[પાછળ]
મારી વ્યાયામસાધના

લેખકઃ જ્યોતીન્દ્ર દવે

હીંના એક અખાડાના સ્નેહસંમેલન અંગે મને મુખ્ય મહેમાન તરીકે નિમંત્રણ મળ્યું હતું. અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યા છે, પણ આ તો મુખ્ય મહેમાન તરીકે જવાનું હતું અને તે પણ સ્નેહસંમેલન અંગે, એટલે મેં નિમંત્રણનો સહર્ષ સ્વીકાર્ય કર્યો. આ જાતનાં સંમેલનોમાં મુખ્ય મહેમાનનું મુખ્ય કર્તવ્ય ભાષણ કરવાનું હોય છે, તે પ્રમાણે મેં પણ ત્યાં જઈને ભાષણ કર્યુ. એ વિષય પર બોલવાની મારી યોગ્યતા વિષે ઉલ્લેખ કરીને, પછી હું અખાડાની પ્રવૃત્તિ ને વ્યાયામ વિષે બોલ્યો. અંતમાં મારો ઉપકાર માનવા માટે અખાડાના સંચાલક, પહેલવાન જેવા લાગતા એક ભાઈ ઊભા થયા.

એમના બોલવા પરથી એમણે શરીરને જેટલું કસ્યું હતું, તેટલી જીભને કસી નહોતી એમ દેખાઈ આવ્યું. કસરત એમને કરતાં આવડતી પણ એ વિષે બોલતાં બહુ ફાવતું હોય એમ લાગ્યું નહિ. એમણે મારા માટે થોડાંક સ્તુતિવચનો કહીને પછી ઉમેર્યું, ‘અમારા કેટલાક ભાઈઓને લાગતું’તું કે કોઈ કસરતબાજને મહેમાન તરીકે બોલાવવા, પણ અમે આ ભાઈના પર પસંદગી ઉતારી. એમણે આવીને અમને મજા કરાવી. પણ એમનું શરીર જોઈને અમને દયા આવે છે. એમણે નાનપણમાં જો કસરત કરી હોત, તો એ પણ મારા જેવા મજબૂત અને સંગીન બનત.

મારી બાબતમાં બીજા ઘણા ભ્રમો પ્રવર્તે છે, તેમાં એક આ પણ છે કે મેં કોઈ દહાડો કસરત કરી નથી, વ્યાયામનો હું વિરોધ કરતો આવ્યો છું. અખાડે હું કદી પણ ગયો નથી. શરીર બળવાન બનવાની બાબતમાં હું હંમેશાં બેદરકાર ને બેપરવા રહ્યો છું.

હું કબૂલ કરું છું કે મહેનત કરવી મને ગમતી નથી. નાનપણથી જ એ દુર્ગુણ મારામાં દાખલ થઈ ગયો છે. હજીયે એ ગયો નથી, જાય એવો સંભવ પણ દેખાતો નથી. પરસેવો પાડીને રોટલો રળવાનો સિદ્ધાંત મોઢેથી કદાચ મેં માન્ય રાખ્યો હશે, પણ હૃદયપૂર્વક હું કદી એનો સ્વીકાર કરી શક્યો નથી. તાવ આવ્યો હોય ત્યારે પરસેવો થાય ને હવે તાવ ઊતરી જશે, એવા અનુભવને આધારે થયેલી પ્રતીતિને કારણે મને પરસેવો આવકાર પાત્ર લાગે છે. બાકી બીજી કોઈ પણ અવસ્થામાં પરસેવાને હું આવકારયોગ્ય ગણી શકતો નથી.

આમ છતાં કસરત પ્રત્યે મેં કદી વાંધો લીધો નથી. વ્યાયામ કરવાથી શરીર સુધરે છે, એ બીજાઓના દાખલા પરથી હું સમજી શક્યો છું. અને તે પરથી મારે વ્યાયામની સાધના કરવી જોઈએ એમ એક નહિ, અનેક વેળા મને લાગ્યું છે. પોતાના શરીરને સુધારવાનો પ્રત્યેક માણસનો ધર્મ છે, એ વિષે મને કદી પણ સંશય થયો નથી. બીજા કરતાં મારે એવી જરૂર ઘણી વધારે છે, એમ ઘણાઓએ મને ઠોકી ઠોકીને કહ્યું ન હોત, તો પણ હું જાણી શકત.

