[પાછળ]
વલભીપુરની જાહોજલાલી
લેખકઃ અધ્યા. કેશવલાલ હિમ્મતલાલ કામદાર

પુરાતન વલભી એટલે હાલનું વળાગામ. આ ગામ સૌરાષ્ટ્રની રેલવેમાં મુસાફરી કરીએ તો વઢવાણથી ભાવનગર જતાં-આવતાં ધોળા જંક્શનથી ઈશાન કોણમાં છ ગાઉ ગાડામાર્ગે આવે છે. રસ્તામાં ઉમરાળું ગામ આવે છે, જેને પાદર રમણીય કાળુભાર નદી વહે છે. આ ઉમરાળું ગામ હમણાં સુધી ભાવનગર રાજ્યનું વહીવટદારની કચેરીનું મુખ્ય મહાલ ગામ હતું. વળાને પાદર ઘેલો નામે નદી વહે છે. આ નદીનો પટ રેતાળ છે, એટલે તેનું પાણી એકદમ નીચે જતું રહે છે, જેથી લોકો વીરડા કરી તેનું પાણી વાપરે છે. વળાની આસપાસનો સૌરાષ્ટ્રનો પ્રદેશ ભાલ પ્રદેશ કહેવાય છે. આ પ્રદેશની જમીન ખૂબ પોચી હોય છે, એટલે સુધી કે ચોમાસામાં પગ ખૂંચ્યો તો ઘૂંટણ સુધી ભોંયમાં ચાલ્યો જાય! ભાલનો ઘઉં કાઠો ઘઉં કહેવાય છે. ખાવામાં આ ઘઉં ઘણાં સ્વાદિષ્ટ હોય છે, અને તેના કંસારમાં ઘી ખૂબ સમાઈ શકે છે. લોકગીત છે કે
કાઠા તે ઘઉંની રોટલી,  અને ઘી ગળતો કંસાર,
ભેગા બેસી આરોગીએ, જો પૂજ્યા હોય મોરાર.
અત્યારના વળાગામથી પશ્ચિમે લગભગ બે ગાઉ દૂર લોલીઆણું ગામ આવેલું છે. જ્યાં દામાજીરાવ ગાયકવાડે ઈ.સ. ૧૭૩૮માં સૈયદોનો પરાભવ કરેલો, અને જ્યાં એમણે બ્રહ્મભોજ કરાવેલો. લોલીઆણામાં અત્યારે પણ આ વિજયના સ્મારકરૂપ એક શિલાલેખ છે. લોલીઆણાની ઇમારત ૧૮૦ ફૂટ ઊંચી હતી એ ઇમારત હજુ પણ દૂરથી દેખા દે છે.

અત્યારનું વળા નાનું ગામ છે. વલભીના પ્રાચીન અવશેષોનું ત્યાં કોઈ ખાસ સ્મારક નથી રહ્યું. એક શિવાલય છે, જેનો નન્દી (પોઠિયો) ઘણો મોટો છે. સેન્ટ ઝેવીઅર્સ કૉલેજના પ્રોફેસર ફાધર હેરાસે વળા પાસે પુરાતન અવશેષો મળશે એવી આશાએ, થોડાં વર્ષો અગાઉ કાંઈક ખોદકામ કરાવેલું, પણ તેમને કોઈ સ્મારકો ખાસ મળ્યા નહોતા.

વળાની બજાર વચ્ચોવચ કચેરી છે, જેની ઉપર થોડાએક તામ્રપત્રો, કોઈ મૂર્તિઓ અને સિક્કાઓ કાચના બેઠા ઘાટના કબાટોમાં ગોઠવાયેલાં જોઈ શકાય છે. હું ગયો ત્યારે ચીની મુસાફર યુવાન ચ્વાંગનું વલભીપુરનું અંગ્રેજીમાં ટાઈપ કરેલું વર્ણન મેં વાંચેલું. વળા ગામના ઘરો માટે પાયા ખોદતાં મોટી ઈંટો મળી આવે છે, જે ઈંટો વલભીપુરનો ભંગ થયો તે સમયની હોય એવું અનુમાન કદ ઉપરથી ચોક્કસપણે આપણે બાંધી શકીએ. વળાને પાદર એક તળાવ છે. એની પાળે ચોતરફ મરહૂમ ઠાકોર સાહેબે જૂના પાળિયાઓને હારબંધ ગોઠવી દીધા છે, જે કામ ઘણું સ્તુત્ય અને અનુકરણીય કહેવાય. વળાથી પૂર્વે એક વારનો વડોદરા રાજ્યનો રતનપુર મહાલ આવે છે. આ પ્રદેશમાં નવેંબરની ટાઢ પોષ માસની ટાઢ જેટલી કડક હોય છે. પ્રાચીન સમયમાં ખંભાતના અખાતનાં પાણી અહીંથી બહુ દૂર નહોતાં.

