[પાછળ] 
વાવા શેઠનું સ્વાતંત્ર્ય-૧
લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મુનશી

                                        પાત્રો
વાવા શેઠ રેવા શેઠાણી — તેમની સ્ત્રી મગન — તેમનો છોકરો ધીરજરામ જોશી — શેઠનો મિત્ર રાધા — દામોદર દેવાળિયાની છોકરી ગંગા — તેની માની મા

અંક પહેલો
(સ્થળ — ભૂલેશ્વરમાં એક ચાલને બીજે માળે રૂમ નંબર ૩૭;
સમય — રવિવારની સવાર.)

એક ખુરશીનું બધું નેતર તૂટી જતાં તેમાં પડેલાં કાણાં પર ગોઠવેલા પાટિયા ઉપર વિરાજમાન થયેલા વાવાભાઈ શેઠ; ઉંમર વર્ષ ૪૫ ને ૫૦ ની વચ્ચે; જાતે ઠીંગણા, પૃથ્વીના ગોળાને માથું ને પગ ચોંટાડ્યા હોય એવા; વસ્ત્રે માત્ર ટૂંકું પંચિયું; નાકે ફોકસ બહાર ગયેલાં મેલાં ચશ્માં; ખોળામાં તાજું જ આવેલું 'ગુજરાતી' સાપ્તાહિક; આંખમાં થોડા જ વખત પર ત્યાગેલી નિદ્રા; નસકોરામાં પ્રાણાયામ સમો લાગતો શાંત નિયમિત સુસવાટ.

અંદરના ખંડમાં તેલથી હનુમાન સ્વરૂપ લાગતી મસાલા રાખવાની લાકડાની પેટી સામે મૂકી મહાન વિજ્ઞાનશાસ્ત્રીના ગાંભીર્યથી તેમાં મીઠું મરચું લેતાં રેવા શેઠાણી. તેમનું શરીર કોમળતા સાથે કટ્ટો વિરોધભાવ ધારતું; તેમની આંખો હેડંબાનું સ્મરણ કરાવતી; તેમનું લુગડું પહેરવાની ઢબ અસલ ચરોતરી, ચાર સૈકા પહેલાંની; તેમનો ચાંદલો પૂર્ણિમાનો ચંદ્ર; તેમનાં ચુડા નંગ તેર-બે હાથે મળીને,  મુખમુદ્રા પરના તેજનો વિચાર કરતાં સહજ રીતે ફિલ્ડમાર્શલ કીચનર કે હિડનબર્ગ સાંભરે.


(હળદર લેતાં હાથ મરચાના ખાનાંમાં ગયો.)

રેવા— ઊંહ.

(જવાબમાં વાવા શેઠના નાકનો સુસવાટો. શેઠાણી તરત ઊંચું જુએ છે. વિકરાળ બનેલી આંખો શેઠ પર તાકે છે.)

રેવા— સાંભળો છો કે?

(શેઠ જવાબમાં ઘર્‌ર્‌રનો અવાજ કરે છે.)

રેવા— (મોટે અવાજે) શેઠ!

(જવાબનો અભાવ)

રેવા— (બરાડો મારી) શેઠ!

(શેઠ જાણે ઘર સળગી ઊઠ્યું હોય એવા ગભરાટથી ઝબકીને જાગે છે; ચશ્માં નાકેથી "ગુજરાતી" પર પડે છે; છાપું વાંચવાનો ઢોંગ કરવા જતાં ચશ્માં ભોંય પર પડે છે અને એક કાચમાં તડ પડે છે.)

રેવા— જરા શરમ આવે છે? બળદીયા જેવા ઘોર્યા શું કરો છો?

વાવા શેઠ— (ગળામાં અટકેલો અવાજ મહામુશ્કેલીથી બહાર કાઢતાં કાઢતાં)
વાં — વાં — ચું —છું

રેવા— જો પાછું જૂઠું બોલ્યા! નફ્ફટ માણસને લાજ જ નહીં. બળ્યા રે અવતાર. (શેઠ નીચા વળી ચશ્માં લે છે ને એક નિસાસો મૂકે છે.) હવે મૂકોની છાપું ઊંચું. લોકોને આવું કહાડવાની ફૂરસદ કેમ મળે છે? કોણ જાણે. મારી વાત સાંભળો.

(શેઠ મૂંગે મોઢે "ગુજરાતી" વાળી દે છે, ચશ્માં નાક પરથી ઉતારીને ફરીથી નિસાસો મૂકી ગૃહિણી સામું દયામણે મોઢે જોઈ રહે છે.)

રેવા— મકું જે સાંભળો છ કે?

વાવા શેઠ— (ગરીબ અવાજે) ત્યારે શું કરું છું?

રેવા— (ડોળા તતડાવી) ત્યારે ભસી મરતાં શું થાય છે? આ તમારો છોકરો છે તે કોણ જાણે ક્યાંથી — તેમાં બધા ગુણ તમારા જ આવ્યા છે?

વાવા શેઠ— આવે સ્તો — મા...

રેવા— પાછા ચરડચરડ બોલવા માંડ્યું કે? જંપીને બે વાત નહીં સાંભળે. આ તમારો લાડકવાયો દીકરો ચિબાવલો છે.

વાવા શેઠ— (શું જવાબ દેવો તે નહીં સૂઝતાં) — હા.

રેવા— (ઘાંટો કાઢીને) તે કેમ જાણ્યું? જાણે કરે કંઈ નહીં ને પટલાઈ આખા ગામની. હવે એ પેલા દામોદર દેવાળિયાની દીકરીને પરણવા નીકળ્યો છે.

વાવા શેઠ— દામોદર કોણ?

રેવા— તમે તો દુનિયામાં રહો છો કે બહાર? લોકો ત્રણ ત્રણ વખત દેવાળાં કાઢે પણ તમને તેની કાંઈ પડી છે?

વાવા શેઠ— તે તો મરી ગયો.

રેવા— (કચવાઈને) કેટલી ખંધાઈ? ક્યારના બધું જાણે છે ને કોણ ને શું કર્યાં કરે છે. ભોગ છે મારા કે તમારે પલ્લે પડી. (શેઠ ઘેટાના જેવી મુખમુદ્રા કરી, હોઠ પહોળા કરી જોઈ રહે છે) હવે તમારો મગનિયો કહે છે કે મારે એ દેવાળિયાની દીકરી સાથે વેવિશાળ કરવું છે.

