[પાછળ] 
વિરામ ચિહ્નો
લેખકઃ જ્યોતીન્દ્ર દવે

મનુષ્યના આકારમાં જુદાં જુદાં વિરામચિહ્નો સંસારમાં ફરતા માલૂમ પડે છે. દરેક મનુષ્ય વિશિષ્ટ લક્ષણ અમુક વિરામચિહ્ન વડે સહેલાઈથી દર્શાવી શકાય. કેટલાંક મનુષ્યો મૂર્તિમાન આશ્ચર્યનાં ચિહ્નો જ હોય છે. એમનો સ્વભાવ, એમનું વર્તન, એમની વાતચીત એ સર્વ આપણને આશ્ચર્યકારક જ લાગે છે. અર્ધુ કાર્ય કરીને તેને છોડી દેનારા આરંભશૂરા સજ્જનો, કેવળ સંકલ્પો કરી, એ સંકલ્પની ફળસિદ્ધિ માટે ઉદ્યમ ન કરનારા સર્વ પુરૂષો અર્ધવિરામ જેવા કહી શકાય. કૌંસમાં મૂકવા લાયક મનુષ્યો પણ ઘણા છે. પોતાનો એક વાડો કરી તેમાં જ બંધાઈ રહી ત્યાંથી ડગલું પણ ન ચળનારા કૂપમંડુકો ઉપલા વર્ગના છે. અવતરણ ચિહ્ન (Inverted Commas)ની ગરજ સારે એવા મનુષ્યોમાં મોટે ભાગે લેખકો આવી જાય છે. બીજાના જ શબ્દો બોલનારા, બીજાના વિચારોનો પડઘો પાડનારા, વીરપૂજાના તત્વને સમજ્યા વગર મહાપુરૂષોનાં નામોનું અને શબ્દોનું સ્થળે સ્થળે ઉચ્ચારણ કરનારા માનવ અવતરણ ચિહ્નો ઓછાં નથી. પૂર્ણવિરામ એ પરમેશ્વરનું પ્રતીક કહી શકાય.

આ સર્વ વિરામચિહ્નોમાં ભયંકરમાં ભયંકર પ્રશ્નચિહ્ન છે. અત્યાર સુધી મને પ્રશ્નચિહ્નોનો બહુ અનુભવ નહોતો થયો, પણ હમણાં જ થોડા વખત પર એવું એક પ્રશ્નચિહ્ન મારા સમાગમમાં આવ્યું હતું. એનો અનુભવ થયા પછી જ મને સમજ પડી કે મારી માફક કોઈએ કંટાળી જઈને એના માથા પર જોરથી મુક્કો માર્યો હશે અને તેથી જ એ પ્રશ્નચિહ્ન માથા આગળથી વળી ગયેલું હોય છે.

હિંદુસ્તાન અતિથિ સત્કારની ભાવના માટે પંકાયેલું છે. પણ એ વિષયમાં હું હિંદી કરતાં સામાન્ય મનુષ્ય વધારે છું. એટલે જ્યારે મારા સદ્ગત કાકાના એક મિત્ર (જેને હું ઓળખતો પણ નહોતો) તેનો થોડાક મહિના સારું એઓશ્રી મારે ત્યાં પધારવાના છે એવી મતલબનો પત્ર આવ્યો ત્યારે મને આનંદ થયો એમ હું કહી શકું એમ નથી, પરંતુ મારા વૃદ્ધ કાકીના માનને ખાતર મને બહુ જ આનંદ થયો હોય એવો મારે ઢોંગ કરવો પડ્યો.

