[પાછળ] 
વાવા શેઠનું સ્વાતંત્ર્ય-૨
લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મુનશી

                    પાત્રો
વાવા શેઠ રેવા શેઠાણી — તેમની સ્ત્રી મગન — તેમનો છોકરો ધીરજરામ જોશી — શેઠનો મિત્ર રાધા — દામોદર દેવાળિયાની છોકરી ગંગા — તેની માની મા

* * * * * * * * * *

અંક ચોથો
(સ્થળ — વાવાશેઠનું ઘર. વાવા શેઠ જમી પરવારી મોઢું મહા મહેનતે ગંભીર રાખી, પોતાના ઘરની ઓરડી કે જેને દિવાનખાનાના રૂપાળા નામની શોભા આપવામાં આવે છે, તેમાં ફરતા દેખાય છે.
સમય — રાતના નવ)

વાવા શેઠ— (હસીને સ્વગત) શું ગમ્મત! (હાથ ઘસીને) શેઠાણીને કહીયે કે આવી જાઓ! વાહ રે વાહ! રસ્તો પણ ઠીક જડ્યો. ઠંડાગાર થઈ જવાનાં (પેટે હાથ ફેરવી) હું પણ જબરો તો ખરો. મારી અક્કલે પણ હદ કરી. સ્વતંત્રતાનો શો પ્રતાપ! (કોઈ બહારથી બારણું ઠોકે છે) આ ધીરજરામ આવ્યા કે શું? (બારણું ઊઘાડે છે. ધીરજરામ જોશી સુક્કો, ઊંચો, મોટી આંખોનો અને લાંબા નાકનો પુરુષ, ઉંમર પચાસ; પહેરવેશે ચીંથરેહાલ. તે દાખલ થાય છે ને જોડા કાઢીને અંદર આવે છે. શેઠ તેનો ખભો થાબડે છે.)

વાવા શેઠ— કેમ દોસ્ત?

ધીરજરામ— (ચમકીને શેઠની સામું જોઈ રહે છે) હેં —

વાવા શેઠ— (આંખ મિંચામણાં કરી) હા.

ધીરજરામ— કેમ આજે તો કાંઈ ચગ્યો છે?

વાવા શેઠ— આજે ગમ્મત છે. (ખડખડાટ હસે છે.)

ધીરજરામ— (વધારે વિસ્મય પામી) કેમ શેઠ! તને થયું છે શું? કાંઈ ભાંગ પીધી છે કે શું?

વાવા શેઠ— (હસીને) — કાંઈક એવું જ છે.

ધીરજરામ— શા માટે?

વાવા શેઠ— સ્વાતંત્ર્ય માટે બેલ્જિયમનો ધસારો. શું સમજે છે? જો હવે તું બરોબર ચાલજે. તારા પર બધો આધાર છે.

ધીરજરામ— કેમ? કેમ? છે શું?

વાવા શેઠ— જો અલ્યા! આજે રંગ રાખવાનો છે. આ તારી ભાભી — મગનિયાની મા છે ને —

ધીરજરામ— (નવાઈ પામી) હા —

વાવા શેઠ— તે રોજ મારો જીવડો લે છે. હવે આજે હું એનો જીવડો લેવાનો છું.

ધીરજરામ— અરે શેઠ! તારામાં આટલી હિંમત ક્યાંથી આવી?

વાવા શેઠ— દોસ્ત! સ્વતંત્રતા.

ધીરજરામ— જા! જા! પણ મારે શું કરવાનું છે?

વાવા શેઠ— (ધીમેથી) જો! એક કન્યાના જન્માક્ષર તને શેઠાણી બતાવશે. જ્યારે મગનના જન્માક્ષર દેખાડું ત્યારે કહેજે કે મળતા નથી; ને મારા દેખાડું ત્યારે કહેજે કે મળે છે.

ધીરજરામ— (ચમકીને) શું આટલે વર્ષે બીજી બૈરી કરવી છે? બળ્યો રે તારો અવતાર.

વાવા શેઠ— ના રે ના! એ તો શેઠાણીનું ભૂત કાઢું છું.

ધીરજરામ— અરે શાબાશ રે! તું પણ નવે અવતારે આવ્યો છે.