વાવા શેઠ— (ઘણી જ હિંમત કરી) છોકરી કેવી એક છે?

રેવા— લો! દીકરા પરણવા ઊઠ્યા ને બાપના મોંમાં પાણી આવ્યું. જરા શરમાવ. આ ધોળા આવ્યા પણ તમને અક્કલ ન આવી. (મસાલાની પેટી સામું જોઈ, તેને ઉદ્દેશી) હોય તો આવેને. (શેઠને) હું ચોખ્ખું કહું છું કે એ દેવાળિયાની દીકરી મારા ઘરમાં નહીં. જોઈએ તો તમે અને તમારો દીકરો રહો જુદા. મગદૂર શું કે હું જીવતાં એ ડાકણ મારા ઘરમાં આવે? ટાંટિયો જ ચીરી નાખું. (બોલતાં બોલતાં અવાજ બેસી જવાથી શેઠાણીને મૂંગા રહેવું પડે છે. શેઠ નિસાસો મૂકે છે.)

વાવા શેઠ— તારી નજરમાં આવે તેમ કર ની. હું કોઈ દિવસ ના કહું છું?

રેવા— (દાંત કચકચાવી) ના સ્તો. હું જાણે હોળીનું નાળીયેર! હું જ બધે અકારી થાઉં! નાત બધી મને ચાવી નાખે — કેમ? એ તો હું મરીશ ત્યારે તમને ખબર પડશે. મારું તો કોઈ દુનિયામાં છે કોણ? હું જ અભાગીયેણ છું, કે જંપીને કોઈ સૂકો રોટલો પણ ખાવા નથી દેતું. (આંખો ચોળવા માંડે છે.)  કોઈને કદર નહીં. (સાડીના છેડા વડે આંખો લૂછે છે) કોઈને કદર નહીં. પોતે રોજ ઓફિસમાં મજા કરે છે, તે શાની ખબર હોય કે ઘેર બાયડીની શી વલે છે? એ તે છોકરો છે કે દૈવના ઘરની વેઠ. (જરા ખોંખારી) મુઓ મારી પાછળ પડ્યો છે કે એ દેવાળિયેણના જન્માક્ષર જોવાડ. બોલતા કેમ નથી? મોઢામાં મગ ભર્યા છે? પેલો તમારો જોશી ભાઈબંધ ક્યાં ગયો?

વાવા શેઠ— છે સ્તો.

રેવા— હાય હાય! ત્યારે બોલતા શું નથી. તેને કહોની કે એક ગપ્પું મારે.

વાવા શેઠ— શું?

રેવા— હાય હાય! આટલી અક્કલ નથી. તમને મહિને સો રૂપિયા કયો બુડથલ આપે છે? તેની પાસે કહેવડાવોની કે જન્માક્ષર નથી મળતા એટલે ટાઢે પાણીએ ખસ જાય. મુઓ મગનિયો તો મને કાચી ને કાચી ખાઈ જશે. આ આવ્યો. (દાદર પર કોઈ ઘણા જ જોરથી ચડે છે.) પાઘડીઘાલ્યાના પગમાં જોર કેટલું છે? એક દહાડો એનો પગ મચકાય તોયે સારું, કે આ ધબકારા તો સાંભળવા મટે.

(શેઠ જે વેલિંગ્ટન સમી ધીરજ ધારી રહ્યા હતા તેણે બ્લુચર આવ્યો જાણી નિરાંતનો નિસાસો મૂક્યો. મગન આવ્યો — તેના હાથમાં શાકની ઝોળી, તેની આંખો હસતી, તેની ટોપી વાંકી મોઢામાં પાન, કોટનાં બટન ઉઘાડાં અને એક હાથ પર છૂટી ધોતીયાની પાટલી નાખેલી, તેણે શાન્તિથી માબાપ સામું જોયું.)

મગન (જરા હસી) — પાછી બાપા પર તવાઈ આવી કે?

રેવા— બેસ બેસ ચિબાવલા! મોટો બાપની વારે ધાવા આવ્યો છે તે.

મગન— (શાકની ઝોળી ભોંય પર ફેંકી) ખમ્મા માડીને! બાપા બિચારા છ દહાડા ગદ્ધાવૈતરું કરે; અને સાતમે દહાડે તમારા ખપ્પરમાં (ખડખડાટ હસે છે).

રેવા— (દાંત કચકચાવી) ક્યાંથી પાછો તું આવ્યો?

મગન— (તદ્દન નિર્દોષ બની અને બાપ તરફ આંખ મારીને) બજારમાંથી —

રેવા— બાપ દીકરા શું આંખ મીંચામણી કરો છો? તેથી કાંઈ તારું વળવાનું નથી, (મસાલાની પેટી સામે જોઈને) એ દામોદર દેવાળિયાની દીકરી મારા ઘરમાં નહીં — નહીં ને નહીં; સાડી સત્તર વાર નહીં.

વાવા શેઠ— (ધીમે ઘાંટે) મગન!

મગન— (જરા ગાંભીર્યથી) કેમ બાપા...

વાવા શેઠ— (દયામણી રીતે) તારી બા ના કહે છે ત્યારે શું કામ હઠ લે છે?

મગન— બાપા! બાના કહેવામાં તે કાંઈ ઢંગ છે?

રેવા— (ધીમા અવાજે) ઢંગવાળાનું પૂંછડું ન જોયું હોય તો.

મગન— (રેવા તરફ ફરીને) પૂંછડાં તરફથી ઉપકાર — (શેઠ તરફ ફરીને) હું કહું છું કે છોકરી જુઓ તો ખરા —

રેવા— મોટી ચૌદ વર્ષની હેડંબા —

મગન— જરા જન્માક્ષર તો મેળવો —

રેવા— મૂવો ક્યાંયથી ખોટા કરાવી લાવશે.

મગન— (ગાંભીર્યથી) હું મરી જઈશ પછી જન્માક્ષર ક્યાંથી કરાવીશ? મારે તો જીવતાં જીવત એ છોકરીને પરણવી છે. (ગાતા રાગમાં) જીવતો નર ભદ્રા પામશે, કેમ માજી સાહેબ? (ડચકારી વગાડે છે; બાપને) બાપા! ત્યારે જોશી કાકાને એક દહાડો બોલાવો તો ખરા.

