[પાછળ]
;અમારો યજ્ઞ

નિસર્ગે  પ્રેમ  છે  જેને, હૃદય  રસરૂપ છે  જેને
અમારા યજ્ઞમાં  વરવા તણો અધિકાર છે  એને

અમારા  સત્રની  શાળા  રહી બ્રહ્માંડમાં વ્યાપી
અને  આકાશથી ઊંચી  અણુથી તોય  તે નાની

ન સીમા દુર્ગ કોઈ એને બધા રસ્તા સદા ખુલ્લા
પરંતુ ના જશો પેસી  વિના અધિકાર  કો એમાં

પ્રબળ  પ્રેમાગ્નિના  તેજે  તમારી આંખ અંજાશે
પડી ભૂલા  જશો રખડી  મનુષ્યો મૂર્ખ સૌ કે'શે

બતાવી ના અમે શકશું  પછી  જો પૂછશો રસ્તો
અમે અહીંથી નીકળવાનો  નથી રસ્તો કદી દીઠો

પ્રણય  સંગે  લઈ  જન્મે, વધે  જે   પ્રેમને  સંગે
પ્રણયસંતુષ્ટ  જે   ખેલે   પ્રણયસંગે   સદા  રંગે

અમારા એજ  અધ્વર્યુ  અને અધિકારીઓ સાચા
પ્રણયમખના ખરા ભાગી સફળ આ સત્ર કરનારા

કમળથી કોમળાં હૃદયો કઠિન વળી વજ્રથી ભારી
અમારા ઋત્વિજો કેરી અગર  એ  અન્ય એંધાણી

હૃદય પિગળી પડે પળમાં સહજ સત્પ્રેમના સ્પર્શે
પ્રણયમાં  મસ્ત  એ  થાતાં  શિરે પદ મૃત્યુને મૂકે

ન એને શત્રુ કો પ્રાણી,  વિષમ-સમ ભાવ ના એને
સુધા એ  નેત્રથી  વરસે  સુધાનો  સિંધુ  એ હૃદયે

લખેલા  પ્રેમના  મંત્રો  દીસે  રસરૂપ   એ  હૃદયે
શકે  પ્રેમી  સહજ  વાંચી, નહિ  ઉચ્ચારમાં  આવે

રહે  છે  રાત  દિન  ખુલ્લાં  હૃદય એ વિશ્વને માટે
વિના અધિકાર કો દેખે વિના અધિકાર કો વાંચે?

વિપુલ અમ  યજ્ઞવેદિમાં  પ્રણયવહ્નિ  સ્વતઃ  પ્રકટે
સમર્પે   શૈત્ય  સામીપ્યે   રહે   જે  દૂર  તે  દાઝે

હૃદયની આહુતિ   દેતા   ઉમંગે   ઋત્વિજો  દૈવી
હૃદયપ્યાલે  સુરસ  ઝીલે  નીચોવી  પ્રેમની  વલ્લિ

ભરી ભૂદેવ  એ  પ્યાલા  પરસ્પર  પાય  ને  પીતા
બની ચકચૂર મસ્તાના  જગત્-જંજાળ  એ  જીત્યા

અહો રસ સોમના ભોગી જનો! આવો અહીં આવો
તમારે  કાજ  યજ્ઞાંતે  સુરસ  એ  સ્વર્ગથી  આવ્યો

તમે  એ  પાનથી  રાચી  શકો  છો  ભેદને  ભાગી
તમે એના, તમારો એ,  ઊભય અન્યોન્ય અધિકારી

અરે સંસારીઓ!  પીવા તમે  રસ  એ નહિ ચા'શો
પચાવી ના કદી શકશો સહજ અડતાં વિકળ થાશો

તમે તો  સ્વાર્થના  ભોગી  ન  એની પાત્રતા પામ્યા
દયા  અમને  ઉરે  આવે,  ન  ચાલે  જીવ એ દેતાં

તમારા  બંધુઓ  લોભે  ઘણાં  હઠથી ગયા  પીવા
પરંતુ  સ્વાદ નવ આવ્યો  પચાવી ના શક્યા પીતાં

વિષય  ને  સ્વાર્થનાં લીંબુ  નીચોવ્યાં સ્વાદને માટે
પછી  પીતાં  થયા  ઘેલા, ઉડ્યા  બેહાલ  આકાશે

પડ્યા  કો  શૈલને  શૃંગે  ગયા  શિર એમનાં ફુટી
થયો  અસ્થિ  તણો  ચૂરો  મુવા  કષ્ટે  રડી  કુટી

પડ્યા કો  ક્ષારસિંધુમાં  મહામગરો  તણા  મુખમાં
નસેનસ ઝેર ચડવાથી  ઘણા પામ્યા મરણ દુઃખમાં

પ્રણયરસ  એકલો  પીતાં  ઉદરમાં ના રહી શકશે
અને  કૈં  મિશ્ર  કરવાથી મહા  વિષરૂપ એ બનશે

હૃદયની  આહુતિ  દેતાં   ડરે-શોચે   નહિ  ક્યારે
પ્રણયરસ એ જ  પી  જાણે પચાવી તે  શકે  એને

હૃદય  હોમી  અમરગણને  સદા  સંતોષનારા એ
સુધા  ને  સ્વર્ગને  જગમાં  ઉઠાવી  લાવનારા એ

મણિધરને  ચડી    માથે   નિરાંતે  નાચનારા એ
સકળ   સંસારસિંધુને  પલકમાં   પી  જનારા એ

શરો  કેરી  સજી  શય્યા  સુખે એમાં  સુનારા એ
નિહાળી   નેત્રથી   સે'જે   મદનને  મારનારા એ

પવનની પીઠ  પર બેસી કૂદી  જલધિ જનારા એ
હલાહલને ગ્રહી  હાથે  સુધા કરી  આપનારા એ

દીવાલો   દ્વૈતની   દૈવી   પ્રણયથી  પાડનારા એ
દિશાના દીપતા  દીવા,  ગગનમાં  ગાજનારા એ

રસાર્ણવમાં  વિના યત્ને  જગત્ ઝબકોળનારા એ
અને   એના  તરંગોથી   ખરેખર!  ખેલનારા એ

થઈ રસરૂપ  રસ માંહે મળી  પિગળી જનારા એ
અતટ  અદ્વૈતસિંધુના  બધા    બિંદુ   થનારા એ 

-દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર
 
[પાછળ]     [ટોચ]