[પાછળ]
પાન લીલું જોયું ને
 
પાન  લીલું   જોયું   ને  તમે  યાદ આવ્યાં
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક  તરણું   કોળ્યું  ને   તમે યાદ આવ્યાં

ક્યાંક  પંખી  ટહુક્યું  ને  તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં  ઉઘાડ થયો રામ
એક   તારો  ટમક્યો  ને  તમે યાદ આવ્યાં

જરા ગાગર  છલકી   ને  તમે યાદ આવ્યાં
જાણે  કાંઠા તોડે  છે  કોઈ  મહેરામણ રામ
સહેજ ચાંદની  ઝલકી  ને તમે યાદ આવ્યાં

કોઈ  ઠાલું   મલક્યું   ને  તમે યાદ આવ્યાં
જાણે  કાનુડાના  મુખમાં  બ્રહ્માંડ  દીઠું રામ
કોઈ  આંખે  વળગ્યું  ને   તમે યાદ આવ્યાં

કોઈ  આંગણ અટક્યું ને   તમે યાદ આવ્યાં
જાણે પગરવની  દુનિયામાં  શોર થયો  રામ
એક  પગલું  ઊપડ્યું   ને  તમે યાદ આવ્યાં
-હરીન્દ્ર દવે 

નોંધઃ આ કવિતા ગીતગુંજન વિભાગમાં
ક્રમાંક ૫૯ પર એક ગીત તરીકે સ્વર સાથે પણ અપાઈ છે. 
[પાછળ]     [ટોચ]