વલભી રાજ્યનાં લગભગ નેવું જેટલાં તામ્રપત્રો હાથ લાગ્યાં છે, અને તેમાં બેચાર સ્થળે વલભીનો વળા તરીકે નિર્દેશ કરવામાં આવ્યો છે. ઘણાંખરાં તામ્રપત્રો તળ વલભીથી આપવામાં આવેલાં છે. એક ભરૂચથી કાઢવામાં આવ્યું છે, જ્યારે કેટલાંક ખેટકપુર એટલે ખેડાથી દેવામાં આવ્યાં છે. તામ્રપત્રોના દેનારા દૂતકોમાં રાજપુત્રોનાં નામો વંચાય છે; બે તામ્રપત્રોમાં રાજપુત્રી ભૂપા દૂતકના અધિકાર ઉપર હતી એમ કહેવામાં આવ્યું છે. કેટલાંક તામ્રપત્રો નીચે વલભીના રાજાઓના સ્વહસ્તો છે. વલભી રાજ્યનું રાજ્યચિહ્ન નંદી હતું. તામ્રપત્રો ઉપર નંદી સ્પષ્ટ દેખી શકાય છે. એક તામ્રપત્રનો નંદી બાજઠ ઉપર જમણે મૂખે બેઠેલો આલેખવામાં આવ્યો છે. વલભીનાં કેટલાંક તામ્રપત્રોની લિપિ બ્રાહ્મી અને દેવનાગરી લિપિઓના યુગની વચગાળાની લિપિ છે; જેમાંથી, થોડા સમય બાદ અત્યારની દેવનાગરી અથવા બાળબોધ લિપિ ઊતરી આવી છે. એક લેખ ઘડા ઉપરનો મળ્યો છે. આ તામ્રપત્રો ફાર્બસ સભાએ શ્રીયુત ગિરજાશંકર આચાર્ય પાસે ગુજરાતીમાં સંપાદિત કરાવ્યા છે. કોઈ નવીન તામ્રપત્રો હમણાં પ્રસિદ્ધ થયાં છે તે જુદાં.

બૌદ્ધ અને જૈન સાહિત્યમાં વલભીના ઉલ્લેખો મળી આવે છે. સંસ્કૃત સાહિત્યમાં પણ વલભીના ઉલ્લેખો ત્રણેક ઠેકાણે મળી શકયા છે. ઈસવીસનના આઠમા સૈકાની છેવટે બૌદ્ધ ગ્રંથ ‘આર્યમંજૂ શ્રીકલ્પ’ લખાયેલો, જેમાં ભારતનો ઇતિહાસ અશુદ્ધ સંસ્કૃતમાં પદ્યબદ્ધ આપવામાં આવ્યો છે; તેમાં વલભીના રાજવંશનું અને તેની સત્તાનું ઠીક વર્ણન મળી શકે છે. ઈસવીસનના સાતમા સૈકાની અધવચમાં ચીની મુસાફર યુવાન ચ્વાંગ હિંદ આવ્યો ત્યારે તે વલભીમાં ગયો હતો; તેણે વલભી રાજ્યના બે રાજાઓનું, તેના પ્રદેશનું, અને સૌરાષ્ટ્રના તથા લાટના લોકોનું વર્ણન આપ્યું છે, જે વર્ણન ચીનીમાંથી ઈંગ્રેજીમાં મળી શકે છે. વલભી વિષે હમણાં શ્રીયુત સાંકળિયાએ ‘ગુજરાતના પ્રાચીન વસ્તુવિજ્ઞાન’ (આર્ક્યોલોજી ઑફ ગુજરાત) નામક પુસ્તકમાં વલભીનો ઉલ્લેખ કર્યો છે. મુંબઈ ગેઝેટિયર વગેરેમાં વલભી ઉપર લેખો મળે છે. હમણાં શ્રી હરિપ્રસાદ શાસ્ત્રીએ વલભીનો અભ્યાસ કર્યો છે, અને એક ગુજરાતી સ્નાતિકા બહેને વલભી વિષે થોડુંક લખેલું, થોડાં એક વર્ષો ઉપર એક બંગાળી લેખકે વલભી વિશે થોડુંક લખેલું છતાં આ વિષય ઉપર એકધારી હકીકત હજુ સાંપડતી નથી, અને જે હકીકતો સાંપડેલી છે તે હકીકતો બહુધા ત્યાંના પ્રદેશના અંગત પરિચય વિનાની હોવાથી, વલભી વિષે આપણને પૂરો ખ્યાલ આવી શકતો નથી.

હર્ષરાજાના વખતમાં, ગુર્જર રાજાઓના વખતમાં અને ચાલુક્ય સમયનાં દક્ષિણ ગુજરાતનાં તામ્રપત્રોમાં વલભીના ઉલ્લેખો મળી આવે છે. આ તમામ સાહિત્યનું એકીકરણ હજુ થયું નથી, અને કાંઈ થયું છે તે જનસમાજને મળી શક્યું નથી.

વલભીના દાનપત્રોમાં લગભગ સોળ રાજાઓની વંશાવલિ આવે છે; તેમાં આવતા દાનનાં ગામો બસોથી પણ વધારે થઈ જાય. દાન લેનારા બ્રાહ્મણોના અને બૌદ્ધવિહારોના નામો પણ એટલા ખુશીથી થઈ જાય. એક દાનપત્રમાં તો કુલ ચાલીસ જેટલા બ્રાહ્મણોને એકસામટું દાન આપ્યાનો ઉલ્લેખ છે. ઘણાં ખરાં ગામો સૌરાષ્ટ્રનાં એટલે કાઠિયાવાડનાં છે, કેટલાંક ગામો ગુજરાતનાં છે, એકાદ બે દાનપત્રોનાં ગામો પશ્ચિમ માળવામાં એટલે રતલામ પાસે આવેલાં છે.