હું પહેલવાન નથી, એ દિશામાં આગળ વધવા માટે મેં પ્રયત્ન પણ નથી કર્યા પણ અમારા છગનકાકા કહેતા કે, ભલે પરણ્યો નથી, પણ જાનમાં ગયો હોઈશ ને? તેમ હું પણ પહેલવાન ભલે નહિ હોઉં, પણ મેં પહેલવાનો જોયા છે. એમને વ્યાયામની સાધના કરતા પણ જોયા છે. કેટલાકના તો હું પરિચયમાં પણ આવ્યો છું. મારા જેવાએ કેવી જાતની કસરત કરવી જોઈએ તેમનું જ્ઞાન એમના તરફથી મને પ્રાપ્ત થયું છે. અને એ જ્ઞાન થયા પછી તેને આચરણમાં મૂકવા સારું મેં પ્રયત્નો પણ કર્યા છે.

નાનપણમાં મને વ્યાયામનું મહત્વ સમજાયું નહોતું, પરંતુ એ મહત્વ સમજે એવા મારા વડીલ હતા અને એમણે મને અખાડે જઈને કસરત કરવા આગ્રહ પણ કર્યો હતો. તે વેળા સુરતમાં ચાર પાંચ સારા અખાડા હતા. એમાંના એક અખાડાના ઉસ્તાદ મારા વડીલના ઓળખીતા હતા. એમણે જાતે અમારે ત્યાં આવીને મારા વડીલને મને અખાડે મોકલવા માટે સૂચન કર્યું અને મને પૂછ્યા વિના મારા વડીલે એમની વાતનો સ્વીકાર પણ કરી લીધો.

“અલ્યા એઈ, કાલથી તારે જમનાવેણીના અખાડે જવાનું છે.” મારા વડીલે મને કહ્યું.

“પણ એ અખાડો ક્યાં આવ્યો છે, તે હું જાણતો નથી.” મેં કહ્યું.

“આપણી પાડોશમાંના ગંગારામના છોકરા જાય છે તેની જોડે જજે.”

“પણ ત્યાં જઈને મારે કરવાનું શું?”

“દંડ ને બેઠક.”

“દંડ ને બેઠક તે શું હું જાણતો નથી.”

“તને ઉસ્તાદ શીખવશે.”

“પણ ક્યાં સુધી એ કરવાનું?”

“પરસેવો થાય ત્યાં સુધી. પરસેવો પાડતાં નહિ શીખો તો માયકાંગલા રહી જશો.”

બીજે દડાડે વડીલની આજ્ઞાને માન આપીને હું ગંગારામના સુપુત્રો સાથે અખાડે ગયો.

“આવી પહોંચ્યો? ચાલ સારું થયું. બેસ અહીંયાં.” કહીને ઉસ્તાદે મને બોલાવીને એમની પાસે બેસાડ્યો પછી પૂછ્યું, “લંગોટ બંગોટ લાવ્યો છે કે નહિ?”

“ના,” મેં કહ્યું.

“કાલથી લેતો આવજે,” કહીને એમણે મને ખમીસ કાઢીને ધોતિયાનો કછોટો મારવાનું કહ્યું. એમની આજ્ઞા અનુસાર એક્વસન બની હું તૈયાર થયો.

“બોલ હવે શું કરવું છે?”

“અખાડામાં છેલ્લે શું કરવાનું હોય?”

“કુસ્તી”

“તો મારે કુસ્તી કરવી છે.” મારો જવાબ સાંભળી ઉત્સાદને આશ્ચર્ય થયું, “કુસ્તી ! અત્યારથી કુસ્તી ના હોય. કુસ્તી તો છેક છેલ્લે આવે.”