વાવા શેઠ— (ગરીબાઈથી શેઠાણી તરફ જોતાં) મેં... કું...

રેવા— મરે તમારી મેં... કું... ફોડોની તમારી નજરમાં આવે તેમ. પણ મારે એ છોકરી નહીં જ જોઈએ તે નહીં જ. આકાશ ને પાતાળ ભલેને એક થાય.

મગન— જો આ પેલાં એક થતાં દેખાય (બારી સામું આંગળી કરે છે.)

રેવા— બેસ ચિબાવલા! (કહી શાક સમારવા માંડે છે.).

મગન— જી! આ બેઠો. બાપા! તમે જોશી કાકાને ઘેર જાઓ; ને હું જાઉં જન્માક્ષર લેવા. (શેઠ ઉઠવાની તૈયારી કરે છે.).

રેવા— જાઓ છો ક્યાં? રજા હોય ત્યારે પણ ભટકવાનું? અમે બે ઘડી બોલીએ ત્યારે બેસવાનું પણ નહીં.

વાવા શેઠ— ના, ના... (જરા ઉઠતાં).

રેવા— ના ને હા (સત્તાથી) બેસી રહો છાના માના બેઠા છો ત્યાં (ડબ દઈ શેઠ પાછા ખુરસીમાં પડે છે.) રખડરખડ તે કેટલું કરવાનું હોય?

મગન— (ઠંડે પેટે) પગ થાકે ત્યાં સુધી. (કહી પોતાના પગ પંપાળે છે) બાપા! પેલી જરા ચોપડી આપોની. હવે તો પરીક્ષા પાસે આવી છે.

(વાવા શેઠ ખુરસી પરથી ઊઠીને ગોખલામાંથી મગનની ચોપડી આપે છે ને વિચારમાં "ગુજરાતી" હાથમાં ફેરવે છે).

મગન— બાપા! ચાલો આપણે એક દહાડો ઘોડબંદર જઈએ.

વાવા શેઠ— (રેવા તરફ જોતાં) હા!

રેવા— શું કપાળ હા. ઘોડબંદર ને ગધેડાબંદર — મારે કયાંય જવું નથી.

વાવા શેઠ— (નિસાસો મૂકી) ના રે દીકરા! એવી અજાણી જગાએ કંઈ જવું નથી. કેટલું આઘું છે?

મગન— બોરીવલીથી ચાર માઇલ. એક દહાડો હું તમને લઈ જઈશ.

રેવા— એને શું કામ લઈ જાય છે?

મગન— ત્યારે એ મને લઈ જશે (કહી ધીમેથી ભીંતે અઢેલીને બેસી ચોપડી ઉઘાડે છે) ડુ યુ સી?

વાવા શેઠ— (એકદમ માથું ખજવાળતાં અટકી પડે છે; તેમની નજર "ગુજરાતી"ના લેખ ઉપર પડે છે; ધીમેથી વાંચે છે.)

"જુલમમાંથી છૂટી સ્વાતંત્ર્ય મેળવવાનો બેલ્જિયમે કરેલો મહાપ્રયત્ન."

(શેઠ નિસાસો મૂકે છે; અને રેવા સામું જોતાં જોતાં ખીંટી પાસે જઈ આગલે દિવસે પહેરેલા ધોતિયાનું વિંટી મૂકેલું પિલ્લું ઉતારે છે.).

રેવા— એ શું કરો છો!

વાવા શેઠ— (ધોતિયું પાછું મૂકતાં) બહાર જવાનું ધોતિયું પહેરું છું.

મગન— બાપા! હા હા! જરા લક્ષ્મીનારાયણનાં દર્શન કરી આવો એટલે જરા હવા સ્વચ્છ થઈ જાય.

રેવા— શું અહિયાં તે કાંઈ મરકીના ઉંદરો પડ્યા છે?

મગન— (ચોપડીમાં મોઢું ઘાલીને) ના. માતાનો કોપ થયો છે.

રેવા— નથી જવું બહાર.

વાવા શેઠ— (હિંમતથી) મારે કામ છે.

રેવા— રવિવારે ક્યા ચૂલામાં કામ પડે?

વાવા શેઠ— શેઠને ઘેર. (જરા ગળું ખંખારી) ઓફિસનું કામ છે.

રેવા— શેઠ કોઈ અઠવાડિયામાં એક દહાડો પણ ઘરે જંપીને ઠરવા નથી દેતા તો.

મગન— (ચોપડીમાંથી ડોકું કાઢી) તદ્દન વાત બરોબર છે.

વાવા શેઠ— (ચપચપ ધોતિયું પહેરતાં) શેઠને ઘેર વાર પણ લાગે. (કોટ ને ટોપી પહેરીને)

રેવા— એવું હોય તો સૂઈ ગઈ નોકરી.

મગન— અને જાગી ઊઠે ભૂખમરો. બાપા હં. (કહી બારણા તરફ આંખ કરે છે.)

વાવા શેઠ— (બારણામાં અડધા ઊભા રહી) હું મોડો આવું તો વાટ ન જોશો.

રેવા— ના! ખબરદાર મોડા આવ્યા તો (વાવા શેઠ ઝપાટાબંધ દાદર તરફ જાય છે) અરે, અરે, ઓ મગન! તારા બાપાને બોલાવ તો.

મગન— (ઠંડે પેટે) બાપા પહોંચી ગયા.

રેવા— ઊઠની અકર્મી!

મગન— (ધીમેથી ઊઠતાં) બાપા તો ગયા માજી! એ તો (તાન મારી) "ઊડ જા પંખેરું જલે તેરા ધામ." "(મગન ચોપડી લઈ પડોશની ખોલીમાં જાય છે.) ચાલો હવે બંદા સાકરભાઈની ખોલીમાં વાંચવા જાય છે. (ધીમે અવાજે) ઉર્ફે ગંગામાસીને ઘેર.

રેવા— ટળો. બાપ ને દીકરો એક જોટાના મળ્યા છે તો.

