[પાછળ]
જતાં પહેલાં

જતાં પહેલાં મળી લેવું છે ફરી સૌને એક વાર
એક વાર ફરી મળી લેવું છે જૈ સામેથી ધરાર

એક વાર કડકડતી ઠંડી રાત મહીં અંધારી
ધડધડ મેં કીધ બંધ બારણું ધડાક વાસી બારી

અંદર લઈ લેવાં છે સૌને રહી ગયાં છે બ્હાર
જતાં પહેલાં મળી લેવું છે ફરી સૌને એક વાર

તે તે ઘર સામેથી જઈને બોલવું છે બોલાવી
ખોલી મૂકવું છે હૈયું મુજ એમનું યે ખોલાવી

ક્ષમા કૈંકની માગવી ને માગવો છે આભાર
જતાં પહેલાં મળી લેવું છે ફરી સૌને એક વાર

વણચાહ્યાંને એક વાર ફરી ગણીગણી લેવાં છે ચાહી
સાથ રહ્યાંને હાથથી ખેંચી લેવા બાથની માંહી

ઓછા પ્રેમનો હું અપરાધી, હાય રે કેવું આળ
જતાં પહેલાં મળી લેવું છે ફરી સૌને એક વાર

વિદાયપળ ઢૂંકડી તો બમણો ડૂમો કિય અબોલ
વિદાય સૌને હે પાસેના ભૂગોળ, દૂર ખગોળ

વેગળું જતું  તે થતું  વધુ વ્હાલું, હે યાર
જતાં પહેલાં મળી લેવું છે ફરી સૌને એક વાર
-‘ઉશનસ્' 
[પાછળ]     [ટોચ]