[પાછળ] છપ્પા તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં તીરથ ફરી ફરી થાકયા ચરણ, તોય ન પોહોંચ્યાં હરિને શરણ કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત આંધળો સસરો ને શણગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યા સહુ કહ્યું કંઈ ને સમજ્યું કંઈ, આંખનું કાજળ ગાલે ઘસ્યું ઊંડો કુવો ને ફાટી બોક, શિખ્યું સાંભળ્યું સર્વે ફોક જો જો રે મોટાના બોલ, ઊજડ ખેડે બાજ્યું ઢોલ અંધ અંધ અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા ન થાયે ઘેંસ ને ન થાય ઘાણી, કહે અખો એ વાતો અમે જાણી દેહાભિમાન હૂતો પાશેર, તે વિદ્યા ભણતાં વધ્યો શેર ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય સસાશીંગનું વહાણ જ કર્યું, મૃગતૃષ્ણામાં જઈને તર્યું વંધ્યાસુત બે વા’ણે ચઢ્યા, ખ પુષ્પ વસાણાં ભર્યાં જેવી શેખસલીની ચાલી કથા, અખા હમણાં ને આગળ એવા હતા જ્યાં જોઈએ ત્યાં કૂડેકૂડ; સામાસામી બેઠા ઘૂડ કો આવી વાત સૂર્યની કરે, તે આગળ લેઈ ચાંચ જ ધરે અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવા ડાહ્યા બાળક ક્યાંથી થયા? અખા મોટાની તો એવી જાણ, મૂકી હીરો ઉપાડે પહાણ ગુરુ કીધા મેં ગોકુળનાથ, નગુરા મનને ઘાલી નાથ મન મનાવી સગુરો થયો, પણ વિચાર તો નગુરાનો જ રહ્યો ધન લે ને ધોકો નવ હરે, એ ગુરુ કલ્યાણ શું કરે! - અખો [પાછળ] [ટોચ] |