* * * * * * * * * *

અંક બીજો

(સ્થળ ચર્ચગેટ સ્ટેશનની સામેનો દરિયો; સમય એક કલાક પછી. આગગાડીની રેલ ઓળંગી વાવા શેઠ દરિયા પર આવતા જણાય છે. સામે બાસ્ટી પર એક બુઢ્ઢો પારસી ચોપડી વાંચે છે. વાવા શેઠ પહેલાં તે બુઢ્ઢા સામું જુએ છે; પછી આગગાડી સામું, દરિયા સામું અને છેલ્લે આકાશ સામું જુએ છે; આખરે નિસાસા મૂકે છે.)

વાવા શેઠ— હાઈશ! શું સરસ બધું લાગે છે (ફરીથી નિરાંતનો નિસાસો મૂકી) બેલ્જિયમે સ્વાતંત્ર્ય માટે ધસારો કર્યો; તેવો જ મેં કર્યો. (કોટનાં બોરિયાં કાઢતાં) સ્વાતંત્ર્ય! અજબ જેવી ચીજ છે. શું તેનું સુખ! (બોરિયાં કાઢી ઊંચા નીચા હાથ હલાવે છે.) ખરી વાત છે. નહિ તો હજારો લોકો તેની પાછળ જાનમાલ શું આપવા તૈયાર થાય? (હસીને) આજે મેં પણ હદ વાળી. શું નાઠો? શેઠાણી પણ બોલ બોલ કરતાં રહ્યાં.(ઊંચો નીચો શ્વાસ લઈ) આવું સ્વાતંત્ર્ય તે જ સુખ! (જરા નસકોરાં ચડાવી) આપણા લોકોને સ્વાતંત્ર્યની કિંમત જ નથી; નહીં તો મારી માફક આમ નીકળે નહીં? (ચારે બાજુ જોઈને, પાઘડી કાઢી નાખે છે.) સ્વાતંત્ર્ય! તારા પર હું આજે ફિદા છું.(જરા ખંધાઈથી હસીને) આજે મેં જબરો હાથ બતાવ્યો. શેઠાણીને પણ તોબા પોકરાવી. (ભૂલેશ્વરની દિશા તરફ જોઈ)) એ સમજે છે શું એના મનમાં? પણ હવે કરું શું? (વિચારમાં સ્ટેશનના દરવાજા તરફ આવતાં) કોઈ જોશે તો કહેશે શું? કોઈ ગાંડો તો નહીં ધારે? કોઈને ત્યાં જાઉં? કોને ત્યાં? પેલો જોશી તો ઘરકૂકડી છે. (હિંમતથી છાતી ફૂલાવતાં) ઠીક લાવ આ બાસ્ટી પર બેસું — નહીં રે, આજે તો સ્વાતંત્ર્ય — બસ બીજી વાત જ નહીં. આ પથરા પર જ બેસું.(સામેના પથરા પર મહા મુશ્કેલીએ ચડે છે. તેના પર પલાંઠી વાળીને બેસે છે; અને પાસે પાઘડી મૂકે છે.) 'હા, એક કામ કરું. અહીંયાથી ગાડીમાં બેસી અંધેરી જાઉં, અંધેરીથી પાછો ચર્ની રોડ.(ખડખડ હસે છે) શું મજા! (વિચાર કરતાં) પણ પૈસાનું શું? શેઠાણી — (એકદમ પગ પર હાથ ઠોકી) હા. ગજવામાં ઓફિસના પૈસા છે. જખ મારે છે યાર. (આસપાસ જોઈ) સારું છે કે આજુબાજુ કોઈ છે નહીં. નહીં તો મને ગાંડો જ ગણે. (પાછી છાતી કાઢી) અરે જાઓ જી! કોઈના બાપના દબેલા છીએ? ઓહોહો! કેટલે વર્ષે આવી મજા પડી.(વિચાર કરીને) મગનની બા આવી ત્યારથી ત્રીસેક વર્ષ થયાં. કાંઈ વર્ષ જતાં વાર લાગે છે! પણ આટલે વર્ષે પણ નાના છોકરા જેવો મારો સ્વભાવ છે તે આજે જાણ્યું, હાસ્તો! નાના છોકરાનું સ્વાતંત્ર્ય તે જ ખરું સ્વાતંત્ર્ય. (જરા મોં મલકાવીને) મારું ચાલે તો દરિયામાં છબછબિયાં કરવા જાઉં.(એટલામાં એક અંગ્રેજ છોકરી હાથમાં નાનાં છોકરાંને રમવાનો પાવડો અને ડોલ લઈ જાય છે) આહાહા! શું સુખ! હું નાનો હતો ત્યારે પણ વરસાદના દહાડામાં કેવો ઝિલીયો ઝિલ કરવા જતો હતો.(નિરાંતે હસે છે.) માણસે બાલચેષ્ટા પણ કરવી જોઈએ. નહીં તો સ્વભાવ બગડે. પેલો ધીરજરામ તદ્દન ઘરડો થઈ ગયો છે. પણ મારું મન તો તેવું ને તેવું જ છે.

(દૂર બેઠી બેઠી પેલી અંગ્રેજની છોકરી રેતીમાં રમે છે તે જુવે છે, એક ઘોડાગાડી આવે છે. વાવા શેઠ ગભરાઈને પાઘડી પહેરી લે છે અને ડાહ્યા થઈ જોઈ રહે છે. ગાડી આવે છે અને સ્ટેશનની સામે ઊભી રહે છે. તેમાંથી એક ચૌદેક વર્ષની છોકરી ઊતરે છે. તે દેખાવે અને કપડે સાદી છે; તેના હાથમાં ચોપડીઓનું દફ્તર છે.)

છોકરી — (ગાડીવાળાને) મોતી, ગાડી લઈ જા.

ગાડી — વારુ બહેન.

(ગાડીવાળો ગાડી ફેરવી લઈ જાય છે. છોકરી ઝપાટાબંધ સ્ટેશનમાં જાય છે; અને પાછી આવી પગથિયા પર ઊભી રહે છે. શેઠ એકી ટશે જોઈ રહે છે.)

છોકરી — (સ્વગત) લોકલ તો ચાલી ગઈ. હવે નકામા કલાક બેસવું પડશે. (ચારે તરફ જુએ છે, અને વાવા શેઠ પર નજર પડતાં જરાક હસે છે.) હરકત નહીં, કાકા છે તો, (કુદતી કુદતી પગથિયાં ઊતરી શેઠની સામે આવે છે.) કેમ કાકા?

