[પાછળ]
ચિત્ત તું શીદને ચિંતા ધરે
 
ચિત્ત તું શીદને ચિંતા ધરે?
કૃષ્ણને કરવું  હોય તે કરે!

સ્થાવર જંગમ જડ  ચેતનમાં  માયાનું બળ ઠરે;
સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે
કૃષ્ણને કરવું  હોય તે કરે!

નવ માસ પ્રાણી શ્રીકૃષ્ણનું, ધ્યાન ગર્ભમાં  ધરે;
માયાનું આવરણ  કર્યું ત્યારે, લખ ચોરાશી ફરે
કૃષ્ણને કરવું  હોય તે કરે!

તું  અંતર  ઉદ્વેગ  ધરે, તેથી  કારજ શું સરે?
ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે
કૃષ્ણને કરવું  હોય તે કરે!

દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
જેવો  જંત્ર  બજાવે  જંત્રી  તેવો  સ્વર નીસરે
કૃષ્ણને કરવું  હોય તે કરે!

થનાર  વસ્તુ  થયા કરે, જ્યમ  શ્રીફળ પાણી  ભરે;
જનાર વસ્તુ એણી પેરે જાશે, જ્યમ ગજ કોળું ગળે
કૃષ્ણને કરવું  હોય તે કરે!

જેનું  જેટલું  જે  જ્યમ  કાળે, તે તેને કર ઠરે;
એમાં ફેર પડે નહીં કોઈથી, શીદ કુંટાઈ તું મરે
કૃષ્ણને કરવું  હોય તે કરે!

તારું ધાર્યું થાતું હોય તો, સુખ સંચે દુઃખ હરે;
આપ તણું  અજ્ઞાનપણુ એ, મૂળ  વિચારે ખરે
કૃષ્ણને કરવું  હોય તે કરે!

થાવાનું અણચિંતવ્યું  થાશે, ઉપનિષદ ઓચરે;
રાખ  ભરોસો રાધાવરનો, દયા શીદને  ડરે?
કૃષ્ણને કરવું  હોય તે કરે!
-દયારામ 
ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]