[પાછળ]
શ્યામ રંગ સમીપે ન જાવું

શ્યામ  રંગ સમીપે  ન જાવું 
મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું

જેમાં કાળાશ તે તો સૌ એકસરખું
સર્વમાં  કપટ  હશે   આવું
કસ્તૂરી કેરી બિંદી તો કરું નહીં
કાજળ  ના  આંખમાં  અંજાવું
મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું

કોકિલાનો શબ્દ હું સૂણું નહીં કાને
કાગવાણી  શકુનમાં  ન  લાવું
નીલાંબર કાળી કંચૂકી ન પહેરું
જમનાનાં  નીરમાં  ન  ન્હાવું
મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું

મરકતમણિ ને મેઘ દૃષ્ટે ના જોવા
જાંબુ   વંત્યાક   ના    ખાવું
દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો
મન કહે જે  પલક  ના  નિભાવું
મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું
-દયારામ

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]