(વાવા શેઠ વિસ્મય પામી જોઈ રહે છે.)

છોકરી— કાકા! કેમ છો?

વાવા શેઠ— (જરા ગભરાઈને આસપાસ જુવે છે.) સારો છું.

છોકરી— ક્યાં ચાલ્યા? કે અમથા ફરવા જ આવ્યા છો?

વાવા શેઠ— (જરાક લાલ બની) અમથો — અંધેરી જવું છે.

છોકરી— (હસીને) ચાલો ત્યારે. મારે પણ ત્યાં જ જવું છે. ક્યાં રહો છો?

વાવા શેઠ— (જરાક હસીને) ભૂલેશ્વર.

છોકરી— (હાથ લંબાવી) કાકા! હાથ આપો તો. હું પણ તમારી પાસે બેસું.

વાવા શેઠ— (પહેલાં ગભરાય છે. પછી ચારે બાજુ કોઈને નહીં જોતાં હાથ આપે છે.) જો જો.

છોકરી— (છોકરી હાથ ઝાલીને ચડી જાય છે ને રૂમાલ પાથરી તે ઉપર બેસે છે.) ગભરાશો નહીં. વારું તમે અંધેરી ક્યાં જવાના?

વાવા શેઠ— (તેનું મોઢું મલકાયા કરે છે.) અંધેરીમાં (હાથ પહોળા કરીને) કોઈને ત્યાં નહીં. માત્ર ફરવા.

છોકરી— (આંખો જરા ફાડીને) ઓ તમારી. ત્યારે ખાશો ક્યારે?

વાવા શેઠ— (હિંમત બતાવવા માથું ધુણાવી) તેની મને પરવા નથી. હું આવી રીતે ફરવું ઘણું અગત્યનું ધારું છું.

છોકરી— ભૂખ્યા રહીને (ખડખડ હસી પડી) તમે જબરા છો. શા માટે?

વાવા શેઠ— (હિંમતથી) આપણા સ્વભાવમાં સ્વાતંત્ર્યનો ગુણ વધારવા (આસપાસ જોઈ) જુઓની! આપણા લોકોને મજા કરતાં આવડતી નથી. તેથી તેમનાં મન અને શરીર સંકુચિત થઈ જાય છે. માટે મેં નિશ્ચય કર્યો છે કે થોડે થોડે દહાડે બસ આમ નીકળવું ને આનંદ કરવો.

છોકરી— (ખડખડ હસીને) અરે કાકા! તમે તો મોટા પંડિત છો.

વાવા શેઠ— (જરા વહેમથી જોઈને) મશ્કરી કરો છો?

છોકરી— (કૃત્રિમ ગંભીરતાથી) જાઓ જાઓ. અમારા માસ્તર પણ એવું જ કહેતા હતા.

વાવા શેઠ— ત્યારે? એ તો હમણાં મને ફુરસત નથી મળતી; નહીં તો પહેલાં તો હું — હું શું કહું? કાંઈ ને કાંઈ બસ વાંચી જ નાખતો.

છોકરી— અરે વાહ રે કાકા વાહ! કાકા! આમ બેસી રહીયે તો શું મજા પડે?

વાવા શેઠ— ત્યારે?

છોકરી— ચાલો દરિયા પર — નીચે રેતીમાં બેસી મજા કરીએ.

વાવા શેઠ— (જરા ગભરાઈ) નીચે.

છોકરી— તે વગર ખરેખરું સ્વાતંત્ર્ય કેમ આવે?

વાવા શેઠ— (હિંમત કરીને) ચાલો ત્યારે (બંને જણ ઊઠે છે ને દરિયા પર ઉતરે છે; એટલામાં શેઠની પાઘડી ઊડી જાય છે.)

છોકરી— કાકા તમારો ડબ્બો ચાલ્યો કુલાબા. પકડો! પકડો! (શેઠ દોડે છે; આગળ પવનના જોરથી પાઘડી ગબડે છે, પાછળ પેલી છોકરી ચાલે છે.)

વાવા શેઠ— (હાંફી જતાં) મારી પાઘડી — ઓ — હો —

છોકરી— (હસતી હસતી) દોડો — નહીં તો ગઈ.

વાવા શેઠ— ઓ બહેન (શ્વાસ ભરાઈ જતાં) પ — ક — ડ. (કહી શ્વાસે ભરાઈ જતાં નીચે બેસી જાય છે.)

છોકરી— ઓ કાકા! (કહી દોડતી દોડતી જઈ પાઘડી પકડી લાવે છે. તેનું હસવું માતું નથી ને શેઠનો શ્વાસ માતો નથી. આખરે છોકરીના હસવાથી કાકાનું મોં મલકે છે, મોં ફાટે છે — તેમાંથી પણ ખડખડ હસવાનો પ્રતિધ્વનિ નીકળે છે.)

વાવા શેઠ— (મોઢું લાલચોળ થઈ જતાં) શું મજા પડે છે?

છોકરી— જુઓ! કોઈ દહાડો પડી હતી?

વાવા શેઠ— (જરા ગંભીર થઈ) પણ આપણી લોકલ ચાલી.

છોકરી— જવા દો — બીજી આવશે.

વાવા શેઠ— તમારા બાપા નહીં વઢે?

છોકરી— (ફરીથી હસતાં) મારા બાપા તો ક્યારના મરી ગયા છે. ને મારી જીને તો હું બાર વાગે પાછી આવવાનું કહી આવી છું, ચાલો હવે ડગલો કાઢીને લાકડી પર ભેરવો. (કહી શેઠની લાકડી રેતીમાં ખોસે છે.)

વાવા શેઠ— (તે પ્રમાણે કરતાં) આજે હું બહુ દોડ્યો.

છોકરી— શું કપાળ! આથી તો હું દસ ગણું વધારે દોડું છું. હવે તમારા બૂટ છોડો (જરા આંખ મિંચામણાં કરે છે)

વાવા શેઠ— કેમ?

છોકરી— ખબર નથી! હત્ત તમારી. હવે તમારું ઝાડ રોપું.