કોઈ દાનપત્રોમાં સહ્યાદ્રિ અને વિન્ધ્ય પર્વતોની ભૂમિ ઉપર રાજ્ય કરતા વલભી રાજપુત્રોનું વર્ણન આવે છે. વલભી રાજાઓ બીજા રાજવંશોના તામ્રપત્રો પ્રમાણે શ્રીહર્ષ સામે, આરબો સામે, ચાલુક્યો સામે અને ગુર્જરો સામે લડતા માલૂમ પડે છે. બે વલભી રાજાઓ, ચોથો ધરસેન અને ત્રીજો ધ્રુવસેન પોતાને પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર, ચક્રવર્તી કહેવડાવે છે. બધા રાજાઓ મૈત્રકવંશના હતા. બધા પરમ માહેશ્વર એટલે શિવભક્ત હતા. એકાદ બે રાજાઓ ભાગવત હોવાનું કહે છે, એકાદ બે ઉપાસક એટલે બૌદ્ધ તરીકે જાહેર થાય છે.

વલભી સંસ્કૃત શબ્દ છે. જે લેખકો વલભીને બદલે વલ્લભી લખે છે તે ખોટો પ્રયોગ કરે છે. સંસ્કૃત શબ્દકોશ પ્રમાણે વલભી એટલે છાપરાના લાકડાની વળી, છાપરાની ટોચ, છાપરાના ઢાળ, છજું વગેરે છે. વલભીનું પ્રાકૃત વલહી થયું, તેનો અપભ્રંશ વલઈ થયો, તેનું ગુજરાતી વળા થયું.

સંસ્કૃત સાહિત્યમાં વલભીના આ અર્થમાં અનેક ઉલ્લેખો આવે છે. નગરીઓનાં વર્ણનો કરતી વખતે પ્રાચીન કવિઓએ ઊંચા મહાલયોનાં રસોડાંની બહાર વળીઓમાંથી નીકળતા ધુમાડાના ગોટાઓને પારાવત - પારેવાં અથવા કપોત - કબૂતર સાથે સરખાવ્યાં છે અને તે વળીની માળમાં બેસતાં પારેવાંનાં અને કબૂતરોનાં સુંદર વર્ણનો આપ્યાં છે. સૌરાષ્ટ્રમાં અત્યારે પણ ઘરકામમાં વપરાતાં લાકડાંને લોકો વળી કહે છે. લાકડું નાનું હોય તો વળી કહે છે, લાકડું મોટું હોય તો વળો કહેવાય. એમ હોવું શક્ય છે, કે પૂર્વે વળા પાસે મોટું બંદર હોય, ત્યાંથી દરિયામાર્ગે લાકડું ખૂબ આવતું હોય, એ લાકડાંનો કે વળી-વળાનો વેપાર આસપાસ ખૂબ જામેલો હોય, અને ગામને વલભી-વલભીપુર કહેવામાં આવ્યું હોય અને પછી તો તે બની રહી અટારીઓવાળી જાળીઓથી, માળથી, અટારીઓથી, બારીઓથી વિમાનોની સાથે હરીફાઈ કરતા, વિમાનોની સાથે તોલ થાય તેવા, મહાલયોવાળી, મેઘદૂતની અભ્રલિહાગ(સ્કાય-સ્ક્રેપર્સ) પ્રાસાદોવાળી, મૈત્રકોની, સુરાષ્ટ્રની, લાટદેશની ભારતમાં પ્રસિદ્ધિ પામેલી વલભી-વલભીનગરી. વલભી ક્યારે વસી તેનો સમય નક્કી કરવો મુશ્કેલ છે. મૈત્રકોનાં તામ્રપત્રો ઈ.સ. ૫૦૦થી લગભગ ઈ.સ. ૭૮૯ સુધી ચાલુ છે, પણ ક્યાંય તેની સ્થાપનાનો નિર્ણય થઈ શકે તેવી વ્યાખ્યા કરવામાં આવી નથી.

જૈન પરંપરા પ્રમાણે જૈન આગમોને પુસ્તકરૂપે વલભી મૂકામે આરૂઢ કરવામાં આવ્યાં હતાં. અને તે માટે પ્રેરક આચાર્ય શ્રી દેવર્ધિક્ષમાશ્રવણમુનિ હતા. તે આરૂઢ થવાનો સમય મહાવીરના નિર્વાણ બાદ ૯૮૦ વર્ષ, વિક્રમ સંવત ૫૧૦ અને ઈસવીસન ૪૫૮ હતો. એક બીજી જૈન પરંપરા પ્રમાણે જૈન આચાર્ય ધનેશ્વરસૂરિએ વલભીરાજ શીલાદિત્યને જૈનધર્મનો પ્રતિબોધ આપ્યો હતો, અને બૌદ્ધોને તીર્થસ્થાનમાંથી કાઢી ત્યાં જૈન વ્યવસ્થા સ્થાપી હતી તેનો સમય ઈસવીસન ૪૨૧નો માનવામાં આવે છે. હમણાં એક નવીન પુરાવો મળી આવ્યો છે. વડોદરાના પ્રાચ્ય વિદ્યામંદિરના જૈન પંડિત શ્રી લાલચંદ્ર ગાંધી, ઈસવીસન ૧૧૦૦ આસપાસ થઈ ગયેલા ભદ્રેશ્વરસૂરિએ કરેલા માગધી કથાસંગ્રનું સંપાદન કરી રહ્યા છે. તેમાં પ્રસિદ્ધ જૈન નૈયાયિક મલ્લવાદીસૂરિની કથા આવે છે કે – મલ્લવાદી, તેમના બે ભાઈઓ, યક્ષ અને અજિતયશસ, તેમની મા દુર્લભદેવી, અને તેમના મામા જિનાનન્દસૂરિ ભરૂચમાં હતા ત્યારે જિનાનન્દસૂરિનો એક બૌદ્ધ નૈયાયિકથી પરાભવ થતાં તેઓ વલભીમાં આવ્યાં, ત્યાં મામા જિનાનન્દસૂરિએ ત્રણેય ભાઈઓને આચાર્યપદ આપ્યું, અને દુર્લભદેવીએ પુસ્તકનો ભંડાર સાચવી રાખ્યો, જેમાંથી મલ્લમુનિએ ન્યાયનો અભ્યાસ કર્યો; અને તેમણે ન્યાયનો સુંદર ગ્રંથ તૈયાર કર્યો, અને પછી ભરૂચ જઈ અગાઉના બૌદ્ધ નૈયાયિકનો, સાત-સાત દિવસ સુધી પૂર્વપક્ષ કરી પરાભવ કર્યો, તેથી વલભીના સંઘે બધાંને ભરૂચથી ગાજતે-વાજતે વલભીનગરીમાં લાવી ભવ્ય સ્વાગત કર્યું. આ વૃત્તાંત ઈસવીસન ૩૫૮માં બન્યો હતો એવી લોકવાયકા છે.

