[પાછળ]
ભૂંડી ભૂખ રૂડકી રે…

ગરીબવાડની રૂડકી  એનાં  લટિયે લટિયે  લીંખ
અંગે અંગે  ઓઘરાળા એનાં લૂગડાં  પીંખાપીંખ
ભૂંડી ભૂખ રૂડકી રે...

એક કાખે એક છોકરું  બીજું હાથે ટીંગાતું જાય
માથે મેલ્યાં ટોપલાં  ઉપર માખો  બણબણ થાય
ભૂંડી ભૂખ રૂડકી રે...

રૂડકીને ઘેર બોરની વાડી ને પરણ્યો જુવાન જોધ
પરણ્યો લાવ્યો  વહુ  બીજી  ને  રૂડકી  રૂવે ધોધ
ભૂંડી ભૂખ રૂડકી રે...

રૂડકી  વેંચે કાંસકી  સોયા  દામમાં રોટલા  છાસ
છાસનું  દોણું  કાંસકી સોયા એ જ એના ઘરવાસ
ભૂંડી ભૂખ રૂડકી રે...

કોઈનો ઓટલો ચોતરો ચૌટું  રાત પડે એનાં વાસ
દિન આખો તે  શેરિએ શેરી  ભમતી રોટલા આશ
ભૂંડી ભૂખ રૂડકી રે...

નાગરવાડમાં  નાત  મળી  ને  ગૌરી  ગીતો  ગાય
ધીંકડ  વાગે  ઢોલ  પિપૂડી  ગામ  આખું  લહેરાય
ભૂખી ડાંસ રૂડકી રે…

ધાવણી છોડીને તાવ ચડ્યો  ને નાનકી ભૂખી થાય
છોકરાં  લઈને   રૂડકી   બન્ને   નાગરવાડે   જાય
ભૂખી ડાંસ રૂડકી રે…

શેરીમાં બેસીને નાત જમે  ને  ચૂરમાં ઘી પીરસાય
શેરીને નાકે જાતજાતના લોકો માગવા ભેગાં થાય
ભૂખી ડાંસ રૂડકી રે…

નાત જમી ત્યાં  ઊઠે આખી પાન સોપારી વહેંચાય
માગણ  તૂટ્યાં  પતરાળાં  પર  એંઠું  ઉપાડી  ખાય
ભૂખી ડાંસ રૂડકી રે…

રૂડકી  દોડે  માગણિયા   ભેગી   લૂટમલૂટી  થાય
અર્ધી ખાધેલ પતરાળી  એક  હાથ આવી હરખાય 
ભૂખી ડાંસ રૂડકી રે…

ચોર્યુંફેંદ્યું   ચૂરમું   શાક  ને   ધૂળ  ભરેલી   દાળ
રૂડકી  કોળિયો છોકરાંને  દે ને  ઉપરથી  દે ગાળ
ભૂખી ડાંસ રૂડકી રે…

નાતના  ચાકર  લાકડી લૈને મારવા  સૌને  ધાય
એ ધમાલમાં  રૂડકીના  થાળ  કૂતરાં  તાણી જાય
ભૂખી ડાંસ રૂડકી રે…

પાનબીડાં લઈ નાત ઊઠે  ને  રૂડકી  ખંખેરે  હાથ
દુનિયા  કેરી  દોરંગી  લીલા  દેખે  દીનનો  નાથ
ભૂખી ડાંસ રૂડકી રે… 
-સુન્દરમ્

(નોંધઃ ઉપરની કવિતામાં લાલ અક્ષરમાં દેખાતા શબ્દ
કવિએ લખેલા મૂળ કાવ્યના શબ્દ કરતાં જુદા છે.)
ક્લીક કરો અને વાંચો મહાકવિ નિરાલા કૃત
આવી જ એક અમર હિન્દી રચના : ‘ભિક્ષુક’

[પાછળ]     [ટોચ]