વાવા શેઠ— (વિસ્મય પામી) મારું ઝાડ!

છોકરી— (ખડખડ હસીને) હા. ચાલો તમે રેતીમાં ખાડો કરવા માંડો. પછી દેખાડું (બંને જણ ઝપાટાબંધ હાથ વતી રેતી કાઢી ખાડો કરે છે) હજુ ઉંડો.

વાવા શેઠ— (હાંફતાં) પણ આનું કરવું છે શું?

છોકરી— જરા દમ તો ખાઓ. ચાલો આટલો ખાડો ચાલશે. હવે અંદર તમારા પગ મૂકીને ઊભા રહો.

વાવા શેઠ— (હસીને) અરે શાબાશ રે.

(શેઠ અંદર ઊભા રહે છે; અને છોકરી પાછો ખાડો પૂરી દે છે. અને શેઠના પગની આસપાસ રેતીનો ટેકરો કરે છે.)

છોકરી— (આઘે જઈને નીહાળીને) વાહ શું સરસ ઝાડ. ચાલો હવે આંખો મીંચો એટલે તમને ફૂલ આવશે.

વાવા શેઠ— (હસતાં) મને ફૂલ!

છોકરી— હા, હું દસ કહું ત્યાં સુધી આંખો મીચજો, જો જો હોં (શેઠ આંખ મીંચે છે; છોકરી એક, બે, ત્રણ ગણતી શેઠની પાઘડી, ડગલો ને લાકડી લઈ, ચાલતી થાય છે.) સાત—આઠ નવ દસ આંખો ઉઘાડજો. (શેઠ આંખ ઉઘાડે છે.) ચાલો સાહેબજી! હવે રામ રામ (ડગલો લઈ દોડવા માંડે છે.)

વાવા શેઠ— (ગભરાટમાં બૂમ મારીને) અરે ઓ બહેન — અરે મારી પાઘડી. — ઘેર કેમ જઈશ (રેતીમાંથી પગ મહામુશ્કેલીએ કાઢતાં) ઓ (દોડે છેઃ આગળ છોકરી દોડે છે. આખરે ઓવારા પર આવી છોકરી હસતી હસતી બેસી જાય છે. પાછળ શેઠ હાંફતા હાંફતા આવે છે.) ઓ — ઓ — આ શું કરો છો?

છોકરી— (ગાંભિર્યથી) મજા! અહીંયાં બેસો અહીંયાં. લો ડગલો પહેરો.

વાવા શેઠ— (બેસી જઈને) તમે મને દોડાવી માર્યો.

છોકરી— (પાછી હસીને) પણ કેવી મજા! લો પાઘડી પહેરો.

વાવા શેઠ— (પરસેવો લૂછી હસતાં હસતાં) બહુ જ સરસ! શું ગમ્મત.

છોકરી— ચાલો ઊઠો. પેલી બીજી લોકલ કોલાબાથી નીકળી.

વાવા શેઠ— (સંતોષ પામીને) ચાલો હવે હું તો મારે ઘેર જઈશ.

છોકરી— (આંખો નચાવી) અરે એમ શું કાકા! મારા સમ! અંધેરી તો ચાલો.

વાવા શેઠ— ના ના — મોડું — (ટાવર સામું જૂએ છે.)

છોકરી— અરે પણ તમારા હંમેશના રિવાજ મુજબ ગાડીમાં તો ચાલો; પછી થઈ રહેશે.

વાવા શેઠ— ના.

છોકરી— (હસતી હસતી) મારા સમ ના પાડો તો (શેઠને આંગળી વતી ઘસડે છે; શેઠ ગભરાતા આસપાસ જુએ છે. આખરે બન્ને કપડાં પરની રેતી ખંખેરતાં સ્ટેશન પર જાય છે.)

* * * * * * * * * *

અંક ત્રીજો

(સ્થળ — અંધેરીના એક બંગલાનો વાડો. તેમાં બાંધેલી નાની ઓરડીઓના ઓટલા પર હિંચકા ખાતાં ગંગા અને મગન. ગંગા સાઠ વર્ષની, જાડી, નિર્દોષમુખી વિધવા. તેનું મોઢું રડું રડું થયા કરતું; મગન ગરીબ ગાય જેવો બની ઊંચું ડોકું કરી બેઠેલો.).

ગંગા— ના. બાપા — ના.

મગન— પણ જન્માક્ષર આપવામાં તમારું જાય છે શું?

ગંગા— (ગળગળી બની) ના. મારી બિચારી રાધાને મારે કૂવામાં નથી નાખવી તો. મારી માબાપ વગરની — (છેડા વતી આંસુ લુછે છે.) અત્યારે મારી જમની જીવતી હોય તો વાત જુદી. એને કપાતર સાસુને હાથે કેમ ચડવા દઉં?

મગન— પણ હું છું ને?

ગંગા— (લાંબા હાથ કરી) ના. વહુ થઈ, તે અરધી સાસુની અને અરધી વરની. મારી જમનીના બાપા ગમે તેવા સારા હતા. પણ મારી સાસુ —

મગન— ગંગા માસી! તમે નહીં માનો?

ગંગા— ના... મારી સાસુ —

મગન— (હિંચકાના કડાં સામું જોઈ અને ઘાંટો કાઢીને) પ્રભુ, ભોગ છે —

ગંગા— (ચમકીને) શું છે?

મગન— (દયાજનક અવાજ કાઢીને) મારા નસીબમાં સુખ જ નથી. બાને સમજાવી ત્યારે ગંગા માસી વાંકાં થયાં.

ગંગા— પણ તારી મા —

મં — (ગળગળો અવાજ કાઢીને) હા, તમારે તો તેને કન્યા આપવી છે એટલે જ વાત શી કરવી? તમે કહો છો ના એટલે બસ —

ગંગા— (ગભરાઈને) ના બા ના —

મગન— નહીં બસ. (હિંચકા પરથી ઊભો થઈ જાય છે. આકાશ સામું જોઈને) બસ — હવે — જોઈ લઈશ —

ગંગા— (તેનો હાથ પકડી) દીકરા —

મગન— (હાથ છોડાવી) નહીં બસ હવે. (ગંભીર અર્થ સૂચવી ડોકું ધુણાવે છે, અને ડગલું ભર્યા વિના જવાનો ઈરાદો દર્શાવે છે).