કોઈએ કહ્યું છે કે પ્રથમ દર્શને સામા મનુષ્ય સારુ જે અભિપ્રાય બંધાઈ જાય છે તે જ ખરો હોય છે, પણ એ વાત બિલકુલ પણ ખરી હોય એમ મને લાગતું નથી, કારણ કે જ્યારે મેં એમને સ્ટેશન પર પ્હેલવ્હેલા જોયા ત્યારે એ સજ્જન જેવા લાગ્યા હતા. મળતાં વારને અમારે યુગો પહેલાનું ઓળખાણ હોય એવી ઢબે એમણે મારી જોડે વાત કરવા માંડી, મારી ખબર પૂછી, મારાં કાકીની ખબર પૂછી, મારાં માતાપિતાની ખબર પૂછી, (મેં જો પાળ્યાં હોય તો) મારાં કૂતરા, બિલાડી તથા પોપટની ખબર પૂછી. રસ્તામાં જે જે મનુષ્યો મળતા તેમના સંબંધી, તેમની આર્થિક, નૈતિક અને સામાજિક સ્થિતિ સંબંધી એઓશ્રી મને વિવિધ પ્રશ્નો પૂછતા અને યથાશક્તિ હું જવાબ આપતો.

ઘેર આવ્યા પછી એમણે મારી સ્થિતિ, મારા શોખ, મારું વાંચન, મારી આવક, મારો ખર્ચ, મારાં સગાવ્હાલાં, મારા શત્રુ, મારા મિત્ર, મારું ઘર, મારા ઘરની વસ્તુઓ, મારો મહોલ્લો અને મારા આડોશીપાડોશીઓ; એ સર્વ વિષે તથા અમારું શહેર, અમારા શહેરના સંભાવિત ગૃહસ્થો, જોવાલાયક સ્થળો ઇત્યાદિ પરચુરણ વિષય પરત્વે મને તથા મારાં કાકીને જે અસંખ્ય પ્રશ્નો પૂછ્યા તે સર્વ જો હું અહીં (યાદ રહ્યા હોય તો) ઉતારું તો વાચક ને હું બંને જરૂર આપઘાત કે અન્યઘાતનો વિચાર કરીએ.

દુર્ભાગ્યે એમના આવ્યા પછી બે દિવસ રહીને મારી જન્મતિથિ આવી. તે દિવસે એમનાથી છૂટવાના મેં બહુ પ્રયાસો કર્યા પણ તે સર્વ વ્યર્થ ગયા. સાંજે મેં મારા મિત્ર તથા સગાંવ્હાલાંને નોતર્યા હતાં.

મિત્રમંડળી આવી પહોંચ્યાને થોડી વાર થઈ એટલે મારા અતિથિએ પોત પ્રકાશવા માંડ્યું. હું કોઈ બીજા જોડે વાત કરતો જરા પણ અટકું એટલે તરત જ એઓ પૂછતા: ‘આ સામે બેઠું તે કોણ?’ ‘મારા મિત્ર છે. ’ પાછો થોડીવાર હું અન્ય મિત્રો સાથે વાતચીતમાં રોકાતો એટલે એઓ મને કાનમાં પૂછતા, ‘એનું શું?’ હું નામ કહું એટલે પાછું પ્રશ્નબાણ છૂટતું: ‘એના પિતાનું નામ શું?’ આ પ્રમાણે હું મારા મિત્ર સાથે વાર્તાલાપ કરવામાં બરાબર રીતે ભળી ના શક્યો એટલે તેમણે મારા વગર વાતો કરવા માંડી. આખરે કંટાળીને હું દાદર પાસે એક ખૂણામાં જઈને બેઠો. તરત જ મારા અતિથિ મારી પાસે આવી નિરાંતે મારી જોડે ગોઠવાયા. અમે બંને આમ બીજા બધાથી જરાક દૂર થયા એટલે એમને પ્રશ્નોની હારમાલા છોડવાની ફાવટ આવી.

‘પેલા હિચકા પર બેઠા છે તે પેલા તમારી સામે સામે ખુરશી પર બેઠા છે તેના કંઈ સગા થાય?’

‘ના.’

‘ત્યારે બંનેનાં મોઢાં મળતાં કેમ આવે છે?’

‘ખબર નથી.’

