[પાછળ] |
વાતચીતની કલા લેખકઃ રમણલાલ વસંતલાલ દેસાઈ વાતચીતની કલા? વાતચીતમાં કલા શી? એમાં તે કલા હોઈ શકે ખરી? બે માણસ, ચાર માણસ, છ માણસ ભેગાં બેસી કામકાજ અંગે અથવા નવરાશનો સમય વિતાવવા અરસપરસ બોલે તે વાતચીત! એમાં વળી કલા કેવી? સ્વાભાવિક રીતે આવા પ્રશ્નો ઉપસ્થિત થાય – પ્રથમ દર્શને પરંતુ માનવી માનવી હોય, માનવીએ માનવી રહેવું હોય તો વાતચીતને કલા તરીકે સ્વીકારવી પડશે. એટલું જ નહીં કલા તરીકે તેને સેવવી અને ખીલવવી પડશે. કારણ માનવી જેને સ્પર્શે એને કલા ન બનાવી દે તો એ માનવી રહેતો નથી. જે પ્રાપ્તિઓને માનવી કલા બનાવી શક્યો નથી એ પ્રાપ્તિઓ માનવીના હાથ અને હૃદય મેલાં જ રાખે છે. વાણી એ માનવીની મોટામાં મોટી સંપ્રાપ્તિઓમાંની એક; માનવીના વ્યવહારનું વાણી એ મહામોટું સાધન. આપણે ઘર સારાં માગીએ, રસ્તા સારા માગીએ, સારી હોટલ માગીએ, સારાં થીએટરો માગીએ. પરંતુ એ બધાય કરતાં વધારે ઉપયોગી અને આપણા સર્વ વ્યવહારમાં વધારે ઉપયોગી થઈ પડે એવી વાણી સારી હોવા માટે આપણો આગ્રહ બહુ ઓછો હોય છે. સારું એટલે? સગવડભર્યું? આંખને ગમે એવું, હૃદયને પ્રિય લાગે એવું? સારું એટલે કલામય. વાતચીત એ મોટામાં મોટો વ્યાપાર-વ્યવહાર અને વાતચીતનું મુખ્ય સાધન તે વાણી. મૌનવાર પાળતા સાધુસંતો સિવાય માનવી જાગૃતાવસ્થાનો મોટોભાગ વાતચીતમાં જ ગાળે છે. એકબીજાના સંસર્ગમાં સંસિદ્ધિ છે. એના કરતાંય એ વધારે મોટી સામાજિક-સામુદાયિક સંસિદ્ધિ છે. માટે એ બળ છે, શક્તિ છે, મહાજવાબદારી છે. એ શક્તિ કલાની કિનારીથી ઓપશે નહીં તો એ બિહામણું, બેહૂદું, અતંત્ર અને નિરૂપયોગી તત્વ બની રહેશે. ધ્વંસક, સંહારક પણ! વાતચીત સંહારક બને? હા! આવો આપણે સાસુવહુની વાતચીત સાંભળીએ, પિતરાઈઓની વાતચીત સાંભળીએ, હરીફો વચ્ચેની વાતચીત સાંભળીએ, ઉપરી તાબેદાર વચ્ચેની વાતચીત સાંભળીએ, પ્રેમપંથથી પાંચ વર્ષમાં પરવારી બેઠેલા પતિ-પત્નીની વાતચીત સાંભળીએ, ઝગડતા પાડોશીઓની વચ્ચે ચાલતી વાતચીત સાંભળીએ, ગાડીમાં ચડતા ઊતરતા મુસાફરોને સાંભળીએ, સ્ત્રીસૌન્દર્ય સામે જોઈ રહેલા બે કૉલેજિયનોની વાતચીત સાંભળીએ, રાજકીય હરીફોને સાંભળીએ તો આપણને ખાતરી થશે કે એટમબૉંબ માત્ર અમેરિકી કે રૂસી પ્રયોગશાળામાં જ ઊપજે છે એમ નહીં; એ ઘરમાં અને ઘર બહાર ગુજરાતમાં પણ રચાય છે. વાતચીતની સંહારક શક્તિ જોઈએ એટલા પ્રમાણમાં આપણને જડી આવશે. આખા જીવનની વાત બાજુએ મૂકીએ. ચોવીસ કલાકના એક દિવસમાં પણ ઘણી વાર આપણને શું એમ નથી લાગી આવતું કે વાતચીત એક ભયંકર આફત બની આપણે માથે ઊતરી આવે છે! વાતચીતમાં રોકાવા માટે આપણી પાસે અડધો જ કલાક હોય, અને કોઈ મિત્ર બે કલાક ચાલે એટલી વાતચીત ઝોળીમાં ભરી લઈ આવે! મિત્રને માટે આપણને જરૂર માન હોય જ. લાગણી તો હોય જ હોય. સહાનુભૂતિ વગર મૈત્રી કે પરિચય સંભવી શકે જ નહીં. એના સુખમાં આપણે જરૂર આનંદિત બનીએ; એના દુ:ખમાં આપણે જરૂર આંસુ પાડીએ; એની રમૂજમાં આપણે જરૂર ખડખડાટ હસીએ; આપણો એ ધર્મ છે. પરંતુ જાહેર કે ખાનગી રીતે આપણે આપણા માટે બાંધી દીધેલા અડધા કલાકની સમયમર્યાદા કરતાં વધારે લંબાઈ જતી વાતચીત પોતાને અતિ વિકૃત બનાવી દે છે. અડધા કલાક સુધી ચાલતું ખડખડાટ હાસ્ય અડધો કલાક વીતી જતાં જરા ખાલી પોલાણ સરખું કૃત્રિમ બનવા માંડે છે. કલાક વીતી જતાં એ સ્મિતમાં ઓસરી જાય છે. દોઢ કલાક પસાર થતાં એ સ્મિત ભવ્ય વ્યાયામપ્રયોગ બની જાય છે, અને બે કલાક પછી તો એ સ્મિતભર્યું મુખ હસે છે કે રડે છે એની ખાતરી કરવી આપણે માટે મુશ્કેલ બની જાય છે. આપણા રમૂજી મિત્રોની રમૂજી વાતચીત ઘણી વાર આપણને રડાવી ઊઠે છે. એથી પણ વધારે મુશ્કેલી એ થાય છે કે રુદન-ઊભરાતા હૃદય સાથે આપણે આપણા મુખ્ય સ્નાયુઓને સ્મિતના આકારમાં વારંવાર વાળવા પડે છે. સુંદરમાં સુંદર મુખ પણ આવે પ્રસંગે ભયંકર કુરૂપતા ધારણ કરે છે. સાંભળનારના મુખને કુરૂપ બનાવી દેતી વાતચીત કલા તો ન જ કહી શકાય? સમયને, સમયની મર્યાદાને વાતચીતની કલા સાથે ગાઢ સંબંધ રહેલો છે. અભ્યાસની આપ-લે એ જુદો પ્રશ્ન છે. પરંતુ અંગતમાં અંગત માનવીઓ વચ્ચેની વાતચીતનો રસ પણ અડધા કલાકથી વધારે ચાલી શકતો નથી એમ માનવું, અને એમ વર્તવું એમાં સહુની સાથે કલાની પણ સલામતી રહેલી છે. પ્રેમીઓ પણ અડધા કલાકથી લાંબી વાતચીત ન ચલાવે તો પ્રેમપ્રવાહ ઓછો તૂટક થશે. બે મિત્રો રસ્તે આનંદપૂર્વક જતા હતા. બીજા બે મિત્રો સામે મળ્યા અને ચારે જણ ટોળે વળી