રડો ન મુજ મૃત્યુને!
(છંદઃ પૃથ્વી)
“રડો ન મુજ મૃત્યુને! હરખ માય આ છાતીમાં
ન રે! ક્યમ તમેય તો હરખતાં ન હૈયા મહીં?
વીંધાયું ઉર તેથી કેવળ શું રક્તધારા છૂટી
અને નહિ શું પ્રેમધાર ઊછળી અરે કે રડો?
હતું શું બલિદાન આ મુજ પવિત્ર પૂરું ન કે?
અધૂરપ દીઠી શું કૈં મુજ અક્ષમ્ય તેથી રડો?
તમે શું હરખાત જો ભય ધરી ભજી ભીરુતા
અવાક અસહાય હું હૃદયમાં રૂંધી સત્યને
શ્વસ્યાં કરત ભૂતલે? મરણથી છૂટ્યો સત્યને
ગળે વિષમ જે હતો કંઈક કાળ ડૂમો! થયું
સુણો પ્રગટ સત્ય: વૈર પ્રતિ પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ
હસે ઈસુ, હસે જુઓ સુક્રતુ, સૌમ્ય સંતો હસે”
"અમે ન રડીએ, પિતા, મરણ આપનું પાવન
કલંકમય દૈન્યનું નિજ રડી રહ્યાં જીવન"
-ઉમાશંકર જોશી |