વાવા શેઠ— ઊભો રહે શેઠાણીને બોલાવું. (બારણા બહાર ડોકિયું કરી) શેઠાણી! મગન! મગન! તારી બાને બોલાવ તો. જોશીકાકા આવ્યા છે.

રેવા — (એકદમ પડોશની ઓરડીમાંથી નીકળી) તેમાં આટલી ચીસો શાની પાડો છો? જોશીકાકા આવ્યા તો જોઈએ તો ઢોલી નચાવો.

ધીરજરામ— અરે ભાભી! તમારા વિના તે કાંઈ ચાલે? કેમ છો? (બધાં બેસે છે. મગન આવી મૂંગો મૂંગો બારણા આગળ ઊભો રહે છે.)

રેવા— કેમ છો કેમ પૂછ્યું? કાંઈ થોડી માંદી-બાંદી પડી છું? આજ તો તમારા ભાઈએ આખો દહાડો ભટક્યા જ કર્યું છે. એમનું મ્હોં તો જુઓ. નફ્ફટને કાંઈ લાજ છે. (શેઠ હસે છે) શું હસો છો? કાંઈ શરમ આવે છે?

વાવા શેઠ— હું? (ખંખારો કાઢી હિંમત આણતાં) હું એક વિચાર કરતો હતો.

રેવા– હવે કર્યો વિચાર! મોઢું જ કહે છે ને તમારું? વારું! તમારી ડાચાકૂટ જવા દો. જોશી! આટલી છોકરીના જન્માક્ષર જુવો તો. લાવ મગનિયા તારા જન્માક્ષર. પેલા ખાનામાં છે. જોની બોજ જેવો ઊભો રહ્યો છે?

મગન— (નિરાશાભર્યા મુખે, બતાવેલા ખાનામાંથી જન્માક્ષર આપે છે.) લો.

ધીરજરામ— લાવ બેટા! (નાકે ચશ્માં ચડાવે છે, દીવો પાસે લાવે છે, બે જન્માક્ષર સરખાવે છે અને આંગળીના વેઢા પર ગણત્રી કરે છે.)

રેવા— મુઆ ગ્રહને આટલી મળતાં વાર લાગે તે મળ્યા તોયે શું ને નહીં મળ્યા તોયે શું?

ધીરજરામ— (ડોકું ધુણાવે છે) ભાભી! આ છોકરીના ગ્રહ આકરા જંતર છે.

વાવા શેઠ— અરરરરર —

રેવા— (ડોળા કાઢી) હવે સમજો કરો નહીં ને વચ્ચે પંચાત કેટલી કરો છો? (ધીરજરામને) ત્યારે નથી મળતા?

ધીરજરામ— (જન્માક્ષર વાળી દઈ) મુદ્દલે નહીં. (મગન નિસાસો મૂકે છે.)

રેવા— થયું ત્યારે? હું તો પહેલેથી જાણતી હતી ચાલો. (કહી ઊઠવા જાય છે.)

વાવા શેઠ— (ગળું ખંખારી) શે — હ — શેઠા —

રેવા— શું છે?

વાવા શેઠ— (સ્વગત) સ્વતંત્રતા! સ્વતંત્રતા! (રેવાને) શેઠાણી! એક વાત કહેવી છે.

રેવા— (સખ્તાઈથી) શું છે? તેમાં આમ અમળાયા શાના કરો છો?

ધીરજરામ— (શેઠને ચોંટી દઈ ધીમેથી) બોલની! ગભરાયા શાનો કરે છે?

વાવા શેઠ— (ખોંખારો ખાઈને) આ એક જરી બીજો વિચાર કરવો છે. તમે...આ જરી — સમજ્યાંને? ઘરડાં થયા છો.

રેવા— (ડોળા કાઢી) મજાક કરો છો? હું ઘરડી થઈ ત્યારે તમે શું જુવાન રહ્યા છો!

ધીરજરામ— (જરા હસીને) ભાભી! આ શેઠ તમારા કરતાં તો જુવાન લાગે છે. (ધીમેથી શેઠને) બોલની, બાયલા.

રેવા— મોઢું જ કહે છે એનું.

વાવા શેઠ— (મહા મહેનતે બોલતાં) આમ તમારા કરતાં તો હું નાનો જ લાગું છું (મનમાં) સ્વતંત્રતા!