“પણ મારે તો કુસ્તી જ કરવી છે.” મેં મારો આગ્રહ જારી રાખ્યો.

“પણ તારું શરીર તો જો. આ શરીરે તું કુસ્તી કરી શકશે?”

“કરીશ. તમે શીખવજો.”

“પહેલાં દંડ બેઠક – મલખમ કર ને શરીરને તૈયાર બનાવ. પછી કુસ્તીનો વારો આવશે.”

“ના, મારે તો કુસ્તી જ કરવી છે.”

“ઠીક ત્યારે કુસ્તીના કોડ પૂરા કર.” એમ કહીને એમણે બૂમ મારી, “અરે નંદુ! જરા આમ આવ તો.”

અમે બેઠા હતા ત્યાંથી જરાક દૂર એક લંબચોરસ ને ત્રણેક ફૂટ ઊંડો ખાડો હતો. એમાં મારા કરતાં કંઈક મોટી ઉંમરનો એક છોકરો પાવડા વડે ધૂળ ખોદતો હતો. એ બૂમ સાંભળીને તે પાવડો પડતો મૂકી કૂદકો મારીને આવી પહોંચ્યો ને “જી” કહીને હાંફતો હાંફતો ઊભો રહ્યો. પરસેવા ને ધૂળના મિશ્રણ વડે એના શરીરનો રંગ હતો તેથીયે વધારે કાળો ને કંઈક ચળકતો પણ લાગતો હતો. મને બતાવીને ઉસ્તાદે એને કહ્યું, “જો આને જરા દાવપેચ શીખવ.” “જી” કહીને એ સીસમરંગી છોકરાએ મારા સામે જોયું. આશ્ચર્ય ને તિરસ્કારની મિશ્રિત લાગણીથી એણે મારા આખા શરીર પર નજર ફેરવી લીધી ને પછી કહ્યું, “ચાલો અખાડામાં.”

અખાડામાં તો હું હતો જ. હવે અખાડામાંથી બીજા કયા અખાડામાં જવાનું છે તે ન સમજાયાથી, હું એના ને ઉસ્તાદના સામું વારાફરતી જોઈ રહ્યો.

“જાઓ બચ્ચા! ઊતરો અખાડામાં. બજરંગ બલીની જે!” ઉસ્તાદે કહ્યું. “ચાલો,” કહીને પેલા છોકરાએ મને ખેંચીને મને અખાડામાં ઉતાર્યો.

“આ અખાડો?” મેં પૂછ્યું.

મારા અગાધ અજ્ઞાનથી આશ્ચર્ય પામી આંખો પહોળી કરીને એણે પ્રતિ પ્રશ્ન કર્યો, “અખાડો નહીં તો બીજું શું?”

ખાડાને આ લોકો અખાડો કહેતા હશે એવી કલ્પના પણ મને શી રીતે આવે ?

“ચાલો થાવ તૈયાર.” સીસમરંગી બોલ્યો ને પછી જરાક દૂર ખસી બંને જાંઘ પર બે હાથ વડે પ્રહાર કરી, બે ઘન ને નક્કર પદાર્થો અથડાયા હોય એવો અવાજ કર્યો.

આને તૈયારી કહેવાતી હશે એમ ધારી મેં પણ અનુકરણ કરી, બે હાથ વડે મારી જાંઘ પર મેં પ્રહાર કયો. ખાસ અવાજ થયો નહિ. એણે જમણા હાથને કોણી આગળથી ખભા તરફ વાળીને, ડાબા હાથ વડે સૂજી આવીને ગઠ્ઠા જેવા થઈ ગયેલા ભાગને દબાવીને કહ્યું, “જોયો આ ગોટલો?”

