રેતી
કલાપૂર્વક ઉખેડી રંગ ખરતી હોય છે રેતી
દીવાલો પર ગરીબીને ચિતરતી હોય છે રેતી
સમયની જેમ એને પણ તમે પકડી નથી શકતા
કરો જો બંધ મુઠ્ઠી તો યે સરતી હોય છે રેતી
ચરણને પડવા દે છે છાપને પાડવા નથી દેતી
બહુ નિર્લેપ થઈ સત્કાર કરતી હોય છે રેતી
નદી પોતે નથી કિન્તુ નદી જેવું હૃદય તો છે
બનાવો વીરડી તો નીર ધરતી હોય છે રેતી
પૂરે છે ઓટને વખતે એ સઘળી ખોટ સાગરની
કે ખૂદની જાતથી કાંઠાને ભરતી હોય છે રેતી
ફક્ત એથી જ એના પર ચણેલું ઘર નથી ટકતું
કિનારા પરના તોફાનોથી ડરતી હોય છે રેતી
સમંદર સાથનો સંબંધ એ ભૂલી નથી શકતી
મળે છે રણ તો મૃગજળથી ઊભરતી હોય છે રેતી
સદા એને ય સહરામાં પડી રહેવું નથી ગમતું
કદી વંટોળની વાટે વિહરતી હોય છે રેતી
દિવસ ને રાત સૌ ‘બેફામ’ છે પળનાં પરિવર્તન
સમયના ફેરફારે માત્ર ફરતી હોય છે રેતી
-બરકત વિરાણી ‘બેફામ’ |