[પાછળ] |
સ્વર્ગની શાળા વિનોબા ભાવે
[વિનોબા ભાવેનો આ લેખ ‘મધપૂડો’ સામાયિકમાં પ્રગટ થયો હતો. ‘મધપૂડો’ એ કોચરબ આશ્રમમાંથી આશ્રમ પ્રવૃત્તિના એક ભાગ તરીકે ઈ.સ. ૧૯૨૦થી ૧૯૨૮ સુધી પ્રગટ થયેલું હસ્તલિખિત સામાયિક હતું જેમાં પ્રભુદાસ ગાંધી, કાકા કાલેલકર, વિનોબા ભાવે, આચાર્ય કૃપલાણી વગેરે અંતેવાસીઓ નિયમિત લખતા હતા.]
એક દિવસ એવું બન્યું કે બધા દેવો પરમાત્મા પાસે જઈને કહેવા લાગ્યા કે “અઠવાડિયામાં અમને એકાદ દિવસની રજા આપવી જ જોઈએ.” છોકરાઓના ચારિત્ર્યને લીધે પરમાત્માનો તેઓની ઉપર ઘણો જ પ્રેમ હતો, એટલે જ તેમને કહ્યું કે, “હું અઠવાડિયામાં એક દિવસ તો રજા ન આપું, પણ જાઓ આજે રજા આપું છું. પણ જો તમારામાંથી એક પણ વિદ્યાર્થી તેનો દુરુપયોગ કરશે તો પછી હું તમને કદી રજા નહીં આપું.” બધા દેવોએ એ વાત કબુલ કરી. એવી રીતે દેવશાળામાં પહેલવહેલી રજા પડી. દેવો ખુશ થયા અને રમવા ચાલ્યા ગયા. પણ બ્રહ્માને રમવા જવાનું ગમ્યું નહિ, તે પોતાની ઓરડીમાં બેઠા. નવરું મન એ ભૂતનું કારખાનું છે. બ્રહ્મા જૂના કાગળો કાઢીને તેનાં ચિત્રો બનાવવા લાગ્યા. પહેલાં તેને આકાશ, વાયુ, જળ વગેરે પંચભૂતો બનાવ્યાં. પછી પશુ, પક્ષી, માછલી વગેરે ભૂચર, ખેચર અને જળચર પ્રાણીઓ બનાવ્યાં. છેવટે પોતાની બધી અક્કલ વાપરીને તેમણે મનુષ્યની આકૃતિ બનાવી. બધાં પ્રાણીઓમાં પ્રાણ પૂરી દીધો. માથામાં અક્કલ પૂરવાનું કામ બાકી રહ્યું એટલામાં તો રાત પડી ગઈ. વાળુ કરવાનો ઘંટ થયો. બધા દેવો પોતપોતાના થાળીવાટકા લઈને જમવા ચાલ્યા, પણ બ્રહ્માનું કામ હજી પૂરૂં થયું ન હતું. પૂરૂં કર્યા વગર જમવું જ નહિ. એવો તેમણે સંકલ્પ કર્યો અને પોતાનું કામ જારી રાખ્યું. માણસ સિવાય બીજાં બધાં પ્રાણીઓના માથામાં અક્કલ રેડી. હવે માણસના માથામાં અક્કલ ભરવાનું બાકી રહ્યું હતું, પણ દેવશાળાનો નિયમ હતો કે દશ વાગ્યા પછી બધી દીવાબત્તી હોલવી નાખવી જોઈએ અને વખત તો થોડો બાકી રહ્યો હતો. કામ પુષ્કળ અને મહત્વનું હતું. બિચારા બ્રહ્મા કામ પૂરૂં કરી નાખવાના લોભમાં જમવા પણ ઊઠ્યા નહોતા, છતાં હવે બહુ જ દોડાદોડી કરવી પડી. ઉતાવળમાં ને ઉતાવળમાં કોઈના માથામાં બમણી અક્કલ પૂરાઈ ગઈ અને કોઈના માથામાં દોઢી અક્કલ ઘાલી દીધી. છતાં આખરે તો સમય પૂરો જ થઈ ગયો, અને અક્કલ પણ ખૂટી, તેથી કેટલાક માણસો બિચારા અક્કલ વગરના રહી ગયા. બીજે દિવસે શાળામાં પરમાત્માએ બધાને પૂછ્યું કે, “તમે કાલે શું કર્યુ? સૌએ પોતપોતાનાં કામ કહી સંભળાવ્યાં. છેવટે બ્રહ્માનો વારો આવ્યો. પરમાત્માએ પૂછ્યું, “તું બધામાં હોંશિયાર કહેવાય છે. તેં શું કર્યું તે કહે.” બ્રહ્માએ કહ્યું , “મેં કાગળનાં ચિત્રો બનાવ્યાં છે.” ચિત્રો જોઈ પરમાત્મા બહુ ગુસ્સે થયા અને બોલ્યા કે, “તેં આ બહુ જ ખોટું કામ કર્યું. તેં આખી સૃષ્ટિ પેદા કરી વધારે ઓછી અક્કલવાળાં પ્રાણીઓ ઉત્પન્ન કર્યા છે, તેથી કરીને તેઓ વચ્ચે ઝગડા મચશે ને આપણી શાંતિનો ભંગ થશે. માટે હું હવે કોઈ દિવસ તમને રજા આપવાનો નથી. બ્રહ્માએ નિરાશ થઈને બધાં ચિત્રો હવામાં ફેંકી દીધાં. તે જ આ આપણી સૃષ્ટિ. હવે સૃષ્ટિમાં શું થયું? બધા પશુઓ માણસ ઉપર ત્રાસ વર્તાવવા લાગ્યાં, પણ માણસમાં બુદ્ધિ વધારે હોવાથી પશુઓનું તેમની ઉપર કંઈ ચાલ્યું નહિ, ઉલટાં ગાય, બળદ, ઘોડા, ગધેડાં, કુતરાં વગેરે બધાને માણસોના ગુલામ થવું પડ્યું. તેઓએ પરમાત્માને પ્રાર્થના કરી, તેઓની પ્રાર્થના સાંભળીને કરૂણામય પ્રભુ પૃથ્વી પર પ્રગટ થયા. બધાએ પરમાત્માને વિનવ્યા કે અમને વધારે અક્કલ આપો. પરમાત્માએ કહ્યું, “હું નકામી અક્કલ બગાડવા ઈચ્છતો નથી, પણ તમારી જો ઈચ્છા હોય તો હું આ તમારું રૂપ બદલીને માણસનું રૂપ આપી શકું.” કેટલાકોએ છુપા વેશે વેર લેવાના ઈરાદાથી હા પાડી. પણ બીજાઓએ કહ્યું, “स्वधर्मे निधनं श्रेय: અમે અમારો ધર્મ નથી છોડવા ઈચ્છતા.” જેઓએ ના પાડી તેઓ પહેલાંની જેમ પશુની સ્થિતિમાંજ રહ્યા અને જેઓએ હા પાડી તેઓ માણસોમાં ભળી ગયા. આ બધા ગાય-માણસો, ઘોડા-માણસો, કુતરા-માણસો, માછલી-માણસો, પંખી-માણસો પહેલાંના માણસોને સતાવવા લાગ્યા, પણ તેઓ બહુ ફાવી ન શક્યા. તેથી માછલી-માણસોએ સબમરીન બનાવ્યાં, પણ બુદ્ધિમાન માણસો પોતાની શાંત ક્ષમતાવૃત્તિને લીધે અજિત રહ્યા. છેવટે આ પાછળના માણસો માંહોમાંહે લડવા લાગ્યા. આ યુદ્ધની શરૂઆત ઈ.સ. ૧૯૧૪માં થઈ હતી. અંત ક્યારે આવશે તે પરમાત્માને ખબર ! |
[પાછળ] [ટોચ] |