[પાછળ]
ધીમે ધીમે ઢાળ ઊતરતી          
          ટેકરીઓની સાખે        
           તમને ફૂલ દીધાંનું યાદ

(રમેશ પારેખની તા. ૨૭-૯-૧૯૬૮ના રોજ લખાયેલી મૂળ કવિતા)

ધીમે ધીમે ઢાળ ઊતરતી
ટેકરીઓની સાખે
તમને ફૂલ દીધાંનું યાદ

સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં
તરતા ખેતરશેઢે સોનલ તમને ફૂલ દીધાંનું યાદ

અમે તમારી ટગરફૂલ-શી આંખે
ઝૂલ્યાં ટગર ટગર તે યાદ

અમારી બરછટ બરછટ હથેળીઓને
તમે ટેરવાં ભરી કેટલી વાર પીધાંનું યાદ

તમારી નાજુક નાજુક હથેળીઓને
અમે ટેરવાં ભરી કેટલી વાર પીધાંનું યાદ

તમને ફૂલ દીધાંનું યાદ

અડખેપડખેનાં ખેતરમાં
ચાસ પાડતાં હળ મારી આંખોમાં તરતાં

એકલ-દોકલ કોઈ ઉછળતું સસલું દોડી જતાં
ઝાંખરાં પરથી પર્ણો ખરતાં

તરે પવનના લયમાં સમડી
તેના છાયા છૂટાછવાયા ફાળ ઘાસમાં ભરતાં

તમને ફૂલ દીધાંનું યાદ

ડાળ ઉપર ટાંગેલી ઠીબનું
નાનું સરખું બપોર ઊડી
એક સામટું પાંખ વીંઝતું હવા જેવડું થાય

ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં
સવાર પીતું નીલરંગનું પંખી જોઈ
ઝાડ ભૂલ્યાંનું યાદ

ધીમે ધીમે ઢાળ ઊતરતી
ટેકરીઓની સાખે
તમને ફૂલ દીધાનું યાદ

ક્લીક કરો અને સાંભળો
અનિલ ધોળકીયા અને સોનલ રાવલના
સ્વરમાં આ રમતિયાળ કવિતા
*   *   *   *   *   *   *

(રમેશ પારેખે પોતાની એ જ વિખ્યાત
કવિતાને પાછળથી આપેલો ગીતનો દેહ)

ધીમે ધીમે ઢાળ ઊતરતી              
          ટેકરીઓની સાખે        
               તમને ફૂલ દીધાંનું યાદ

કેડસમાણી લીલોતરીમાં ખૂલ્લાં ખેતર તરતાં
સોનલ તમને ફૂલ દીધાના અવસરથી નીતરતાં
તમે અમારી હથેળીઓ ભેંકાર કેટલી વાર ટેરવાં
                  ભરી પીધાંનું યાદ

ખેતરમાં આ અડખપડખનાં હળ આંખોમાં ફરતાં
એકલ દોકલ સસલું દોડી જતું પાંદડાં ખરતાં
સમળીના પડછાયા છૂટી ફાળ ઘાસમાં ભરતાં
અમે તમારી ટગરફૂલ શી ટગર ટગરતી આંખે
              જિયલ ઝૂલા ઝૂલ્યાંનું યાદ

ડાળ ઉપર એક ઠીબ ઠીબથી બપોર ફંગોળાય
પાંખ વીંઝતું પાંખ વીંઝતું હવા જેવડું થાય
સવાર પંખીનો પડછાયો  ઠીબ વિશે તરડાય
ઠીબમાં ઝૂકી સવાર પીતું નીલરંગનું પંખી જોઈ
                  ઝાડ ભૂલ્યાંનું યાદ

ધીમે ધીમે ઢાળ ઊતરતી              
          ટેકરીઓની સાખે        
               તમને ફૂલ દીધાંનું યાદ

-રમેશ પારેખ
[પાછળ]     [ટોચ]