[પાછળ] |
આજ ભી ખરે હૈ તાલાબ લેખકઃ વિશાલ શાહ આજે કોઈ ભારતીય ભાષામાં નવલકથાની પણ એકાદ લાખ નકલો નથી છપાતી અને તેનો ૧૯ ભાષામાં અનુવાદ થાય એ તો બહુ દૂરની વાત છે. ત્યારે હિન્દી ભાષામાં ‘આજ ભી ખરે હૈ તાલાબ' નામનું પુસ્તક તળાવો જેવા ‘બોરિંગ' વિષય પર લખાયેલું હોવા છતાં આ સિદ્ધિ મેળવી શક્યું છે. વર્ષ ૧૯૯૩માં પહેલીવાર પ્રકાશિત આ પુસ્તકની અનેક ભાષામાં અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં નકલો ખપી ગઈ છે. એન્વાયર્મેન્ટ નોન-ફિક્શન કેટેગરીમાં તો આ બહુ મોટી સિદ્ધિ છે. પાણીના મુદ્દે કામ કરતી દેશભરની સ્વૈચ્છિક સંસ્થાઓ માટે ‘આજ ભી ખરે હૈ તાલાબ' એક ‘હેન્ડબુક' સમાન છે. આ પુસ્તકનું મહત્ત્વ સમજીને નેશનલ બુક ટ્રસ્ટે તેનું ૧૩ ભાષામાં પ્રકાશન કર્યું છે અને બ્રેઈલ લિપિમાં પણ તે ઉપલબ્ધ છે. ફ્રાંસની પેરિસ યુનિવર્સિટીમાં પર્યાવરણ, પાણીની તંગી અને પાણીના સંગ્રહની પરંપરાગત રીતો જેવા અનેક વિષયોમાં તેનો અભ્યાસ કરાવાય છે. ‘આજ ભી ખરે હૈ તાલાબ' અંગ્રેજીમાં આવ્યું એ પહેલાં તેનો ફ્રેંચમાં અનુવાદ થઈ ગયો હતો. આ પુસ્તકમાંથી પ્રેરણા લઈને મોરોક્કોના શાહે ત્યાંના રણપ્રદેશોમાં તળાવ બનાવીને પાણીનો સંગ્રહ કરવાની યોજના શરૂ કરી હતી. ‘આજે પણ સાચાં છે તાલાબ' નામે ગુજરાતીમાં પણ આ પુસ્તક ઉપલબ્ધ છે, જેનો અનુવાદ દિનેશ સંઘવીએ કર્યો છે અને તેનું પ્રકાશન ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન - નવી દિલ્હીએ કર્યું છે. ઇતિહાસ ખોટો લખાય ત્યારે કેવા પરિણામો આવે? ‘લાખો મેં એક' એવા આ પુસ્તકના લેખક અનુપમ મિશ્રનું ૧૯મી ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ ૬૮ વર્ષની વયે નવી દિલ્હીમાં અવસાન થયું. તેઓ એક વર્ષથી પ્રોસ્ટેટ કેન્સરને હંફાવી રહ્યા હતા. ‘આજ ભી ખરે હૈ તાલાબ' માટે તેમણે આઠ વર્ષ દેશભરમાં રઝળપાટ કરીને તળાવો વિશે માહિતી ભેગી કરી હતી તેમ જ રાજા-મહારાજાઓ અને અંગ્રેજોના જમાનાના ગેઝેટિયરો પણ ફેંદી નાંખ્યા હતા. મિશ્રનું માનવું હતું કે, અંગ્રેજો જે વિસ્તારોને સૂકાભઠ્ઠ સમજતા હતા ત્યાં તો આપણે તળાવોની મદદથી પાણીની જરૂરિયાત સંતોષી જ લેતા હતા, પરંતુ કાળક્રમે વરસાદી પાણીનો સંગ્રહ કરવાની પ્રાચીન પદ્ધતિઓ આપણે ભૂલી ગયા! આ મુદ્દો સમજાવતા મિશ્રએ ‘આજ ભી ખરે હૈ તાલાબ'માં અંગ્રેજ રાજ વખતના એક ગેઝેટિયરનો ઉલ્લેખ કર્યો છે: તેમાં જેસલમેરનું કરાયેલું વર્ણન ખૂબ જ બિહામણું છે. ગેઝેટિયરમાં લખ્યું છે કે, ‘અહીં એક પણ બારમાસી નદી નથી. ભૂગર્ભ જળ ૧૨૫ ફૂટથી ૨૫૦ ફૂટ અને ક્યાંક ક્યાંક તો ૪૦૦ ફૂટ જેટલી ઊંડાઈએ છે, વરસાદ બહુ જ અલ્પ છે, માત્ર ૧૬.