[પાછળ]
સરળતાનો પ્રસાદ - રવિશંકર

લેખકઃ કિસનસિંહ ચાવડા

મેઘાણીભાઈના "માણસાઈના દીવા" પ્રસિદ્ધ થઈ ગયા હતા. એક નાના શા મિત્રમંડળમાં મેઘાણીભાઈ પોતાના એ પુસ્તકનું વસ્તુ કેવી રીતે રવિશંકર મહારાજ પાસેથી મળ્યું અને એ દ્વારા મહારાજના અંતરની ઓળખાણ પણ એમને શી રીતે થઈ એની વાત પોતાની રંગદર્શી અને રમ્ય વાણીમાં કહેતા હતા. વિચિત્રતા એવી હતી કે એ મંડળીમાં ખુદ મહારાજ પોતે હાજર હતા. મેઘાણીભાઈ ત્યારે જરાક લાંબુ બોલ્યા હતા. પોતાની કૃતજ્ઞતા અને કૃતાર્થતા વિષે બોલતાં ગદ઼ગદ઼ થઈ ગયા હતા. શ્રોતાઓના ચિત્ત પર એની ઊંડી અસર થઈ હતી. સૌ શાંત હતા. સૌ મૌન હતા. એ મૌનને મહારાજની કોમળ વાણીએ જરાક આસ્તેથી હઠાવ્યું. મહારાજની વાણીમાં અકૃત્રિમ પ્રવાહ છે. વાતચીતની એમની સહજ શૈલી છે. એમના વિચારો આચરણના અમી વડે સિંચાયેલા હોય છે. એટલે એમની વેધકતા આરપાર નીકળી જાય એવી ધારદાર હોય છે. દૃષ્ટિ એમની પારદર્શક હોય છે. એમણે કહ્યાનું સાંભરે છે. "મેઘાણી તો મોટા સાહિત્યકાર છે. બહુ મોટા કલાકાર છે. આ હું તો ભટકતો બ્રાહ્મણ. બહુ બહુ તો ધારાળા બારૈયાનો ગોર. અભણ માણસ. ગાંધીજીનો માથે હાથ ફર્યો. આ જીવતર વિષે કંઈક સમજણ પડવા માંડી. થયું, ગાંધીજીની વાત સાચી છે. પ્રેમની શક્તિ પારાવાર છે. એને જો બરાબર યોગ્ય ઠેકાણે વાપરવામાં આવે તો ધાર્યું પરિણામ લાવે. આવી શ્રદ્ધા બેઠી.

અમારા ધારાળા બારૈયાનો ધંધો ચોરીનો ને લૂંટનો. અને એની એમને લાજશરમ નહીં. પોતાના ધંધામાં એક્કા. ગમે તેવી કાબેલ પોલિસને પાણી પીવડાવે. એવા અભણ હુંશિયાર માણસે સાથે મારે પાલો પડેલો. હું કહું, અલ્યા, શીદને ભગવાનને રંજાડો છો. શીદને એનો ગુનો કરો છો? પરસેવાના રોટલા ખાવને! આ ચોરીલૂંટથી આબરૂ જાય એ વાત બાજુએ મૂકો, તો ય તમારાં હૈયાં મેલાં થાય છે. બુદ્ધિ પર અ-નિષ્ઠાનો કાટ ચડે છે, તો ય મારા બેટા માને નહીં. પછી બાપુના પ્રેમની બુટ્ટી મેં તો માંડી વાપરવા. એમને ઘેર જઈને મહેમાન રહું પણ એમના ઘરનું ખાઉં નહીં. એમને ઘેર સૂઈ જાઉં પણ ઊંઘું નહીં ને રાત્રે ભગવાનના જાપ કર્યા કરું. એમના કલ્યાણની ભાવના રાખું. આ પ્રેમ અને સદ઼્ભાવનાથી મારા બેટા કંઈક પલળ્યા. એક ઠેકાણે આમ તો કબૂલાત આપી કે મહારાજ તમારા પગના સોગન. ચોરી આજથી બંધ. અને આમ એક પછી બીજો અને પછી ત્રીજો પાણીથી પલળવા માંડ્યા. પલળ્યા એટલે જીવતરમાં થોડો ભેજ થયો. કઠોરતા ઓગળી અને માંડ્યા પલટાવા. આ આમ વાત બની. મેં તો કશું કર્યું જ નથી. હા, પ્રેમ કર્યો એ વાત સાચી. પ્રેમની ખેતી કરવાનું તો બાપુએ શીખવાડ્યું છે. જે આવડે, જે સમજીએ તેનું જીવનમાં આચરણ કરીએ તો શક્તિ વધે છે. શુદ્ધિ વધે છે.