‘પેલા, હમણાં મારી જોડે વાત કરતા હતા તે બહુ ધનવાન છે?’

‘ના.’

‘એના પિતા જીવે છે?’

‘હા.’

‘નોકરી કરે છે?’

‘હા.’

‘શું કમાય છે?’

‘પૈસા.’

‘કેટલા?’

‘અંકગણિતમાં એ સંખ્યા આપેલી છે.’

‘પેલો બટાકા જેવો –’

‘મારા મિત્ર સારું લગાર વિનયપૂર્વક બોલો તો ઠીક.’

લગાર પણ હતાશા વગર એમણે આગળ ચલાવ્યું: ‘પેલો ભરાઉ શરીરવાળો છે –’

દાંત પીસીને હું વચ્ચે જ બોલી ઊઠ્યો: ‘તેનું શું?’

‘તેને ભાઈબહેન છે કે એકલો જ છે?’

‘ભાઈબહેન છે.’

‘કેટલાં?’

‘પાંચ.’

‘બધાં પરણેલાં છે?’

‘ના.’

‘કુંવારા છે?’

‘ના.’

‘ત્યારે?’

‘થોડાં પરણેલાં છે, થોડાં કુંવારા છે.’

‘પરણેલાં કેટલાં છે?’

મારા મગજમાં એક ભયંકર વિચાર જાગ્યો; હૃદય જોરથી ધબકી ઉઠ્યું; એમના ગળા તરફ નજર ગઈ ને હાથમાં અદભૂત પૈશાચિક ચેળ આવી. ક્ષણ વાર મને લાગ્યું કે મારું ભાવિ મને ફાંસીના લાકડા તરફ ઘસડી જાય છે; મારે માથે અતિથિહત્યાનું કલંક ચોંટવાનું ! પણ થોડી વારમાં જ એ વૃત્તિ શમી ગઈ અને સન્નિપાતનો ચાળો શમી જતાં રોગી થાય છે તેમ હું શાંત થઈ ગયો.

આવા તો કેટલાયે દિવસો વહી ગયા છતાં હું જીવતો રહ્યો ને એ પણ જીવતા રહ્યા ! અનેક યુક્તિઓ મેં અજમાવી જોઈ, પણ કેવળ આકારમાં નહિ પણ આચરણમાં પણ દાતરડાં જેવું આ પ્રશ્નચિહ્ન મારા હૃદયને ઘાસની પેઠે કાપ્યાં જ કરતું. બીજા પ્રશ્નો જ્યારે એમને ન જડતા ત્યારે ‘કેમ ઊઠ્યા?’, ‘ચા પીઓ છો?’, ‘નહાઓ છો?’, ‘જમ્યા?’. ‘મોં ધુઓ છો?’, ‘પાણી પીઓ છો?’, ‘પાન ખાઓ છો?’, ‘સૂતા છો?’, ‘ખમીસ બદલ્યું?’ ‘કોટ પહેર્યો?’, ‘ટોપી પહેરી?’, ‘બહાર જાઓ છો?’, ‘દીવાસળી લીધી?’, ‘દીવો સળગાવ્યો?’, ‘ફૂંક મારી?’, ‘ઓલવી નાખ્યો?’ એવા એવા હું કરતો હોઉં તે કાર્ય સંબંધી પ્રશ્નો પૂછતા. જગત પર એક જાતનો મને તિરસ્કાર આવી ગયો; મોં પર વિષાદ ને કંટાળાની રેખાઓ પડી ગઈ; ને કોઈ પણ દિવસ હું હસ્યો ન હોઉં ને કદાચ હસ્યો હોઉં તો હવે તો નહિ જ હસું એવો ભાવ મારા મુખ પર ને હૃદયમાં છવાઈ રહ્યો.