બૌદ્ધ ઇતિહાસ-ગ્રંથ આર્યમંજુ શ્રીકલ્પમાં એમ કહેવાયું છે કે દ્વારામતી-દ્વારકાના યાદવોએ વલભીમાં વાસ કર્યો અને સૌરાષ્ટ્રને સ્વતંત્ર કર્યો. ઈરાનના પાઈકુલીના લેખમાં સૌરાષ્ટ્રના મિત્રસેન રાજા વિષેનો ઈ.સ. ૨૯૪નો ઉલ્લેખ છે. ગમે તેમ, પણ વલભી ઈસવીસનના ચોથા-પાંચમા સૈકાથી સૌરાષ્ટ્રની ગિરિનગર-ગિરનાર-જૂનાગઢથી ઊતરતી બીજી પંક્તિની નગરી બની હશે.

સાહિત્ય વિમર્શકાર દંડીએ દશકુમાર ચરિત્ર નામે સંસ્કૃત કથા લખી છે. તેનો સમય ઈસવીસનની સાતમી સદીનો ગણાય છે. તેના છઠ્ઠા ઉચ્છવાસમાં વલભી વિષે એક વાર્તા આવે છે તે ટૂંકમાં નીચે પ્રમાણે છેઃ

સૌરાષ્ટ્રમાં વલભી નામે નગરી છે. ત્યાં એક ધનાઢ્ય નાવિકપતિ રહેતો હતો. તેનું નામ ગૃહગુપ્ત હતું. તેને બિંબવતી નામે પુત્રી હતી. તેનું લગ્ન મધુમતીમાં રહેતા એક ધનાઢ્ય સાર્થવાહના પુત્ર બલભદ્ર સાથે થયું. બલભદ્ર વલભીમાં રહેવા આવ્યો, પણ પ્રથમ મેળાપમાં જ વરવધૂને અણબનાવ થયો, એટલે સુધી, કે બલભદ્ર સાસરાના ઘર સામું પણ ન જુએ. નગરીના લોકો બિંબવતીને મહેણું મારવા લાગ્યા, કે તે બિંબવતી નહિ, પણ નિંબવતી – કડવા લીંબડાના રસ જેવી કટુતા ધરાવતી કન્યા છે. બિંબવતીથી આવા ઉપાલંભો સહી શકાયા નહિ. તેથી તે એક પરિવ્રાજિકા – બૌદ્ધ ભિખ્ખુણી પાસે ગઈ. પરિવ્રાજિકાએ તેને આશ્વાસન આપ્યું અને ધર્મધ્યાન કરવા આદેશ દીધો. પછી બિંબવતીએ પરિવ્રાજિકાને કહ્યું, ‘તમે બલભદ્રને અહીંના નિધિપતિ નામના શેઠના આવાસે ગમે તે પ્રકારે લઈ આવો. હું નિધિપતીની પુત્રી તરીકે અને મારી સહચરી કનકવતીને વેશે ત્યાં રહીશ અને બલભદ્ર ઘેર આવશે ત્યારે ભોંયતળિયે ફૂલદડે રમતાં, એવી રીતે દડો ફેંકીશ કે બલભદ્રે દડાને પાછો આપવો જ પડે. આ સમયે તમારે (પરિવ્રાજિકાએ) તેને કહેવું કે કંદુડે – ફૂલદડે રમતી કન્યા નિધિપતિ શેઠની પુત્રી કનકવતી છે અને તે તમારી સાથે પ્રેમ-લગ્ન કરવા ઇચ્છે છે. બલભદ્ર આ સાંભળશે ત્યારે તે મને કનકવતી ધારી ઊપાડી જશે; ત્યારપછી અમે બંને લગ્ન કરીશું અને વલભી બહાર ચાલ્યાં જઈશું.’ આ પ્રયોગ બરોબર સફળ થયો. બલભદ્ર અને બિંબવતી (કનકવતી) વલભીથી ખેટકપુર-ખેડા રહેવા ગયાં. ખેટકપુરમાં બલભદ્રે વેપાર કર્યો અને ઘણું દ્રવ્ય ભેગું કર્યું. એક વાર બલભદ્રે દાસીને ચિડાઈને કાઢી મૂકી, તેથી દાસીએ બધું તર્કટ ખેટકની પ્રજા સમક્ષ ફોડી દીધું. ખેટક ગામના લોકો ઘણા ક્રોધે ભરાયા, અને તેમણે બંનેને ગામમાંથી ચાલ્યા જવાનું દરમાવ્યું એ વખતે બિંબવતીએ ખરી વસ્તુ કહી દીધી એટલે ગામ અધિપતિએ વલભી મુકામે સંદેશ મોકલ્યો. નિધિપતિ, કનકવતી, ગૃહગુપ્ત, સાર્થવાહ વગેરે ખેટકપુર આવ્યા અને ધામધુમથી બંનેને વલભી લઈ ગયા. વલભીમાં બલભદ્ર અને બિંબવતી આદર્શ ગૃહસ્થાશ્રમ સેવતા થયા.