ઊભા. વાતચીતનું સ્વરૂપ જ સર્પ કે માછલી સરખું ચપળ હોય છે. વાતચીત ક્યાંથી ક્યાં ચાલી જાય એનો અંદાજ રાખવો બહુ મુશ્કેલ છે. કોણ જાણે કેમ પણ ચા ઉપર વાતચીત કેન્દ્રિત થઈ. એમાંના એક મિત્ર ચાના કટ્ટર વિરોધી હતા. જો કે ચા સિવાય બીજું બધું જ પીતા – અને તેમની આ વિરોધી વાતચીતનું સાતક એટલે ઊંચે ચડ્યું કે તેમના પ્રત્યે રસ્તે જનાર સહુનું ધ્યાન દોરાયું અને જાણે તેઓ ચા વિરુદ્ધ ભાષણ આપતા હોય તેમ તેમની આસપાસ ટોળું ભેળું થઈ ગયું. આસામના બગીચાઓમાં થતા જુલ્મનો ચિતાર આપતાં તેમની વાતચીત એટલી રસપ્રદ બની ગઈ કે લોકોએ તાળીઓ પણ પાડી! એક દોડતી ગાયે અને પોલિસના સિપાઈએ ટોળાને વિખેરી નાખ્યું ન હોત તો ચા-વિરોધી વાતચીત સાંભળવા આખું ગામ એ રસ્તા ઉપર ભેગું થયું હોત! ચાનો વિરોધ ભલે થાય; રસભરી રીતે જરૂર થાય; જુલ્મોની જાહેરાત થવી જ જોઈએ, પરંતુ સરિયામ રસ્તો અવરજવર માટે, હલનચલન માટે, વાહનવ્યવહાર માટે સામાન્યત: વપરાય છે; વ્યાખ્યાન કે વાતચીત માટે નહીં. વળી, એ આપણી કે આપણા મિત્રોની એકલાની માલિકીનો હોતો નથી. એટલે ચાનો વિરોધ કે તેની તરફેણ કરવા માટેની વાતચીત સરિયામ રસ્તાને બદલે આપણા ઘરમાં કે કોઈ સભાગૃહમાં કરવી વધારે ઉચિત ગણાય. વાતચીતનો ઉદ્દેશ પણ એની વધારે બર આવે. આમ, વાતચીતનું સ્થળ પણ વાતચીત અંગે બહુ મહત્વ ધારણ કરે છે. સ્ટેશન ઉપર સાહિત્યની વાતચીત કરે છે ઘણા, પરંતુ એ સહુને ફાવે તો ઓછી જ ને? ટિકિટ સામાન, મજૂર, ગાડી આવવાનો કે ઉપડવાનો સમય, ધક્કામુક્કી, જગા મળશે કે કેમ એની ચિંતા જેવા ચક્રવ્યૂહ ઉપજાવતા સ્થળે ‘સરી જતી રેતી’ વિષેની વાતચીત ગાડીના ઘંટનાદમાં ગૂંગળાઈ જાય છે. કચેરીમાં કવિતા અને સંગીતની વાતચીત કરતાં કવિતા અને સંગીત બન્ને સંભળાવી ગયેલા બે ત્રણ મિત્રો મને હજી યાદ છે. મને કવિતા ગમે છે, પરંતુ તે કચેરીમાં તો નહીં જ! સંગીત પણ ગમે છે, પરંતુ તે ટ્રામ બસમાં તો નહીં જ. સમયની માફક સ્થળ પણ વાતચીતની કલાને ઘડતું એક અંગ છે. આગગાડીની ગિરદીમાં પ્રેમનો વાર્તાલાપ બહુ કલામય ન જ લાગે. પ્રેમીઓ પ્રેમથી પીડાતાં હોય તો પણ. સ્મશાનમાં ખડખડાટ હસે હસાવે ભૂત કે કોઈ યોગી! સામાન્ય માનવી સ્મશાનમાં હાસ્યરસની