ઓ હૃદય તેં પણ ભલા
ઓ હૃદય તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને
જે નથી મારાં બન્યાં એનો બનાવ્યો છે મને
સાથ આપો કે ન આપો એ ખુશી છે આપની
આપનો ઉપકાર મારગ તો બતાવ્યો છે મને
મારા દુઃખના કાળમાં એને કરું છું યાદ હું
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને
હોત દરિયો તો હું તરવાની ય તક પામી શકત
શું કરું કે ઝાંઝવાંઓએ ડુબાવ્યો છે મને
કાંઈ નહોતું એ છતાં સૌએ મને લૂંટી ગયાં
કાંઈ નહોતું એટલે મેં પણ લુંટાવ્યો છે મને
આમ તો હાલત અમારા બેયની સરખી જ છે
મેં ગુમાવ્યાં એમ એણે પણ ગુમાવ્યો છે મને
એ બધાંના નામ લઈ મારે નથી થાવું ખરાબ
સારા સારા માનવીઓએ ફસાવ્યો છે મને
આ બધાં બેફામ જે આજે રડે છે મોત પર
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને
-બરકત વિરાણી ‘બેફામ’
ક્લીક કરો અને સાંભળોઃ
|