રેવા— (ગુસ્સે થઈ) કેમ કાંઈ ચડાવ્યું છે? (તિરસ્કારથી) નાના લાગો છો તો જઈને લઈ આવો કોઈ નાની નખરાળી! એટલું જ બાકી છે.

ધીરજરામ— (હસીને) લે શેઠ! તને રજા મળી!

રેવા— (તોરમાં) ફોડોની તમારે જેમ ફોડવું હોય તેમ! હું તો મારા પંડની માલિક!

વાવા શેઠ— (હિંમતથી) ચાલો તમારી રજા થઈ એટલે નિરાંત થઈ. મારે કેટલા દિવસથી બીજું બૈરું કરવાનો વિચાર જ હતો.

રેવા— હા! કરોની બેને બદલે ચાર. (કટાક્ષમયતાથી) મોટા સો રૂપડ્ડીના ધણીને કાંઈ બે વગર ચાલે.

વાવા શેઠ— મને પણ એમ જ લાગે છે.

રેવા— (ઘણા જ ગુસ્સાથી) ત્યારે ફોડો માથું ને કાઢો રાતું.

વાવા શેઠ— ત્યારે આ દામોદર દેસાઈની છોકરી હું લાવું તો તમને કેમ લાગે છે?

રેવા— (ઊભાં થઈ, હોઠ પીસી, અંદરના ખંડ તરફ જોઈ) અરે વાહ! એનાથી રૂડું શું? દેવાળિયાની દીકરી મારી શોક — (વધારે બોલતાં જીભ અટકી જાય છે. તેથી ઝપાટાબંધ અંદરના ખંડમાં જઈ ભડોભડ બારણાં દે છે. દીધેલા બારણામાંથી ગાળોના વરસાદનો અવાજ આવે છે. શેઠ અને જોશી એક બીજા સામું જુએ છે. મગન દૂર ઊભો ઊભો મ્લાન મુખે જોયા કરે છે. આખરે શેઠ ખડખડાટ હસે છે.)

ધીરજરામ— શેઠ! આ તોફાન શું માંડ્યું છે?

વાવા શેઠ— શું સમજે છે? (આંખો મટમટાવી) સ્વતંત્રતા માટે કરેલો બેલ્જિયમે ધસારો (મગનને) દીકરા! આમ બાઘો કેમ બની ગયો છે? (મગન જવાબમાં બેસી જાય છે.)

ધીરજરામ— અરે પણ શેઠ! તું તો આજે બદલાઈ જ ગયો છે.

વાવા શેઠ— (હસીને) સ્વતંત્રતાનો પ્રતાપ. (જરાક ડરતાં ડરતાં અંદરના બારણા તરફ જોઈ) ધીરજરામ! આજે રાતે અમારા બાર વાગવાના છે, ચાલ તું ઊઠ, નહીં તો તારા પણ વાગશે. કાલે સવારે આઠ વાગે અંધેરી આવશે?

ધીરજરામ— કેમ?

વાવા શેઠ— (હસીને) મારી સગાઈ કરવાની છે. તે તારા વગર કાંઈ પાટલો ફરવાનો છે?

ધીરજરામ— (હસીને) ઠીક. કાલે સવારે આવીશ. જય શ્રીકૃષ્ણ. (ઊઠે છે ને ત્યાંથી જાય છે. શેઠ અને મગન પોતપોતાની પથારી બનાવી દીવો ઓલવી સૂએ છે. અંદર ગાળો ચાલ્યા જ કરે છે. શેઠ અને મગન થોડીવાર સૂએ છે. એટલામાં શેઠાણીની ગાળો સંગીતમય બની મરસિયાનું સ્વરૂપ ધારણ કરે છે. શેઠ ખડખડ હસી પડે છે. મગન પથારીમાં બેઠો થાય છે.)

વાવા શેઠ— શ્રાવણ ને ભાદરવો આવ્યા.

મગન— (દયામણા રાગે) બાપા —

વાવા શેઠ— કેમ દીકરા?

મગન— બાપા! તમે નક્કી બીજી બૈરી કરવાના?

વાવા શેઠ— (ફરીથી ખડખડાટ હસીને) શા માટે નહીં?

મગન— આપણી આબરુ નહીં જાય?

વાવા શેઠ— તારી બાએ પાછી બહુ સાચવેલી બહુ તો.

