[પાછળ] |
એ હાલો શિરામણ કરવા! શીરો તૈયાર છે! લેખિકાઃ અરુણા જાડેજા આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે: ‘કાશીનું મરણ ને સુરતનું જમણ.’ કાશીનું મરણ તો દુર્લભ. પણ સુરતનું જમણ હું ચોક્કસ લાભી છું. કારણ મારો જન્મ સુરતમાં. જન્મે મરાઠી, પણ નાનેથી મોટી તો ગુજરાતમાં જ થઈ. સ્વાભાવિક જ છે કે રસિકડા ગુજરાતીઓની એવી જ રસીલી વાનગીઓથી હું ટેવાયેલી-હેવાયેલી હોઉં. આ જન્મ અને મરણના બે છેડા વચ્ચેનું એક મંગળબિંદુ એ લગ્ન. એ પણ ગુજરાતી સાથે જ. આમ ભણી-ગણી-પરણી બધું ગુજરાતમાં જ. એટલે ગુજરાતી રસોઈ મારે સાવ હૈયાવગી. મરાઠી ન્યાહારી જેવો જ આપણો અસ્સલ તળપદો શબ્દ એટલે શિરામણ. પહેલાંના વખતમાં શીરો-બીરો કરતા હશે ને તેથી કદાચ આ શબ્દ આવ્યો હશે. ત્યારે તો ઘી-દૂધની રેલમછેલ હતી. સવારથી સાંજ વાડી-ખેતરોમાં જોતરાવાનું. એટલે કૉલેસ્ટેરોલ ‘કિસ બલા કા નામ હૈ!’ બ્રેકફાસ્ટમાં બેસે એવા અને પાછું જેના પર ગુજરાતની વિશિષ્ટ છાપ હોય એવા ખાસ નાસ્તા આપણે જોઈએ. અમારા કચ્છ-કાઠિયાવાડમાં આજેય શિરામણમાં હોય બાજરાનો રોટલો. સાથે હોય ત્રેવડ પ્રમાણે દૂધ કે છાશ. શહેરોમાં ઉછરેલાં અમારા સંતાનો પણ ગામડે આવે ત્યારે એમનો ગમતો ને ભાવતો નાસ્તો આ જ. ઘરની ગાય-ભેંસના શેઢકઢાં દૂધ, તકતકતાં ને લસલસતાં ઘી-માખણ. ગુજરાતનો નાસ્તો કહો એટલે આંખ સામે એમની તળેલી વાનગી આવીને ઊભી રહી જાય. પણ એવું નથી, એમની રોજિંદી ખાદ્યશૈલી કંઈ એવી તૈલી નથી. ગામડાના રોટલાની જેમ શહેરમાં ઘરે ઘરે સવારના નાસ્તામાં થેપલાં જોવા મળે. આ થેપલાનું કૂળ પરોઠાનું. તોય એનો એક ખાસ સ્વાદ જે ગુજરાતીઓને એકદમ જીભવગો. ફકત સવારે જ નહિ, પણ ગમે ત્યારે થઈ શકે એવો આ નાસ્તો. ગુજરાતીઓનો પ્રવાસ થેપલાં વગર શક્ય જ નથી. એમાંયે કેટકેટલી વિવિધતા. આમ તો મોટે ભાગે ઘઉંના લોટમાં જુવાર કે ચણાનો લોટ પડે, કચ્છ-કાઠિયાવાડમાં બાજરીનો લોટ આગળ પડતો હોય. થેપલાંના રાજ પર આ બેઉની-વિદૂષી એવાં ભરાવદાર દૂધીબાઈ તેમજ ઝીણકી પણ અનેરી એવી મેથીબાઈની જ આણ વર્તે. આ થેપલાંનો ગુરુમંત્ર એ કે લોટમાં શાકભાજી નહિ પણ શાકભાજીમાં સમાય તેટલો જ લોટ પડે. આવા ઢીલા ઢીલા લોટનાં