[પાછળ]
મનની મોટી વાત રે

મનની મોટી વાત રે બાઈ મનની મોટી વાત તન અને ધન બેયથી એની છેક અનોખી નાત એની સાવ અનોખી ભાત રે બાઈ મનની મોટી વાત વિજન વ્હાલું, કદીક એને વસતિ ખાવા ધાય રે બાઈ વસતિ ખાવા ધાય ચાંદની દહે, કદી અંગારા એને અમરત થાય બાઈ એને અમરત થાય મનની મોટી વાત રે બાઈ મનની મોટી વાત રેશમી દુકૂલ શૂલ બને ને વજ્જર કોમલ ફૂલ રે બાઈ વજ્જર કોમલ ફૂલ ધૂળનાં કનક રજથી એની નજરે અધિક મૂલ રે એની નજરે અધિક મૂલ મનની મોટી વાત રે બાઈ મનની મોટી વાત વેળુમાં એના વહાણ તરે ને ધૂમકમાણી લાખ રે બાઈ ધૂમ કમાણી લાખ આંબલા વિના વાડીએ એની ઝૂલે આંબાશાખ રે બાઈ ઝૂલે આંબા શાખ મનની મોટી વાત રે બાઈ મનની મોટી વાત ગરુડવેગે ઊડતું ને કદી ચાલે કીડી વેગે માંડ રે બાઈ કીડી વેગે માંડ અણુ ય જેને મોટો પડે એને નાનું પડે બ્રહ્માંડ રે બાઈ નાનું પડે બ્રહ્માંડ મનની મોટી વાત રે બાઈ મનની મોટી વાત -દેવજી રા. મોઢા

[પાછળ]     [ટોચ]