હાથ છે જડભરતઅરે, મારા આ હાથ છે જડભરત ને
ઉપર આંગળીઓ અભણ એક બે
હું જીવતા મનુષ્યો ગણું તો આ
આખ્ખા નગરમાં મળે માંડ જણ એક બે
ઉઝરડા ઉઝરડા અને લોહીલુહાણ
આખ્ખાય જીવતરનાં કારણ છે શું?
મેં ફૂટપાથ પર એક જોશીને પૂછ્યું
તો એણે કહ્યું કે : ‘સ્મરણ એક બે’
પરબ કઈ તરફ છે, પરબ કઈ તરફ છે?
તરસથી હવે લોહી ફાટી પડે
નજરમાંથી રણ સહેજે ખસતું નથી ને
આ હાથોમાં છે ફક્ત ક્ષણ એક બે
ભટકતાં ભટકતાં, બટકતાં બટકતાં
પહોંચ્યો હું મારા અનાગત સુધી
અપેક્ષાઓ રાખી હતી ધોધની ત્યાં
મળ્યાં માંડ સુક્કાં ઝરણ એક બે
‘છે અહીં લીલું જંગલ ને ઝરણાં ને પંખી
ને કલરવમાં પલળી ગયેલો રમેશ’
ભીંતે આમ પંક્તિ લખીને હજુયે હું
જોઉં (છબીમાં) હરણ એક બે
મેં રસ્તાઓ બદલ્યા, મકાનો બદલ્યાં
ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ
મરણની લગોલગ ગયો તે છતાંયે
ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એક બે
-રમેશ પારેખ
|