આખરે મૌન ધારણ કરવાનો અને એ પૂછે તેનો બિલકુલ સમજાય નહિ તેવી નિશાનીઓ વડે ઉત્તર આપી એમને પ્રશ્ન પૂછતા જ બંધ કરી દેવાનો મેં ઠરાવ કર્યો, પણ એ યુક્તિમાં હું સફળ ન થયો. આખો દિવસ ચેષ્ટાઓ કર્યા કરવી – અને તે પણ કોઈથી સમજાય નહિ એવી રીતે – એ કાર્ય દેખાય છે તેના કરતાં ઘણું કપરું છે. નિશાનીઓ કરવી છોડી દઈ એ શું પૂછે છે તે બિલકુલ સમજતો જ ન હોઉં એવા આશ્ચર્યનો ભાવ વ્યક્ત કર્યા કરવાનો મેં પ્રયત્ન કર્યો. એઓ પ્રશ્ન પૂછ્યા જતા ને હું કંઈ પણ બોલ્યા વગર આશ્ચર્યથી એમના સ્હામું જોઈ રહેતો.

થોડી વાર અમારે –
‘?’
‘!’
‘?’
‘!’
‘?’
‘!’
આમ ચાલ્યા કર્યુ. પણ બારણા દીધે કંઈ યમદૂત જાય છે? આમ ફાવ્યું નહિ એટલે કાગળ પેન્સિલ લઈ આવી મારા હાથમાં આપી એમણે કહ્યું – પૂછ્યું:

‘બોલતા કેમ નથી? લખી જણાવો.’

‘જીભ કરડાઈ ગઈ છે; બોલાતું નથી.’ મારે લખવું પડ્યું.

‘ડૉક્ટરને બતાવી?’

‘હા.’ મેં લખ્યું.

‘ક્યા ડૉક્ટરને?’

‘આ જ શહેરના.’ મેં લખી જણાવ્યું.

‘તેનું નામ શું?’

‘જાણતો નથી.’ મેં લખ્યું.

‘આશરે?’

‘આશરે શું નામ હશે? ચીમનલાલ? મગનલાલ? છગનલાલ?’

‘એ કલ્પનાતીત વિષય છે. ધાર્યા નામ હોતાં નથી. એમ નામ ખબર ના પડે.’

‘એના બાપનું નામ શું?’

‘વિદિત નથી.’

‘કેમ?’

‘ખાસ કારણ છે.’

‘શું?’

‘પ્રશ્નો પૂછીને બીજાને કંટાળો આપવાની મને ટેવ નથી.’

‘એની માનું નામ તો ખબર છે ને?’

‘ના.’

‘એની પ્રેક્ટિસ કેમ ચાલે છે?’

‘સાધારણ.’

‘આજે એને ત્યાં કેટલા દર્દીઓ આવ્યા હતા?’

‘પચાસ.’

‘કાલે તમારા ધારવા પ્રમાણે કેટલા આવશે?’

‘હવે જો એક પણ સવાલ પૂછશે તો તારું ખૂન કરીશ !’ મેં લખેલો કાગળ એને આપ્યો – ના, આપ્યો તો નહિ પણ આપવાનો વિચાર કર્યો ને પછી તરત ફાડી નાખ્યો અને આંખ મીંચીને થોડી વાર સુધી હું પડી રહ્યો. એ રીતે પણ હું શાંતિ ભોગવી ન શક્યો, કારણ કે થોડી વાર રહીને એણે મને પૂછ્યું : ‘હવે કેમ છે?’ ત્યારે મારાથી બોલી દેવાયું: ‘સારું છે.’ પાછી પ્રશ્નોની પરંપરા છૂટી. આખરે કંટાળીને મેં એમને પૂછ્યું :

‘ભદ્રંભદ્રને આગગાડીમાં મળેલા તે તમે જ કે?’

‘ભદ્રંભદ્ર કોણ?’ એમણે પૂછ્યું.

‘અમારા પાડોશીની ગાય. ’ થોડીવાર વિચાર કરીને મેં જવાબ આપ્યો.

