[પાછળ]
ચંદન

 (શિખરિણી)
સભામાં શ્રીમંતો, અમીર, ઉમરાવો, અનુચરો
અને આવે બીજા, બહુ નગરના યોગ્ય પુરૂષો
મને પ્રીતિ નિત્યે, સહુ જન પરે પૂર્ણ પ્રકટે
પિતા પેઠે મારું, હૃદય થઈને વત્સલ રહે

પરંતુ જે પેલો, વણિક અહીં આવે સહુ વિષે
અરે એને જોતાં, અધિક ઉરમાં ક્રોધ ઉપજે
ન તે વૈરી મારો, અવિનય લગાર નવ કરે
બગાડે ના કાંઈ, સરોષ કદીએ વાક્ય ન વદે

તથાપિ શા માટે, હૃદય મુજ એને નિરખીને
વડા વૈરી જેવો, સમજી હણવા તત્પર બને
વિના વાંકે એવો, મુજ હૃદયને ક્રોધ ન ઘટે
ખરે જાણું છું એ, પણ હૃદય પાછું નવ હઠે

(શાર્દૂલવિક્રીડિત)
ભૂપાળે દિન  એક મંત્રિવરને એકાંત દેખી કહી
ઊંડી અંતર કેરી વાત ઉરને જે સર્વદા બાળતી
એનું કારણ શોધવા સચિવને તે સાથે આજ્ઞા કરી
મુંઝાણો મન મંત્રી ઉત્તર કશો આપી શક્યો ત્યાં નહિ

(દ્રુતવિલમ્બિત)
દિન પર દિન કૈંક વહી ગયા
સચિવ તર્ક વિતર્ક કરે સદા
વણિક સંગ પિછાણ પછી કરી
દિન જતાં વધતી, વધતી ગઈ

(અનુષ્ટુભ્)
મોટાની પામવા મૈત્રી ઈચ્છે કો નહિ અંતરે
વિના યત્ને મળે મંત્રી, ન કોને હૃદયે ગમે
એકદા મંત્રી ચાહીને વૈશ્યને ભવને ગયો
વાર્તા વાણિજ્યની એની સંગાથે કરતો હતો

(શાર્દૂલવિક્રીડિત)
દીઠો ત્યાં ઢગ એક ચંદન તણો, તે જોઈ આશ્ચર્યથી
પૂછ્યું તે ઘડી મંત્રીએ વણિકને આ શું પડ્યું છે અહીં
એ છે ભૂલ સચિવજી મુજતણી, ના તે સુધારી શકું
ઊંડો અંતરમાંથી એમ વણિકે નિશ્વાસ નાંખી કહ્યું

(વસંતતિલકા)
પૂર્વે ગયો હું મલબાર તણા પ્રવાસે
લાવ્યો હતો વિમળ ચંદન વા'ણ માંહે
આ ક્ષુદ્ર ગામ મહીં એ નહિ કામ આવે
વીત્યાં બહુ વરસ ગ્રાહક કો ન થાયે

રોકાઈ પૂર્ણ ધન ચંદનમાં રહ્યું છે
ચિંતાથી ખિન્ન ઉર એ દિનથી થયું છે
આનો ન કોઈ ઉપયોગ અહીં કરે છે
ને વ્યાજ તો શિર પરે મુજને ચડે છે

(અનુષ્ટુભ્)
પામે  કો ભૂપ  મૃત્યુ  તો  ચિતા ચંદનની બને
તે વિના કોઈ રીતે  આ માલ મોંઘો નહિ ખપે
કહે છે એમ  સૌ લોકો, ઈચ્છું  હું ઉરમાં નહિ
આપશું ઐક્ય પામ્યાથી હા મારાથી બોલાઈ ગયું કંઈ

ક્ષમા એ  દોષની માંગુ, વાત આ દાટજો અહીં
ધ્રુજતો  વૈશ્ય  ભીતિથી,  કાલાવાલા  કરે  કંઈ
વાણીના દોષને  વા'લા, ન  આણે  કોઈ  અંતરે
દીલાસો  એમ  આપીને, ગયો  મંત્રી પછી  ઘરે

(વસંતતિલકા)
કોપે ચડ્યો તરણિ માધવમાસ માંહે
અગ્નિભર્યાં કિરણો ઉગ્ર અનેક ફેંકે
પૃથ્વી અને પવન પૂર્ણ તપી ગયાં છે
સ્પર્ધા કરે શું સહુને  સળગાવવાને

પ્રાસાદમાં નૃપતિ  આપ્તસમૂહ સંગે
બેઠો હતો કરી વિલેપન શીત અંગે
પાસે હતો સકળ ગણ  સહાયકારી
બેઠો પ્રધાન કંઈ વાત રહ્યો વિચારી

(દ્રુતવિલમ્બિત)
ઉશીરના પડદા લટકી રહ્યાં
અનુચરો જળ તે પર છાંટતા
કુસુમ, ચંદન ને વ્યંજનાદિકે
નૃપતિ સેવન શૈત્ય તણું કરે

(વસંતતિલકા)
દેખી પ્રસંગ થઈ સ્વસ્થ પ્રધાન બોલ્યો
શૈત્યાર્થ ચંદન સમો  ન ઉપાય બીજો
જો  બંગલો  સકળ  ચંદનનો કરાય
ઉષ્મા ન ગ્રીષ્મ તણી તો જરીએ જણાય

હા, યોગ્ય એ જરૂર ઉષ્ણદિને ઉપાય
મંગાવી ચંદન કરો જ્યમ શીઘ્ર થાય
આજ્ઞા સ્વીકારી સચિવે ઝટ કાર્ય કીધું
દૈ મૂલ્ય વૈશ્ય તણું ચંદન સર્વ લીધું

(અનુષ્ટુભ્) 
બનાવી બંગલો આપ્યો ભૂપ ભાળી ખુશી થયો
બેઉના સ્વાન્તને શાંતિ આપી એ સચિવે અહો

(શાર્દૂલવિક્રીડિત)
વેચી ચંદન ભૂપને વણિક એ આપે ઘણી આશિષો
રાજાના ઉરમાં ય એ સમયથી ના ક્રોધ કાંઈ રહ્યો
જાણી એ પલટો કશો હૃદયનો રાજા શક્યો અંતરે
તોએ કારણ એહનું ઉર વિષે આવ્યું કશું ના અરે

(શિખરિણી)
શક્યો જાણી સાચું સચિવ હૃદયે કારણ બધું
અને સંતોષે એ હૃદય સહજે એમ ઉચ્ચર્યું
શકે છે સર્વેનાં હૃદય અવલોકી હૃદયને
વિના પ્રીતિ ક્યાંથી ઈતર ઉરમાં પ્રેમ પ્રકટે

પ્રજા પાળે છે નૃપતિ નિજ સંતાન સમજી
અને એની દૃષ્ટિ સહુ ઉપર સ્નેહામૃત ભરી
પરંતુ જે પાપી અહિત કંઈ એનું ઉર ચહે
પછી પ્રીતિ ક્યાંથી નૃપહૃદયમાં એ પર રહે

અરીસો છે દૈવી હૃદયરૂપ જોવા જગતને
છબી એમાં સાચી સકળ ઉરની સત્વર પડે
ન ચાલે વાણી કે અભિનય તણું કૈતવ કંઈ
ઠગાશે આ દૃષ્ટિ પણ ઉર ઠગાશે નહિ કદી

-દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર 
[પાછળ]     [ટોચ]