થેપલાં વણવાનું કામ કોઈ ઢીલાપોચાનું નહિ. વણવામાં થોડી કુનેહ માગી લે. પણ આવાં નરમ-ગરમ થેપલાં ખાઈ-હરખાઈને વડેરાં-ઘરડેરાં ઝાઝેરી આશિષ આપશે! મુઠિયાં એ થેપલાંના ભાઈબંધ. ખોળિયાં જુદાં એટલું જ, બાકી આત્મા તો એક જ. એમાંય લોટ-ભાજીનું પ્રમાણ થેપલાં જેવું જ. મુઠ્ઠીમાં વાળીને નાનાં નાનાં કે મોટા વાટા જેમ વાળીને પણ થઈ શકે. બાફીને થાય, વઘારીને થાય, તળીને પણ થાય. પરંતુ આપણે તબિયત સાચવાની હોવાથી પહેલી પસંદગી બાફેલાંને આપીશું ને…! આ મુઠિયાંને દેખાવડાં કરવા માટે એનાં લંબગોળ માછલી આકારનાં વાટા વાળીને બાફી લેવાં. ત્યારબાદ લૉફ-બ્રેડ પર હોય છે તેવા ત્રાંસા કાપા કરવા. તલ-રાઈ-હિંગનો રૂડો વઘાર ચમચીથી થોડો થોડો રેડવો. લીલાં લીલાં મુઠિયાં ને એનાં પર ચમકતા સફેદ તલ! તમને એમ જ લાગશે કે આંગણાંમાંની એકાદી વેલ પરથી જ સીધાં ઉતાર્યાં છે કે શું? થેપલાંની જેમ આ મુઠિયાંની પણ એક ગુરુચાવી (બિઝનેસ ટ્રીક) છે. હવે થાય શું કે દૂધી-પાલક તો જલદી ચડી જાય અને લોટને લાગે વાર. ત્યાં સુધીમાં તો રાહ જોઈ જોઈને થાકેલાં બિચારાં શાકભાજી લીલામાંથી ખાખી થઈ જાય. તેથી મુઠિયામાં પડતો ઘઉંનો જાડો કે હાંડવાનો કકરો લોટ શેકી લેવો. ચણાના લોટને બદલે દાળિયાનો લોટ લેવો. હવે લોટ પણ ચઢેલો હોવાથી એ રેસમાં ભાજી ને લોટ બંને સાથે જ ફિનિશિંગ લાઈન પર પહોંચે છે. દૂધીનો લીલેરો અને ભાજીનો લીલોછમ્મ રંગ સચવાઈ જાય છે. લટકામાં મૂઠિયાંમાં આથો ન હોવાથી એસિડિટી આ બાજુ ફરકે જ શાની? ભ’ઈ ખરી, એ ભાખરી ખરી! ઘઉંના જાડા લોટમાંથી બનેલી, સાવ ધીમા તાપે શેકાયેલી ભાખરીની કકરાટી તો બિસ્કીટથી કમ નહિ. પૌષ્ટિકતામાં તો થેપલાંથીયે ચઢે. હા, વાતુંના વડાંની જેમ આમાંય મોણ માપસરનું જ નાખવાનું, નહિ તો પાછું ઊલમાંથી ચૂલમાં પડવાનું થાય! વાળુમાં એટલે કે રાતનાં જમણમાં દૂધ ભાખરી અગ્રિમ ક્રમે. એ જ રીતે, ખા ખરા ખાખરા. ખરા (ફરસાં) ખાખરા ખરા (સાચા) હશે તો જ આજે એનાં આટલાં ગુણગાન ગવાતાં હશે ને? વધેલી રોટલીને સાફસુથરા કટકાથી હળવેકથી દબાવી દબાવીને આછા ગુલાબી રંગના શેકીને થતા આ ખાખરા. હાથના આ કસબમાં પણ ગુજરાતીનું જ કામ ને ગુજરાતનું જ નામ. ચાલો, રોજના