દંડી લિખિત દશકુમારચરિતના હાલના અભ્યાસીઓ એમ માને છે, કે તેના વર્ણનો એ વખતના રાજકારણને અવનવા નામો દ્વારા સૂચવે છે. આપણે એટલું તો સમજી શકીએ કે વલભી, ખેટકપુર અને મધુમતિ એ સમયે સમૃદ્ધ નગરો હતાં. ત્યાં કુબેરભંડારી, સાર્થવાહો (સથવારાઓ) અને નાવિકપતિઓ રહેતા હતા, તથા ત્યાં બૌદ્ધ પરિવ્રાજકો અને પરિવ્રાજિકાઓ નિવાસ કરતાં હતાં. દશકુમારચરિતની આ વાર્તામાં આવતી મધુમતી નગરી એ ભાવનગર પાસે આવેલું મહુવા સમજવાનું છે, મદુરા કે મથુરા નહિ. વલભીના એક તામ્રપત્રમાં મધુમતીદ્વાર એટલે મહુવાના બંદરનો નિર્દેશ છે. દ્વાર એટલે પ્રાચીન સમયનું બંદર, એ આ દાનપત્રથી સિદ્ધ થાય છે.

મહાબ્રાહ્મણ સ્વામીપુત્ર ભટ્ટીએ વલભીરાજ ધરસેનના સમયમાં એક રીતે રામકથાને આલેખતું તો બીજી રીતે સંસ્કૃત વ્યાકરણના જુદા-જુદા પ્રયોગોનાં દૃષ્ટાંતો આપતું ભટ્ટીકાવ્ય-રામાયણ-રાવણવધ લખ્યું હતું. એ પોતે કહે છે, કે આ કાવ્ય ધરસેન રાજાથી રક્ષવામાં આવતી વલભીનગરીમાં લખ્યું છે. વલભી રાજવંશમાં ચાર ધરસેન રાજાઓ થઈ ગયા, કેટલાંક દાનપત્રોમાં ભટ્ટી નામના બ્રાહ્મણોને દાન આપ્યાનું પણ કહેવામાં આવ્યું છે, અને એક રાજા વ્યાકરણમાં પ્રવીણ હતો એમ પણ લખવામાં આવ્યું છે. આ બનાવ સાતમી સદીનો હોવો જોઈએ.

કથાસરિતસાગરમાં વલભીના બે નિર્દેશો છે. એક જીમૂતવાહનની કથાનો અને બીજો અતર્વેદીના બ્રાહ્મણ વિષ્ણુગુપ્તનો, જે વિષ્ણુગુપ્ત નામે બ્રાહ્મણપુત્ર વલભીમાં અભ્યાસ કરવા જાય છે તે અતર્વેદીના એટલે ગંગા-જમના પ્રદેશમાં રહેતો હતો. વલભી વિદ્યાપીઠોનું સ્થળ હતું. તે યુવાન ચ્વાંગ પછી તુરત આપણે ત્યાં આવી ગયેલા ઈલૂસિંગ નામના ચીની મુસાફરના લખાણથી પણ પુરવાર થાય છે, કારણ કે ઈલૂસિંગ લખે છે કે ‘આખા ભારતવર્ષમાં બે મુખ્ય વિદ્યાકેન્દ્રો છે, વલભી અને નાલન્દ’ (ઈ.સ. ૬૭૫-૬૮૫)

વલભીવંશના રાજાઓ મૈત્રકો કહેવાતા હતા. એ મૈત્રકો વલભી-દાનપત્રોમાં પરમમાહેશ્વરો તરીકે પ્રસિદ્ધ થાય છે. કેટલાંક મૈત્રકો સૂર્યપૂજક હતા. કેટલાંક આ મૈત્રય સેનાઓના રાજાઓને મહેરલોકોના સેનાપતિઓ સાથે સરખાવે છે, જે મહેરલોકો અત્યારે પોરબંદર આસપાસના સોરઠી પ્રદેશોમાં વસે છે. મિત્રપૂજા અથવા સૂર્યપૂજા આ સમયમાં, આખા સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં પ્રચલિત હતી અને આ સંપ્રદાય પશ્ચિમ એશિયામાં પણ તે વખતે સારી રીતે પ્રચલિત હતો. પશ્ચિમ એશિયાના ઇતિહાસવિદોના મત પ્રમાણે મિત્રપૂજા તો તે વખતે જરથુસ્તના પારસીક અને ઇસુ ખ્રિસ્તી સંપ્રદાયો સાથે મોટી હરીફાઈ કરતો પંથ હતો. આ મૈત્રકો ગુપ્ત રાજાઓના અમલ દરમ્યાન સિપાઈઓ હતા. તેમણે ભટ્ટાર્કની આગેવાની નીચે કોઈ ચક્રવર્તીપદ સેવતી ગુપ્ત કે કુશાન સત્તા સામે બંડ કર્યું હોય અને અનુકૂળતા સાંપડતાં, સુરાષ્ટ્રમાં વલભી મુકામે સ્વતંત્ર સત્તા સ્થાપી હોય. વલભીનગર ગિરિનગરથી દૂર હતું, એટલે એની અનુકૂળતા વધારે હતી; તે નગર તે વખતે ભૃગુકચ્છથી સોમનાથ જવાના ધોરી માર્ગ ઉપર આવેલું હતું.

