પાટણમાં પ્રસંગ અધૂરો ગણાતો. નજીક આવેલા હિમ્મતનગરમાં ‘ચારભુજા’ની ખસ્તા કચોરી એકદમ ટકાટક હોય. દહીં સાથે પીરસાતી આ કચોરી ખાવાનાં પણ ખાસ નિયમો છે. તેમાં દહીં તમને મર્યાદિત મળે અને તમે વધારાનું દહીં વેંચાતુ માંગો તો પણ ન મળે. નહીં એટલે નહીં જ. સુરેન્દ્રનગરનું ક્ચરિયું (તલમાં ગોળ ભેળવી બનાવવામાં આવતો શિયાળુ પાક) વિખ્યાત તો જૂનાગઢ આખું વણેલા ગાંઠિયા જ ખાય, ફાફડા અહીં બહુ મુશ્કેલીથી મળે.

હવે આપણી ગાડી જાય છે ગુજરાતના સ્વાદના પાટનગર અમદાવાદ તરફ. સ્વાદનું કેપિટલ કહેવાનું કારણ એટલું કે અહીં તમને રાજકોટના પેંડા પણ મળી રહે અને ભાવનગરના ગાંઠિયા પણ. સૂતરફેણી પણ મળે અને સેવખમણી પણ મળે ખરી. જશુબહેન જાતજાતના પિઝા બનાવે તો ઈન્દુબહેનના ખાખરા પ્રખ્યાત. ‘રજવાડું’માં મજેદાર વેજ, મુઠિયા અને ખીચું જેવી અનેક ચીજો મળે તો મહાગુજરાતના દાળવડા પણ અફલાતૂન. હા  ચોવીસમી વાનગી છે દાળવડા, અને પચ્ચીસમી વાનગી અમદાવાદના ‘દાસ’નાં ખમણ.

મગની વાટીદાળમાં આદુ-મરચાં નાંખી બનાવવામાં આવતા દાળવડાને અસ્સલ અમદાવાદી ડિશ કહી શકાય. મરચીકાંદા સાથે લો તો દાળવડાની મોજ બેવડાઈ જાય. ગુજરાતનાં ગામેગામ હવે દાળવડા મળવા લાગ્યા છે પરંતુ ચાટ ખાવાની જે મજા ઈન્દોરમાં છે એ અમદાવાદમાં નથી, પંજાબીનો આનંદ પંજાબના ઢાબા પર છે એ સુરત-વડોદરાના રેસ્ટોરાંમાં નથી. એમ દાળવડાનો અસલી સ્વાદ અમદાવાદમાં જ મળે.

આવું જ ખમણની બાબતમાં છે. ઈન્સ્ટન્ટના જમાનામાં હવે ગામેગામ બેસનમાંથી ખમણ બનવા લાગ્યા પરંતુ અમદાવાદના નવરંગપુરા-આંબાવાડીમાં વાટીદાળના જે ખમણ મળે છે તેનો ટેસ્ટ નિરાળો છે. ‘દાસ’ ખમણવાળા (વાનગી નંબરઃ ૨૫)ના ટમટમ, સેવ ખમણી કે વેજ ખમણ ચાખ્યા છે કદી તમે? લગભગ ૯૫ વર્ષ જૂની આ પેઢીએ ખમણમાં હંમેશા અવનવા પ્રયોગો કર્યા છે. અહીં જેવી સેવ ખમણી, ગ્રાીન વેજીટેબલ ખમણ વગેરે જેવી ડિશ બીજે ક્યાંય જોવા ન મળે. અને આવી બધી નવતર ડિશની મજા એ જ છે. અમદાવાદમાં મળતા ભાવનગરી ગાંઠિયામાં સ્વાદ નથી એટલે જ ભાવનગરના ગાંઠિયા મશહૂર છે. દાસ જેવાં ખમણ જો કાલે રાજકોટ, વડોદરા અને વલસાડમાં મળવા માંડશે તો પછી એનો ચાર્મ આપોઆપ ખતમ થઈ જશે, પણ એવું ક્યારેય બનવાનું નથી, થેન્ક ગોડ!
(Source : http://kinner-aacharya.blogspot.in/2011/07/25_6802.html)
 [પાછળ]     [ટોચ]