નાસ્તા પછી હવે વાર-તહેવાર-રવિવારના નાસ્તા જોઈએ. ગુજરાતનો ઝંડો ચોમેર ફરકાવનારા તો ખમણ-ઢોકળાં-ઈદડાં. એમાં પણ ગુજરાતની જ મૉનોપોલી. ઢોકળાં એ ખમણનાં મસિયાઈ થાય ને ઈદડાં એ ઈડલીનાં સગાં મા જણ્યાં. કેરીગાળે રસની મહેફિલમાં ઈદડાંની સંગત તો અચૂક. નર્યા પીળાં ધમ્મક ખમણ, મરચું ભભરાવેલા આછેરા પીળાં ઢોકળાં, મરી છાંટેલા ધોળા ફૂલ જેવાં ઈદડાં – એ બધાં પર લીલાં મરચાં ને રાઈનો વઘાર તો શો સોહે! ઉપર પાછી ગૃહિણીની ખાસમખાસ સખી, રૂપરૂપના અંબાર સમી કોથમીર બિરાજતી હોય, પછી તો આ કામણગારા પદાર્થોનું પૂછવું જ શું? (વઘારમાં છાશનું પાણી રેડવું જેથી મરચાંના ટુકડા બળી ન જાય અને મુઠિયાં-ઢોકળા-ખમણ-ઈદડાં બીજે દિવસે પણ ગળે ઉતારતા તકલીફ નહિ પડે.) અત્યાર સુધી તમે જોયું હશે અને હવે પછી પણ જોશો તો સમજાશે કે આ બધા જ નાસ્તા ઘઉં-જુવાર-બાજરી-ચણાનો લોટ કે જુદી જુદી દાળ અને શાકભાજીમાંથી બનેલા છે. તેથી સ્વાસ્થ્ય માટે લાભકારક અને પૌષ્ટિક છે. બાફેલાં-સાંતળેલાં નાસ્તા પછી હવે આપણે બે-ચાર તળેલાં એવાં નાસ્તા જોઈએ કે જેના પર પણ મહોર તો ગુજરાતની જ છે. થેપલાંનું બૉન્સાઈ રૂપ એટલે બાજરીનાં વડાં. ગોળ-મટોળ ને હાથ વડે થેપી-દબાવીને થતાં નાનાં નાનાં ચપટાં વડાં. તલનો ઉજાસ અને મેથીની લીલાશ ભળતા બાજરીનાં ભૂખરાપણાને હામ આવે. વળી, ભજિયાં તો ઠેર ઠેર જોવા મળે પણ ગોટા ને તેમાંયે ડાકોરનાં ગોટાનો જડે ન જોટો. આ યાત્રાધામના ભગવાન શ્રી રણછોડરાયજીની જેમ અમારા ગુજરાતીઓને ત્યાંની પરસાદી સમાં આ ગોટા માટે પણ એટલો જ ભક્તિભાવ. ભજિયાંની જેમ ગોટાનેય ‘ચાહ’ બીના નહિ રાહ – એમાં પણ મરચાં તો એમની હાજી હા કરનારા હજૂરિયાં ને હજૂરિયાં વિના કોને ગોઠે? શ્રીમંત ઘરાણાંનું ફરસાણ એટલે તુવેર (લીલવા)ના ઘૂઘરાં. ઉત્તર ભારતથી આવેલાં સમોસાએ ભલે ભારતભરમાં પગદંડો જમાવ્યો હોય પણ અમારી લીલવાની કચોરી સામે એનો કોઈ કલાસ નહિ. કલાસિક. સમોસા ને કચોરીને મૂલવવાં એટલે અનુક્રમે ફિલ્મફેર એવોર્ડ ને નેશનલ એવોર્ડ જેવું. ક્રિટિક’સ ચોઈસ. જો બાત તુવેરમેં હૈ વો મટરમેં કહાં? ઘઉંનાં લોટનાં, ગુલાબી ઝાંયવાળાં ફરસાં પડમાં છૂપાયો છે લીલોતરીનો ખજાનો-લીલવા, ભારોભાર