હરિને ભજે તે રમતાં ભજે
હરિને ભજે તે રમતાં ભજે એ કંઈ કરે ના આયાસ
નડે જો સંસારના બંધ તો એની વધે ઉલટ પ્યાસ
હરિને ભજે તે રમતાં ભજે
શૂરવીરતા સિંહ ના કેળવે એ તો જનમ સ્વભાવ
અનાયાસે તજે સઘળું છે જેને હરિ ભજવાનો ભાવ
હરિને ભજે તે રમતાં ભજે
ગતિ છે જળની સાગરપેર એ છાંડે તરુછાયાના વન
રાત અંધારે વગડે જઈ ચડે જેનું હોય માધવમાં મન
હરિને ભજે તે રમતાં ભજે
તજ્યાના હુંપદવાળા ના તજે એ તો બને આપોઆપ
અજવાળાના એવા સંગીને ક્યમ દે અંધારા થાપ
હરિને ભજે તે રમતાં ભજે
એના એ તંબૂરના તારની ખૂંટી અનંતે ખેંચાય
બેઠેલો સંસારના ચોકમાં પદ એ મુકુન્દના ગાય
હરિને ભજે તે રમતાં ભજે
-મુકુન્દરાય વિ. પારાશર્ય
|