[પાછળ] |
સમો અને વખત લેખકઃ પન્નાલાલ પટેલ વિજયડંકા વગાડતો ભાદરવાનો મેઘ ધરતીથી વિદાય લઈ ચૂક્યો હતો. લહેરીલાલાની પેઠે ડોલતાં ડોલતાં જઈ રહેલાં છૂટાંછવાયાં વાદળો સિવાય આકાશ લગભગ સ્વચ્છ હતું. બેસતી શરદનાં ગુલાલ ઉડાડતી સંધ્યા પણ આથમી ચૂકી હતી. શુકલપક્ષની બીજરેખા ક્ષિતિજ આગળ ઊભી ઊભી મરક મરક હસી રહી હતી. ધરતી ઉપર આ શરદાગમનનાં ગીત ગવાવાં શરૂ થઈ ગયાં હતાં. ઉધડિયાના લોકોએ પણ હર સાલ માફક ગામ વચ્ચે ગરબો ગોઠવ્યો હતો. બાલિકાઓએ કાલાંઘેલાં ગીતથી શરૂઆત પણ કરી દીધી. પરંતુ સમીસાંજ થવા હતાંય ન તો ગામના યુવાનો ગીત ગાવા ભેગા થયા કે ન આવી કોઈ યુવતીઓ. જો કે પહેલા એક બે દિવસ તો આમ જ બને છે. કોઈ બે જણ આવે, ગરબા આગળ સરખાં સમોવડાંને ન જોતાં પાછાં ચાલ્યાં જાય. ત્યાં વળી બે ચાર જણ આવે, છોકરાંવાજું જોઈને એ પણ નિરાશ થાય. પણ જો કોઈ બોલાવનાર – આગ્રહ કરીને રોકી રાખનાર હોય તો તો પહેલે દિવસે જ થોડી થોડી પણ શરૂઆત થાય જ. અને શરૂઆત થયા પછી તો કોઈને બોલાવવાની કે આગ્રહ કરવાની જરા સરખી પણ જરૂર નથી રહેતી. દરેક ગામમાં, અને આવા આવા દરેક પ્રસંગમાં ઘરવિવાહની પેઠે માથે લઈને ફરનાર અને આગ્રહ કરી શરૂઆત કરાવનાર હરિનો લાલ કોઈ હોય છે પણ ખરો. ઉધડિયામાં આવું સ્થાન ભોગવનાર – ખાસ કરીને ગીત ગાવાની બાબતમાં તો એક કાનજી જ હતો. એના વગર આજે ચાર દિવસ થવા છતાંય બધું સૂનું સૂનું હતું. એક બાઈએ તો કહ્યું પણ ખરું ‘કાનોભાઈ હોત તો અત્યારે ગાણાંની રંગતાળી ન ઊડતી હોત કે?’ બાજુના ખાટલા ઉપર બે ચાર જણ સાથે બેઠેલા ભગતને કાને આ શબ્દો પડ્યા, બોલ્યાઃ ‘એટલે જ તો કે’નારે કહ્યું છે કે બે ડાંડ હોય, બે સાંઢ હોય; બે ડાહ્યા હોય, બે ગાંડા હોય – તો જ ગામ વસે!’ અને મૂછ ઉપર ધીમેથી હાથ ફેરવતાં બબડ્યાઃ ‘શું સમો આવ્યો છે!’ ભગતની જ કહેલી વાત યાદ આવતાં મનોર બોલી ઊઠ્યોઃ ‘સમો એવો નથી ભગતકાકા. એ તો પેલી વખત જ એવી છે!’ અને હસતાં હસતાં કહ્યું, ‘મરશે કોઈ ગાણાં ન ગાય તો, ભગતકાકા. તમે એ સમાની ને વખતની વાત કો’ને! આ બધાં સાંભળે તો ખરાં!’ પછી તો બૈરાંઓએ પણ ભગત ઉપર હલ્લો કર્યોઃ ‘કો’ કો’ ભગતકાકા! અમને તો કોક દન આવી વાતો સંભળાવો! પે’લાં તો કોક દન કે’તાય હતા, પણ હવે તો તમેય સાવ –‘ મનોર વચ્ચે બોલી ઊઠ્યોઃ – ‘સમા જેવા થઈ ગયા છો!’ છોકરાં પણ ભગતના ખાટલા આસપાસ ટોળે વળી ગયાં. છેટે પડેલા એક લાકડા ઉપર બેઠેલા બેચાર જુવાનોએ પણ એક ખાટલો ઉપાડી લાવી ભગતની બાજુમાં જ જમાવ્યું. સ્ત્રીઓ પણ નજીક સરકી આવી હતી. વાત કહ્યા વગર ભગતનો હવે છૂટકો જ ન હતો. ખૂંખારો ખાઈ વાતની શરૂઆત કરીઃ સમો કરીને એક આદમી હતો. એક દિવસ પાસેના ગામમાં કંઈ વહોરાચાર કરવા ગયો હશે; તેલ છે, મરચું છે, ધૂળ છે ધમા છે – એમ લેતાં લેતાં મોડું થઈ ગયું. સમાએ ઉતાવળ કરી. પેલી મરચા મીઠાની પોટલીઓવાળી પોતડી બચકે મારી, હાથમાં તેલનો સીસો લઈ લાંબી લાંબી ફાળે સમાએ જપટાવ્યું ગામ તરફ. વાટમાં સમો વિચાર કરે છેઃ ‘આજ તો ઘેર જઈને એવું તો સવાદબંધ શાક કરું! – તેલ તો લીધું છે! પાટૂડામાં બે પળી ધમકારતાંકને, માંઈ જરા રાઈ મેથી મૂકતાંકને એવો તો કાંઈ પાકો વઘાર કરું!’ આમ વિચાર કરતા જઈ રહેલા સમાભાઈના નાકમાં જાણે વઘાર પેસી ગયો હોય એમ ઉધરસ પણ આવી ગઈ.’ – કહી હસીને ભગતે ઉમેર્યું, પણ ભાઈ, સમોભાઈ આ બધો વિચાર તો કરતા હતા પણ મૂળમાં કોરું શાક થાય એવું કશું જ ઘરમાં નથી, એનો તો એમને ખ્યાલ પણ ન રહ્યો. અત્યારે તો એ કોઈ રતાળું કે લીલી વાલોળો વઘારવાનો વિચાર કરતા હતા, પછી ઘેર જઈને ભલે છાશ પાડી નિતનું કઢું હલાવે. મોઢામાં સ્વાદ તો આવી ગયો હતો, પછી ખાધા બરાબર જ છે ને?’ આવીને ખાટલા ઉપર બેસતાં હીરો મનોર પાસેથી હુંકારાની જવાબદારી લેતાં બોલ્યોઃ ‘બરાબર છે ભગત! ખાધા બરાબર જ છે!’ ભગત જેવા વાત કહેનાર ને હીરા જેવો હુંકારો ભરનારઃ એમાંયે વળી એક કાને સાંભળનાર લોકોની ઠઠ! ભગત આગળ બોલ્યાઃ પછી તો સમાભાઈએ હેંડતાં હેંડતાં જ ઘઉં કી રોટી બનાવી લીધી. પાડોશમાંથી પાશેર ઘી લઈ આવ્યા. આમ કરીને મોઢામાં કોળિયો મૂકવા જાય છે ને સમાભાઈને કાને કોયલના જેવો અવાજ પડ્યો. સમાના મનમાં થયુંઃ ‘ઘરમાં બૈરું તો છે નહિ ને આ બોલ્યું કોણ?’ ભાન આવતાં જુએ છે તો પોતેય વાટમાં ટાંટિયા તોડે છે ને બાજુમાં કોક બૈરું પણ પાછળ તણાઈ રહ્યું છે. પેલી બાઈએ વળી પૂછ્યું, ‘કયે ગામ રેવું?” સમાએ મોઢું બગાડતાં ને પગ ઉપાડતાં કહ્યું, ‘ઉધડિયે!’ પોતાના ગામનું નામ સાંભળી લોકોને વળી વધારે હસવું આવ્યું. ભગતે આગળ ચલાવ્યુંઃ પેલી બાઈએ જરા છણકો કરતાં કહ્યું, ‘ઓહોહો! ધરતી પર ગજ ગજના ખાડા પાડતા હેંડો છો તે જરા સંગાથ તો કરો!’ ‘સમાના ટાંટિયા પર કોઈએ જાણે લાકડી ન મારી હોય એમ પગ ઢીલા પડી ગયા. ‘એકથી દો ભલા’ આમ વિચાર કરી બાઈની જોડે જોડે ચાલવા લાગ્યો. આપણી આ કાળીની પેઠે પેલી બાઈની જીભ જરા છૂટી હશે, પૂછ્યું, ‘તમારું નામ તો કો’?’ ‘મારું નામ સમો’ કહી સમાએ જાણી જોઈને મોં ચઢાવી રાખ્યું, પણ ભાઈ, બનાવટ તે ક્યાં સુધી ચાલે? પાતળા જીવના સમાથી પૂછ્યા વગર ન રહેવાયું, ‘તમારું નામ તો કો’ ત્યારે?’ ‘વખત’ કહી વખતે આડી આંખે સમા તરફ જોયું. અંધારામાંય સમાએ એ આંખોમાં તારા તકતકતા જોયા. પછી તો બેઉ જણ લાંબી વાતે ચઢ્યાં. વાતોમાં ને વાતોમાં વાટ ક્યાં ખૂટી ગઈ એનો પત્તોય ન લાગ્યો! ‘શાનો પત્તો લાગે!’ હુંકારો ભરતાં હીરાએ કહ્યું. પણ ભાઈ, ગામને ઝાંપે આવતાં સમો વિચારમાં પડી ગયો. ફળિયાને નાકે આવતાં તો થંભી ગયો. વખતને પૂછ્યુંઃ ‘તમે હવે ક્યાં જશો, વખત?’ જરાય ખચકાયા વગર વખત બોલીઃ ‘તમે જશો ત્યાં વળી.’ સમો તો ગૂંચવાયો. માથું ખજવાળતાં બોલ્યોઃ ‘પણ હું તો ઘરમાં એકલો છું!’ ‘ત્યારે હું ક્યાં બેકલી છું’ કહેતી વખત આગળ થઈ બોલીઃ ‘લો હેંડોને, ઘર તો દેખાડશો કે નહિ?’ બિચારો સમો! ઘેર જઈને કેડિયાની કસે બાંધેલી કૂંચી છોડવા મંડ્યો પણ એ પહેલાં તો વખતે જ છોડી લીધી. ઘરમાં તો ગયાં, પણ હવે દીવો શાનાથી સળગાવવો? પણ એમ તો સમોભાઈ પાછા શોખીન મૂઆ હતા. ફટ કરીને ખીસામાંથી દીવાસળીની પેટી કાઢી આપી. વખતે દીવો સળગાવીને ફાટે મોઢે ઊભા રહેલા સમા પાસેથી સીસો લઈ લીધો, પાણિયારા ઉપરના ખીલાએ લટકાવતાં બોલીઃ ‘પોટલી છોડીને બેસોને પેલા ખાટલા પર.’ પણ સમો તો પેલા સીસા સામે જ તાકી રહ્યો હતો. મનમાં મનમાં બબડતો હતોઃ ‘છતે ખીલે હું સીસાને ચૂલાની બેડે જ શું કામ મૂકી રાખતો હોઈશ?’ એટલામાં તો વખતે એની પાસેથી પોટલી લઈ લીધી. અને ભોંય પર બેસીને ‘આમાં શું છે?’ ‘આમાં શું છે?’ આમ પૂછતી પૂછતી પોટલીની ગાંઠો છોડવા લાગી. ખાટલા પર બેઠેલા સમાથી મન સાથે બોલી જવાયું, ‘ગમે તેટલું કરો, પણ ઘર તો બૈરાનું જ, સમા!’ હીરાએ ટાપસી પૂરીઃ ‘થાય જ ને! એક તો એકલદંડી હતા ને એમાં ફૂદા જેવી બૈરી મળી, પછી કેમ ન થાય!’ લોકો હસવા લાગ્યાં. હુક્કાની બે ફૂંક લગાવી ભગતે આગળ ચલાવ્યું, ‘પછી તો, ભાઈ, વખતે સમા માટે ઊનું પાણી પણ કાઢ્યું. કોરા મગનું શાક વઘારતાંકને ત્રણ રોટલા પણ ઘડી કાઢયા. જમવા બેઠેલા સમાને થવા લાગ્યું, ‘માન ન માન, સમા, પણ પેલા ભવની ભાઈબંધણ જ લાગે છે!’ ‘તમને તો લાગેસ્તો!’ કાળી ધીમેથી બબડી. ભગતે કહેવા માંડ્યું, વખત વાટ જોઈને બેઠી હતી કે ક્યારે સમાના ભાણામાં રોટલો ખૂટે ને ક્યારે બીજો મૂકું. પણ સમો રોટલો ખાય તો એ ખૂટે ને? એનો તો આજ હરખેય નો’તો માતો. એક બટકું મોઢામાં મૂકતો ને વળી વળીને વખત તરફ જોતો હતો. વખતથી બોલ્યા વગર ન રહેવાયું, ‘પાર મૂકોને? આમ ફાંફાં શું માર્યા કરો છો?’ સમો હસીને બોલ્યોઃ ‘મને એમ થાય છે કે આવી વખત આ ભવમાં ફરી પાછી ક્યારે’ – પણ ‘આવશે’ એમ બોલતાં પહેલાં તો વખત બોલી ઊઠીઃ ‘વખત તો આવેલી જ છે ને? જીવ ઠેકાણે રાખીને ખાઈ લો છાનામાના?’ હીરો બોલી ઊઠ્યોઃ ‘જોઈ કેટલી ખંધી બાઈ છે?’ ફરતા હુક્કાને ન્યાય આપતાં આપતાંમાં તો મનોર બોલી ઊઠ્યો ‘પછી ભગત કાકા?” પછી તો, ન તો સમાથી કેવાતું હતું કે તું રે’ વખત, કે ન વખતથી કહેવાતું હતું કે હું જાઉં સમા! ને આમ ને આમ આઠ દસ દિવસ નીકળી ગયા. તમારા મારા જેવાને પણ થવા લાગ્યુંઃ ‘આ સમાને ત્યાં કોણ બૈરું આવ્યું હશે?’ કોઈ કોઈ તો અટકળ પણ બાંધતા’તાઃ ‘હશે કોઈ મામા માસીની.’ પણ જ્યારે મહિનો થવા આવ્યો ત્યારે તો પાણીની પાણિયારીઓએ વખતને પૂછી જ નાખ્યું, ‘હેં વખત, સમો તારે શો સગો થાય?’ ‘એ તો તમે સમાને જ પૂછી જોજો ને.’ કહી મલકાતી મલકાતી વખત ચાલતી થઈ. લોકોએ સમાને પૂછી જોયું, ‘હેં સમા, તારે ત્યાં આ કોણ બાઈ આવી છે?’ સમાને નવાઈ લાગી હોય એમ બોલ્યો, ‘કેમ, તમને ખબર નથી? એ તો વખત છે.’ લોકોને થયું કે, આ સમાને તો ગાંડો કહેવો કે ડાહ્યો! કોઈ આ હીરાના જેવો ઉતાવળિયો બોલી ઊઠ્યોઃ ‘અરે ભાઈ, વખત છે એ તો અમેય જાણીએ છીએ. પણ તારે ને એને સગાઈ શી થાય?’ પણ સમાએય એ જ જવાબ આપ્યોઃ ‘એ તો તમે વખતને જ પૂછી જોજો ને.’ અને જે ભગતને કહેવાનું હતું એ જ પેલાં સાંભળનાર બૈરાં બોલી ઊઠ્યાં, ‘મરો પીટ્યો સમોય ખરો તો!’ જીભને ટેરવે શબ્દો રાખીને બેઠેલા મનોરે ઊભા થતાંકને કહ્યું, ‘એમાં બિચારો સમો શું કરે! એ તો પેલી વખત જ એવી છે!’ ત્યાં તો બાજુમાંથી મુખી બોલી ઊઠ્યાઃ ‘ભાઈ, કોઈનોય વાંક કાઢવા જેવો નથી. સમો ને વખત બેય સરખાં જ છે.’ ભગતે પૂરી થતી વાત ઉપર કળશ ચઢાવી દીધોઃ ‘તે દિવસથી જ સમો ને વખત બે એક જ થઈ ગયાં છે!’ લોકોને જાણે હમણાં જ ભાન આવતું હોય તેમ બોલી ઊઠ્યાં, ‘ખરી વાત છે, લ્યા ભાઈ! સમો કો’કે વખત કો’, પણ બેય છે તો એક જ ને!’ અને પછી તો, ‘ભગતકાકા, વાત તો સરસ કહી હાં!’ કહી લોકો ઊઠવા જતાં હતાં ત્યાં તો ભગતે સંભળાવી દીધું, ‘પણ વાત કંઈ મફત નથી કહી! ગાણાં ગાયા પછી જ બધાંને વેરાવાનું છે.’ આડે દિવસેય ભગતને નારાજ કરવાની કોઈની હિંમત ન હતી, તો આજ તો હોઈ જ કેમ શકે? વળી અત્યારે બધાં ગીત ગાવા જેવા ઉત્સાહમાં પણ હતાં. જોતજોતામાં ઘૂમર મંડાઈ. હુક્કાનો ગડગડાટ કરતા ભગતને આ યુવાન યુવતીઓને ગરબે ઘૂમતાં જોઈને મનમાં થયું પણ ખરુંઃ ‘ત્યારે શું! જુવાનીનાં આ પાંચ વર્ષ જ ગાવા નાચવાનું છે ને! અને હૈયામાં શ્વાસ ભરતાં બબડ્યાઃ ‘પછી તો કોઈ કે’શેય નહિ કે ઊઠ ને ગા!’ (‘મળેલા જીવ’માંથી) ![]() |
[પાછળ] [ટોચ] |