મૈત્રક રાજવંશ પરમ માહેશ્વર હતો; તે સાથે તે બૌદ્ધનો ઉપાસક પણ હતો. પ્રથમ મૈત્રક રાજવી ભટ્ટાર્કે વલભી પાસે જ એક બૌદ્ધવિહાર કરાવેલો. એ વિહારનું દાન તેણે શૂર નામના રાજસ્થાનીને આપેલું હતું. વલભી પાસે એક બીજો બૌદ્ધવિહાર હતો, તે મીમ્માદેવીનો અભ્યંતરિત વિહાર કહેવાતો હતો. એનું સમર્પણ બૌદ્ધના હીનયાન પંથના ભિખ્ખુઓને થયેલું હતું. વલભી પાસે એક ત્રીજો દુદારાણીનો મોટો વિહાર આવેલો હતો. એ વલભીરાજા બીજા ધરસેનની બહેન થતી હતી. એ વિહારમાં બીજા અન્તર્ગત વિહારો હતા. આ વિહાર માટે વલભીરાજાઓ ખૂબ દાન આપતા હતા. ભાગ્યે જ કોઈ રાજા થઈ ગયો હશે, જેણે આ વિહારને દાન નહીં આપ્યું હોય. એ દાન ગામોનાં હતાં અને તેના ઉત્પન્નમાંથી બુદ્ધપ્રતિમાને ધૂપ-દીપ-તૈલ-સુગન્ધ ધરવામાં આવતાં. અને જૂના વિહારોની મરામત થતી. બૌદ્ધગ્રન્થ મંજૂ શ્રીકલ્પ પ્રમાણે આ રાજાઓએ વિહારોમાં પ્રતિમાઓ વસાવેલી; તેની દીવાલો ઉપર ચિત્રો કરાવેલાં, તેમાં પુસ્તકોના ભંડારો રાખવામાં આવતા હતા. દાનપત્રોમાં બુદ્ધદાસ, આર્યભિક્ષુ વગેરે બૌદ્ધ આચાર્યોનાં નામો વાંચી શકાય છે. વલભી નજીક એક વિહાર હતો, જેનું નામ પક્ષસૂરવિહાર હતું. વલભી આસપાસ પુષ્પવાટિકાઓ-ફૂલવાડીઓ હતી. જેનાં દાન બ્રાહ્મણોને આપવામાં આવ્યાં હતાં. સ્થિરમતિ અને ગુણમતિ એ બે વિદ્વાન બૌદ્ધ આચાર્યોના એક ગુરુભાઈએ અભિધાનકોશ ગ્રન્થ લખ્યો હતો. ચીની મુસાફર યુવાન ચ્વાંગ અહીં આવી ગયેલો તે કહે છે કેઃ

‘વલભી નગરીનો ઘેરાવો ૩૦ લી (લગભગ છ માઈલ)નો છે. વસતી ઘણી ગીચ છે. નગરમાં દેશાવરનો કીંમતી માલ ખૂબ પ્રમાણમાં આવે છે. અહીં એકસો સંઘારામો છે અને એમાં છ હજાર ભિખ્ખુઓ રહે છે. અહીં એક સો દેવમંદિરો છે. અહીંનો રાજા ધ્રુવસેન (ધ્રુવભટ્ટ) કનોજના મહારાજા શ્રીહર્ષનો જમાઈ થાય છે, તે ચપળ અને ઉતાવળિયો છે અને તેનામાં બહુ અક્કલ નથી. આ રાજા દર વરસે સાધુઓનો મોટો મેળો કરે છે. જ્યારે તે ખૂબ દાન આપે છે, અને દાનમાં આપેલી વસ્તુઓને તે બમણું મૂલ્ય આપી ખરીદી લે છે.

સાઠ વરસ અગાઉ અહીં શીલાદિત્ય રાજા થઈ ગયો. તે માળવામાં કામગીરી ઉપર હતો. તેણે રાજમહેલ પાસે મોટો વિહાર બંધાવેલો અને ત્યાં બુદ્ધ ભગવાનની સાત પ્રતિમાઓ સ્થાપી હતી. આ રાજાના દેશમાં હાથીઓ અને ઘોડાઓ ગાળેલું પાણી પીતા અને હિંસક જાનવરો અહિંસક વર્તન બતાવતાં હતાં. શીલાદિત્ય દર વર્ષે મોક્ષધર્મ પરિષદ ભરતો હતો.’