વાતચીત બનતાં સુધી ન ઉપાડે તો વધારે સારું. હિંસા અને અહિંસાની વાતચીતમાંથી મારામારી થતી ઘણાએ જોઈ છે, સાંભળી છે, વાંચી છે. હિંસાની તરફેણ કરનારને સૈન્યમાં મોકલવામાં આવે તો તે માંદો પડે. અહિંસાની તરફેણ કરનારનો મિજાજ હાથમાં રહેતો નથી, એ આપણા સહુના અનુભવની વાત છે. છતાં વાતચીત કરતી વખતે આપણે આવા જ વિષયોની ચર્ચા કરીએ છીએ અને અહિંસા સિદ્ધ કરવા માટે મુક્કા ઉગામીએ છીએ. આપણી વાતચીત એ કોઈ સિદ્ધાંતની સતત સ્થાપનાનો પ્રયત્ન હોતો જ નથી. મળવું, હળવું, તાત્કાલિક ઉપયોગની વાત કરવી, સમયનો ઉપયોગ કરવો, માણસાઈભરી ઢબે છૂટા પડવું – આટલું જ આપણા નિત્ય વ્યવહારની વાતચીતનું લક્ષણ હોઈ શકે. તેમાં અતિ ગંભીર વિષયને લાવી, અતિ ગંભીર વાતચીત કરી, કઠોર કે ગમગીન વાતાવરણ સર્જવાની તલપૂર પણ જરૂર હોતી નથી. સિદ્ધાંતોની વાતચીત કર્યા વગર ચાલે એવું હોય છતાં સિદ્ધાંતોની વાતચીતમાં ઊતરી પડી આપણે હવામાં ઝેર ઉમેરીએ છીએ. વાતચીતને ગુલાબજળ છાંટવાની ગુલાબદાની બનાવવાને બદલે ઝેર ઉડાડતી પિચકારી બનાવવાનું કાંઈ જ કારણ નથી, અને છતાં આપણી વાતચીત કેટલીક વાર ઝેર સરખી કડવી બની ગયેલી હોય છે! સામાન્ય વાતચીતમાં અતિ ગાંભીર્ય ભેળવવાથી આખી વાતચીત બદસ્વાદ બની જાય છે. વિષયની પસંદગી, વિષયની ચાળવણી, વિષયની હેરફેર વાતચીતની કળામાં બહુ આવશ્યક અંગ ગણાય. સિદ્ધાંતોનો સ્વીકાર એ કાંઈ આપણી વાતચીતનો ઉદ્દેશ હોતો જ નથી. મોટા ભાગની આપણી વાતચીત ઉદ્દેશરહિત જ હોય છે. એ જ સમજવામાં આપણે આપણી વાતચીતને બગાડી મૂકીએ છીએ. ઉદ્દેશ હોય તો પણ તે મળવાનો-હળવાનો, સમય પસાર કરવાનો, અરસપરસ ખબરઅંતર પૂછવાનો હોય; નહીં કે સામ્યવાદની ખૂબી ખામી નક્કી કરવાનો, ઈશ્વર છે કે નહીં એની સાબિતી આપવાનો અગર બે પત્નીઓ કોઈ પણ સંજોગોમાં પરણી શકાય કે કેમ એનો નિર્ણય કરવાનો. કદાચ એવા વિષયોમાં વાતચીત ઢળી પડે તો પણ એમાં ચુકાદો આપવાને બદલે વિષય ફેરવી નાખવો એ જ વધારે ઈષ્ટ ગણાય. કારણ, આપણો ચુકાદો કોઈને ય માન્ય હોતો નથી. આમ, સમય અને સ્થળ વાતચીતની કળાને એક પાસ ઘડે છે, તેમ વાતચીતનું ઉદ્દેશરહિતપણું અને કેન્દ્ર વિષયનો અભાવ કળાને બીજી પાસ ઘાટ આપે છે. એ વિસરાય ત્યાં