કેવડિયાનો કાંટો અમને
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.
બાવળિયાની શૂળ હોય તો
ખણી કાઢીએ મૂળ,
કેરથોરના કાંટા અમને
કાંકરિયાળી ધૂળ;
આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.
તાવ હોય જો કડો ટાઢિયો
કવાથ કુલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
ભૂવો કરી મંતરીએ;
રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.
- રાજેન્દ્ર શાહ
નોંધઃ આ કવિતા એક ગીત તરીકે સ્વર સાથે
ગીતગુંજન વિભાગમાં ક્રમાંક ૨૪૫ પર પણ અપાઈ છે.
|