[પાછળ] |
‘લાખો ફુલાણી’ અને શિવકુમાર આચાર્ય
લેખકઃ દિગંત ઓઝા પરંતુ આ લેખકે રાજકોટના એક એવા શિવને જાણ્યા છે, જે સંહાર નહીં, સર્જન કરતા રહ્યા અને એ પણ જીવનભર! પરંતુ લગભગ આઠ દાયકાની સર્જનયાત્રાના અંતે જો તેમના જીવન અને કવનનું સરવૈયું કાઢવું હોય તો ગઝલ સમ્રાટ અમૃત ઘાયલના શબ્દોમાં જ કહેવું પડે: નથી બીજું કમાયા કૈં જીવનની એ કમાઈ છે, અમારે મન જીવનમૂડી અમારી માણસાઈ છે. શિવકુમાર આચાર્યનો પરિચય ક્યારે થયો, કોણે કરાવ્યો, કંઈ યાદ આવતું નથી. પરંતુ રાજકોટની રાજશ્રી સિનેમા સામે આવેલી આયુર્વેદની દવાની દુકાનના ઓટલે ‘ફૂલછાબ’ના આ પત્રકારબંધુ આચાર્યભાઈ જોડે બેઠા હોવાનું એમનું પહેલું ચિત્ર સ્મૃતિપટલ પર દેખા દે છે. ખભે-ખભા અડકાડીને આ લેખક શિવભાઈની સાથે અલકમલકની વાતો કરતા બેઠા હોવાનું યાદ આવે છે. દુકાનના માલિક અશ્વિન જાની વચ્ચે-વચ્ચે ટાપસી પૂરતા જાય છે અને દવાઓ વેચતા જાય છે એવું એ ચિત્ર નજર સમક્ષ તરવરે છે. ત્યારે દુનિયા બદલી નાખવાનાં સપનાંના નશામાં બન્ને અખબારનવેશો ચૂર હતા. પહેલા આકાશવાણી (રાજકોટ) કેન્દ્રમાં અને પછી ‘ફૂલછાબ’ દૈનિકમાં તેમણે કામ કર્યું હતું. સમાચારો જોડે પનારો પડ્યો હોવાથી તેઓ અભિપ્રાયોથી તરબતર હતા. શિવકુમાર આચાર્ય પોરબંદર પાસેના રાણપુરમાં આ લેખકથી લગભગ એક દાયકા પહેલાં જન્મેલા. પરંતુ સતત હમઉમ્ર હોવાનો અહેસાસ શિવભાઈ કરાવતા. આ લેખકને પણ ચલચિત્રો જોવાનો ચસકો જ નહીં, બલકે વ્યસન જ. ભાઈબંધ શાયર શેખાદમ આબુવાલાની માફક શિવભાઈ જોડે પણ જોયેલી ફિલ્મોની ચર્ચા કરવાની મોજ આવે. પછી તો બોલપટ જોવાના પૈસાના વાંધા હતા એવી આર્થિક સ્થિતિમાં આ લેખકે નિર્માતા બનવાનું ગાંડપણ કર્યું. જિતુદાન ગઢવી સાથે શિવકુમાર આચાર્યને પટકથા-સંવાદ લખવાનું સોંપાયું અને મુલાકાતોનો દૌર જામ્યો. અવારનવાર મુલાકાતો-સ્ટોરી સીટિંગ થતાં રહ્યાં, અને પટકથા રચાતી ગઈ. બન્યું હતું એવું કે જેસલ-તોરલની અઢળક સફળતા પછી રવીન્દ્ર દવેની એક ટીમ બની ગઈ હતી. આ લેખકના ભાગે ‘ડેડી’ (રવીન્દ્ર દવેનું હુલામણું નામ)ના પ્રોડક્શનની પબ્લિસિટિ-પ્રચારકાર્ય આવ્યું હતું. શિવભાઈના