હું તો પૂછું કે…
હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગરંગવાળી
આ ટીલડી કોણે જડી?
વળી પૂછું કે મીંદડીની માંજરી-શી આંખમાં
ચકમકતી કીકીઓ કોણે મઢી?
હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પોં'ચે
ત્યાં કૂંપળો કોણે કરી?
વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી
મીઠી ધાર કોણે ભરી?
હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરી ને ડોસીની
ઝૂંપડી કોણે મઢી?
વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી
ભમરડી કોણે કરી?
હું તો પૂછું કે પોપચે મઢેલી આ દશ દિશ દેખંતી
આંખ મારી કોણે કરી?
વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ
આભલાની ચૂંદડી કોણે કરી?
-સુન્દરમ્
|