[પાછળ]

છેલ્લો કટોરો ઝેરનો (ગોળમેજી પરિષદમાં જતી વખતે) છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું ધૂર્તો દગલબાજો થકી પડિયું પનારું શત્રુ તણે ખોળે ઢળી સુખથી સુનારું આ આખરી ઓશિકડે શિર સોંપવું બાપુ કાપે ગર્દન ભલે રિપુ મન માપવું બાપુ છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ સુર અસુરના આ નવયુગી ઉદધિ વલોણે શી છે ગતાગમ રત્નના કામી જનોને તું વિના શંભુ કોણ પીશે ઝેર દોણે હૈયા લગી ગળવા ઝટ જાઓ રે બાપુ ઓ સૌમ્ય-રૌદ્ર કરાલ-કોમલ જાઓ રે બાપુ છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ જગ મારશે મેંણા ન આવ્યો આત્મજ્ઞાની ના'વ્યો ગુમાની પોલ પોતાની પિછાની જગપ્રેમી જોયો દાઝ દુનિયાની ન જાણી આજાર માનવજાત આકુળ થઈ રહી બાપુ તારી તબીબી કાજ એ તલખી રહી બાપુ છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ જા બાપ માતેલ આખલાને નાથવાને જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને જા સાત સાગર પાર સેતુ બાંધવાને ઘનઘોર વનની વાટને અજવાળતો બાપુ વિકરાળ કેસરિયાળને પંપાળતો બાપુ ચાલ્યો જજે તુજ ભોમિયો ભગવાન છે બાપુ છેલ્લો કટોરો ઝેરનો પી આવજે બાપુ - ઝવેરચંદ મેઘાણી
[પાછળ]     [ટોચ]