સમજણ વધે પણ જો આચરણ ના થાય તો મહાભારતના દુર્યોધન જેવી ગતિ થાય. ધર્મ સમજું છું પણ આચરતો નથી, અધર્મ સમજું છું પણ મૂકાતો નથી. દુર્યોધનને ભગવાન પછી લાંબુ જીવવા દેતા નથી. ભગવાન તો અર્જુનથી પ્રસન્ન થાય છે. આવડે તેનું આચરણ કરવાની આખી વાત એટલે કૃષ્ણ ભગવાનની ગીતા. એ એક ચોપડી આખી જિંદગી માટે પૂરતી છે. જનમનો બ્રાહ્મણ છું એટલે ગીતાનો પ્રેમી છું. આ તમે કહ્યું એવું બધું મારાથી થયું હોત તો, તેની આપણને ગમ નથી. ભગવાને જે કર્યું તે સારું કર્યું. આ તમારી ચોપડી ભલે લખાઈ, લોકો વાંચશે અને સુખી થશે. મેઘાણીભાઈએ સારી ચોપડી લખી છે. વાત બની છે તેના કરતાં સારી રીતે લખાઈ છે. એટલે જ તે સાહિત્ય. બહુ સારું થયું કે આ ચોપડી હવે લોકોમાં ફરતી થશે. બહુ આનંદ થયો."

આ વાણી મારી સ્મૃતિમાંથી સેરવી લીધી છે એટલે એના શબ્દોમાં ફેરફાર થાય એ સ્વાભાવિક છે. પરંતુ મહારાજની વાણીનો સારગર્ભ એ જ રહ્યો છે. એનો આખો સૂર છટકવા દીધો નથી. મહારાજના લાંબા સમાગમને લીધે એમની વાણીની લઢણ, એમનો અવાજ, એમની કહેવાની રીતે અને જે કંઈ કહેવું છે તેની વિશદતા વગેરે ભૂલ્યા ભૂલાય એવા નથી. તેમાંય જેવો જીવનમાં, તેવો જ એમની વાણીમાં એક અકૃત્રિમ સરળતાનો પ્રસાદ છે એની સુગંધ તો જેમણે એક વખત ધ્યાનપૂર્વક અને સહૃદયતાથી માણી છે તેમને માટે એ કાયમની મૂડી બની જાય તેવી તેની આત્મશીલતા છે.

એક વખત મહારાજ વડોદરા તાલુકાની પદયાત્રા પૂરી કરીને વડોદરા શહેરમાં આવતા હતા. વડોદરાના રેસકોર્સના ચક્કર ઉપરના ચોતરા ઉપર પ્રાર્થના કરીશું, એવો અમારો મનસુબો હતો. અમે ત્રણ-ચાર જણાં હતાં. મહારાજ આવ્યા. સાથે બે સાથીદાર હતા. અમે એમનું સ્વાગત કર્યું. સાતેક જણાં અમે ચોતરા પર બેઠાં ને પ્રાર્થના કરી. એ આખાય પ્રસંગમાંથી મહારાજના જીવનની, એમની ચારિત્ર્યશીલતાની, સાદાઈની જે મહેક ઊઠી તેનાથી તરબતર થઈ જવાયું. મોટા મોટા ભાષણો અને સભાઓ, એ શાંત, નિષ્ઠાવંત પ્રાર્થના આગળ નિસ્તેજ લાગે. એની કંઈ વિસાત નહીં.

વડોદરા મ્યુનિસિપાલિટી તરફથી દર વર્ષે ગાંધી નગરગૃહમાં ગાંધીવ્યાખ્યાનો થાય છે. એમાં જયપ્રકાશ, રામચંદ્રન, નભકૃષ્ણ ચૌધરી, રાવસાહેબ પટવર્ધન જેવા ગાંધીનિષ્ઠ માણસોના વ્યાખ્યાન સાંભળ્યા છે. એક વરસ મહારાજના બે વ્યાખ્યાનો પણ ગાંધીજી ઉપર થયાં હતાં. વ્યાખ્યાનમાં જરાય છટા નહીં. એનો ક્યાંય રોમાન્સ નહીં, વાકપટુતાનું નામનિશાન નહીં. વાતચીતની સ્વાભાવિક શૈલીમાં, એમના સુકુમાર અવાજે કલાક સુધી અવિરત રીતે એમણે પોતાના જીવનમાં ગાંધીજીએ શું મૂક્યું, તેનો તેમની જિંદગીમાં કેવો આચરણ-વ્યવહાર થયો એ વાત, જુદાજુદા પ્રસંગો, ઘટનાઓ અને અનુભવો દ્વારા તદ્દન સહજભાવે અને છતાં અસરકારક રીતે મૂકી, એ વખતે પણ "જે જીવનમાં તે જ વિચાર-વાણીમાં" એ ગાંધીસૂત્ર ચરિતાર્થ થયેલું લાગતું હતું.