મગન— બાપા! બા ગમે તેવી તો પણ હેતાળ છે. કાલે તમે ઘરમાં નહોતા ત્યારે સાવ અડધી-અડધી થઈ ગઈ. એ બિચારી કેટલી દુઃખી થશે?

વાવા શેઠ— એમાં શું? અસલમાં એક પર ચાર કરતા હતા.

મગન— પણ આ જમાનો જુદો છે.

વાવા શેઠ— (હસીને) એટલે એમ કહેની કે તારે રાધા જોડે પરણવું છે.

મગન— બાપા! જો એમ ધારતા હો તો વચન આપું અને તમે મને આપો. આપણે બેમાંથી એકે એની જોડે સગાઈ નહીં કરીયે.

વાવા શેઠ— (સ્વગત) દીકરો જબરો છે. (મગનને) કંઈ ગાંડો થયો છે? ઉંહું.

મગન— (નિસાસો મૂકી) અરે રામ!

(શેઠ ગોદડું માથે મોઢે ઓઢી ઊંઘી જવાનો ઢોંગ કરે છે. મગન જાગતો માગતો પડી રહે છે. શેઠાણીનું કલ્પાંત ધીમું અને અસ્પષ્ટ થતું જાય છે.)

* * * * * * * * * *

અંક પાંચમો

(સ્થળ — અંધેરીમાં ગંગામાસીનું ઘર.
સમય — બીજે દિવસે સવારના સાત).

(ગંગામાસી ઓટલે બેઠાં બેઠાં દાતણ કરે છે.
સામેથી મગન અને રેવા શેઠાણી દાખલ થાય છે.
)

રેવા— મગન! આ પેલી ડોકરી કે?

મગન— અરે બા! પણ જરા વિચારીને વાત કરજો.

રેવા— બેસ બેસ હવે, એવી તો કાંઈ જોઈ નાખી. ચાર આંગળાનો તું વળી મને શીખવવા આવ્યો છે?

મગન— પણ આપણા ઘરની આબરુ નહીં જાય.

રેવા— (ખેદથી) તારા બાપ બધી આબરુ બોળવા બેઠા છેને? નહીં તો વળી હું દામોદર દેવાળિયાને ત્યાં જાઉં? (સાડીના છેડા વડે આંખો લૂછીને ગંગામાસીને)
દામોદર દેસાઈના સાસુ તમે કે?

ગંગા— (આંખ આગળ હાથ રાખી) કોણ બેન! આવો.

રેવા— એ તો હું (હસીને) તમે મને નહીં ઓળખી?

ગંગા— ના બેન! આ કોણ મગન? (જરા ગંભીરતાથી) આ કોણ? તારાં બા?

રેવા— એટલામાં ભૂલી ગયાં? કેમ આપણે રાઘવજીની દશા પર કૂટવા ગયાં ત્યારે મળ્યાં હતાં. (શેઠાણી અને મગન ઓટલા પર બેસે છે.)

ગંગા— હશે બેન! કેમ છો? (જરા અતડાપણાથી) કેમ છોકરા! તું કેમ આવ્યો છે?

મગન— મારી બાની સાથે.

રેવા— માસી! હું તમને એક સાફ સાફ વાત કહેવા આવી છુંઃ —

ગંગા— (સ્વગત) આ મોટી લે એના દીકરાનું માગુ કરવા આવી છે. બાપ તો બિચારા કાંઈ બોલ્યા નહીં, અહા! ધણી કેવો માણસ ને કેવી આ કેવી! (નાક ફૂલાવીને મોટેથી) મારી રાધાની વાત ને. મારે નથી સાંભળવી. શું સમજ્યાં? અમારી વાતમાં કોઈએ માથું મારવું નહીં.

રેવા— (તતડીને) મારા મગનને —

ગંગા— તમારો મગન સોનાનો તમારે ઘેર રહ્યો. કોઈના બાપની હું બાંધેલી છું?

રેવા— (ગુસ્સામાં) ઘરડે ઘડપણ તમને પણ લાજ નથી આવતી?

ગંગા— મોટી લાજવાળી! શું મોઢું લઈને સવારના પહોરમાં મારે બારણે આવી છે?

મગન— (શેઠાણીને) બા! ખેલ ખલાસ.