વલભી સમયના બૌદ્ધવિહારોના અવશેષો સૌરાષ્ટ્રમાં હજુ મોજુદ છે, જૂનાગઢમાં ગિરનાં જંગલોમાં, સાણાના ડુંગર ઉપર, ઓસમના ડુંગર ઉપર, ઢાંક પાસે, જામનગર નજીક ગોપ પાસે, ભાણવદ પાસે, પાસગાંવ નજીક, તથા તળાજા પાસે અનેક અવશેષો છે, જે પ્રાચીન બૌદ્ધવિહારો હતા. પાસગાંવ પાસેનું ધિગેશ્વર એક સમયનો બૌધ સ્તૂપ છે. સાણાના ડુંગરોમાં તો પચાસથી વધારે ગુફાઓ છે. અત્યારે અહીં રબારીઓ છાણાં થાપે છે અને કવચિત ત્યાં બહારવટિયાઓ રહે છે. સાનાના ડુંગરની ટોચ ઉપરથી એક બાજુ ઊના દેલવાડા નજરે પડે છે, તો બીજી બાજુ જાફરાબાદનો દરિયો નજીકમાં જ નજરે ચડે છે. ધારીથી ખાંભા, ખાંભાથી ડેડાણ, ડેડાણથી અથવા ખાંભાથી સીધું સાણાના ડુંગરે ગાડામાર્ગે જવાય છે, ડુંગરની અડોઅડ એક નાનો વોકળો વહે છે, જ્યાંથી જાફરાબાદની હદ શરૂ થતી હતી.

મૈત્રક રાજાઓ માનવધર્મશાસ્ત્રમાં, વ્યાકરણમાં અને લોકકથામાં પ્રવીણ હતા. મંજૂ શ્રીકલ્પ પ્રમાણે એક ધરસેન રાજા સો વરસથી વધારે જીવ્યો હતો! એ રાજવંશમાં બે રાજાઓ, ચોથો ધરસેન અને ત્રીજો ધ્રુવસેન દાનપાત્રમાં, પોતાને પરમ માહેશ્વર, પરમ ભટ્ટાર્ક, મહારાજાધિરાજ, પરમેશ્વર, ચક્રવર્તી તરીકે ઓળખાવે છે અને ઇતિહાસ તે દાવાને સાચો ઠરાવે છે. આ રાજાઓ શીલાદિત્ય, બાલાદિત્ય, ધર્માદિત્ય, ધર્મરાજ વગેરે ઉપનામો ધરાવતા હતા. આર્યમંજૂ શ્રીકલ્પ કહે છે કે તેમની પાસે જબરા હસ્તીદળો, અશ્વદળો અને નૌકાદળો હતાં. નૌકાદળ ધરાવવાનો આ દાવો ખરો છે કારણ કે તેમણે ચાલુક્યો અને ગુર્જરો સાથે રહીને અરબોને સમુદ્ર ઉપર હંફાવવા પ્રયત્નો કરેલા. એક વલભી રાજપુત્ર ડેરભટ્ટ (દેરભટ્ટ) વિંધ્ય અને સહ્યાદ્રિ ઉપર વલભીનો ઝંડો ફેરવી આવ્યો હતો.

વલભીદાનપત્રોમાં રાજ્ય-વ્યવહારકોશના અનેક જૂના પ્રયોગો મળે છે, તો કોઈ નવા પ્રયોગો પણ જડી આવે છે. એક અધિકારીને દિવિર અને દિવિરપતિ કહેવામાં આવ્યો છે, એનો અર્થ હજુ સુધી બરોબર સમજી શકાતો નથી. ગુજરાત-કાઠિયાવાડમાં જાણીતી અટક ધ્રુવ આ દાનપત્રોમાં મળી આવે છે. આ અટકો અત્યારે નાગરો, વણિકો અને કાયસ્થો વાપરે છે, તે વલભી સમયથી ચાલુ હોવી જોઈએ. ગામનો મુખ્ય અધિકારી ગ્રામકૂટ – ગામનો ઉત્તમ પુરુષ કહેવાતો, જે નામ હાલારના હાલ ગામોટ શબ્દમાં હજુ ચાલુ છે. કોઈ-કોઈ ગામ વિભાગસ્થળી કહેવાતું. વનસ્થળી, રાજસ્થળી, એવા વિભાગો દાનપત્રોમાં મળી આવે છે. જામનગર પાસેનું વાણિયાનું વંથળી અને જૂનાગઢ પાસેનું નાઘોરીનું વંથળી બન્ને વિભાગસૂચક નામ હજુ ચાલુ રાખે છે અને તે બંને સ્ત્રીલિંગમાં હજુ પણ લોકવાયકામાં વપરાય છે જેમ કે નાઘોરીની વંથળી, વાણિયાની વંથળી, વગેરે. ધારી પાસેનું ગિરમાં વસેલું ઝાર ગામ અત્યારે તો નાનું છે, પણ તે વલભી સમયનું વિભાગીય કેન્દ્ર હોવાનું દાનપત્રોથી સાબિત થાય છે. વઢવાણ (વર્ધમાન) ભુક્તિ એટલે મોટા વિભાગનું કેન્દ્ર હતું. એક ગોમૂત્રિકા નામનું સ્થળ આવે છે, જે અત્યારનું ગોમટા હોઈ શકે.

વલભીના ભંગની વાત દરેક ગુજરાતી બાળક જાણે છે. બારોટોએ તે પ્રસિદ્ધ કરી છે, અને રાસમાળામાં તે અપાઈ ગઈ છે. મૂળ વાત प्रबंधचिन्तामणि નામક સંસ્કૃત ગ્રંથમાં છે. તે સમયના ગુજરાતમાં એટલે જોધપુર પાસે આવેલા પલ્લીગામનો એક રંક વણિક ભાઈની સાથે તકરાર થતાં વલભીમાં રહેવા ગયો, ત્યાં તેને સિદ્ધરસ પ્રાપ્ત થતાં તે ખૂબ ધનસંચય કરી શક્યો અને તેણે વલભી બહાર મહાલયો કરાવી ત્યાં રહેવા માંડ્યું. એક વાર તેની પુત્રીની રત્નજડિત કાંસકી દેખી શીલાદિત્ય રાજાની કુંવરીને ઈર્ષ્યા થઈ, તેથી વણિક હેરાન થયો અને મલેચ્છમંડળ ભાગી ગયો અને ત્યાંથી મલેચ્છોને લઈને તે વલભી ઉપર લાવ્યો. મલેચ્છોએ વલભીનો નાશ કર્યો. રાજા માર્યો ગયો.

