[પાછળ]
આજનું શિક્ષણ

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે
પતંગિયાઓને પણ કહી દો સાથે દફ્તર લાવે

મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું
સ્વીમિંગ પૂલના સઘળા નિયમોનું પાલન કરવાનું

દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું
લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું

આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે

અમથુ કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું
ડોનેશનમાં આખ્ખે આખ્ખું  ચોમાસું  લેવાનું

એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો
‘આઉટડેટ’ થયેલો વડલો મારી કાઢે છે ભૂલો
-કૃષ્ણ દવે 

આજની આપણી શહેરી સંસ્કૃતિમાં ચાલતા વ્યાપારી ધોરણના શિક્ષણ પર નિર્દોષ કટાક્ષનું આ કાવ્ય જો કોઈ બાળકના જ સ્વરમાં સાંભળવા મળે તો તેનું મૂલ્ય અનેકગણું વધુ થઈ જાય. સુરતના શ્રી હરીશભાઈ ઉમરાવે તૈયાર કરેલું આવું એક સુંદર રેકોર્ડિંગ અમેરિકાના જયશ્રીબહેન ભક્તાએ મેળવી પોતાના બ્લોગ ટહુકો ડોટ કોમ ઉપર મૂક્યું છે જે અત્રે પુનઃ રજૂ કરાયું છે. ક્લીક કરો અને સાંભળો કૃષ્ણ દવેનું એવું સુંદર ગુજરાતી કાવ્ય જેની જોડ અંગ્રેજીમાં તો શું જગતની કોઈ અન્ય કોઈ ભાષામાં નહિ મળે.


[પાછળ]     [ટોચ]