[પાછળ]
હરિનો મારગ છે શૂરાનો

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને.

સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે  મોતી  લેવા, માંહી  પડ્યા મરજીવા  જોને.

મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા  જુએ  તમાસો, તે  કોડી  નવ પામે જોને.

પ્રેમપંથ  પાવકની  જ્વાળા, ભાળી  પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.

માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.

રામ-અમલમાં  રાતામાતા પૂરા  પ્રેમી  પરખે  જોને;
પ્રીતમના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને.
- પ્રીતમદાસ

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]