લીલું લસણ ને લીલાં ધાણાં. લીલવાની કચોરી, ન થાયે એની બરોબરી. ઘૂઘરના જ ગોત્રનાં એક બહેનબા એટલે સૂરતી પેટિસ. રઈસી ખાનદાન. આમ તો બારેમાસ મળતા બટાકાની થાય પણ શિવરાત્રી પર મળતા રાજાશાહી બટાકામાંથી થતી પેટિસ તો લાજવાબ. બાફેલાં બટાકાનાં સોનેરી પડમાં ભર્યું હોય લીલાં કોપરાનું રૂપેરી પૂરણ. મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ મસાલાવાળી પૂરી ચા સાથે બહુ ઉપડે. બાકીનાં બીજા બધા નાસ્તા બટાકાપૌંઆ, ઉપમા, ખાંડવી વિગેરે અન્યત્ર પણ – રંગેરૂપે થોડા ફેરફાર સાથે જોવા મળે જ છે. એમ તો ગુજરાતનો પર્યાય ફરસાણ પણ ગણાય છે. પણ એ કાંઈ બધાંના બ્રેકફાસ્ટમાં રોજ બેસતું નથી. આવાં તૈયાર ફરસાણને ‘જીભ-એ-મસ્ત’ નામનો એવોયે એક ચાહક વર્ગ છે ખરો કે જેમની સવાર આવા ફાફડા-ગાંઠિયા-જલેબી વગર પડતી નથી. સવારના નાસ્તામાં મિષ્ટાન્નમાં શિરો, સક્કરપારા, મગસ એ બીજે પણ જોવા મળે છે પણ સુખડી એ ફકત ગુજરાતની જ પેટન્ટ. સરખા ઘીમાં, સરખો શેકાયેલો ઘઉંનો લોટ, એમાં ઉમેરાય દેશી ગોળનો ભૂકો! ફટાફટ હલાવીને તુરત જ થાળીમાં ઠારવામાં આવે. કુશળતાથી અણીશુદ્ધ ટુકડા થાય. ઘઉં-ગોળની સોડમદાર ચોસલેદાર સુખડી મોઢામાં મૂકતાં જ ઓગળી જાય છે. પેટમાં પડતા જ બધું ઝળાંહળાં થઈ જાય એવી અમીરાતભરી ને મીઠી-મધુરી. દાદા-દાદીનો વારસો જોઈતો હોય તો શેકાયેલા એ લોટમાં થોડું દૂધ છાંટો. પોચી પોચી આ સુખડી એ બોખલા જીવની આંતરડી ઠારશે. એય ખુશ ને આપણેય ખુશ. આવી છે અમારી ખુશખુશાલ સવાર. જેની સવાર સારી એનું બધું સારું! ************* પહેલાં શીરો શબ્દ આવ્યો હશે કે શિરામણ? આ પેચીદો સવાલ છે. કારણ કે શીરો શબ્દ છે ફારસી અને શિરામણ અસલ તળપદી, પાઘડી પહેરેલો દેશ્ય શબ્દ; શીરો સાવ સામી પાટલીએ બેઠેલો – ટોપી અને તે ય પાછી મુસ્લિમ ટોપી પહેરેલો. એટલે શીરા પરથી આપણું શિરામણ આવ્યું કે આપણા શિરામણમાંથી એમણે શીરો ચોરી લીધો એવી જીભાજોડી બન્ને કરી શકે તેમ છે! આમ તો આ બન્ને સ્વજનો જ છે પણ સામસામી પાટલી પર બેઠા તેથી મૂળ ધાતુમાં હૃસ્વ-દીર્ઘનો ફેર થઈ ગયો બાકી એમનો ભાઈચારો તો અકબંધ જ રહ્યો છે. મધ્યયુગના જમાનામાં સવારના નાસ્તામાં આ શીરો ખવાતો હશે તેથી સવારના નાસ્તા અર્થાત્ દેશી બ્રેકફાસ્ટ માટે શિરામણ શબ્દ વપરાશમાં આવ્યો હશે. શીરો એ ફારસી વાની છે, મીઠી વાનગી છે, અતિ મધુરું વ્યંજન છે. શિરામણ શબ્દ અને મહેરામણ બન્ને આગલા જન્મના ભાઈઓ. સવારસવારમાં મસમોટા તાંસળામાં રેલમછેલ કરતું ઘી રેડાયું છે, ઘીને અગ્નિદેવતાનો સાથ મળે છે અને એમાં ઘઉંનો લોટ પડે છે, ઘીમાં ભળી જઈને શેકાય છે, ફળિયામાં બધાની નાસિકા, સંત જ્ઞાનેશ્વરે કહ્યું છે તેમ, પોતે જ સુગંધ બની જાય છે, બાજુમાં ઊકળતું ગોળવાળું ફફળતું પાણી રાહ જોઈ રહ્યું છે -- ઘી અને લોટ સાથે હસ્તધૂનન કરવાની. અને આ ત્રણેય ભેગા થઈને એક મસ્તધૂનન માટેની હવા સર્જી આપે છે. વાડીએ કે પેઢીએ જનારા નાહી ધોઈ પરવારીને રસોડાની બહાર બેસી જાય છે, ટોળે વળીને. સુગંધિત નાસિકાવાળા પાસપાડોશી પણ એ ટોળામાં સામેલ થઈ જાય છે. એ જામ્યો મહેરામણ શિરામણ ટાણે! તો આ છે શિરામણ અને શીરાની દોસ્તીનું રહસ્ય. ભલેને પહેલાના જમાનામાં સવારના નાસ્તા માટે શિરામણ શબ્દ વપરાતો પણ આ શિરામણનો શીરો તો આઠે પહોર માટે વપરાતો થઈ ગયો છે. સવારના મંગળાના દર્શનથી માંડીને રાતના શયન સુધી શીરાની બોલબાલા રહી છે આપણે ત્યાં. મીઠી મધુરી વાનગીઓમાં આપણા ગુજરાતીઓમાં શીરો શિરમોર સમો. સવાર સવારમાં મોહનથાળ ન ઠરે કે મેસૂબની જાળી ન જામે કે માલપૂઆ ન ઊતરે કે ઘેવરની જાળી ન પડે. એ તો વાટકામાં શીરો જ પડે. આપણે આ શીરોપૂરીને જેટલા મોંઢે ચઢાવ્યા છે એટલા બીજા કોઈને ય નહીં. ન શિખંડપૂરી કે ન બાસુંદીપૂરી કે ન રસપૂરી. અને આમે ય આ બધા તો વરસના વચલે દહાડે પધારનારા, પણ શીરાભાઈ તો કાયમી, ઘરના જ કહેવાય! ભર શિયાળામાં શિખડપૂરીનું નામ મોંએ ન ચડે કે ઉનાળા સિવાય રસપૂરીનું નામ જીભે ન ચડે, શ્રાદ્ધ સિવાય દૂધપાક પૂરી યાદ ન આવે, તો બાસુંદીપૂરી ભાગ્યે જ કાને પડે પણ શીરોપૂરી રોજેરોજ જડે. શીરો એટલે ઘઉં-ગોળ-ઘીની સંગત, તબલા-હારમોનિયમ-કંઠ જેવી સૂરીલી. પછી એ કંઠ ખાંસાહેબનો હોય કે બાઈનો હોય. ફાડા હોય, વચલો બાટ હોય કે થૂલીનો બાટ; આખરે તો ઘઉં જ. લાપસી હોય, કંસાર હોય કે શીરો પણ આંધણ તો એક જ, ગોળનું. અર્થાત્ કૂળગોત્ર તો એક જ. ઘઉં-ગોળ-ઘીનો