વાતચીત એક માનવકલા બનવાને સ્થાને માત્ર જીભાજોડી, લમણાઝીંક, માથાફોડ, ટકટકારો કે વેદિયાપણું બની રહે છે. વાતચીતમાં ભાગ લેનારમાંથી કોઈનું માથું દુ:ખવા આવે અગર તેને બગાસું આવવા માંડે ત્યારે અવશ્ય માનવું કે વાતચીતની કલા મરી ગઈ છે. અને એ સ્થિતિ ઘણી વાર આપણી થાય છે. વ્યાખ્યાનોની માફક વાતચીતમાં પણ ઘણી વાર પોતાના હાથે ચૂંટી ખણીને મારે જાગ્રત રહેવું પડે છે ! આપણી વાતમાં બીજાઓની પણ એ જ સ્થિતિ થતી હોય એ સહજ છે. ઘણી વાર વાતચીત એક જ વક્તાનો ઈજારો બની બેસે છે. ખરું જોતાં વાતચીત એ બે અગર તેથી વધારે માનવીઓ વચ્ચેનો એક સહકાર પ્રયોગ હોય છે, જેમાં સહુએ ઓછે વધતે અંશે વક્તા બનવા સાથે શ્રોતા પણ બનવું જ જોઈએ. આપણે ઘણા બાહોશ હોઈએ, ઘણા કુશળ હોઈએ, ઘણા અનુભવી હોઈએ, ઘણા ચબરાક હોઈએ; છતાં આપણી જ બાહોશી, આપણું બધું જ કૌશલ્ય, આપણો બધો જ અનુભવ અને આપણી બધી જ ચબરાકી એકસામટી એક જ વાતચીતમાં ઠાલવી દેવાની તાલાવેલી ઉપર આપણે અંકુશ ન મૂકીએ તો બીજી વાર વાતચીતની તક આપવાને બદલે લોકો આપણાથી ત્રાસી ભાગવાનો પ્રયત્ન કરશે. સત્તાધીશ સત્તાની, ધનાઢ્યો ધનની, સાહિત્યકારો વિદ્વતાની, ધંધાદારીઓ પોતાના ધંધાની, દેશભક્તો સેવાની એકસામટી વાત કરી, એ વાતમાં બીજા કોઈનો ચંચુપાત થવા ન દઈ કૈંક સાંભળનારાઓને માંદા પાડી દે છે. ઘણાની વાતચીત આમ વ્યાધિ બની રહે છે. જીવનમાં આમેય ઘણા વ્યાધિઓ હોય છે. વાતચીતનો વ્યાધિમાં ઉમેરો ન કરીએ તો એક સેવાકાર્ય થાય, નહિ? વાતચીત એ મોટેભાગે સામાજિક વ્યવહારનું સ્વરૂપ ધારણ કરતી હોવાથી એને કલામાં ફેરવી નાખી ન શકાય તો એ બિહામણી આફત કે પીઠ બતાવવા યોગ્ય પીડાનો આકાર ઝડપથી લઈ લે છે. વાતચીત સામાજિક વ્યવહાર હોવાથી એને મજિયારી મિલકત તરીકે લેખવી જોઈએ. ખાનગી મિલકત કે મેનેજિંગ એજન્સીની ઢબે વાતનો ઉપયોગ ન જ થાય. અને એ સામાજિક મિલકત હોવાથી એ હવા, પાણી, પુષ્પ અને પ્રકાશની માફક સ્વચ્છ, પ્રફુલ્લ અને જીવનદાયી જીવનવર્ધિની હોવી જોઈએ. વાતચીત એ જેમ અંગત વ્યક્તિગત માનસનો પડઘો છે, તેમ એ સમાજમાનસનો પડઘો પણ છે. એમાં આપણાં અંગત લક્ષણો અને સંસ્કાર જેમ પ્રતિબિંબિત થાય છે તેમ સામાજિક પ્રજાકીય લક્ષણો અને