મેં પણ મારા જમણા હાથને કોણી આગળથી ખભા તરફ વળ્યો ને પછી એના જેવો ગોટલો જમણા હાથ પર ઊપસી આવ્યો છે કે નહિ તે જોયું. પણ જે ભાગ જરાક ઊપસી આવ્યો હતો તે ગોટલા જેવો નહિ પરંતુ પાકી કેરી જેવો હતો. છતાં મેં પણ, આ પણ તૈયાર થવાની ક્રિયાનો જે કોઈ ભાગ હશે એમ માની કહ્યું, “જોયો આ ગોટલો?”

એકાએક એ હસી પડ્યો.

હું યે હસ્યો – એ પણ તૈયારીની વિધિ હશે એમ માનીને.

“હસો છો શું? ચાલો, આવી જાઓ, હોંશિયાર! ખબરદાર!” એમ કહીને એ મારા તરફ ધસી આવ્યો ને મારી બોચી પર બળપૂર્વક હાથ હાથ વડે ઘસરકો માર્યો. મને લાગ્યું કે મારું ડોકું ધડથી છૂટું પડી ગયું. પવનનો ઝપાટો આવે ને દીવો હોલવાઈ જાય તેમ એકાએક મારું જ્ઞાન વિલુપ્ત થઈ ગયું. એ ફરી પાછું જાગૃત થાય તે પહેલાં તો એણે મારા પગ પર ખૂબ જોરથી ટાંગ મારી. ઉપર ને નીચે એમ બેવડો આઘાત સહન ન થવાથી મારું શરીર પડી ગયું. કારણ કે હું તો ક્યારનો પડી – ઊપડી ગયો હતો. બોચી પર થયેલા પ્રથમ પ્રહારે જ મારું અહંભાવનું જ્ઞાન જતું રહ્યું હતું. પણ શરીર પડ્યું તેની સાથે જ એ હું પણાનું ભાન જાગૃત થઈ ગયું ને હું ઊભો થઈ ગયો.

“આમ એકાએક મારામારી પર ઊતરી પડીને તમે કરવા શું માંગો છો?” મેં એને કહ્યું.

“ચીત.” એણે કહ્યું.

“વાતચીત?” મેં પૂછ્યું, “પણ એમાં મારામારી કરવાની શી જરૂર છે?”

“વાતચીત નહિ ચીત !”

“એટલે?”

“એટલે મારે તમને ચત્તા નાખી દેવા છે.”

“ઓહ ! એમ? ત્યારે એમ કહેતા કેમ નથી?”

“કહી બતાવે એ બીજા, હું તો કરી બતાવું છું.” એમ કહીને એ જરા દૂર હઠી ફરીથી જંઘા ઠોકી મારી સામે ઘસી આવ્યો. પણ એ મને સ્પર્શ કરે એ પહેલાં હું આસ્તેથી ચત્તો સૂઈ ગયો.

“આ શું?” નવાઈ પામીને એણે પ્રશ્ન કર્યો.

“ચીત !” મેં જવાબ દીધો.

“એમ ન ચાલે. ચાલો ઊભા થઈ જાઓ.” એણે કહ્યું.

હું ઊભો થયો, એ પાછો જરા દૂર રહ્યો ને પેંતરો ભરતો મારી તરફ ધસી આવ્યો. ફરીથી હું એ મને અડકી શકે તે પહેલાં, સમાલીને મને લાગે નહિ એ રીતે, ચત્તો સૂઈ ગયો.

“આ શું કરો છો?!”

“કુસ્તી.”

“આનું નામ કુસ્તી ન કહેવાય. હું તમને અડકું તે પહેલાં સૂઈ કેમ જાઓ છો?”

“તમે મને ચીત કરવા માગો છો. ખરું ને?”

“હા,”

“તો તમારી ઈચ્છાને માન આપીને હું ચીત થઈ જાઉં છું.”

“પણ મારે તમને ચીત કરવાના છે, તમારી મેળે તમારે ચીત થવાનું નથી.”

“આમ મારે ચીત થવાનું જ છે, તમે મને મારીને ઈજા કરીને ચીત કરો, તે કરતાં હું મારી મેળે સમજીને ચીત થઈ જાઉં, એમાં મને વધારે સલામતી લાગે છે.”