‘તે આગગાડીમાં શું કામ ગઈ હતી?’

‘દૂધ વેચવા.’

‘દૂધ વેચવા? કોને વેચવા? તમારો પાડોશી દૂધ વેચે છે? દૂધ કેવું હોય છે?’

આમ એને સંભાળવા માટે અનેક પ્રશ્નો સાંભળવા પડ્યા. પણ તેને લીધે મને એક સરસ યુક્તિ સૂઝી આવી. ત્યાર પછી હંમેશાં દરેક પ્રસંગે ને દરેક સ્થળે મેં એ યુક્તિનું પાલન કરવા માંડ્યું, અને એ યુક્તિમાં હું સંપૂર્ણ રીતે સફળ થયો. એ યુક્તિ કેવી હતી તે નીચેના એક જ દાખલા પરથી સમજાઈ જશે.

મારાં કાકીને પિયેર કોઈનું સમચરી હતું, ત્યાં મારા માનવંત પરોણાને લઈને મારે જમવા જવાનું હતું. જમી રહ્યા પછી અમારા જ્ઞાતિજનો સંબંધી એણે પ્રશ્નો પૂછવા માંડ્યા. ‘પેલા તારી જોડે બેઠા હતા તે કોણ હતા?’

‘મારા કાકાની બકરી.’ મેં જવાબ દીધો ને ક્ષણભર એ દિડ્મૂઢ થઈ ગયા.

‘ને પેલા તમારી સામે હતા તે?’

‘અમારા દાદાનો ઘોડો.’ મેં કહ્યું.

થોડી વાર રહીને એમણે પાછું પૂછ્યું : ‘તે બંને એકબીજા સ્હામે ઘૂરકતા કેમ હતા?’

‘અસલનાં વેર.’ મેં જવાબ દીધો.

‘વેર કેમ થયાં?’

‘રામલાલ હતો –’

‘રામલાલ કોણ?’

‘મારી જોડે બેઠા હતા તેના ફૂઆસસરાના ભત્રિજા-જમાઈના કાકાસસરાનો સાળો.’

‘તેને શંભુલાલ –’

‘શંભુલાલ કોણ?’

‘મારી સામે બેઠા હતા તેના સાસુની નણંદની ભોજાઈના ભાઈની બહેનનો વર.’ ‘એક દહાડો રામલાલને શંભુલાલ રસ્તામાં મળ્યા.’

‘કયા રસ્તામાં?’

‘લાલ પાણીના કૂવા આગળ થઈને જવાય છે ત્યાં. રામલાલ છાપરે ચઢીને શંભુલાલ સામે ભૂંક્યો ને શંભુલાલ કૂવામાં જઈબે રામલાલ સામે ભસ્યો. પછી છગનલાલ, ચીમનલાલ, રમણલાલ, રમાશંકર, મયાશંકર, બોઝ, ટાગોર, વેલ્સ, લૉઈડ –’

‘એ બધા કોણ?’

‘મારી ફોઈના કૂતરાઓ. તે દોડી આવ્યા ને રમણલાલને ગેટ પર લઈ ગયા. પોલિસ તેને પગે કરડ્યો. એટલે રામલાલને ઝેર ચઢવાથી શંભુલાલ મરી ગયો. રામલાલને સારું આણેલું ઘાસ ફોજદાર ખાઈ ગયો. એટલે રામલાલે ફોજદારને ડાફું ભર્યુ. ફોજદારે તેની સ્હામે દાંત કચકચાવ્યા ને સિપાઈએ ચૂડ ભેરવી. પછી જૅક નામના કૂતરાએ મોટા સાણસાથી બંનેને પકડીને એક ઘડામાં પૂરીને આકાશમાં ફેંકી દીધા....’

મારા કાકી હજી એમ જ માને છે કે શહેર છોડીને પાછા એ પોતાને ગામ ગયા તેમાં બધો વાંક મારો જ છે !
 [પાછળ]     [ટોચ]