રેવા— કેમ?

મગન— આ બાપા ને જોશી કાકા આવ્યા.

રેવા— (સ્વગત) હાય હાય! હવે શું કરવું?

ગંગા— મારી છોકરીને હું ચાહ્ય તે કરીશ. માલિકનું કોઈ માલિક છે? (શેઠ અને ધીરજરામ દરવાજામાંથી વાડામાં આવે છે.)

ધીરજરામ— જો શેઠ! બિચારા મગનનું કાંઈ વેતરાઈ નહીં જાય —

વાવા શેઠ— (ચમકીને) ધીરા! બાજી બગડી. શેઠાણી તો અહિંયા છે!

ધીરજરામ— તું કહેતો હતો ને કે એના ભાઈને ત્યાં ગઈ હશે. હવે લેતો જા.

ગંગા— (બંનેને જોઈને) કોણ વાવા શેઠ! આવો આવો. તમે તો કાંઈ સહકુટુંબ બધાં આવ્યાં ને?

મગન— (સ્વગત) માર્યા ઠાર, હવે પશ્ચિમ સરહદ બરોબર થઈ. (બાપની સામું જોઈ મોટેથી) બાપા! હું ને બા મામાને ત્યાં વરસોવા જ જતાં હતાં.

વાવા શેઠ— (આંખ મિંચી ગંગાને) અમે બધાં ત્યાં જઈએ છે. મને થયું કે ચાલો રસ્તામાં તમારું ઘર છે તે થતા જઈએ.

ગંગા— સારું થયું ભાઈ! આ તમારાં ઘરવાળાં મારી સાથે લડવા આવ્યાં હતાં.

વાવા શેઠ— (જોશીને) જો મેં નહોતું કહ્યું? હવે શું કરવું? (જરા ગંભીરતાથી) અરે વાહ!

ગંગા— પણ મેં તો રોકડી જ કહી. હું તો મારે તમે કહેશો તેમ કરવાની.

વાવા શેઠ— (સ્વગત) માર્યા! આ શેઠાણીએ તો વિવાહનું વરશી કર્યું લાગે છે. મારું માગું થઈ ગયું. ડોશીએ હા પણ પાડી! ભગવાન! શું થશે? (ધીમેથી) ખરી વાત.

રેવા— (સ્વગત) હાય હાય! શેઠ ને ડોશી તો એક જ ઘંટીએ બેઠાં છે ને શું! શું કરું? હા એક ઉપાય અજમાવું. શેઠની ને મારી એક જ ગાંઠ છે એમ બતાવું એટલે ડોશી ભડકશે. પછી શું મરવા દીકરી આપશે? (શેઠ તરફ ખોટું મીઠું હાસ્ય કરી) એમ? ત્યારે તમારી હા એ આપણી! (ગંગાને) મેં તો અવતાર ધરીને તમારા ભાણેજ (શેઠ તરફ આંગળી કરી)નો શબ્દ ઉથામ્યો નથી. આજે ત્રીસ વર્ષનાં વહાણાં વાયાં, પણ અમારા જેવું સુખી જોડું બીજું મેં જોયું નથી. આપણે તો શેઠનો બોલ સવા લાખનો.

વાવા શેઠ— (સ્વગત) શાબાશ રે મારા સુખી જોડાનું અડધિયું (ધીરજરામને ધીમેથી) ધીરા! આ કેમ ચક્ર બદલાયું?

ધીરજરામ— (ધીમેથી) હમણા શેઠાણી નરમ ઘી જેવાં થઈ ગયાં છે. ડાહ્યો હોય તો અહીંથી ઊઠ.

ગંગા— (રેવાને) હા બેન! આપણાં બૈરાંનો ધર્મ જ એ, આ મારી જમનીના બાપા હતા ને ત્યારે —

વાવા શેઠ— ચાલો ત્યારે માજી અમે ઊઠીએ. બહુ વખત થયો.

ગંગા— ના બેસો. મારા સમ. રાધા! ઓ રાધા! ચહા મૂકજે.

રાધા— (બહાર આવીને ડોકિયું કરે છે) એ હા.