કારણે સૌરાષ્ટ્રમાં છાપાં ધૂમ મચાવતાં તેથી વિતરકો ખુશ હતા. ત્યારે મુંબઈના ફ્રી-પ્રેસ જર્નલ અખબાર જૂથના ગુજરાતી દૈનિક ‘જનશક્તિ’માં આ લેખકની નોકરી. તેથી ફિલ્મી કામગીરી પત્ની ઈલાના નામે થતી, એ જવાબદારી અદા કરવા અવારનવાર રાજકોટ અને શિવભાઈને મળવાનું બનતું. અશ્વિન જાની અને મિત્રો પણ એ નિમિત્તે મળતા. ખૂબ ગામ-ગપાટા મારવાનું થતું. શિવભાઈને પોતાની આજુબાજુ વાર્તાઓનાં પાત્રો રિબાતાં-ઘૂંટાતાં-પીડાતાં અને છતાંયે કશીક ખેવના સાથે જીવતાં-ઝઝૂમતાં દેખાતાં રહેતાં હતાં. એવા વિવિધ પાત્રોની કથા શિવભાઈના મુખે સાંભળવા મળતી. અને એ પાત્રોનાં વ્યથા-વેદન અંતરમાં ઊભરાવાની સઘન અનુભૂતિ થતી. શિવભાઈ પાસે સાંભળેલી વાર્તાઓમાંની સંવેદના ભારઝલ્લી બનતી. ઘણાં લેખકોના હાથે ગ્રામજીવનની કૃતક રચનાઓ ઘણી લખાઈ પણ બોલીના ઉપયોગથી એ રચનાઓની કૃત્રિમતા ઢાંકી શકાય નહીં. શિવભાઈની રચનામાં ગામડું એની અસલિયત પ્રગટાવતું, કારણ કે એના અનુભવો શિવભાઈની નસેનસમાં વ્યાપેલા. વિષમ પરિસ્થિતિ અને નઘરોળ સામાજિકતા વચ્ચે એમનો ઉછેર. અસંખ્ય ડંખ એણે શિવભાઈમાંના સર્જકને દીધા છે. છતાં એમણે સર્જેલ ગામડું એટલે લાખેણાં દૃશ્યોની વણઝાર, સંવેદનાનો છલકાતો ધોરિયો, ને વ્યથા-વલવાટનો ઘુઘવતો સાગર. જીવતરના સમંદરમાં ઢબૂકતાં-ઢબૂકતાં મોતી કે છીપલાં જેવી અનુભવગત વાતોને કલામાં રૂપાંતર કરવાનો શિવભાઈનો પ્રયાસ. પરંતુ જીવતરની સંવેદનાને ઓછું ના આવે એની પણ તેમણે ચીવટ રાખી છે. આવી વાર્તાઓની મહેફિલ માણી હોવાથી, નવા ફિલ્મલેખકને ખોળવામાં સહુ પ્રથમ નામ શિવકુમાર આચાર્યનું યાદ આવ્યું હતું. સાથે જિતુદાનને જોડવાનો વિચાર પણ મૌલિક નહોતો. શ્રી દેશી નાટક સમાજ દ્વારા નિર્મિત એક નાટક નામે ‘લાખો ફુલાણી’ ભૂતકાળના ભંડકિયામાંથી બહાર કાઢી ભજવવાનું હતું. કર્ણ પછીના બીજા દાનેશ્વરી ગણાતા કચ્છના પ્રજાવત્સલ રાજવીની એ વાર્તા. વિલેપાર્લેના ભાઈદાસ ઑડીટોરિયમમાં ‘લાખો ફુલાણી’નું મંચન થવાનું હતું. રવીન્દ્ર દવેની ટીમના દસેક સાથીઓને લઈને ‘લાખો ફુલાણી’ જોયું. ગુજરાતી ચલચિત્રોનો એ સુવર્ણકાળ. એ સોનેરી દિવસોમાં