શીરો પૌષ્ટિકતામાં અવ્વલ નંબરે બિરાજે, એલચીનો છંટકાવ એને ઓર નિખારે, તો લાલ સૂકી દ્રાક્ષ (કિશમિશ) શીરાને મૂઠી ઊંચેરો બનાવે. શીરાની બહેન એ શીરી, એટલે આપણી રાબ. એનો ય શો રુઆબ! બદામ-ખસખસથી સોહંતી અને એલચી-કેસરથી મહેંકતી. માંદા પડવાની એ જ તો છે મજા. અને પંજાબીઓ આમ તો શીરાને સૂજી કા હલવા કહે પણ રાબને શીરી કહેતા મેં મારા પંજાબી પાડોશીને સાંભળ્યા છે. તો અમારા મદ્રાસી મિત્ર શીરાને કેસરી નામે બોલાવે. એમ તો ચણાના લોટનો પણ શીરો થાય, જાણે ઢીલો મોહનથાળ જોઈ લો. શેકતી વખતે થોડી મલાઈ નાંખો, શીરાને મલાવીમલાવીને ખાવાનું મન થઈ આવશે. રવાનો શીરો રૂપેરંગે સોહામણો પણ ભારે વાયડો. તોયે સત્યનારાયણની પૂજાનો પ્રસાદ ખરોને, દાઢે વળગી જાય, ખાધા પછી બ્રશ કરવાનું મન ન થાય. કથા સિવાય અમસ્તાયે એ જ પવિત્ર ભાવથી શીરો શેકવામાં આવે તો એ જ પ્રસાદના સ્વાદ જેવી દાદ લઈ જાય. છલોછલ ઘી ને એમાં —શ્રી કૃષ્ણ શરણમ્ મમ-ની ધૂન ગાતાંગાતાં — શેકાતો ગુલાબિયો રવો, કિશમિશ તો ખરી, બદામની કતરણ જોજો ન ભૂલાય. અને પછી એમાં પડતું છમ્મકારા સાથે ઊકળતું દૂધ. એ દૂધ સહેજ ભળે ન ભળે ત્યાં જ ખાંડ ભળી જાય, દૂધ બળવાની રાહ નહીં જોવાની. રવો-દૂધ-ખાંડ એ ત્રિપૂટી હાથમાં હાથ મિલાવી કડાઈમાં દોડાદોડ કરી મૂકે. પછી એમને ઠારવા પાણીવાળી થાળી ઉપર ઢાંકી દો, પેલી ત્રિપૂટીની ધમાલ પણ થાકીને ઠરી જશે અને આપણી જીભબાઈ ફાવી જશે. થાળી ઊતારીને જુઓ તો જાણે પારણામાં હસતા બાળકૃષ્ણ, એમની નજર ઊતારવા છાંટી દો એલચીનો ભૂકો. રંગ-રૂપ-રસ-સ્વાદ-સુંગધનો દરિયો હેલે ચઢે. માનતા રાખીને કરેલી પૂજામાં ધરાવાતો એકમાત્ર ખાસમખાસ પ્રસાદ એટલે શીરો. ન કે મોહનથાળ કે ન મેસૂબ કે દૂધપાક કે ન બાસુંદી, ન રસ કે ન શિખંડ. ભગવાનના પ્રસાદમાં એ કોઈનું કામ નહિ. ભર શિયાળામાં આગળ પડતું ઘી નાંખેલા રવાના શીરાને થાળીમાં ઠારીને મોહનથાળની જેમ ચકતાં પડતા પણ ગામડામાં જોવા મળે. સો વાતની એક વાત: શીરાનો સિદ્ધાંત એક જ, લોટમાં ઘી ને દૂધ (કે પાણી) ઓછા ન ખપે. * બડે મિંયા તો બડે મિયાં, છોટે મિંયા ભી સુભાનલ્લા! નાનું બાળક પણ શીરાનો મહિમા જાણે અને તેથી જ શીરાના નામે જ રીઝે. “રાધે