[પાછળ]

સ્નેહધામ સૂનાં સૂનાં રે

સૂનાં મંદિર સૂનાં માળિયાં ને મારા સૂના હૈયાના મહેલ રે સ્નેહધામ સૂનાં સૂનાં રે આઘી આશાઓ મારા ઉરની ને કંઈ આઘા આઘા અલબેલ રે સ્નેહધામ સૂનાં સૂનાં રે સૂનાં સૂનાં તે મારા ઓરડા ને એક સૂની અંધાર રાત રે સ્નેહધામ સૂનાં સૂનાં રે પાનાં પ્રારબ્ધના ફેરવું મહી આવે વિયોગની વાત રે સ્નેહધામ સૂનાં સૂનાં રે સૂની વસન્ત સૂની વાડીઓ મારા સૂનાં સવાર ને બપોર રે સ્નેહધામ સૂનાં સૂનાં રે સહિયરને સંગ હું બહાવરી મારો ક્યાં છે કળાયેલ મોર રે સ્નેહધામ સૂનાં સૂનાં રે સૂનું સૂનું આભ આંગણું ને વળી સૂની સંસારિયાંની વાટ રે સ્નેહધામ સૂનાં સૂનાં રે માથે લીધાં જળબેડલાં રે હું તો ભૂલી પડી રસઘાટ રે સ્નેહધામ સૂનાં સૂનાં રે સૂની સૂની મારી આંખડી ને પેલો સૂનો આત્માનો આભ રે સ્નેહધામ સૂનાં સૂનાં રે પ્રીતમ પ્રેમ કેમ વીસર્યા એવો દીઠો અપ્રીતમાં શો લાભ રે સ્નેહધામ સૂનાં સૂનાં રે સૂનાં સૂનાં ફૂલે ફૂલડાં મારા સૂનાં સિંહાસન કાન્ત રે સ્નેહધામ સૂનાં સૂનાં રે આંબાની ડાળી મહોરે નમી મહી કોયલ કરે કલ્પાંત રે સ્નેહધામ સૂનાં સૂનાં રે સૂનો સૂનો મારો માંડવો ને ચારુ સૂના આ ચન્દની ચોક રે સ્નેહધામ સૂનાં સૂનાં રે રસિયાને રંગમહેલ એકલી મારે નિર્જન ચૌદેય લોક રે સ્નેહધામ સૂનાં સૂનાં રે સૂનો હિન્ડોલો મારા સ્નેહનો ને કાંઈ સૂનો આ દેહનો હિન્ડોલ રે સ્નેહધામ સૂનાં સૂનાં રે વહાલાની વાગે દૂર વાંસળી નાથ આવો બોલો એક બોલ રે સ્નેહધામ સૂનાં સૂનાં રે -મહાકવિ નાનાલાલ

[પાછળ]     [ટોચ]