“પણ એ કુસ્તી ન કહેવાય. મને આમાં કંઈ મજા નથી આવતી.”

“મને આવે છે.”

“હું તમને દાવ નહીં શીખવું.”

“ઉસ્તાદે હુકમ કર્યો છે, તમે એમના હુકમ પ્રમાણે નહિ કરો તો મારે ફરિયાદ કરવી પડશે.”

“પણ આમાં મને કંઈ સમજ પડતી નથી. તમે કોઈ બીજા કને શીખો.”

“એમ કેમ થાય? ઉસ્તાદે તમને કહ્યું છે.”

“પણ મને આમ ન ફાવે, મને જવા દો.”

“એક શરતે જવા દઉં, તમે કબૂલ કરો કે હું હાર્યો.”

“હું હાર્યો એમ કબૂલ કરું? તમારાથી હારી ગયો એમ?”

“કબૂલ ન કરવું હોય તો ફરી આવી જાઓ. હું તૈયાર છું.”

“ભલે કબૂલ કરું છું.” પછી એને લઈને હું ઉસ્તાદ પાસે ગયો.

ઉસ્તાદે મને પૂછ્યું, “કેમ કરી કુસ્તી?”

“હા, જી. આ હારી ગયા.” મેં કહ્યું.

“શું ! ખૂબ નવાઈ પામીને ઉસ્તાદે પૂછ્યું ને પછી પેલા તરફ જોઈને કહ્યું, “આ શું કહે છે? તું હારી ગયો આનાથી?”

“હા, જી. ઊતરેલે ચહેરે એણે જવાબ દીધો.

“તું દાવપેચ જાણે છે?” ઉસ્તાદે મને પૂછ્યું.

“આપની મહેરબાની છે. મેં જવાબ દીધો ને બહુ જ ધીરેથી મનમાં બોલ્યો, “એ શરીરના દાવપેચ જાણતો હશે તો હું મગજના જાણું છું.”

અખાડેથી વિજય મેળવી હું ઘરે પાછો ફર્યો, ત્યારે મારા વડીલે પૂછ્યું, “અખાડે જઈ આવ્યો? શું કર્યું?”

“કુસ્તી” મેં જવાબ દીધો.

“કુસ્તી? શરૂઆતથી જ કુસ્તી! કુસ્તી હમણાં નહીં કરવાની. હમણાં તો દંડ બેઠક કરવાનાં. કાલથી દંડ બેઠક કરજે.”

બીજે દહાડે અખાડે જઈને મેં ઉસ્તાદને કહ્યું, “મને ઘરેથી દંડ બેઠક કરવાનું કહ્યું છે.”

“તો કરવા માંડ. એ જ બરાબર છે. દાવપેચ પણ તને આવડે છે એટલે દંડ બેઠક તો આવડતાં જ હશે.”

“હાથમાં દંડ લઈને બેઠક પર શાંતિથી બેસી રહેવાનું એ જ ને? એ મને આવડશે, પણ હું દંડ લાવ્યો નથી.”

ઉસ્તાદને પહેલાં તો લાગ્યું કે હું એમની મજાક કરું છું, પણ મારા મુખ સામું જોતાં એવો કોઈ ભાવ એમને જણાયો નહિ એટલે એમણે કહ્યું, “અલ્યા ! તને તો કંઈ જ ખબર નથી. પહેલાં પેલા લોકો દંડ ને બેઠક કરે છે તે બરાબર જોઈ લે. પછી કોઈકને તને શીખવવાનું કહીશ.” એમ કહીને એમણે મને કેટલાક જણા દંડ પીલતા હતા ને બીજા કેટલાક બેઠક કરતા હતા, તેની પાસે જઈ બરાબર નિરીક્ષણ કરવાનું કહ્યું.