આ કથા છે. ઇતિહાસ સાથે તે વાર્તાને ઘટાવીએ તો મલેચ્છ મંડળ એટલે સિન્ધ દેશ, જે બાગ-એ-દાદ (બગદાદ)ના ખલીફાની સલ્તનતનો એક પ્રાન્ત હતો. મલેચ્છ રાજા એટલે ખલીફ અલમનસૂર, અને મલેચ્છ સરદાર એટલે ઈબ્જા જમાલ. એ સમયના અરબો પશ્ચિમ અને મધ્ય એશિયાના ચક્રવર્તીઓ હતા; તેમનામાં ઇસ્લામનું જયિષ્ણુ સ્વભાવનું ઝનૂન હતું; અને ઈરાનનો સંસ્કાર હતો, એ અરબો રોમની પાદશાહી સાથે લડાઈ કરતા હતા; ભૂમધ્ય અને અરબી સમુદ્રોનું આધિપત્ય તો તેમણે સિદ્ધ કર્યું હતું. વલભી, લાટ, ગૂર્જર, અને ચાલુક્ય રાજાઓ નૌકાબળમાં તેમના જેટલા બળવાન નહોતા. આપણા નાવિકપતિઓ પાસે તેમના જેવું યુદ્ધકૌશલ્ય નહોતું. એટલે આપણા ગૂર્જરો, સોરઠીઓ અને ચાલુક્યો આરબોથી હાર પામ્યા–વલભીનો ભંગ થયો. તેના સંઘારામો ભાંગી પડ્યા; તેની જૈન પ્રતિમાઓને સોમનાથમાં અને શ્રીમાળમાં ખસેડવામાં આવી. તેના (વાલમ) બ્રાહ્મણો ધંધુકા ભાગી ગયા, મૈત્રક રાજવંશ પાછો આવ્યો, પણ તેનામાં વલભીની પુનઃસ્થાપનાનું બળ નહોતું. કહેવાય છે કે વલભીના એક રાજવંશીએ ચિતોડ જઈ ગાદી સ્થાપી, જે વંશના પરાક્રમો પાસે કોઈ પણ રાજવંશના પરાક્રમો ઝાંખા પડે છે.

વલભીભંગનો પ્રસંગ ઈ.સ. ૭૮૯માં થયો હોવાનું જિનપ્રભસૂરિનો ‘તીર્થકલ્પ’ ગ્રંથ કહે છે. પ્રબંધચિન્તામણિકાર આ વૃત્તાંતને લોકકથાનું રૂપ આપતાં જણાવે છે કે વલભીના ભંગ અગાઉ નગરદેવી વર્ધમાનસૂરીને સ્વપ્નમાં આવીને રુદન કરવા માંડી, તેથી મુનિએ સવાલ કર્યો કે ‘રુદન કેમ કરે છે, તું કોણ છે?’ ત્યારે નગરદેવીએ ઉત્તર આપ્યો કે ‘હે ભગવન્ હું વલભીની નગરદેવી છું અને ભંગને જોઈ રહી છું; તમે અહીંથી ચાલ્યા જાઓ. અહીં રહેશો તો ભિક્ષામાં મળેલું દૂધ લોહી થઈ જશે, ભાગો, એવે સ્થળે જઈ રહો, જ્યાં લોહી હોય તે દૂધ થઈ જાય.’

ભાંગ્યું તો ય ભરૂચ, એવું વલભી માટે આપણે કહી શકીએ નહીં, વલભી ગયું તે ગયું જ. એની પુરાણી ભૂમિકા ઉપર દસ-વીસ ફૂટ ધૂળ ચડી ગઈ. અત્યારની વલભીનો રહીશ એટલું તો અલબત્ત જાણે છે કે જે ધરતી ઉપર તે પગ મૂકી ચાલી રહ્યો છે તે ધરતી પ્રાચીન વલભીની છે, પણ તેને અથવા તો કોઈ પણ ગુજરાતીને કે સૌરાષ્ટ્રવાસીઓને ભાગ્યે જ ખબર છે કે એ ધરતીને ખૂંદનારાં હસ્તીદળો, અશ્વદળો અને પાયદળો એક વાર ગુજરાતની ધરતીને અને આખા સૌરાષ્ટ્રની ધરતીને રાજકીય, સાંસ્કારિક અને વહીવટી એકત્વનો અનુભવ કરાવી ગયાં હતાં, અને ભારતના ઇતિહાસમાં ગુજરાતે કે સૌરાષ્ટ્રે કદી નહીં અનુભવેલું ચક્રવર્તીપદ થોડાં વરસો માટે તો અપાવી ગયા હતાં.
(અખંડ આનંદ, જૂન ૧૯૫૦)



વલભીપુરના મૈત્રક રાજાઓના સમયમાં સૂર્યપૂજા માટે બંધાયેલા ગોપમંદિરની વર્તમાન દયાજનક સ્થિતિ. આ મંદિર જામનગરથી ૬૫ કિ.મી. દૂર જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામમાં આવેલું છે.
[પાછળ]     [ટોચ]