સંસ્કાર પણ પ્રતિબિંબિત થાય છે. વાતચીત એ અંતે તો હૃદયનો વૈખરી વિલાસ છે. એમાંથી આખો માનવી પકડાઈ આવે છે. ક્યા સમૂહનો, કયા વર્ગનો કઈ પ્રજાનો એ માનવી છે એ પણ એમાંથી પકડાઈ આવે છે. એક માતા દીકરીનું લગ્ન કરી આવ્યાં. એક પરિચિત ભાઈએ તેમને મળતા નમસ્કાર કરી વાતચીત આરંભી. ‘દીકરીનું લગ્ન કરી આવ્યાં?’ માતા તરફથી તેમને જવાબ મળ્યો: ‘તે કેમ વળી! લગ્ન ન કરીએ શું?’ ઓળખીતા બાઈની સાથે પ્રશ્ન કરનારને સામાન્ય વાતચીત જ કરવાની હતી. દીકરીનાં લગ્ન એ બાઈનાં જીવનનો હમણાં જ ઊજવાઈ ગયેલો ઉત્સવ હતો, જેને વળગીને માત્ર ખબર જ પૂછવાની હતી : લગ્ન કેમ કર્યું? શા માટે કર્યું? કર્યું જ કેમ? એવી કશી જ માનસિક વૃત્તિ એ પ્રશ્ન પાછળ હતી જ નહિ. કશી પણ વૃત્તિ હશે તો તે લગ્ન પ્રત્યેની ઉદાસીનતા જ હશે. અમુક જણે ‘તેરા ચલે તો માર ડાલીઓ!’ જેવી અર્ધહિન્દી-અશુદ્ધ હિન્દી – લઢણમાં વાતચીતના મારકણાપણાને ઠીક સ્ફુટ કર્યું છે. આ જવાબ પછી બીજું જે જીવતું રહે તે ખરું. પરંતુ વાતચીત તો મરી જ જાય. ખોટું લાગે તો ભલે! પણ અમે સાચું જ કહેવાના’ એવા સતવાદી રોગથી ભરેલા ઘમંડી માનવીઓ પણ આ મારકણા માનવીઓની માફક વાતચીતને તૂરી કે કડવી બનાવી રહે છે. સતની ઝંડી સતત ફરકાવતા ફરવાથી સત્ય વિજય પામતું નથી. માનવીને એકલા સત્યની જરૂર નથી; નગ્ન સત્યની તો નહિ જ. નગ્નતા બીભત્સ ભાવની સૂચક છે અને બીભત્સ ભાવે રસની કક્ષાએ ચઢવા માટે અનુપમ સૌંન્દર્ય-કલાનો આશ્રય લેવો રહે છે. સત્ય પણ પ્રિય બનીને આવે તો જ એનો સ્વીકાર થાય. આનંદરહિત સત્ય-મીઠાશરહિત સત્ય કદાચ સત્ય નહિ જ હોય. આપણી વાતચીત હજી આ યુગમાં કલા બની શકી નથી. કલા બનવા એ મંથન કરે છે એ સમયે આપણે સમજી લઈએ કે આપણી એક બે પેઢી ઉપર વાતચીત એક સુંદર કલા તરીકે વિકસી શકી હતી. આપણા સમાજમાં, આપણા સમૂહમાં એવી કેટલીય વ્યક્તિઓ હતી કે જેની હાજરી ચારે પાસ પ્રસન્નતા ફેલાવી રહે. પાટ ઉપર, હીંચકે, ઓટલે કે ચોતરા ઉપર પાનસોપારીનો ડબ્બો પડ્યો હોય; આઠ દસ સમોવડિયા મિત્રો ભેગા થયા હોય; ઉદ્દેશરહિત, કોઈને પણ સુધારવાની ઈચ્છારહિત વાર્તાલાપ ચાલતો હોય; નાનકડા ટુચકા, દષ્ટાંત કે બનાવટો ઉલ્લેખાતા હોય; વચ્ચે