જે ભાઈઓ દંડ પીલતા હતા એમની પાસે જઈને હું ઊભો રહ્યો. ભાનમાં હોય તો એવો કોઈ પણ માણસ ન કરે એવી ક્રિયા એ કરતા હતા. બંને હાથની હથેલી અને પગના અંગૂઠા વડે જમીનનો ટેકો લઈને, ઊંધે મોંએ ઊંચા થઈને પછી જરા નીચા વળી, બંને હાથની વચમાંની જગામાંથી ડોકું લાંબું કરી ને બહાર કાઢી, વળી પાછા ઊંચા થઈને એની એ ક્રિયા કરતા એ માણસોને જોઈને, એ કરવા શું માગે છે તે મારાથી સમજી ન શકાયું. એ લોકો આ અક્કલ વગરની ક્રિયામાંથી પરવારીને ઊભા થશે ત્યારે પૂછી જોઈશ, એમ વિચાર કરીને હું બેઠક કરતા હતા તેમની બાજુએ ગયો. એ લોકો જે કરતા હતા, તે ક્રિયાને બેઠક શા માટે કહેતા હશે તે સમજાયું નહિ. એ એકલી બેઠક નહોતી; બેઠક – ઊઠક બંને હતાં. ઊભો રહેલો “બેસું” “ન બેસું” એનો નિશ્ચય કરી શકતો ન હોય તેથી, કે કમરનાં હાડકાંને તથા કરોડરજ્જુમાં કંઈક વાંધો હોય તેથી, સામાન્ય માણસની પેઠે તરત ન બેસી જતાં ઊભાં ઊભાં જ ધીમે ધીમે બેસવાનો યત્ન કરતો હતો. એમ કરતાં એને ખૂબ મહેનત પડતી હતી, તે એના તંગ થઈ ગયેલા મુખના ને ઈતર સ્નાયુ પરથી દેખાતું હતું. પણ ઘણી મહેનત પછી એ ક્રિયા એ પૂરી કરતો, ત્યાં તો એનો વિચાર ફરી જતો અને જમીન પર બરાબર બેસી જવાને બદલે, પાછો એ જ રીતે કષ્ટાતો – અમળાતો એ ઊભો થવાનો પ્રયત્ન કરતો. બરાબર ઊભા થઈ ગયા પછી એ ફરી પાછો એનો વિચાર બદલાઈ જતો ને બેસવું જ ઠીક છે એમ એને લાગતું. આ જે દંડ ને બેઠક જે કહેવાય છે તે કરનારા માણસોનાં શરીર મજબૂત છે, પણ મન ચંચળ ને નિર્બળ છે એમ મને લાગ્યું. એમને આમ ખૂબ પરિશ્રમ કરતા હું થોડી વાર સુધી જોઈ રહ્યો અને મને પરસેવો થઈ ગયો !

પરસેવો થયો એટલે હું ઘેર પાછો ફર્યો. મારા વડીલે મને પૂછ્યું, “દંડ-બેઠક કર્યા?”

“હા, દંડ-બેઠક કર્યાં,” મેં કહ્યું. હું અસત્ય નહોતો બોલ્યો. વાક્યમાં કર્તા અધ્યાહાર હતો. કોણે કર્યાં એ મેં નહોતું કહ્યું. અને એમાં કહેવા જેવું પણ શું હતું? હું કરું કે બીજો કોઈ કરે. “હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે.” એ નરસિંહ વાક્યને સ્મરીને મેં કર્તૃત્વનું અભિમાન ધારણ કર્યા વિના માત્ર દંડ-બેઠક કર્યાં એટલું કહ્યું.

“કેટલા કર્યાં – ક્યાં સુધી કર્યાં? વડીલે બીજો પ્રશ્ન પૂછ્યો.

“પરસેવો થાય ત્યાં સુધી.”

આ પ્રમાણે મેં વ્યાયામસાધનાનો આરંભ કર્યો અને વચ્ચે એમાં લાંબા વખત સુધી વિક્ષેપ આવ્યો. વળી પાછાં પંદરેક વર્ષ રહીને મેં એ સાધના આગળ ચલાવી. પણ એનું નોંધવા જેવું કોઈ પરિણામ આવ્યું નહિ.
[પાછળ]     [ટોચ]