સહસ્રલિંગ તળાવ પરથી દેખાવ
(રોળા વૃત)
અહીંયા સહસ્રલિંગ તળાવ વિશાળ હૂતું
અહીંયા પાટણ જૂનું અહીં આ લાંબું સૂતું
અહીંયા રાણીવાવ તણાં આ હાડ પડેલાં
મોટા આ અહીં બુરજ મળ્યા માટીના ભેળા
એમ દઈ દઈ નામ કરવી રહી વાતો હાવાં
પાટણપુરી પુરાણ! હાલ તુજ હાલ જ આવાં
ગુજરાતનો પૂત રહી ઊભો આ સ્થળમાં
કોણ એહવો જેહ નયન ભીંજ્યાં નહિ જળમાં?
જળ નિર્મળ લઈ વહે કુમારી સરિતા પેલી
નાસે પાસે ધસે લાડતી લાજે ઘેલી
ઈશ્વર કરુણા ખરે! વહી આ નદી સ્વરૂપે
સ્મિત કરી પ્રીતિ ભરે ભરે આલિંગન તુંયે
તુંયે પાટણ! દયા ધરતીને એ સૂચવતી
ભલે કાળની ગતિ મનુજ કૃતિને બૂઝવતી
તૂજ પ્રેમસરિતા પૂર વહ્યું જાશે અણખૂટ્યું
છો ધન વિભવ લૂંટાય ઝરણ મુજ જાય ન લૂંટ્યું
તોડી પર્વતશૃંગ મનુજ મદભરિયો મા’લે
જાણે નિજ કૃતિ અમર ગળે કાળ જ તે કાળે
ને મુજ તનડું ઘડ્યું કોમળ પાણીપોચું
તે તો તેમનું તેમ રહે યુગ અનંત પોંચું
- નરસિંહરાવ દિવેટિયા |