[પાછળ]

તલવારનો વારસદાર
ભેટે ઝૂલે છે તલવાર વીરાજી કેરી ભેટે ઝૂલે રે ભીંતે ઝૂલે છે તલવાર બાપુજી કેરી ભીંતે ઝૂલે છે મારા બાપુને બહેન બે બે કુંવરિયા બે વચ્ચે પાડ્યા છે ભાગ હાં રે બેની બે વચ્ચે પાડ્યા છે ભાગ વીરાજી કેરી ભેટે ઝૂલે રે મોટે માગી છે મો'લ મ્હેલાતો વાડિયો નાને માગી છે તલવાર મોટો મહાલે છે મો'લ મેડીની સાયબી નાનો ખેલે છે શિકાર મોટો ચડિયો છે કંઈ હાથી અંબાડિયે નાનેરો ઘોડે અસવાર મોટો કઢે છે રોજ કાવા કસૂંબલા નાનેરો ઘૂમે ઘમસાણ મોટો પોઢે છે લાલ રંગીલે ઢોલિયે નાનો ડુંગરડાની ધાર મોટો મઢાવે વેઢ વીંટી ને હારલાં નાનો સજાવે તલવાર મોટાને સોહે હીર-જરિયાની આંગડી નાનાને ગેંડાની ઢાલ મોટો સંતાય સુણી શત્રુના રીડિયા નાનેરો દ્યે છે પડકાર મોટો ભાગ્યો છે સેન શત્રુનાં ભાળતાં નાનેરો ઝીંકે છે ઘાવ મોટો જીવ્યો છે પાય શત્રુના પૂજતો નાનેરો સૂતો સંગ્રામ મોટે રે માડી તારી કુખો લજાવી નાને ઉજાળ્યા અવતાર મોટાના મોત ચાર ડાઘુએ જાણિયાં નાનાની ખાંભી પૂજાય ભેટે ઝૂલે છે તલવાર વીરાજી કેરી ભેટે ઝૂલે રે ભીંતે ઝૂલે છે તલવાર બાપુજી કેરી ભીંતે ઝૂલે છે
-ઝવેરચંદ મેઘાણી ક્લીક કરો અને સાંભળો આ કવિતા ઝવેરચંદ મેઘાણીએ જ્યારે જાતે ગાઈ ત્યારે તે વખતે તેનું થયેલું તેનું ઐતિહાસિક રેકોર્ડિંગ (Audio Source: www.jhaverchandmeghani.com)

[પાછળ]     [ટોચ]