રેવા— આ તમારી છોકરી કે? (સ્વગત) જોની ચિબાવલી! કેટલો ઠાઠ છે. મારાં પણ ભાગ્ય ફૂટ્યાં છે તો (રાધાને) કેમ છે બેન! (ગંગાને) માસી! તમારી તો રતન જેવી છે. મને તો શેર લોહી આવ્યું. મને ગમે તે થાય પણ મારે શેઠનું મન દુભાવવું નથી.

ગંગા— (ન સમજતાં) શેઠનું મન શું?

રેવા— આ કાલે વાત કરી ગયા હતા ને, તે.

વાવા શેઠ— (ગભરાતાં સ્વગત) મૂઆં. (મોઢેથી) ના, ના કાલે તો હું અમસ્તો જ આવ્યો હતો.

રેવા— (જરા હસી અને આંખો નચાવીને) અરે જાઓ જાઓ માસી! જુઓ તો ખરા. હું એની નસોનસ ઓળખું, ને વળી મને જુઠી પાડે છે. મને કહીને તો આવ્યા હતા ને? આપણે વિચાર તો સાથે જ કર્યો, તેથી તમે આવ્યા (સ્વગત) હવે આંધળી હોય તો આપે.

વાવા શેઠ— (ગભરાઈને સ્વગત) આ બૈરી શું કરવા બેઠી છે. (મોટેથી) ના—ના મેં કાંઈ વિચાર કર્યો નથી.

ગંગા— (સ્વગત) હં! શેઠ પણ પાકા લાગે છે! કાલે ત્યારે પક્કાઈમાં આવ્યા હતા. હું ભોળી શું જાણું? (મોટેથી) ના બેન! મને કાંઈ વાત થઈ જ નથી.

રેવા— (સ્વગત) ડોશી કેટલી પાકી છે. મનનો ગળ આપતી જ નથી. ઠીક છે, હું પણ પહોંચી વળીશ, છો શેઠનો ફજેતો થાય (મોટેથી) માસી! તમારા ભાણેજ તો બહુ પક્કા છે હો, એ તો અમારે બંનેને હંમેશની ગાંઠ એક એટલે હું જ પારખું.

ધીરજરામ — (શેઠને ધીમેથી) દોસ્ત! આજે તારો દિવસ તો ફર્યો લાગે છે.

ગંગા— (હસીને) ભાઈ! શું કામે આવ્યા હતા? (સ્વગત) ત્યારે તો જરૂર મગન માટે જ આવ્યા હશે. શું પાકાં છે બંને જણ.

રેવા— પૂછોને એમને. એ તો મીંઢા ઘોર છે.

વાવા શેઠ— (સ્વગત) આ બૈરી મારી આબરુ લેવા બેઠી છે. પહેલેથી વાત કરીને હવે મારી પાસે કબૂલાવે છે. (મોટેથી) હું કહું છું કે કાંઈ કામ નહોતું.

રેવા— જોયું? હું શું કહેતી હતી? (હસીને) બહુ પાકા છે માસી!

ગંગા— (સ્વગત) બૈરી પણ લાગે છે તો સારી માણસ, લોકો નકામા એને ફજેત કરે છે. ધણી ધણીયાણીને બને છે પણ સારું. (મોટેથી) અરે વાહ શેઠ! બોલો તો ખરા, શું કામ આવ્યા હતા?

રેવા— જુઓ બોલે છે?

ગંગા— (સ્વગત) મગનને માટે જ આવ્યા હશે. (મોટેથી) હું સમજી ગઈ તો.

વાવા શેઠ— (ગભરાઈને સ્વગત) ભોગ મળ્યા! ધીરા! આ બધાં મને મારીને બે બૈરી કરાવવાનાં.

રેવા— (શેઠને) તેમાં મોટા શરમાઓ છો શું કામ? વળી મને પણ અત્યારે એટલા માટે મોકલી તો. (સ્વગત) લો લેતા જ જાઓ. બીજી બૈરી કરવા આવ્યા હતા! (રાધા ચહા લઈ આવી બધાને આપે છે.)

ગંગા— (સ્વગત) મેં પણ શું ભૂલ કરી. આ મારી રાધાનું માગું કરવા આવી ને મેં ના પાડી. (મોટેથી) આ મારી રાધા સારું? નહીં? કેવી જાણી ગઈ? વાહ તમારા ઘર જોડે સંબંધ થાય તેથી રૂડું શું?

