[પાછળ]

ક્યાં છે કોયલ? ક્યાં છે કોયલ? ક્યાં છે મેના? ક્યાં છે પોપટ? ક્યાં છે મોર? પગલે પગલે ધરતી ભરતી પનિહારીનો ક્યાં છે તોર? ક્યાં છે? પ્રભાતિયાં ને ઘમ્મરવલોણાં? ઘંટારવ ને આરતીટાણાં? ગાયોના મીઠા ભાંભરડા? ગોવાળોના એ ડચકારા? પાવા કેરા રંગ-ફુવારા? શું અહીં જ એ સ્વચ્છ હવાના હોજ ઉછળતા? કલરવ કેરાં ઝરણાં વહેતા? પારસ પીપળા તડકે નહાતા? તુલસીક્યારે ફળિયાં હસતાં? ઘંટી કેરાં ગીત ગયાં ક્યાં? ગોરી કેરાં ઝાંઝરિયાં ક્યાં? વાછરડાની ઘંટડીઓ ક્યાં? આંચળતાજી તાંસળીઓ ક્યાં? અહીંયા સઘળું તાજું? અહીંયા ચોખ્ખું કાંસુ? અહીંયા કોઈ ન જોતું ત્રાંસુ? અહીંયા બંધ હોઠથી વાગે વાજુ? અહીંયા સૌ સંતોષી? અહીંયા ડાહ્યાં ડોસા-ડોસી? અહીંયા સૌના હળવા મન? અહીંયા ચારેકોર ચમન? ક્યાં છે કોયલ? ક્યાં છે મેના? ક્યાં છે પોપટ? ક્યાં છે મોર? પગલે પગલે ધરતી ભરતી પનિહારીનો ક્યાં છે તોર? -વાડીલાલ ડગલી

[પાછળ]     [ટોચ]