દુહા, છપ્પા અને સવૈયા ફેંકાતા હોય; ચાતુર્યની હરીફાઈ જામતી હોય અને ખડખડ મુક્ત હાસ્ય ખીલતું હોય! આવી વાતચીત સંસ્કાર અને કેળવણીની મંજૂષા બની રહેતી. એમાં કોઈ ખોટું લગાડીને, નારાજ થઈને, રીસ ચઢાવીને ચાલ્યો જતો રહે નહિ. પોતાની મશ્કરી પોતાને જ ખડખડાટ હસાવી શકતી. મારાયે પિતાની પેઢીમાં આવી બે વ્યક્તિઓ મારા જોવા-સાંભળવામાં આવી હતી, જેમની વાતચીત પ્રસન્નતાનો ફુવારો ઉરાડતી; એક રૂપશંકર મોરારજી ધોળકિયા નામના ઉચ્ચ શ્રેણીએ પહોંચેલા વડોદરા રાજ્યના અમલદાર અને બીજા કવિ જેઠમ, જેમના કાવ્યસંગ્રહને કવિ નાનાલાલે પણ પ્રસ્તાવનાનું માન આપ્યું હતું! ઓછા વધતા પ્રમાણમાં વાતચીતને કલામય, રસમય બનાવવાની આવડત ત્યારે વધારે વ્યાપક હતી. આજનો સમય વધારે ગંભીર બન્યો છે; સાથે સાથે એ વધારે કલેશી બન્યો છે. આપણા સંસ્કાર વધારે ઉચ્ચ થયા છે. નિદાન આપણે તો એમ માનવું જ રહ્યું! સાથે સાથે આપણો ઘમંડ વધી ગયો છે અને સરળતા ઘટી છે. ભણતર વધ્યું છે, સાચી વાત? સાથે સાથે સહુને ચકરાવી નાખવાનો અભરખો આપણા પડછાયા જેવડો મોટો બની ગયો છે. આપણે સ્વતંત્ર બન્યા છીએ – હક્ક સાથે; ફરજ સાથે નહિ. ઘણા ઘણા પ્રશ્નો આપણી સામે આવીને ઊભા છે, જેમાં વાતચીતને કલામાં ફેરવી નાખવાનો પ્રશ્ન બહુ મહત્વનો બની ગયો છે. સંસ્કારી, રસિક, વિદ્વાન સંપત્તિમાન અને સ્વતંત્ર બનેલા આપણે હજી વાતચીતને સાચી કલા બનાવી શક્યા નથી. આપણે કલેશજીવી, વિષાદજીવી હજી છીએ. આપણી વાતચીત પણ કલેષમય અને વિષાદમય વ્યાધિ છે. વાતચીતને નિરામય, પ્રફુલ્લ કલા બનાવવી હોય તો આપણા સ્વાનુભવે આપેલી ચેતવણી ધ્યાનમાં જરૂર રાખવી પડશે. થોડી ચેતવણી યાદ કરી લઈએ. [૧] વાતચીતને સમયની મર્યાદા હોય છે. કોઈ પણ વાર્તાલાપમાં અડધા કલાકથી વધારે સમયની આપણી જરૂર છે એમ ન માનવામાં વાર્તાકલા બહુ સલામત રહે છે. [૨] વાતચીતને સ્થળ-સ્થાન પણ ઘડે છે. એ કદી ન ભૂલવું. કવાયતના મેદાનમાં લશ્કરી વાતચીત થાય. અન્ય ગમે ત્યાં જંગી બૂમોની જરૂર નહિ. [૩] સામાન્ય વાતચીતને કોઈ સિદ્ધાંતવિષયક વાદવિવાદનો અખાડો ન જ બનાવી શકાય. કોઈ ચર્ચાસ્પદ સિદ્ધાંત એમાંથી ફૂટી નીકળે તો તેનું વિષયાંતર કરી નાખવામાં જ કલા સચવાશે. ઝાડ ઉપરથી નાળિયેર પાડનાર જેવી એકાગ્રતાની વાતચીતમાં જરૂર નથી. બગીચાની સહેલગાહ જેવી હળવી, ફરતી, રમતી વૃત્તિ વાતચીતને કલા બનાવવા માટે આવશ્યક છે. [૪] વાતચીતના માલિક આપણે એકલા જ છીએ એમ માનવાની ભૂલ કદી ન કરવી. હાજર રહેલા સહુનો એમાં ભાગ હોવો જોઈએ. કલા એમાં જ રહેલી છે કે વાતચીતમાં સહુને ભાગ લેવાનું મન થાય અને એ ભાગ મળે જ. વાત કરવાની ઈન્તેજારી સાથે વાત સાંભળવાની ઈન્તેજારી પણ એટલી જ હોવી જોઈએ. વાતચીત એ સહકારી મંડળી છે, ખાનગી લિમિટેડ કંપની નહીં. [૫] વાતચીત એ આપણી ચાલાકી, બાહોશી, વિદ્વતા કે મોટાઈ દર્શાવવાનું પ્રદર્શન નથી; અન્યની ચાલાકી બાહોશી વિદ્વતા કે મોટાઈ ખોળી કાઢવાનું સાધન છે જરૂર. [૬] જીવનમાં હાસ્યને સ્થાન છે, મોટું સ્થાન છે; આપણે આપીએ છીએ એ કરતાં વધારે મોટું સ્થાન છે. પરંતુ જીવનમાં હાસ્ય સિવાય બીજું કાંઈ જ નથી એમ માનતા કેટલાક સજ્જનો સતત હસાવ્યા કરવાના ભગીરથ પ્રયત્નમાં ન પડે તો હાસ્ય પણ વધારે રૂપાળું બને. વિદૂષકને નાટકનો નાયક બનાવીએ તો અંત કરુણ રસમાં આવે. [૭] કલેષ કરવાને, વેરઝેર ફેલાવવાને, ઘા કરવાને, ખામીઓ આગળ કરવાને માટે વાતચીતનો ઉપયોગ કરવાની જરૂર નથી. વાતચીત ઉપયોગનું અને સાથે સાથે આનંદનું સાધન હોય. કદાચ ઉપયોગનું સાધન ભલે એ ન હોય, એ આનંદરહિત તો ન જ હોવું જોઈએ. [૮] કલા પ્રયત્ન અને સંયમ માગે છે. કોઈ પણ કલા-વાતચીતને કલા બનાવવી હોય તો એમાં પણ પ્રયત્ન અને સંયમની જરૂર છે. ટૂંકમાં કહીએ તો સારી વાતચીત સારો માણસ જ કરી શકે. વાતચીતમાં આપણી માણસાઈનું પ્રતિબિંબ છે. વાતચીતમાં કલા લાવવી હોય, સૌંદર્ય લાવવું હોય તો આપણે સહુએ આપણા હૃદયને કલા અભિમુખ, સૌંદર્ય અભિમુખ બનાવવું પડશે અને પ્રસન્નતા વેરવાનો અભ્યાસ રાખવો પડશે. હજી આપણી વાતચીત કલાની કક્ષાએ આવી નથી. કલાના ટુકડાઓ કદાચ વેરાયેલા હશે. પરંતુ સમગ્ર કલાકૃતિ તરીકે સાનંદાશ્ચર્ય જોઈ સાંભળી રહીએ એવી વાતચીત ગુજરાતમાં કોની હશે? થોડાં નામ કોઈ ન આપે? સંતો સુલભ હોતા નથી. સારી, કલામય વાતચીત કરનાર પણ સંતો સરખા વિરલ જ હોય છે. (આ નિબંધનો પાઠ લોકપ્રિય વેબસાઈટ રીડ ગુજરાતી. કોમ પરથી સાભાર લેવાયો છે.) |
[પાછળ] [ટોચ] |