વાવા શેઠ— (ગભરાઈને સ્વગત) ઓ ભગવાન —

રેવા— (સ્વગત) જોની ચિબાવલી. (મોટેથી) હા તે જ જુઓની, એનું મોઢું રાતું ને પીળું થાય છે. માત્ર તમે હા કહો એટલી જ વાર છે.

ગંગા— હું તો —

રાધા— (તોરમાં) જી! તમે હા કહેશો નહીં. હું પરણવાની નથી.

ગંગા— બેસ ગાંડી! એ તો બાળક છે.

વાવા શેઠ— (કપાળ પરથી પરસેવો લૂછતાં સ્વગત) હે પ્રભુ —

રાધા— (ગુસ્સામાં) આ કાકા જોડે —

રેવા— (ખુશ થઈને) હાઈશ. લેતા જાઓ —

ગંગા — છાની રહે! કેમ ભાઈ મગન! મેં જન્માક્ષર તને આપ્યા હતા. આ આજકાલની છોકરીઓ તો જુઓ. ગઈ કાલ સુધી મગન જોડે પરણવા રાજી હતી ને આજે તેનાં માબાપ માગું લાવ્યાં ત્યારે ના પાડે છે!

રેવા— મગન જોડે?

રાધા — (અજાણતા) — મગન — (બધાં એની સામું જુએ છે. રાધા શરમાઈને જતી રહે છે. બધાં ખડખડાટ હસે છે.)

ધીરજરામ— (શેઠને) શેઠ! તું બચ્યો. ડોસી જાણે છે કે તું તો મગનનું માગું જ કરવા આવ્યો હતો. હિંમત રાખ!

વાવા શેઠ— (ખોંખારી) ત્યારે શું? માજી! આ મગનની બા — ને આ તમે કહો ત્યારે મગનનો વિવાહ કરીએ.

ગંગા— (એકબીજાની સામું જોઈને) કેમ બધાંને થયું છે શું?

વાવા શેઠ— માજી! હું કાલે આવ્યો હતો તો મગનનું માગું કરવા —

રેવા— (સ્વગત) હેં —

ગંગા— ત્યારે ચોખ્ખું કહ્યું કેમ નહીં?

વાવા શેઠ— મેં જાણ્યું કે શેઠાણી જ આવીને કહે તો વધારે સારું. તેથી તો અત્યારે એ આવ્યાં. મરદનુ કામ મરદ કરે ને બૈરાંનું કામ બૈરાં.

રેવા— (સ્વગત) હેં મૂરખ બનાવી!

વાવા શેઠ— કેમ શેઠાણી બોલતાં નથી?

મગન— (ગજવામાંથી જન્માક્ષર કાઢી) બાપા! મારી સગાઈ કેમ થાય?

વાવા શેઠ— ત્યારે કોની થાય? (આંખો મટમટાવી) મારી?

મગન— (નિસાસો નાખી) પણ એ તો મળતા નથી.

ગંગા— (ચમકીને) હેં.

ધીરજરામ— ના રે! એ તો મેં છોકરાની મજાક કરી હતી. ગ્રહ તો જેવા જોઈએ તેવા મળે છે. જોતાં નથી? (બારણામાં ઊભી ઊભી રાધા મગન સામું જોઈ રહી હોય છે તે બતાવે છે. છોકરાં શરમાઈ જાય છે. રેવા ડોળા કાઢે છે — બધાં હસે છે.)

રેવા— (સ્વગત) આ છોકરી મારે ઘેર આવે તો ખરી! (મોટેથી) ચાલો ત્યારે ઊઠીએ.

ધીરજરામ— શુભસ્ય શીઘ્રં. ચાંલ્લો કરીને જ ઊઠીયે.

રેવા— (સ્વગત) મૂવો જોશી પણ કાચો નથી. બધાએ મળી મને છેતરી. ઠીક છે. (મોટેથી) હા! માસી આજે અમારાં ધનભાગ થયાં.

ગંગા— બેન! સાચું પૂછો તો લોકો મને તમારાથી ભડકાવતાં હતાં પણ મને શું ખબર કે તમે આવાં સાલસ માણસ છો?

