[પાછળ]
નાનકડી નારનો મેળો
 
હાલો પરોઢિયે ખોલ્યાં છે પોપચાં તેજનાં ટશિયા ફૂટે રે લોલ
ઘમ્મર વલોણે ગાજે ગોરસિયાં ખીલેથી વાછડાં છૂટે રે લોલ
હાલોને  સહિયર પાણીડાં જઈએ વીરડે વાતું કરશું  રે લોલ

આખાબોલું  તે અલ્લડ જોબનિયું  હૈયે ફાગણિયો ફોરે રે લોલ
ઘૂમટો તાણીને હાલો ઉતાવળાં ઘરડાં બેઠા છે ગામચોરે રે લોલ
હાલોને  સહિયર પાણીડાં જઈએ વીરડે વાતું કરશું  રે લોલ

નેણના નેવાંને ઊટકે આંજણિયાં હથેળી હેલને માંજે  રે લોલ
ચકચકતી ચૂની ને ચકચકતું બેડલું એકબીજાને ગાંજે રે લોલ
હાલોને  સહિયર પાણીડાં જઈએ વીરડે વાતું કરશું  રે લોલ

સાસુએ માગ્યાં ઊના પાણી ને સસરે દાતણ માગ્યું રે લોલ
કાચી નીંદરને કાંઠેથી  સપનું  મુઠ્ઠી વાળીને ભાગ્યું  રે લોલ
હાલોને  સહિયર પાણીડાં જઈએ વીરડે વાતું કરશું  રે લોલ

હાલો પરોઢિયે ખોલ્યાં છે પોપચાં તેજનાં ટશિયા ફૂટે રે લોલ
મેળો જામ્યો છે અહીં નાનકડી નારનો આપણી વાતું નો ખૂટે રે લોલ
હાલોને  સહિયર પાણીડાં જઈએ વીરડે વાતું કરશું  રે લોલ
-વેણીભાઈ પુરોહિત
[પાછળ]     [ટોચ]