૪ સેન્ટીમીટર. છેલ્લાં સિત્તેર વર્ષના અધ્યયન અનુસાર વર્ષના ૩૬૫ દિવસોમાંથી ૩૫૫ દિવસો સૂકા હોય છે...’ પરંતુ આ બધો હિસાબ-કિતાબ કેટલાક ‘નવા લોકો’નો છે. ‘મરુભૂમિના સમાજે માત્ર દસ દિવસની વર્ષામાં કરોડ કરોડ બિંદુ જોયાં અને પછી એકત્ર કરવાનું કામ ઘેર ઘેર, ગામ ગામ અને પોતાના શહેરોમાં પણ કર્યું. આ તપશ્ચર્યાનું ફળ સામે દેખાય છે. જેસલમેર જિલ્લામાં આજે ૫૧૫ ગામો છે. એમાંથી માત્ર ૫૩ ગામો કોઈ કારણે ઉજ્જડ થયા છે, પણ સામે આબાદ છે ૪૬૨ ગામ. આમાંથી કેવળ એક ગામ છોડીને એકેએક ગામમાં પીવાના પાણીની સમૂચિત વ્યવસ્થા છે. વેરાન થઈ ગયેલા ગામોમાં પણ આ વ્યવસ્થા જોવા મળે છે. સરકારના આંકડા મુજબ જેસલમેર જિલ્લાનાં ૯૯.૭૮ ગામોમાં તળાવ, કૂવા અને અન્ય સ્રોત છે.’ ... આ મિશ્રનું તારણ છે. તેઓ અંગ્રેજોને સમજી-વિચારીને 'નવા લોકો' કહે છે. અંગ્રેજો અહીંની મુશ્કેલીઓ શું છે અને ભારતીયોએ તેનો શું ઉપાય શોધ્યો છે તેનાથી પૂરેપૂરા વાકેફ ન હતા. એટલે જ મિશ્ર કહે છે કે, રણપ્રદેશના સમાજે તો દસ દિવસના વરસાદમાં પણ પાણીની કરોડો બુંદ જોઈ અને તેને તળાવોમાં ભેગા કરીને પાણીનો આખો પ્રશ્ન જ હલ કરી નાંખ્યો હતો! ક્યા ખૂબ! મિશ્રે સાબિત કર્યું હતું કે, દેશના અનેક વિસ્તારોમાંથી પાણીની તંગી દૂર કરવાનો સૌથી સરળ અને સસ્તો ઉપાય તળાવો, સરોવરો, કૂઈ, કૂવા, વાવ, ટાંકા, કૂંડી અને ચાલ (પહાડી વિસ્તારોમાં જોવા મળતા ઢોળાવ ધરાવતા નાના કૂંડ) જ છે. નહેરોમાં તો નદીઓના વહેણ બદલીને પાણી લાવવામાં આવે છે, જ્યારે આ પરંપરાગત પદ્ધતિઓમાં વરસાદી પાણીનો સંગ્રહ કરાય છે. એટલે પર્યાવરણની દૃષ્ટિએ પણ આ વધુ સારી પદ્ધતિઓ છે. જૂના જ્ઞાનનું દસ્તાવેજીકરણ ના થાય અને જે તે પ્રદેશનો ઇતિહાસ 'બહારના લોકો' પોતાની દૃષ્ટિએ લખે ત્યારે આવા પરિણામો આવે! તળાવની ભાષા એટલે ગજધર અને અંબુ તસ્કર પાણી સાચવવાનું પરંપરાગત જ્ઞાન ખતમ થઈ રહ્યું હોવાથી સંસ્કૃત અને ભાષાને પણ નુકસાન થઈ રહ્યું છે! આ વાત સમજાવતા મિશ્ર લખે છે કે ‘તળાવ સ્વયં એક મોટું શૂન્ય છે. પરંતુ તળાવ કંઈ પશુની ખરીથી બનેલો એવો કોઈ ખાડો નથી કે જેમાં વરસાદનું પાણી પોતાની મેળે ભરાઈ જાય! આ શૂન્યને બહુ સમજી-વિચારીને, ખૂબ આયોજનપૂર્વક બનાવવામાં આવે છે. નાનકડાથી માંડીને તે એક મોટા સુંદર તળાવના કેટલા ય અંગ-પ્રત્યંગ હોય છે. દરેકનું એક વિશેષ કામ હોય છે. અને દરેકનું એક વિશેષ નામ પણ. તળાવની સાથે સાથે એને બનાવનારા સમાજની ભાષા અને બોલીનો એ સમૃદ્ધ પુરાવો હતો. પણ જેમ જેમ સમાજ તળાવની બાબતમાં ગરીબ બન્યો છે, તેમ તેમ ભાષામાંથી પણ આ નામો, શબ્દો ધીરે ધીરે લુપ્ત થતા ગયા છે.’ તળાવ બનાવનારને શું કહેવાય? મિશ્ર પાસે જવાબ છે: ‘...ગજધર એક ખૂબ જ સુંદર શબ્દ છે, તળાવ બનાવનારાઓને આદર સહિત યાદ રાખવા માટે. રાજસ્થાનના કોઈ કોઈ ભાગમાં આ શબ્દ આજે પણ સાંભળવા મળે છે. ગજધર એટલે કે જે ગજને ધારણ કરે છે અને ગજ એ કે જે માપવાના કામમાં આવે છે. પરંતુ આમ છતાં સમાજે તેમને માત્ર ત્રણ હાથની લોઢાની છડ લઈને ફરતો માત્ર મિસ્ત્રી કે કડિયો ન માન્યો. ગજધર તો સમાજનું ઊંડાણ માપી લે - એમને એવું સ્થાન અપાયું હતું...’ રાજસ્થાનમાં તો સૂરજ ‘સોળે કળા'એ તપતો હોય છે. અહીં તળાવ બનાવીએ તો સૂરજ જ બધું પાણી ખેંચી લે, પરંતુ તળાવ એવી રીતે બનાવવામાં આવે છે જેથી સૂરજના તાપમાં પાણીનું ઓછામાં ઓછું બાષ્પીભવન થાય. મિશ્ર આ મુદ્દો પણ સમજાવે છે: ‘...તપતો સૂરજ તળાવનું એ બધું પાણી ખેંચી લેશે. કદાચ તળાવના સંદર્ભમાં જ સૂરજનું એક વિચિત્ર નામ અંબુ તસ્કર (પાણી ચોર) રાખવામાં આવ્યું છે. ચોર હોય સૂરજ જેવો અને આગાર એટલે કે ખજાનો હોય ચોકીદાર વિનાનો તો પછી ચોરી થવામાં વાર શું લાગે? આ ચોરીને અટકાવવા માટે પૂરતી કોશિશ કરવામાં આવે છે...’ તળાવનું પાણી અંબુ તસ્કરથી બચાવવા સદીઓ પહેલાં લોકો શું કરતા હતા? અરે, તળાવ બનાવવું, ભરાઈ જવું, ખાલી થવું, તેનું પાણી ઊલેચવું અને ખેતરો સુધી લઈ જવું - એ બધી જ ઘટનાઓ વખતે ભવ્ય ઉત્સવો ઊજવાતા અને એ બધું જ એક મહાન સંસ્કૃતિનો નાનકડો હિસ્સો હતા. આ બધું જાણવા માટે તો આ પુસ્તક જ ઘૂંટડે ઘૂંટડે પીવું પડે. કમનસીબે આજે ઘણું બધું લુપ્ત થઈ ગયું છે, થઈ રહ્યું છે. આઝાદ ભારત પોતાની મુશ્કેલીઓના ઉપાય શોધતી વખતે સ્થાનિક સંસ્કૃતિ અને જ્ઞાનનું મહત્ત્વ જ ના સમજ્યું. એટલું જ નહીં, દરેક મુશ્કેલીનું 'ઈનોવેટિવ સોલ્યુશન' શોધવાના બદલે ‘જુગાડ' કર્યો અને પોતાની જ સમૃદ્ધ સંસ્કૃતિનો મહદ્ અંશે વિનાશ કર્યો, એ પણ આ પુસ્તકમાં ‘બિટ્વિન ધ લાઈન્સ' વાંચવા મળે છે. જ્ઞાન આપવા પુસ્તકના કોપીરાઈટ ના લીધા આમ, અનુપમ મિશ્રે અત્યંત રસાળ અને સીધીસાદી ભાષામાં, ફક્ત ૧૦૦ પાનાં અને નવ પ્રકરણમાં તળાવોનો નાનકડો એન્સાઇક્લોપીડિયા લખી નાંખ્યો છે. એટલે જ આ પુસ્તક પ્રકાશિત થયું ત્યારથી હજારો ખેડૂતો તે વાંચીને પાણીનો સંગ્રહ કરવાની પરંપરાગત રીતો અને તેની પાછળનું રહસ્ય શું હતું એ સમજી રહ્યા છે. એવું પણ કહેવાય છે કે ભારતના અનેક અંતરિયાળ વિસ્તારો સુધી આ પુસ્તકની ફોટોકોપી પણ પહોંચી ગઈ છે! મિશ્રનો હેતુ આ જ હતો. એક લેખક માટે આનાથી મોટી સિદ્ધિ શું હોઈ શકે! પાણીનો સંગ્રહ કરવાની પ્રાચીન પદ્ધતિઓ પર કરેલા સંશોધનમાંથી મિશ્રના હસ્તે વર્ષ ૧૯૯૫માં બીજું પણ એક સીમાચિહ્નરૂપ પુસ્તક જન્મ્યું, ‘રાજસ્થાન કી રજત બુંદે'. મૂળ હિન્દીમાં લખાયેલું આ પુસ્તક પણ બીજી ભાષાઓમાં ઉપલબ્ધ છે. પરંતુ આ ભૂલાયેલું જ્ઞાન ઘરે ઘરે પહોંચે એ માટે મિશ્રએ એ બંને પુસ્તકના કોપીરાઈટ નહોતા કરાવ્યા. આ પુસ્તકોનાં વખાણ સાંભળીને તેઓ સહજતાથી બોલતા કે, ‘આપણે તો બાબુ આદમી કે ક્લાર્કનું જેવું કામ કરીએ છીએ, સમાજે જે કંઈ સારું કર્યું છે એ લખવાનું કામ કરી રહ્યા છીએ...’ મિશ્ર અંગ્રેજી પણ ખૂબ સારું જાણતા હતા, પરંતુ પર્યાવરણ અને કૃષિ ક્ષેત્રમાં પાયાનું કામ કરવા માટે તેમણે ‘હિન્દી મિજાજ' અપનાવી લીધો હતો. નવેમ્બર ૨૦૦૯માં તેમણે પ્રતિષ્ઠિત ટેડ (ટેક્નોલોજી, એન્ટરટેઇન્મેન્ટ એન્ડ ડિઝાઈન) ટૉકમાં ‘ધ એન્સિયન્ટ ઇનજેન્યુઇટી ઓફ વૉટર હાર્વેસ્ટિંગ' વિષય પર અંગ્રેજીમાં અફલાતૂન ભાષણ આપ્યું ત્યારે પર્યાવરણ મુદ્દે કામ કરતા વિદ્યાર્થીઓ તો ઠીક, અઠંગ પર્યાવરણવિદ પણ તેમની જ્ઞાનવાણી સાંભળીને દંગ રહી ગયા હતા. ત્યાર પછી વિશ્વમાં આઠેક લાખ લોકોએ એ ભાષણ ઓનલાઈન સાંભળ્યું હતું. મિશ્ર રાજકારણથી અને નવી દિલ્હીના કહેવાતા ‘ઈકો ફ્રેન્ડ્લી ક્લાસ'થી ઠીક ઠીક અંતર જાળવી શક્યા હતા, એટલે ‘મીડિયા હાઇપ'નો ક્યારે ય ભોગ નહોતા બન્યા. મિશ્રને ભાષાવારસો પિતાજી તરફથી મળ્યો હતો. તેમના પિતા ભવાનીપ્રસાદ મિશ્ર (માર્ચ ૧૯૧૩-ફેબ્રુઆરી ૧૯૮૫) હિન્દીના વિખ્યાત કવિ અને લેખક હતા. ભવાનીપ્રસાદ ગાંધીવિચારોથી પ્રભાવિત હતા. તેમણે ગાંધીજી પર ૫૦૦ કવિતા લખી હતી. આ કવિતાઓનું પુસ્તક 'ગાંધી પંચશતિ' નામે પ્રકાશિત થયું છે. અનુપમ મિશ્રને ગાંધીવિચારનો વારસો પણ પિતા તરફથી જ મળ્યો હતો. કદાચ આ વારસાના કારણે જ અનુપમ મિશ્ર જીવનની અંતિમ ક્ષણ સુધી મનગમતા કામમાંથી આનંદ લેતા ગયા અને માર્ગમાં આવતા હજારો લોકોને પોતાના બનાવતા ગયા. *** અને છેલ્લે એક વાત. વર્ષ ૨૦૧૧માં ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે અનુપમ મિશ્ર હતા. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, ‘...ભલે નોકરીઓ કરો, પરંતુ સમાજ માટે પણ કંઈક કરો. આ ખરાબ સમયમાં થોડું આત્મનિરીક્ષણ કરીને તમારામાં રહેલી શક્તિઓને જાણો. એવી જ રીતે, સમાજના પણ સારા ગુણો જુઓ. તો જ તમને સમાજમાં દરેક સ્તરે ગાંધી હોવાનો અહેસાસ થશે...’ *** ભારતની નદીઓ અને જંગલોના પણ અઠંગ અભ્યાસુ અનુપમ મિશ્રે તળાવો અને રાજસ્થાન પર લખેલા પુસ્તકો માઈલસ્ટોન સમાન છે એ વાત ખરી, પણ ફક્ત તેના આધારે તેમનું મૂલ્યાંકન કરવું તેમને અન્યાય કરવા બરાબર છે. અનુપમ મિશ્રનો જન્મ વર્ષ ૧૯૪૮માં મહારાષ્ટ્રના વર્ધામાં થયો હતો અને બાળપણ પણ ત્યાં જ વીત્યું. સિત્તેરના દાયકામાં તેમણે ચંડીપ્રસાદ ભટ્ટ સાથે ઉત્તરાખંડના ચિપકો આંદોલનમાં ઝંપલાવ્યું અને એ પછી તેઓ આ જ ક્ષેત્રમાં કામ કરતા રહ્યા. વૃક્ષો કપાતાં રોકવા હજારો લોકો થડને ચીપકીને એક અનોખું આંદોલન શરૂ કરી દે એ ઘટનાથી અનુપમ મિશ્ર ઘણાં પ્રભાવિત હતા. ચિપકો આંદોલન વિશે પણ તેઓ અંગ્રેજી પુસ્તક લખી ચૂક્યા છે. એ પછી મિશ્રે દિલ્હીથી પ્રકાશિત થતાં 'પ્રજાનીતિ' નામના હિન્દી અખબારમાં કામ કર્યું. આ દરમિયાન ઉદ્યોગપતિ રામનાથ ગોએન્કાએ 'જનસત્તા' નામનું હિન્દી અખબાર શરૂ કર્યું, જેના તંત્રી પદે જાણીતા પત્રકાર પ્રભાસ જોશી હતા. જોશીએ મિશ્રને 'જનસત્તા'માં જોડાઈ જવા બહુ મનાવ્યા, પરંતુ મનગમતું કામ કરવાની જિદના કારણે તેઓ લખતા રહ્યા પણ 'પ્રોફેશનલ જર્નાલિસ્ટ' ના બન્યા. ગાંધી પીસ ફાઉન્ડેશનના દ્વિમાસિક 'ગાંધી માર્ગ'ના પણ તેઓ તંત્રી હતા. મિશ્ર પાણીનો સંગ્રહ કરવાની પરંપરાગત પદ્ધતિઓના જ નહીં, આખા ભારતની નદીઓ અને જંગલ સિસ્ટમના અઠંગ અભ્યાસુ હતા. ગંગા સહિતની નદીઓના સ્વચ્છતા અભિયાન, નહેરોના બાંધકામ, નદીકિનારા અને જંગલ વિસ્તારના લોકોની મુશ્કેલીઓ સહિતના તમામ મુદ્દે તેમના વિચારો સ્પષ્ટ હતા. આ તમામ મુદ્દે તેઓ જીવનભર કામ કરતા રહ્યા, લખતા રહ્યા અને ભાષણો આપતા રહ્યા. આ કામ બદલ મિશ્રને અમર શહીદ ચંદ્રશેખર આઝાદ (૨૦૦૮) અને જમનાલાલ બજાજ (૨૦૧૧) પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. (વિપુલ કલ્યાણી સંપાદિત ઓનલાઈન સામાયિક ‘ઓપિનીયન’ના આધારે)
અત્રે ક્લીક કરો અને વાંચો આ પુસ્તકઃ |
[પાછળ] [ટોચ] |