[પાછળ]

ન જાણ્યું જાનકીનાથે થવાનું ન થવાનું કહે નજૂમી કોણ એવો છે? ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનુ છે! હતો લંકેશ બહુબળિયો થયો બેહાલ ના જાણ્યું જગત સૌ દાખલા આપે સવારે શું થવાનું છે જુઓ પાંડવ અને કૌરવ બહુબળિયા ગણાયા છે ન જાણ્યું ભીષ્મ જેવાએ સવારે શું થવાનું છે થઈ રાજા રમ્યા જૂગટું ગુમાવ્યું પત્ની સૌ સાથે ન જાણ્યું ધર્મ રાજાએ સવારે શું થવાનું છે અરે થઈ નારી શલ્યા તે કહો શું વાત છાની છે જણાયું તે ન ગૌતમથી સવારે શું થવાનું છે સ્વરૂપે મોહિની દેખી સહુ જન દોડતાં ભાસે ભૂલ્યા યોગી થઈ ભોળા સવારે શું થવાનું છે હજારો હાય નાખે છે હજારો મોજમાં મશગૂલ હજારો શોચમાં છે કે અમારું શું થવાનું છે થવાનું તે થવા દેજે બાલ મનમસ્ત થઈ રહેજે ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનુ છે - બાલાશંકર કંથારિયા
[પાછળ]     [ટોચ]