રાધે રાધે, શીરોપૂરી ખાજે.” કહો તો એ નાનકું હસી પડે ને બે હાથે તાળી પાડવા મંડે. પણ “રાધે રાધે રાધે” સાથે “શિખંડપૂરી” કે “રસપૂરી” બોલી જોજો, એ નાનકું અવળું ફરીને ભાંખોડિયા ભરવા લાગશે; એ ય બધું સમજે છે. નાના બાળકો ઊછરીને મોટા થાય તે શીરા થકી જ, કૌવત મેળવે તે શીરા થકી જ. શીરાની સખી પૂરી અને ભજિયાં તો એના હજૂરિયા; ના, ના એમ ના કહેવાય. ભજિયાં તો જાણે હનુમાનજી. સિંહાસને બિરાજેલાં શ્રીરામ-સીતા ને ચરણોમાં દાસ એવો ફોટો નજર સામે તરી આવે છે આ શીરો-પૂરી ને ભજિયાંનું નામ પડતા. પૂરી ને ભજિયાં ન હોય તોયે શીરો તો જામે જ. સાંજના નાસ્તામાં શીરો હોય તો એની સાથે પાપડ કે સારેવડું સરસ જાય, અમારા મરાઠીઓમાં તો બપોરની ચા સાથે શીરો હોય તો રકાબીમાં બાજુમાં ખાટાં અથાણાંનું ચીરિયું અચૂક હોય. રવા ઉપરાંત મગની દાળનો શીરો પણ એકદમ સ્વાદિષ્ટ, બરફી જેવો કણીદાર. માત્ર ને માત્ર બદામનો શીરો તો શાહી શીરો, રસના ચટકાની જેમ બદામના શીરાની ય ચમચી-બે ચમચી જ હોય, વાટકો નહીં. નહિતર લેવાના દેવા થઈ જાય! * ઉપવાસ તો શીરાનો મહિમા ઓર વધારે. કેટકેટલા હોય છે ઉપવાસી શીરા! શિંગોડાનો, રાજગરાનો, બટાકાનો, શક્કરિયાનો. શીંગ-શિંગોડાનો શીરો ખાઈ જોજો. શિંગોડાના લોટમાં ભારોભાર શેકેલી શીંગના ભૂકાની મસ્તી થાવા દો અને પછી પેટમાં એમની દોસ્તી થાવા દો. આ બધા શીરા એકએકથી ચડિયાતા. સવારે પેટભાઈને બસ એક વાડકો ભરીને શીરો ખવડાવી જુઓ, આખો દી’ શી વાતે ઓશિંગણ થઈને તમારા ઉપવાસને પેટ ખમી લેશે. કચ્છડો બારે માસ તેમ અને રોટલા કે બટાકાની જેમ આ શીરો તો બારે માસ ને આઠે પહોર ગમે. ને પછી કરો લીલા લહેર. લસલસતો શબ્દ શીરા જેટલો કોઈ સાથે ન જાય. ગળે ઊતરવામાં પણ લસલસતા શીરાની તોલે કોઈ ન આવે. કોઈ પાસ થઈ ગયું કે કોઈને પ્રમોશન મળી ગયું કે બાબો આવ્યો કે લક્ષ્મીજી પધાર્યાં કે સારા સમાચાર આવ્યા તો ભઈ, ઝટપટ શીરો શેકી નાંખો, બજારમાંથી પેંડા આવે એટલી રાહ કોણ જુએ? અતિથિ પધાર્યા તો શીરો સામેથી દોડ્યો આવે. હાથવગો ને હોઠવગો, તેથી જ તો એ હૈયાવગો છે! હવે જો ગીતા નવેસરથી લખાય તો ભગવાન પણ કહે કે શિરામણમાં શીરો હું છું! |
[પાછળ] [ટોચ] |