ગંગા— (સ્વગત) હાય હાય! દરિયામાં ઝંપલાવશે કે શું? (મગનને) ઓ ભાઈ —

મગન— (પગ ઠોકી, નિસાસો મૂકી) — નહીં બસ. (એક ડગલું આગળ ભરે છે અને રૂમાલ કાઢી મોઢે ધરે છે.).

ગંગા— દીકરા! જોઈએ તો જન્માક્ષર લઈ જા —

મગન— (રડતા રાગે) નહીં, હવે મારે કાંઈ નહીં જોઈએ. પાછા તમે આજે જન્માક્ષર આપો, ને કાલે એ મળે તો પાછું 'મારી રાધાને આમ ને મારી રાધાને તેમ'. (આકાશ તરફ જોઈ નિસાસો મૂકે છે) બધો સંસાર જ અસાર છે.

ગંગા— (છેક ગભરાઈ જઈને, આંખમાં આંસુ સાથે) ના ભાઈ ના. તું બેસ. તું આમ નહીં કર. આટલી ઉમ્મરે તને વેરાગ તે હોય?

મગન— (સ્વગત) શાબાશ મારા વૈરાગ્ય (ગંગાને) માસી! શું કહું ઘણી વખત એવું થાય છે કે બસ સંસાર છોડી — નાસી જાઉં — બાવો બની જાઉં — રાખોડી ચોળી નાખું —

ગંગા— દીકરા! દીકરા! આવા આવા વિચાર નહીં કરીએ. લે આ પેલી રાધા આવે. જા અંદર પેલું ભંડારિયું છેની — તેના ઉપલા ખાનામાં જન્માક્ષર છે.

મગન— (બહાર રસ્તા તરફ જોઈને, સ્વગત) હવે બેડો પાર. (અંદર જાય છે. રાધા દોડતી આવે છે, અને પાછળ વાવા શેઠ વાડાના બારણામાં પેસતા દેખાય છે.)

ગંગા— કેમ દીકરા?

રાધા— (હાંફતાં હાંફતાં) જી! આજે તો કાંઈ મજા! દરિયા પરથી આ કાકાને ઉપાડી લાવી.

ગંગા— (નિરાંતે હસતાં) કોણ છે?

રા— અરે એવું સરસ નંગ છે — વીંટીમાં જડવા જેવું. (વાવા શેઠ આવી પહોંચે છે.) કાકા આવો આ મારાં જી!

વાવા શેઠ— (ઘણા જ હર્ષથી) કેમ માજી! સારાં તો ખરાં?

ગંગા— આવો ભાઈ આવો (હિંચકા પર શેઠને જગ્યા આપી, હસતાં હસતાં સામે ભોંય પર જઈ બેસે છે.)

રાધા— જી! અમે ચર્ચગેટથી સાથે આવ્યાં. મેં કહ્યું કે મારાં જીને મળ્યા વિના નહીં ચાલે.

ગંગા— હા ભાઈ સારું કર્યું. (આંખ પર હાથ રાખીને) ભાઈ! તમને મેં ક્યાંઈ જોયા છે.

વાવા શેઠ— (મ્હોં મલકાવીને) હેં! હશે — માજી! તમારી છોકરી — અં —

ગંગા— (એકદમ ઓળખીને) કોણ? અરે તમે તો રણછોડ શેઠના વાવાભાઈ. (રાધાને) છોકરી ચહા મૂક. (રાધા બીજી ઓરડીમાં જાય છે.)

વાવા શેઠ— (એકદમ ચમકીને) હેં! તમે મને ક્યાંથી ઓળખો?

ગંગા— અરે વાહ! હું ને તમારી મા તો સાથે સાથે રમતાં. હું કેમ નહીં ઓળખું? મારી રાધાના બાપાને ત્યાં તમે આવતા હતા.

વાવા શેઠ— (માથું ખજવાળતાં) હા — કાંઈ યાદ આવે છે. રાધાના બાપ — શું કરતા હતા?

ગંગા— અરે વાહ! એટલામાં ભૂલી ગયા? બિચારા દામોદરદાસને હવે કોણ ઓળખે? (નિસાસો નાખી)

વાવા શેઠ— (ગભરાઈને) હેં! શું રાધા દામોદર દેવા — અં — દેસાઈની છોકરી?

ગંગા— હા. ને હું એની સાસુ ગંગા.

વાવા શેઠ— (છાસિયું કરી) હા — હા — હા હવે યાદ આવ્યું. (સ્વગત) મગનની બા જાણશે તો? (ગંગાને) હું તો દામોદર — દેસાઈનો દોસ્તદાર થતો હતો.

ગંગા— હાસ્તો. સારું થયું કે તમે આવ્યા. (સ્વગત) રાધાને જોવા જ આવ્યા હશે. (શેઠને) શેઠ! (જરા હસીને) તમારા જેવા દોસ્તદાર તો થોડા જ હોય. રાધાના બાપાએ દેવાળું કાઢ્યું ત્યારથી અમારે ત્યાં તો કોઈ સારું માણસ આવતું જ નથી.

વાવા શેઠ— જુઓની માજી! બધાં માણસો કાંઈ સરખાં હોય?

મગન— (બારણામાંથી બહાર આવતાં ચમકે છે, અને કોઈ જુવે તે પહેલાં પાછો હઠે છે. સ્વગત) માર્યા ઠાર! આમની ક્યાં પધરામણી થઈ. (જરા હસીને) જરૂર બાપા રાધાને જોવા આવ્યા હશે. શું ડોસો હેતાળ છે? ચાલ મારું અહીંયા કામ નહીં. (પાછો અંદર ભરાઈ જાય છે.)

ગંગા— દીકરી! પેલો મુઓ વિલાયતી ચૂલો ચેતવની. (શેઠને) વાવા શેઠ, શું જમાનો બદલાય છે? આ મુઆ ચુલા તો જુવો.

વાવા શેઠ— હા. માજી! એ વાત જ જવા દોની. ક્યાં આપણો જમાનો ને ક્યાં આ.

ગંગા— (સ્વગત) લાવની એની જ પાસે વાત કઢાવું. (શેઠને) આ આપણા વખતમાં હોય તો આટલી છોકરી આમ ફરતી હોય?

