[પાછળ]
ઘણ ઉઠાવ, મારી ભુજા!

ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા!
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા!

અનંત થર માનવી  હૃદય–ચિત્ત–કાર્યે  ચઢ્યા
જડત્વ યુગ જીર્ણના, તું ધધડાવી  દે ઘાવ ત્યાં
ધરા  ધણધણે ભલે,  થરથરે દિશા,  વ્યોમમાં
પ્રકંપ  પથરાય  છો, ઉર  ઉરે  ઊઠે  ભીતિનો

ભયાનક  ઉછાળ  છો, જગત જાવ ડૂલી ભલે
પછાડ ઘણ, ઓ ભુજા! ધમધમાવ સૃષ્ટિ બધી!
અહો  યુગયુગાદિનાં  પડ પરે  પડો જે ચઢ્યાં
લગાવ, ઘણ! ઘા, ત્રુટો  તડતડાટ  પાતાળ સૌ

ધરા  ઉર  દટાઇ  મૂર્છિત  પ્રચંડ  જ્વાલાવલી
બહિર્ગત  બની  રહો  વિલસી  રૌદ્ર ફુત્કારથી
તોડી    ફોડી   પુરાણું,   તાવી  તાવી   તૂટેલું

ટીપી ટીપી  બધું  તે  અવલ નવલ  ત્યાં  અર્પવા  ઘાટ  એને
ઝીંકી રહે ઘા, ભુજા, ઓ, લઇ ઘણ, જગને ઘા થકી ઘાટ દેને

-ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુન્દરમ્’
[પાછળ]     [ટોચ]