વાવા શેઠ— (સ્વગત) કેવાં સાલસ! ભવોભવ આવાં જ પ્રભુ આપે. (મોટેથી) આવ બેટા! રાધા! લે આ રૂપિયો. કાલે કાકાની મજાક કરી તેવી કર્યા જ કરજે. (ગંગા કંકુ ને ચોખા લઈ આવે છે. ધીરજરામ તેના સિવાય બધાંને ચાંદલા કરે છે.)

ધીરજરામ— धान्यं धनं पशु पुत्र लाभं शसंवत्सरं दीर्घमायुंः ।

રેવા— (એટલી વારમાં શેઠની પાછળ જઈ ધીમેથી) ઠીક છે! આજે મારી મજાક કરી. તમે ઘેર તો ચાલો પછી બતાવું છું.

વાવા શેઠ— (હસીને ધીમેથી) આજે તો જોયું. તમે તો દામોદર દેવાળિયાની દીકરીનું માગું કરવા આવ્યાં હતાં. શરમાઓ.

રેવા— (ગુસ્સો દબાવી ધીમેથી) તમે બહાર તો નીકળો.

વાવા શેઠ— (ધીમેથી) અરે તમે કોઈ દહાડો મારો બોલ ઉથામો છો? આપણી તો એક ગાંઠ.

રેવા— (હોઠ કરડી) ઠીક છે! ઠીક છે! પણ આવું કરવાની કંઈ જરૂર?

વાવા શેઠ— (હસીને) એ તો સ્વતંત્રતા માટે બેલ્જિયમે કરેલો બીજો ધસારો. હવે તો કઈ બોલ્યાં કે બીજી બૈરી!

રેવા— (નિરાશાથી) વારુ, હું કોઈ દિવસ આ ભૂલવાની નથી.

વાવા શેઠ— ત્યારે આજની મીઠાશ હું કદી ભૂલવાનો છું? (ધીરજરામ ચાંદલા પૂરા કરી રહે છે એટલે ગંગાને) માજી! ત્યારે રાધાને મોકલો અમારી સાથે.

ગંગા— આજે ને આજે?

વાવા શેઠ— માજી! એનાં સાસુ તો રાધાના ઓવારણાં લેવા એક પગે થઈ રહ્યાં છે.

ગંગા— વારુ! ચાલો મારે પણ મુંબઈ આવવું છે. એટલે સાથે જ ચાલ રાધા! આ ચલાણા ગોઠવી દઈ નાને પગે આવી પહોંચ. હું ચાલવા માંડું; નહિ તો ગાડી જતી રહેશે. (બધાં જવાં નીકળે છે. ધીરજરામ ને ગંગામાસી આગળ જાય છે.)

રેવા— (થોડેક આગળ આવી) પેલો તમારો દીકરો ક્યાં રહ્યો?

વાવા શેઠ— તમારી વહુ સાથે.

રેવા— શું કરવા?

વાવા શેઠ— ચલાણા ગોઠવવા.

રેવા— (હસીને) હવે પાઘડી ઘાલો! તમે તો કોઈ દિવસ મારા પર આવો ભાવ રાખ્યો જ નહિ.

વાવા શેઠ— તમે રાખવા દીધો ક્યારે?

રેવા— (જરા શરમાઈ) તમે એવું એવું બોલો નહીં! આ ઉંમરે શરમ નથી લાગતી? (એ બધાં અદૃષ્ટ થાય છે.)

મગન— રાધા! બેડો પાર! (ચોંટી દે છે.)

રાધા— ઊભા રહો.

મગન— (ગાવાનો રાગ કાઢી) અલબેલડા રે ખાશો ગોરીઓની ગાળ.

રાધા— સાસુજીને કહી દઈશ.

મગન— બેસ સાસુજીવાળી! આજે માજીનું રાજ પૂરું થયું.

રાધા— ત્યારે કોનું શરું થયું?

મગન— એટલું ભાન નથી? આજે શરુ થયું, બાપનું — એટલે તેના દીકરાની વહુનું, એટલે તે વહુના વરનું, સેવકનું. (નીચો નમે છે. રાધાનો હાથ પકડી) ચાલ દોડ પાછળ રહી જઈશું.

રાધા— તો પીડા ઓછી! આપણે પાછલી ગાડીમાં જઈશું.

(બંને હાથ ઝાલીને જાય છે.)

[પડદો પડે છે.]

 [પાછળ]     [ટોચ]