આલિયો-માલિયો-જમાલિયો બધા નિર્માતા થવા નીકળી પડ્યા હતા. એ સહુ રવીન્દ્રભાઈ પાસે પહોંચી જતા. આથી પાકિસ્તાન આજે પણ જેમને યાદ કરે છે એવા પંચોલી શેઠ ઉર્ફે દલસુખ પંચોલીના આ ભાણાભાઈ રવીન્દ્ર દવેને ‘વિષય-વાસના’ સતત સતાવતી. ફિલ્મ માટે સારા વિષયની, સ્ટોરીની બલકે લોકકથાની ખોજમાં રવીન્દ્રભાઈ અને એમની ટીમ હંમેશા રહેતી. રાજકોટના રમેશ મહેતા એ ટીમના સ્ટોરી એડ્વાઈઝર કમ કોમેડિયન કમ લેખક. રતન મટકાની માફક પોતાના મટકામાંથી રમેશ મહેતા જે પાનું કાઢે તેનું તે દહાડે શૂટિંગ થાય. ‘હોથલ-પદમણિ’ અને ‘રાજા ભરથરી’ ફિલ્મો એક જ સેટ પર, એક જ કલાકારવૃંદ સાથે કચકડે કંડારાય અને પાછાં બન્ને સુપરડુપર હિટ થાય એવા એ દિવસો! ભાઈદાસ ઑડીટોરિયમમાં શ્રી દેશી નાટક સમાજનું ‘લાખો ફુલાણી’ જોયું. જોઈને નીકળ્યા પછી રમેશ મહેતાના અભિપ્રાયની દોર પકડીને આખી મંડળીએ ‘આના પરથી ફિલ્મ થાય નહીં.’ એવો અભિપ્રાય ઉચ્ચાર્યો. “નહીં-નહીં”નું એ કોરસગાન સાંભળીને આપણારામ જીદે ચડ્યા. રવીન્દ્રભાઈને જવાબ રોકડો પરખાવ્યો, “એમ! આના પરથી ફિલ્મ ના બને? તો આપણે બનાવવી.” ત્યારે બોલતાં તો બોલાઈ ગયું કારણ કે વાત વટે ચઢી હતી. પરંતુ જેમ-જેમ આગળ વધતા ગયા તેમ-તેમ સમજાતું ગયું કે ફિલ્મનું નિર્માણ કરવું એટલે કેટલાં વીસું સો થાય. ફિલ્મના લખનારા ક્યાં? ફાઈનાન્સિયર ક્યાં? સાવ અંધારામાં ભુસ્કો મારનાર આ લેખક-ફિલ્મના નિર્માતા અને એના ભાઈબંધ-સાથી નિરંજન મહેતાએ મુંબઈની ચોપાટી પરની રામ રેસ્ટોરંટમાં બેસીને માણેકબાવાની સાદડીની જેમ અનેક પ્રોડક્શન પ્રપોઝલ ઘડી અને રિજેક્ટ કરી. બન્ને દોસ્તોએ ત્યારે મનોમન નક્કી કર્યું કે જો ફિલ્મ બનાવવી હોય તો એક વાત તો એ કે પહેલી પસંદગીની ટીમ લેવી નહીં. એટલે કે રવીન્દ્ર દવે, ઉપેન્દ્ર ત્રિવેદી-સ્નેહલતા, અવિનાશ વ્યાસ અને રમેશ મહેતાને લેવા જ નહીં. રાજીવ-રીટા ભાદુરીની જોડી આ નિર્ણયમાંથી જડી, અવિનાશ વ્યાસ નહીં તો સ્વતંત્ર સંગીતકાર તરીકે અવિનાશપુત્ર ગૌરાંગ વ્યાસની પસંદગી કરાઈ. પહેલી ફિલ્મ માટે ગૌરાંગની આસપાસ ભરત કરવા માટે કિશોર કુમાર પાસે ગુજરાતી ગીત ગવડાવવાનો વિચાર આવ્યો. સાથે ડાયરાના કલાકાર-લોકગાયક પ્રફુલ્લ દવેનો મણિયારો રૂપેરી પડદે લાવવાનું પણ નક્કી કરાયું. સવાલ ઊઠ્યો, ‘પટકથા લખે કોણ?’ આથી ફુલછાબના ભાઈબંધ શિવકુમાર આચાર્ય અને જિતુદાન ગઢવીમાંથી સલીમ-જાવેદની ગુજરાતી જોડી પેદા કરવાનું ઠરાવ્યું. ત્યારે દિગ્દર્શન નિરંજનભાઈના કોલેજકાળના મિત્ર અરુણ વિજય ભટ્ટ કરવાના હતા, અને છેલ-પરેશ કલા-નિર્દેશન. થયું. લોકેશન જોવા માટે રઝળપાટ શરૂ થયો. છેલ (વાયડા), અરુણ ભટ્ટ, શિવભાઈ-જિતુદાન અને નિર્માતા બનવાનાં સપનાં જોતા થયેલા આ લેખક. ખખડધજ એમ્બેસેડર ગાડીમાં, અમદાવાદની એચ. એલ. કૉમર્સ કૉલેજ પાછળના માનવ ફ્લૅટમાં સ્ટોરી સીટિંગ થવા લાગ્યાં. અને રાજકોટની ગેસ્ફોર્ડ ટોકિઝમાં દર રવિવારે જોયેલી પ્રશિષ્ટ અંગ્રેજી ફિલ્મોનો શિવભાઈનો ખજાનો ખૂલવા લાગ્યો. અરુણભાઈ અને આ લેખક પણ એવાં ચલચિત્રોના શોખીન. શિવભાઈ ‘ક્રિમસન પાઈરેટ’નું નામ લે, એટલામાં તો અરુણભાઈ ઉઠાંતરી કરવાના ‘સીન’નું વર્ણન કરવા માગે. ત્યારે રવીન્દ્ર દવેની ‘હોથલ પદમણી’ બોક્સઓફિસ પર સુપરડુપર હિટ હતી. મોડી રાત્રે ત્યાં પહોંચ્યા. અડધેથી ફિલ્મ જોઈ અને આગળનાં પાંચ રીલ ‘હોથલ પદમણી’ પૂરી થયા પછી ફરી ચલાવીને, પ્રેક્ષક વિનાના છબીઘરમાં જોયાનું યાદ છે. ત્યારે શિવભાઈ અને અરુણભાઈ કહેતા, ‘ફિલ્મમાં કંઈક તો હશે જ, એ વિના તે આટલી હિટ થાય નહીં. એ કંઈકને પકડવું પડે.’ ‘લાખો ફુલાણી’ના સર્જન દરમિયાન તેમણે પોરબંદરનાં નાથીબાઈની વાર્તા માત્ર કહી જ નહીં, લખી પણ આપી. ફિલ્મ રાઈટર્સ એસોસિએશનમાં તેનું રજીસ્ટ્રેશન કરાવી નાખી, સર્જનના નશાને સુરુરમાં પલટાવી દીધો. પરંતુ અરુણભાઈએ અચાનક નિર્ણય કર્યો, તે ગુજરાતી ફિલ્મનું દિગ્દર્શન નહીં કરે. તેમણે શશીકપૂર અને શબાના આઝમીને લઈને હિંદી ફિલ્મ એનાઉન્સ કરી. એનું નામ ‘હીરા ઔર પથ્થર’. ગિરનારના ડોળીવાળાઓની એ વાર્તા હતી. જુનાગઢમાં એ ફિલ્મનું શૂટિંગ જોવા શિવભાઈ જોડે જવાનું થયું હતું. ‘લાખો ફુલાણી’ અનેક અવરોધો વચ્ચે ૧૯૭૬માં સર્જાયું. હિટ થયું, ડિસ્ટ્રિબ્યૂટરને દલ્લો મળ્યો, પણ નિર્માતા નાણા વગરના નાથિયા જ રહ્યા. પરિણામે સિનેમાના સિલસિલા