[પાછળ]
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી

દિવાળીના દિન આવતા જાણી
ભાદરમાં  ધૂવે  લૂગડાં  ભાણી

માથે  હતું  કાળી રાતનું  ધાબુ
માગીતાગી  કર્યો  એકઠો સાબુ
કોડી વિનાની  હું  કેટલે  આંબુ
રૂદિયામાં  એમ   રડતી  છાની
ભાદરમાં  ધૂવે  લૂગડાં   ભાણી

લૂગડાંમાં  એક  સાડલો   જૂનો
ઘાઘરો   મેલો   દાટ    કે'દુનો
કમખાએ   કર્યો   કેવડો   ગુનો
તંઈણ    ત્રોફાયેલ    ચીંથરાંને
કેમ        ઝીંકવા       તાણી
ભાદરમાં  ધૂવે  લૂગડાં   ભાણી

ઘાઘરો  પહેરે  ને ઓઢણું   ધૂવે
ઓઢણું  પહેરે  ને  ઘાઘરો  ધૂવે
બીતી બીતી  ચારે કોર્યમાં જૂએ
એના     ઉઘાડા     અંગમાંથી
એનો        આતમો       ચૂવે

લાખ      ટકાની      આબરુંને
એણે        સોડમાં       તાણી
ભાદરમાં  ધૂવે  લૂગડાં   ભાણી

ઊભા   ઊભા   કરે  ઝાડવા  વાતું
ચીભડાં  વેંચીને   પેટડાં     ભરતી
ક્યાંથી  મળે   એને   ચીંથરું  ચોથું
વસ્તર વિનાની અસ્તરી જાતને હાટું
આ પડી જતી  નથી  કેમ મોલાતું?
શિયાળવાની     વછૂટતી     વાણી
ભાદરમાં    ધૂવે   લૂગડાં    ભાણી

અંગે  અંગે  આવ્યું  ટાઢનું  તેડું
કેમ  થાવું   એને  ઝૂંપડી  ભેળું
વાયુની   પાંખ   ઉડાડતી  વેળુ
ઠેસ  ઠેબા   ગડથોલીયા  ખાતી
કૂબે  પટકાણી  રાંકની    રાણી
ભાદરમાં  ધૂવે  લૂગડાં   ભાણી
-ઈન્દુલાલ ગાંધી
 
[પાછળ]     [ટોચ]