ચોમાસાના બે મહિના અનુકૂલ હોય તો મહારાજ વડોદરામાં ગાળે છે. ત્યારે એમનો મહાભારતનો સ્વાધ્યાય અચૂક ચાલે. રોજ સાંજે ફરવા નીકળે. મહારાજ ચાલવાના નિષ્ણાત છે એટલું જ નહીં, ચાલવાના શોખીન કલાકાર છે. અમે બે પતિપત્ની એક વખત એક સાંજે ચાલવા નીકળ્યા. સાવિત્રી તો બીચારી મહારાજની ચાલ સાથે ગતિ સાધવા ક્યારેક થોડું દોડી લ્યે. ચાલતાં ચાલતાં મહારાજની વાતો ચાલતી હોય. તે સાંજે એમણે ઘણી વાતો કરી. પણ અમે છૂટા પડ્યા ત્યારે છેલ્લું વાક્ય કહ્યું તે હજી સ્મરણમાં છે "હું ચાલું છું ત્યારે મારા વિચારો ચાલે છે. ચાલતો માણસ કદી કોઈ રીતે ભૂખે ના મરે."

મહારાજ એક વર્ષે ગઢવાલ અને કુમાઉના પહાડોની પદયાત્રાએ આવ્યા હતા. સાથે થોડો વખત સ્વામી આનંદ હતા. ઘણો સમય કૌલાની આશ્રમવાલા સરલાબહેન હતા. મહારાજ હિમાલયની યાત્રાથી પ્રસન્ન હતા. એક દિવસે નમતા બપોરે પનુઆનૌલાથી એક માઇલમાં એક હજાર ફુટ ઊંચે ચઢીને મહારાજ મીરતોલા આવ્યા. મંદિરમાં રાધાકૃષ્ણનાં દર્શન કર્યાં. પછી બેત્રણ કલાક શ્રી કૃષ્ણપ્રેમ અને શ્રી માધવઆશિષ મહારાજ સાથે પેટ ભરીને વાતો કરી. મીરતોલાનું છેલ્લું આકરું ચઢાણ ચઢીને મહારાજને જરા શ્વાસ ભરાઈ ગયો. શ્રીકૃષ્ણપ્રેમે સ્નેહથી પૂછ્યું. "આવતાં શ્વાસ ભરાઈ આવ્યો નહીં! છેલ્લું ચઢાણ જરાક અઘરું છે." મહારાજે સહજ સરલ ભાવે કહ્યું. "સાથે સાથે પ્રાણાયામ પણ થઈ ગયો. જીવનમાં કશું નિષ્ફળ નથી જતું." મહારાજની મીરતોલાની એ મુલાકાત, સાચા સન્યાસીઓ અને સાચા બ્રાહ્મણનું એ અપૂર્વ મિલન મારા અંતરમાં એક જીવનછબી તરીકે એવું આબાદ ઊતર્યું છે કે ભૂલ્યું ભૂલાય એમ નથી. જ્યારે અમે મળીએ છીએ ત્યારે મહારાજ પણ મીરતોલાની મુલાકાત યાદ કર્યા વિના રહેતા નથી.

મહારાજને પહેલ વહેલા ક્યારે મળ્યો તે બરાબર યાદ નથી. પણ એવું ઝાંખું સ્મરણ છે કે એક વખત આણંદમાં કઠલાલના મોહનલાલ કામેશ્વર પંડ્યા, જેઓ 'ડુંગળીચોર'ને નામે ગુજરાતમાં ઓળખાતા તેમની સાથે મહારાજને મળવાનું બન્યું હતું. તે વખતે એક બીજા સદ઼ગત સ્નેહી શામળભાઈ પટેલ પણ હાજર હતા. કદાચ એ ૧૯૨૧-૨૨ની સાલ હોય તો હોય. ત્યારથી આજ સુધી મહારાજનો આત્મીય સંબંધ ચાલતો ને જીવતો રહ્યો છે. ગાંધીજીએ આખા દેશમાં, અનેક ક્ષેત્રોમાં અનેક માણસોને રોપ્યા, ઉછેર્યા, વિકસાવ્યા અને સ્વરાજ્યની સાધનામાં એમનો વિનિયોગ કર્યો. ગુજરાતમાં એમની છાયામાં અને એમના પડછાયામાં અનેક માણસો નવજન્મ પામ્યા. એ સૌમાં રવિશંકર મહારાજનું જીવન અપૂર્વ છે, અજોડ છે. પોતાના જીવનનું કણેકણ, અણુએ અણુ અને લોહીવીર્યનું બિંદુએ બિંદુ જેમણે પરમાર્થમાં વાપર્યું છે અને છતાં જેનો કોઈ દિવસ દેખાડો નથી કર્યો એવા રવિશંકર મહારાજની નિર્વ્યાજ સરળતા સંતસ્મરણ જેવી પાવક છે. ગુજરાત એમના વડે ઊજળું છે.

(મે ૧૯૬૮ ‘તારામૈત્રક’)
[પાછળ]     [ટોચ]