સર્જવાના સપનાં રોળાઈ ગયાં. જીવનના માર્ગ ફંટાયા. બન્ને ભાઈબંધો ફિલ્મી ફિતૂરમાંથી નીકળી ગયા, વ્યવસાયે પત્રકાર જ રહ્યા. ‘કચ્છમિત્ર’, ‘ફૂલછાબ’, ‘કચ્છભારતી’ અને ‘આજકાલ’, એમ શિવભાઈ છાપાં બદલતા જતા હતા. સૌરાષ્ટ્રથી કચ્છ જઈને વસ્યા હતા. આ લેખક પણ અમદાવાદ-દિલ્હી-સૂરત-વડોદરા-આણંદ એમ ગામ બદલતા ગયા અને રોલિંગ સ્ટોનની માફક સતત નોકરી પણ છોડતા-પકડતા રહ્યા. આ સમયગાળામાંયે મળવાનું બનતું. રાજકીય મતભેદો છતાં દોસ્તીમાં દરાર નહોતી આવી. જીવંત સંપર્ક તૂટી જવા છતાં ક્યારેક ફોન પર તો ક્યારેક અવારનવાર થતી રૂબરૂ મુલાકાતોમાં નિરાંતે વાતો થતી. જ્યારે મળે ત્યારે કોઈક નવી કથા શિવભાઈ કહે. એના પરથી ફિલ્મ બનાવી હોય તો કોણ અને કેવા કલાકારો એમાં હોય એવી ચર્ચા પણ થતી; એમ જાણવા છતાં, કે આ સપનાં ફક્ત સપનાં જ રહેવાનાં છે, એ ખ્વાબ કદી ખરાં થવાનાં નથી. ઘણી વાર અખબારને યંત્ર પર મોકલ્યા પછી, શહેર સૂતું હોય ત્યારે જાગતા બન્ને ફિલ્મચાહક પત્રકારો સપનાંમાં ખાબૂકતા. અમિતાભ બચ્ચન-નવીન નિશ્ચલને ચમકાવતી ‘પરવાના’ની કથા ફિલ્મ બની તે પહેલાં શિવકુમાર આચાર્યે કહી હોવાનું આજે પણ યાદ છે. અખબારોમાં તો આચાર્યે જે કર્યું તે ગાજ્યું નહીં, પરંતુ આકાશવાણી પરથી તેના લખેલાં નાટકો ખૂબ નોંધપાત્ર રહ્યાં. શિવભાઈના દોસ્ત અને રંગકર્મના હમસફર હસમુખ બારાડીના શબ્દોમાં, “ખૂબ ઉષ્માભર્યો, પરાણે વહાલ આવે તેવો એમનો સ્વભાવ, મિત્રો બનાવવામાં અને એને ટકાવી રાખવામાં મીઠી મૂડી બની રહેતો.” અને આજે એની હયાતી નથી ત્યારે હિંદીના ભાઈબંધ રચનાકાર રાજનારાયણ બિસરિયાના શબ્દો પડઘાય છે: જરા દૂર કુછ આપ કે હો લું જરૂરી નહીં હૈ સુનૂં ઔર બોલું સૂનેં, મૌન અસ્તિત્વ ભી બોલતે હૈ યહી દેવ-ભાષા સમજ લૂં, સંજો લૂં! અભી શબ્દ ઐસે બને હી નહી હૈ જિન્હે દેહ કી બોલિયોં મેં પિરો લૂં. (ઈ.સ. ૨૦૦૮માં શિવકુમારનું અવસાન થયા બાદ લખાયેલો લેખ. ‘લાખો ફુલાણી’ ફિલ્મ માટે તેમણે ‘ફૂલછાબ’ની નોકરી છોડી હતી. લેખ લખાયા બાદ ૨૦૧૦માં દિગંત ઓઝાએ પણ ચિરવિદાય લીધી. Source : https://shivkumar.wordpress.com) |
[પાછળ] [ટોચ] |