વાવા શેઠ— (મોઢામાં પાણી લાવીને) અરે રામરામ કરો, ક્યારનીએ કોઈ સારે ઘેર બેઠી હોય. આને ક્યારે પરણાવવાનાં છો?

ગંગા— પ્રભુ જાણે. (સ્વગત) લાવ ને, દાણો તો ચાંપી જોઉં. (શેઠને) ન્યાતમાં વર જ ક્યાં છે?

વાવા શેઠ— (સ્વગત) હવે આ મગનિયાનું કાંઈ કરવું જોઈએ. મારો દીકરો છોકરી તો ઠીક શોધી લાવ્યો છે. એ નહીં પરણે તો હું બીજી વાર — (લુચ્ચાઈથી આંખો પટપટાવીને મોટેથી) માજી તેનું એક કારણ છે.

ગંગા— શું કારણ?

વાવા શેઠ— (સ્વગત) હું બીજી વાર બૈરી કરું તો શેઠાણી ઝેર જ ખાય... (મોટેથી) માજી! પહેલાંના વખતમાં લોકો ડાહ્યા હતા.

ગંગા— હા ભાઈ! તે તો ખરું. પણ કેવી રીતે?

વાવા શેઠ— (સ્વગત) ઠીક છે. હું પણ એક તાલ કરું, એટલે મગનને કન્યા પણ મળશે ને એની મા પાધરી થશે. એ સ્વતંત્રતા માટે ધસારો જ છે ને. (મોટેથી) માજી! પહેલાંના વખતમાં પૈસાદારો એક બીજી પરણેતર લાવતા ને હવે બધા થઈ ગયા છે સુધારાના ડીચકાં! કહેછે કે બીજી લાવે તો તે દુઃખી થાય.

ગંગા— (ડોકું ધુણાવી) અરે રામ રામ કરો! મારી જમનીના બાપાએ ત્રણ બૈરી કરી હતી. અમે તો કાંઈએ દુઃખી નહોતા.

વાવા શેઠ— (જરા હર્ષમાં હાથ ઘસી) અરે લોકોને અમથી ચાવળાઈ સુઝે છે. શા માટે રાધાને કોઈ ડાહ્યા-શાણા-(મોં મલકાવી) ઠરેલ વરને નથી આપતાં? બહુ ઘરડો નહિ, બહુ જુવાન નહિ, તમારી બધાની બરદાસ્ત લે એવો–

ગંગા— (ઘણો ઊંડો વિચાર કરીને) મને એતો સૂઝ્યું જ નહિ. તમે હોંશિયાર ખરા!

વાવા શેઠ— (હસતાં હસતાં મૂછ પર હાથ ફેરવી) ગમે તેવો પણ હું પુખ્ત ઉમ-ઉ-વિચારનો માણસને...

ગંગા— એવો કોઈ વર હોય તો કહેજો. મારી નજરે તો કોઈ ચડતો નથી.

વાવા શેઠ— જરૂર માજી! જરૂર દામોદર દે-દેસાઈની છોકરી તો હું મારી દીકરી સમજું છું. મને તમારા ઘરનો જ સમજજો.

ગંગા— સારું થયું ભાઈ તમે મળ્યા તો. મને તો નિરાંત થઈ (સ્વગત) પેલા છોકરાને ના કહી દઈશ. એના બાપનો જ વિચાર નહિ ત્યારે મારે શું? છોકરો કોણ જાણે કેવો યે હશે? (રાધા ચહા લઈ દાખલ થાય છે અને શેઠને આપે છે) જો દીકરી! તારે માટે વર શોધવાનું કામ તો મેં એમને જ સોંપી દીધું.

રાધા— (ખડખડ હસીને) જીને બહુ ઉતાવળ છે તો. (સ્વગત) ચાલો નિરાંત થઈ.

ગંગા— (સ્વગત) દીકરી પણ ચીબાવલી છે તો. (શેઠને) એ બાળક બિચારી શું સમજે?

વાવા શેઠ— ખરી વાત! (ચહા પૂરી કરી) ચાલો ત્યારે માજી! હવે રજા લઉં? રાધા! આવજે હોં.

ગંગા— (ઊઠીને વળાવવા જાય છે.) આવજો હોં ભાઈ!

(શેઠ અને ગંગા માસી વાત કરતા જાય છે. રાધા અંદરના ખંડમાં ખૂણામાં છૂપાઈ લપાઈ રહેલા મગનનો હાથ પકડી લઈ આવે છે. રાધા હસે છે. મગન રડવા જેવો થઈ રહેલો હોય છે.)

રાધા— કેવી મજા–

મગન— કેવી મોંકાણ–

રાધા— કેમ

મગન— કેમ શું? આ ડોસાએ ડાટ વાળ્યો.

રાધા— (ગભરાઈને) કેમ? ઊલટાનું સારું થયું.

મગન— શું કપાળ સારું થયું? ડોસાએ તો પોતાનું કામ કાઢી લીધું.

રાધા— કેવી રીતે?

મગન— એ તો પોતે તને પરણવા માંગે છે.

રાધા— હેં! હેં!

મગન— હા! તારી ડોસીએ પણ આપણને બનાવ્યાં. તેણે પણ તને ઘરડા વરને આપવાનું કબૂલ કર્યું.

રાધા— શું કહો છો?

મગન— (ચીડાઈને) તારું ને મારું માથું.

રાધા— (ગભરાઈને) હાય હાય! શું થાશે?

મગન— જોઈએ! હજુ અમારા અંબા ભવાની છે તો. હું પછી મળીશ.

રાધા— પણ જીને તો મળો.

મગન— શું મરવા? હવે રફુચકરે વિનિયોગઃ (મગન અંદર બારીએથી જતો રહે છે. બીજી તરફથી ગંગા આવે છે.)

ગંગા— છોકરી! પેલો મગનિયો ક્યાં ગયો?

રાધા— કેમ જી!

ગંગા— એ અહીંયાં બહુ પલક્યો છે હોં! મને એનું મોઢું...(રાધા મિજાજમાં ઘૂરકે છે. ગંગા અંદર જાય છે. પાછળ રાધા ડોળા કાઢતી જાય છે.)

* * * * * * * * * *
 [પાછળ]     [ટોચ]