શું રે જવાબ દઈશ માધા
દ્વારકામાં કોઈ તને પૂછશે કે
કાના ઓલી ગોકુળમાં કોણ હતી રાધા
તો શું રે જવાબ દઈશ માધા
તારું તે નામ તને યાદ નો'તું તે દિ'થી
રાધાનું નામ હતું હોઠે
ઠકરાણાં-પટરાણાં કેટલાય હતા તો યે
રાધા રમતી'તી સાત કોઠે
રાધાવિણ વાંસળીના વેણ નહીં વાગે
શીદને સોગંદ એવા ખાધા
તો શું રે જવાબ દઈશ માધા
રાધાના પગલામાં વાવ્યું વનરાવન
ફાગણ બની એમાં મહેક્યો
રાધાના એકેકા શ્વાસ તણે ટોડલે
અષાઢી મોર બની ગહેક્યો
આજ આઘેરાં થઈ ગ્યાં કાં રાધા ને વાંસળી
એવા તે શું પડ્યા વાંધા
તો શું રે જવાબ દઈશ માધા
ઘડીકમાં ગોકુળ ને ઘડીક વનરાવન
ઘડીકમાં મથુરાના મહેલ
ઘડીકમાં રાધા ને ઘડીકમાં ગોપીઓ
ઘડીક કુબ્જા સંગ ગેલ
હેત પ્રીત ન્હોય રાજ ખટપટના ખેલ કાન
સ્નેહમાં તે હોય આવા સાંધા
તો શું રે જવાબ દઈશ માધા
કૃષ્ણનો જવાબ
ગોકુળ વનરાવન ને મથુરા ને દ્વારકા
એ તો પંડ્યે છે પહેરવાના વાઘા
રાજીપો હોય તો અંગ પર ઓઢીયે
નહીં તો રખાય એને આઘા
આ સઘળો સંસાર મારા સોળે શણગાર
પણ અંતરનો આતમ એક રાધા
હવે પૂછશો મા કોણ હતી રાધા
-ઈસુભાઈ આયદાન ગઢવી
|